ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/માણસ હોવું
માણસ હોવું
હરીશ મંગલમ્
पुनाम् पुमांसं परिपातु विश्वत:।
પણ
અહીં તો મનુએ વાવેલાં
કાંટાળાં જંગલોની અડાબીડતામાં
‘અમે’ ફસાયાં છીએ તેનું શું?
વળી, એમાં ભૂંડોની ભૂતાવળ ને -
ચારેકોર ભ્રૂં... ભ્રૂં... ભ્રૂં....
બેસુમાર ઘોંઘાટનાં ટોળાં શોધ્યાંય હાથ ના લાધે સતનાં ફોરાં!
વિત્યા યુગો
વીતશે અણદીઠી ભોમ પર અણકથી વેદના
ખૈ ખપીને પડ્યાં છે પૂંઠે જો, સનાતની વૃદ્ધ-છોરાં!!
વળી પાછી
આગળ-પાછળ ડાબે-જમણે કર્મકાંડી ભીંતો
જીવવું હોય તો જીવો
તરવું હોય તો તરો
મરવું હોય તો મરો !
છે ફૂલી-ફાલી અહીંયાં વાણી-વર્તનની ભિન્નભિન્ન રીતો.
મારું તમારું શું ગજું છે, ભલા!
પહોંચી શકે ના જ્યાં, ખુદા – (જો હોય તો!)
એકમેક થવાની આહલેક પોકારુંં
પળ-બે-પળ, પછી તો જુદા ને જુદા!
જ્યારથી (અ)મને સમજણ ફૂટી
ત્યારથી એ લોકોની પ્રીત રૂઠી!
અંદર-બ્હાર
પાશવતાના પાશવી પ્ર..લં..બ પાશ પછી
પ્રસરી રહ્યો છે સતત આ ખાર,
સમયસરનું ખાતર તોયે બગડી આખી જાતર
(જાણી જોઈને) પૂછું એક સવાલઃ
ના બનો માણસ તો કંઈ નંઈ, દોસ્ત!
‘માણસ’ હોવાનું તો ધાર!