ગુજરાતી ગઝલસંપદા/સગીર
સગીર
તું જોઈ નથી શકતો સહચર હું જેવી દુનિયા જોઉં છું;
કલ્પી જ શકે ના એવા એવા ખૂબ તમાશા જોઉં છું.
તારી ને મારી દૃષ્ટિમાં છે ફેર ઘણો મગરૂર ન થા,
તું જોઈ નથી શકતો પણ હું અદૃશ્ય સિતારા જોઉં છું.
આકાર બધા અણગમતા છે કેવળ છે રંગો પૂરેલા,
નોખી જ નજરથી આકર્ષક વસ્તુની શોભા જોઉં છું.
હું કેડીનો કરનારો છું લોકોના પથ પર શું ચાલું!
જે કાલ થવાના રસ્તા છે હું એના નકશા જોઉં છું.
જ્ઞાનીઓ પાસે જ્ઞાન નથી જે જ્ઞાન હું લેવા ચાહું છું,
ત્યાં જઈને બેસી જાઉં છું જ્યાં ચાર દીવાના જોઉં છું.
હું મારો વાદ કરી ઉત્પન્ન થઈ જાઉં છું મારો અનુયાયી,
દુનિયાના પ્રત્યેક વાદોમાં હું સો સો ઝઘડા જોઉં છું.
તું મારી હિંમત તોડ નહીં પથ-દ્રષ્ટા છે ક્ષણભરનાં ‘સગીર',
આકાશ નથી સંધ્યા કિંતુ આકાશમાં સંધ્યા જોઉં છું.