ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કીલકમ્કંડિકા
કીલકમ્ કંડિકા
યોગેશ વૈદ્ય
૧. ખીલી : ડબ્બામાં ભરેલી
કોઈએ ડબ્બામાં ભરીને
અમને ખખડાવી
ત્યારે જ તો થઈ અમને પહેલી પ્રતીતિ
અમારામાં ઉછરતા મંજુલ ધ્વનિની.
જાણે
કુંવારકાઓની બંગડીઓ રણકતી ન હોય!
અસંખ્ય શક્યતાઓમાં પડઘાતો ઉન્મેષ
સૂરજ થઈ ઉગતો સવારે
નવા નક્કોર અમારા દિવસો
અને સાવ કોરી ધાકોર અમારી કાયા.
સાચ્ચું કહું?
આ પોલાદ ના હોત
તો ક્યાંક અમે થઈ ગઈ હોત
કળીઓ નરગીસની!
૨. ખીલી ભીંતમાં ખોડાતી
મને બહુ જ બીક લાગે
હથોડીની.
એક એક પ્રહારે
માથાથી અણી સુધી વ્યાપતો
મરણતોલ સબાકો.
એવી તે અસહ્ય પીડા
કે બેવડ વળી જવાય!
(માણસજાતથી તો એની કલ્પના પણ ન થાય)
ભીંત, મારી બેન!
માફ કરજે મને
હકીકતમાં
માણસની ઉપયોગ-નીતિએ
કર્યો છે આ અનર્થ.
તારું માનવું છે કે
મારે અણી જ ના હોત
તો સારું થાત
પણ જરા તું એ વિચાર કે
મને અણી ના હોત
તો હું ખીલી,
ખીલી પણ શાની કહેવાત?
૩. ખીલી : ફર્નિચ૨માં ધરબાયેલ
ગણીને ત્રણ ફટકા પડેલાં
મારા માથે
અને આખીને આખી સમાઈ ગઈ’તી તારામાં
તારો જ એક ભાગ થઈને રહી
જોડીને રાખ્યા તારા સાંધાઓ
સાચવ્યો તારા ઘાટને
તારા પ્રત્યેક હલનચલનની તાણને ખમી
મારાં માંસમાં, મજ્જામાં
આજે વર્ષો વીતી ગયાં છે
ક્યારેય નથી કર્યો કચવાટ
કે નથી થવા દીધો કચુડાટ.
બસ એક વ્યવસ્થા
જેને સાચવી છે આપણે
બસ એક સમજૂતી છે આ
આપણી વચ્ચેની.
જોકે
મને એ વાતની પણ છે પાક્કી સમજ
કે તું કદીયે નહીં કરે
મારો સંપૂર્ણ સ્વીકાર.
૪. એક ખીલીનું નિર્વાણ
બેવડી વળીને પડી છું
વાડાના ખૂણામાં
બાજુમાં ભીંતે ચડેલી જુઈ
સુકાયેલાં પાંદડાં ખેરવે મારા પર
થોડે દૂર પડ્યો છે કાટમાળ
તોર ઓસરી ગયો છે
આરપાર નીકળ્યાનો
અને ઊતરી ગયો છે થાક
ટટ્ટાર ખોડાઈને રહી તેનો.
જમ્બુરિયાએ ખેંચી
ત્યારે ચડી’તી કાળી તમ્મર
ઊતરી ગઈ છે તે તમ્મર પણ
મને ટાંગેલો ફોટો
ત૨ડાઈને તૂટી ગયો છે ક્યારનો
બસ, મને બાઝ્યાં છે ક્યાંક ક્યાંક ટપકાં
બોરસલ્લીની સુગંધના.
ટાઢ તડકે ઓગળી રહી છું ધીમે
ઘેરો થતો જાય છે મારા કાટનો સિંદુરી રંગ
ભીનું ભીનું ઓસ ઝમી રહ્યું છે
અને
ઝીણું ઝીણું ઘેન ચડી રહ્યું છે મને.