ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/રાવણહથ્થો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રાવણહથ્થો
રમણીક અગ્રાવત

પિયરને પાણીશેરડે ભુલાઈ ગયેલાં પગલાં,
રંગોળી પૂરતાં આડે હાથે મૂકાઈ ગયેલા ઓરતા
સંજવારી કાઢતાં કાઢતાં ક્યાં વાળી મૂકેલી સાંજો
ફળિયું લીંપતાં ગોરમટી માટીમાં આળબેલાં સપનાં
ડેલીમાં ડાબે હાથે કંકુથાપામાં પોતાને મૂકી ચાલી નીકળવું :

ગાઈ દેશે બધું રાવણહથ્થો

પતંગ ઊડાડતાં ક્યાંક અજાણી સીમમાં કરેલું ઉતરાણ
નિશાળના પાછળા વાડામાં શીમળા હેઠ ઊઝરતાં તોફાન
મોંપાટ ભેગાં ધરાર ગોખાઈ ગયેલાં નામ
સપનામાં ક્યારેક રણકી જતી મંદિરની ઘંટડીઓ
મોબનવડની વડવાઈએ દિવસો બાંધી આમ ચાલી નીકળવું :

ગાઈ દેશે બધું રાવણહથ્થો

વ્યવહારોના જંગી ચકરડે અમથી પીલાણે ચઢેલી ઇચ્છાઓ
રોજમેળના જમા-ઉધારની બહાર રહી જતા હિસાબો
ગળા સુધી મૂંઝવી અમથી ઓલવાઈ જતી વિટંબણાઓ
કોઈક સાંજને ખીલવી જતો વાસંતી હિલ્લોળ
આ આમ ને આ તેમ-ની છાતીમાં છીણી મારીને
કોળતાં ગીતઃ

ગાઈ દેશે બધું રાવણહથ્થો.