ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/૨ ઉડાન
ખારાઘોડા – ૨
ઉડાન
નિખિલ ખારોડ
ઊછળતાં ઝડપભેર
ઊમટી આવે તરંગો ક્યારેક
પણ પહોંચે ન પહોંચે ઉંબરા સુધી
ત્યાં ફસડાઈ પડે
ને અફળાતાં પાછાં ફરે પાણી
ફીણ ઢાંક્યાં ક્ષારનું લીંપણ પાથરતાં.
ઊંડેથી ધસારો થાય ત્યાં તો,
ને અમળાતી વળ ખાતી
ઉડાને ચડે
ખારા રણની રેતીમય દુનિયા.
કોઈની પાંપણે ખડકાય
તો બાઝે થર પર થર કોઈને માથે.
રેતી મઢી કોઈની ચામડી ચળકે.
ભૂખરી કથ્થાઈ હવા શ્વસતી
ખખડેલી છાતીઓના પોલાણોમાં
રેતકણો પડઘાય
ને ખેંચાતાં ઊંચકાતાં શરીર
ઉડાન થઈ વહી જાય.