ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/સવ્ય-અપસવ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સવ્ય-અપસવ્ય

અનિલ વ્યાસ

પાછા પ્રહ્લાદ ગોર આવ્યા. જનોઈ દીધી એ વખતે દમ કાઢી નાખેલો. મામા એવો કડક માદરપાટ લાવેલા કે ગાંઠ વળે નહીં. ઘડી ઘડી કાછડી છૂટી જવાની બીક લાગે. લે, આણે તો ફરી માદરપાટ કાઢ્યો! લુંગીની જેમ વીંટીએ એ ચલવે નહીં. આંટી મારવી જ પડે. બ્રાહ્મણ એટલે છૂટકો નહીં. ગૉર ઊંચો, કાળો અને પડછંદ. કપાળ ઊપસેલું, નેણ જાડી જાડી. રાવણના પાત્રમાં એકદમ ફિટ બેસે. ભઈ ગુજરી ગયા છે ને આવા વિચારો આવે એ સારું નહીં. બધાં કેવાં ગંભીર મોઢું રાખીને ફરે છે? આપણેય…આ વળી આજે.

બાકી આટલા દિવસ ઘરમાં સહુ ફી… ફી… કરવામાંથી ક્યાં ઊંચાં આવતાં હતાં? બીનામામીથી તો આડો આંક. ભલભલાની નકલ ઉતારે, એટલે બધાં બૈરાં ખિખિયાટે ચડે.

જીભઈ’દા મૂછો ચાવતા આવે, ‘કેમ ઘાઘરા-પલટન ફાળે ચડી છે બહુ?’ પણ એમને કોણ ગણે? મને થઈ આવે આમ — પણ ભઈ વિના રાડો કોણ પાડે? એ તો ઘબડાટી બોલાવી દે. કોઈ ચૂં કે ચાં શેનું કરે? આઘાં-પાછાં થયાં કે આવી બન્યું સમજો. એમની એક પડતાં જ ચડ્ડી પલળી જાય. ભીની ચડ્ડી જોઈ લાય લાય થઈ જાય. સાલા મૂતરી પડે છે? ઊભો થા નમાલા ઊભો થા — કહેતાં ધસી આવે. પણ દસ મિનિટ પછી જુઓ તો? —

કોઈ મોટી બે’નના નાનકા પાસે ‘દાદા કેવી રીતે તમાકુ ચોળે?’ની નકલ કરાવતું હતું. બા, ’ચા મૂકી? બે’ન, ચા મૂકી?’ કરતાં આમતેમ થતાં હતાં. પ્રહ્લાદ ગોર બાજોઠ તપાસતા હતા — મને કહે — ભઈ, મારું દૂધ કે’જો. હું વળ્યો એટલે બોલ્યા. બીજો બાજોઠ લેતા આવજો.બાજોઠ આવ્યો. સરખો ગોઠવી પોટકું ખોલ્યું. ચીવટથી વીંટેલાં થાપન કાઢ્યાં. લાલ, પીળું, સફેદ, કાળું… થપ્પીબંધ થાપન રાખેલાં. આય ખરો છે. કેટલા રંગ રાખ્યા છે? એણે તો સફેદ થાપન એક બાજોઠ પર પાથરી ઉપર ચોખાની તપેલી ઊંધી વાળી. ચોખાની ઢગલી પર હથેળી થેપી વચોવચ ચારે આંગળીઓ ફેરવી. વળી વચલી બે આંગળીઓ પર અંગૂઠો દાબી ચોખાની ગબી પહોળી કરી. આંગળી હલાવતાં ઘડી વારમાં કમળ કરી દીધું. બીજા બાજોઠ પર લાલ થાપન અને ઘઉંનો ચોરસ બનાવી યંત્ર જેવું ઉપસાવ્યું. ત્યાં દૂધ આવ્યું.ઘૂંટડા ભરતાં નાગરવેલનાં પાન પાથરી ઉપર સોપારી અને ખારેક ગોઠવી, ખાલી કપ નીચે મૂકી તાંબાનો ઘડો, તરભાણું, નાળિયેર, પંચામૃત સજાવ્યાં. એક દુનિયા ઊભી કરી નાખી.

બધાં આજુબાજુ ગોઠવાતાં જતાં હતાં. મોટી બે’ન મારા સામું જોઈ હસી. હું વાળ વગરનું માથું ખંજવાળતો વાંકી ડોકે વારા-ફરતી મોટી બે’ન અને પ્રહ્લાદ ગૉરને જોઈ રહ્યો. એટલામાં નાનકો દીવા નજીક પહોંચી ગયો. ગૉરે ચપટી વગાડી અને ટકોર્યો. મોટી બે’ને — દઝાય બકુ, દઝાવાય — બોલતાં નાનકાને તેડી લીધો. ગૉરે ‘ચલો, કેવલભાઈ આવી જાવ.’ કહેતાં માદરપાટ લંબાવ્યો. લ્યો પહેરતા આવો. અંદર કાંઈ પહેરતા નહીં. જાંગિયોય નહીં હો! અંદર જે હશે એ ગૉર લઈ જશે. સમજ પડી? બીના મામીએ ભ્રમરો ઉલાળી — આવું પહેરાવવા?

હું ગૉરના હાથમાંથી માદરપાટ લઈ ઉતાવળે ભાગ્યો. બહાર આવ્યો ને જોતાં જ ગૉર ઊકળ્યા. માર્યો લપેટો! બ્રાહ્મણ થઈ લુંગા શું વાળો છો, આંટી મારો. કાછડી બાંધો જાવ. ભઈનેય લુંગી ગમતી નહીં. કચ્છના પ્રવાસેથી લુંગી લાવેલો પણ જેટલી વાર પહેરું એટલી વાર ભઈ ટપારે. ચહેરો કડક થઈ જાય. મોટી આંખે લુંગીનાં કૂંડાળાં જોયા કરે. બા અકળાય. ઉપરાણું લેતાં કહે — એને શોખ છે તો ભલે પે’રે. ભઈ માથું ધુણાવે. આમતેમ આંટા મારતાં બબડે — કાછડીબંધ ને આ જુઓ તરકડા જેવું. આગળ કશું બોલતા નહીં. પાટલી સારી વળતી ઇસ્ત્રીબંધ હોય એવી. પણ કાછડીની ગાંઠ? ઉત્તરીય રાખો — કહી ગૉરે વધેલો માદરપાટ પીઠ ફરતો વીંટાવી, પવાલામાં પાણી રેડી આચમની મૂકી વિધિ શરૂ કરાવ્યો – હસ્તે જલમ્ આદાય.

દસમી વખત આચમન કરતો હતો ત્યાં બિપિનકાકા આવ્યા. એમને જોવામાં પાણી ઝમી ગયું. કોણી સુધી રેલો ઊતર્યો. કાકાને ભઈ સાથે બનતું નહીં. આવે એટલી વાર ઝઘડે. ઘણી વાર તો ચાનો કપ હાથમાં રહી જાય! ભઈનો સભાવ. બે’ન ભીની આંખે ફરીથી ચા બનાવે. બિપિનકાકા મૂછો વગર ચૂસેલી કેરી જેવા સાવ જુદા દેખાતા હતા.

મોટાં માસી કાકાને જોઈ હસ્યાં — કાકીને કહે — બે ભઈની જોડ હતી. એટલું બોલતામાં રડું રડું થઈ ગયાં. બિપિનકાકા બેઠા. જમુબા ખસ્યાં. મોટાં માસીની ખભે હાથ મૂકી બોલ્યાં. કેવો રાગ હતો. એકબીજા વગર હોરવતું નંઈ. બાર દા’ડામાં ડાચાં બેસી ગયાં. બચારાને ભઈ પર બહુ હેત. ગૉરે કહ્યું — ’અપસવ્ય.’

બાઘા જેવો બેસી રહ્યો, એટલે જનોઈ પકડી બોલ્યા, ‘આને જમણા ખભે લઈ લો. મેં જનોઈ બદલી. પાને પાને મૂકેલી સોપારીની પૂજા શરૂ કરાવી. ભઈને સોપારી જોઈએ. ખાધા પછી ઝીણી કાતરી પાડી મમળાવે. તે દિવસે સાંજે ચિત્રહારમાં મસ્ત ગીત આવતું હતું. ભઈ ખઈને ઊઠ્યા. ‘કેવલ, સોપારી લઈ આય.’ સીન ટૉપ હતો એટલે હું તો બેસી રહ્યો. ભઈ ધૂંઆપૂંઆ. પગથી ઠેબું મારી ડોળા કકળાવ્યા. હું પડતાં બચ્યો. ઊભો થા, સોપારી લઈ આય. બા ટીવીની નજીક બેઠેલાં. બોલ્યાંય ખરાં, ‘ભઈ, લાતો શું મારે છે? જશે હમણાં, પણ ભઈ ખિજાયેલા… ‘બહેરો છે સુવ્વર?’ બીજી લાત પડી જાત ત્યાં ચિત્રહાર પૂરું. આવા એમના પાછા વિધા કરવાના; જનોઈ ડાબા-જમણી કરી કરીને. પોતે બહુ વહાલ કરતા હતા, બે’નને કહે — આજે મારવું પડ્યું. સાલો રોજ માર ખાય છે. મારું માનતો નથી. વાળમાં હાથ ફેરવે એ આપણને બહુ ગમે. એટલે આંખો મીંચી રાખેલી બાકી ભાઈને ખબર પડી જાય.

અબીલ ઉપર ગુલાલ છાંટ્યું એટલે લીલા પાન પર ધોળું અને ધોળા ઉપર લાલ. લાઇટ ચાલુ હોય ત્યારે આંખો પર જોરથી હાથ દાબીએ તો પહેલાં લાલ લાલ અને પછી આવું લીલું-કાળું વીજળી જેવું દેખાય. મને સોપારી પર હાથ ફેરવવાનું મન થયું. આંખોના પડળમાં જોડાજોડ આવી જ ચમકે! ત્યાં ગૉર બોલ્યા — સવ્ય.

જનોઈ ડાબા ખભે લીધી. વિષ્ણુ ભગવાનની પૂજા શરૂ કરાવી. ચપટા પતરામાં ઉપસાવેલા વિષ્ણુ, દીવાના અજવાળે ચમકી ઊઠ્યા. પંચામૃતે નવડાવેલા પછી પહેરેલા માદરપાટના છેડાથી જ લૂછેલા એમાં દહીંનો ઝીણો ફોદો એમની આંખે ચોંટી રહેલો. હું લૂછવા ગયો ત્યાં ગૉરે કહ્યું — અપસવ્ય. બારણા બાજુ જોઈ બૂમ મારી. ભાત તૈયાર?

ભઈને ભાત બહુ ભાવતા. હું ભાત ભાણેય ન લઉં. એમની જોડે બધી વાતમાં ઊંધું પડતું. ઘડી ઘડી ખિજાય : ‘ભાત લેં’ મને કમોદ ભાવે નહીં. એક વાર બોલાઈ ગયું — કૃષ્ણ કમોદ કોણ ખાય. દહેરાદૂન લાવે તો ખઈએ. કેવો લાંબો દાણો. સાંભળતાંવેંત રાતાચોળ! મારવા આવે એટલે કૂદકો મારી બે’નની સોડમાં. ‘તું હટી જા કહું છું. હઠી જા. કાઢી નાખું છું એની ચરબી.’ બે’ન આડાં ઊભાં રહે. એમને બે ફટકારી દે. મને ખેંચવા ઝાળ થાય. ઘવાયેલાં બે’ન મને આગળ કરતાં બોલે, ‘મારી નાખો લો, મારી નાખો એટલે પાર આવે. આ રહ્યો.’ કશુંય કાને ધરે એ ભઈ શેના?

રાતે બે’ન પાઉડર ચોપડે. ભઈ બબડે, ‘કહ્યું કરતો નથી. કંઈ નાનો છે હવે? આખો દા’ડો કાં ટીવી કાં ભાઈબંધ દોસ્તાર. ભણતાં ચૂંક આવે છે. ભટકી ખાવું છે ને પાછી મારી મશ્કરીઓ… દહેરાદૂન, ના આવે ગુસ્સો?’ બે’ન પાઉડરવાળા હાથે આંખો લૂછે.

ભાત ચોળો — કહી ગૉરે ભાતમાં થોડું દૂધ રેડ્યું. ભઈને છૂટા ભાત ગમે. ક્યારેક આવા લોંદરિયા, ચીકણા થયા હોય તો થાળી છુટ્ટી ફેંકે! બે’ન ફડફડ થાય, બા શિયાંવિયાં! ભઈ ગરમ ના થઈએ, અન્નદેવતાનું અપમાન થાય. ભાણા પર આવી રીતે… બોલતાં વેરાયેલા લચકા વીણવા માંડે. ભાત હાથે ચોંટતા હતા. ગૉરે ચાર ભાગ કરો, એક એક ભાગનો લાડવો વાળો.’ કહી ભાતમાં પંચામૃત નાખી ચોકડી પાડી. એમની આંગળી ખરડાઈ. મને થયું. ‘હમણાં ચાટી જશે. મને ભૂખ લાગી હતી. ભાત ભાવે નહીં, પણ ઘી-દૂધ ને ખાંડ નાખી હોય તો ઝાપટીએ. ચાટવાનું મન થતું હતું એટલે ભાતમાં હાથ નાખી બેસી રહ્યો. ગૉરે તાળી પાડી. જમુબા ઊંચાં થયાં — કેમ, કેવલા? લાડવા વાળતાં નઈ આવડે? હું ચૂપચાપ રહ્યો. આવી મોટી ના આવડવાવાળી જોઈ ના હોય તો. અમથી અમથી ડબકાં મૂકે છે. ભઈ ગરમ થયા હોય ત્યારે આવી આ હોય તો? આ ચૂંચળીની આંખો જ ફોડી નાખવી જોઈએ. મને કેટલીય વાર માર ખવડાવેલો. લાડવો વાળી મોં પર જ ઠોકવો જોઈએ. બસ થઈ જાય ડાકલી બંધ! એના ખુલ્લા મોંમાં લાડવો ચોંટેલો દેખાયો. હસી પડાયું. ત્યાં યાદ આવ્યું. ક્યાં બેઠો છું. એક એક ભાગ જુદો કરી મૂગો મૂગો લાડવા જેવું વાળવા લાગ્યો. ત્રણ પિંડ ગોળ વાળવાના અને એક લંબગોળ. ગોળ પિંડ સામે ગોઠવવાના અને લાંબો પલાંઠી પાસે, નજીક.

પ્રહ્લાદ ગૉરને મારી સાત પેઢીનાં નામ મોઢે છે. કેવલ નવીનચંદ્રથી માંડીને પૂજા રયજી સુધી. મનેય કડકડાટ આવડે. કોઈ પૂછે — ગોત્ર? ત્યારે ન આવડે એ ભઈ ચલાવે નહીં. અમે વ્યાસ પણ અમારું ગોત્ર વશિષ્ઠ. આ વાતે પૂછું?

આપણું ગોત્ર વ્યાસ કેમ નહીં? બા તરત બોલે — ગાંડા ભઈ, વ્યાસ ક્યાં પરણેલા હતા? અને વશિષ્ઠ?

બા માથું ખંજવાળે. એનો તોલોય મારા જેવો જ છે. મહિને મહિને અસ્તરો ફેવરાવે.સૂરજનારાયણની આડી કરે. ચોમાસામાં ઘડી ઘડી બહાર દોડાવે — જા, સૂરજદાદા દેખાય છે? જોઈ આયને. હું ના પાડું. જાને બટા. મારો બકુ નંઈ? કામ હોય તો બકુ બકુ ને આમ બકુને ગાંઠિયા આલવાની બાધા! આઘું ઓઢી ચગળ ચગળ ચગળી જવાના. પણ વશિષ્ઠની વાતે એમને બરાબર ચિડાવું. બહાર જવાની ના પાડું. મારો રોયો બાપ જેવો — કહેતાં આમતેમ થાય. થોડી વારે કગરી પડે… ‘જાને ભઈ, જઈ આય ને.’ બોલતાં પીઠ પસવારે. બે’નથી જોયું ના જાય ‘જા… કહે, બેટા, સેવા પહેલી કરીએ. એમની આશિષે આપણે ઊજળાં.’

ત્રણેય પિંડ બતાવીને ગોર કહે — જુઓ આ માતૃપક્ષ, આ પિતૃપક્ષ અને આ શ્વશુરપક્ષ. ચાલો પિતૃઓને પધરાવીએ. મેં પૂછ્યું — વ્યાસ આવશે કે વશિષ્ઠ? ગૉરને બાનું ગોત્રેય ખબર એટલે હસ્યા — કશ્યપે આયા સમજો. મારા હાથમાં પાણી મૂકતાં કહે, દુર્વાસાને બોલાવીએ? બિપિનકાકા સહેજ ઊંચા થયા.

ગૉર લાંબો વાળેલો પિંડ બતાવી બોલ્યા — આ નવીનભાઈનો પિંડ છે. સાંભળી બે’ન ધ્રુસકાંભેર રડી પડ્યાં. સહુ એ બાજુ ખેચાયાં. રડારડ થઈ રહી. જીભઈ’દા ઊભા થઈ બોલ્યા — કોઈએ રડવાનું નથી. આવા પવિતર ટાણે રડશો નહીં. પિતરુના આશીર્વાદ લેવાના હોય. એ આત્મા તો બહુ સુખી હતો. જિંદગીમાં કોઈનેય એણે દૂભવ્યાં નથી. એની પાછળ રડાય નહીં. ભગવાનનું નામ લો. અટકીને બોલ્યા — ભજન ઉપાડો.

ગોરે પૂછ્યું, ‘અપસવ્ય છેને?’

મેં કહ્યું, ‘હા.’

જમુબાએ ભજન ઉપાડ્યું —

હાથમાં માળાઓ રૂમઝૂમ ફરતી,

ચંચળ મનડું જ્યાંત્યાં ભમતું,


માણસોની ભીડ વધતી જતી હતી. ગૉર મંત્રોચ્ચાર કરતા હતા. વિધિ લાંબો ચાલ્યો. તરભાણું પાણીથી ભરાઈ ગયું. મેં ગૉરને બતાવ્યું. પીપળે પાણી રેડતા આવો પછી રિસેસ. કહી ટચલી આંગળી ઊંચી કરી. મને ચિંતા થઈ. રિસેસવાળું ઠીક પણ પછી નવડાવશે તો? બા ગાતાં હતાં —

તુલસી ને પીપળે પાણીડાં રેડજો

હાં રે તમે પાણીડાં રેડજો એવાં

ફરી જનમ ના પડે લેવા…


પછી નહાવું પડે? મેં પૂછ્યું. મામા હસ્યા. ના’વાનો ચોર! ભઈ જોડે આ માટે જામી જતી. રોજ બપોરની નિશાળ એટલે મોડો ઊઠું. ભઈ સવારથી કચ કચ કરતા હોય — કલાકથી ડોયો ઘાલીને ફરે છે. ના’વા જાને. મને નહાવાની આળસ. આઘો-પાછો થયા કરું. ભઈ બે-ત્રણ વાર કહે પછી હાકોટા કરતા આવે. બે સમસમાવી દે! કાળ જેવા લાગે. બોચી ને બરડો સમસમતાં હોય ત્યારે થાય કે સામી બે વળગાડી દઉં. એક વાર હાથમાં લાકડી પકડી લીધેલી. એક દીધી હોયને. બે’ન એવાં. વચ્ચે આવી ગયેલાં. બા હાફળાં-ફાંફળાં થઈ જાય. હાથ લાંબાટૂંકા કરતાં ભઈ પર ખિજાયા — ભઈ ‘સાલો ભૂંડો છે. એનામાં બામણનું એકેય રૂંવું છે? હાળું ના’વાની આળસ, ના’વાની?’ બબડતા હીંચકે બેસે. આગળપાછળ થતા હીંચકામાં એમની ચોટલી ઊડ ઊડ થતી હોય. હું મારા બોચિયા વાળ પંપાળતો નહાવા જાઉં.

મને ઊભો થયેલો જોઈ કમળીફોઈ બોલ્યાં — અદ્દલ નવીન જાણે. ઊંચોય એના જેવો છે, નહીં? જમુબા તરત બોલ્યાં — ના રે ના. હાડે તો એના દાદા જેવો છે. ક્રોધીયે જાણે એ જ. બાપ-દીકરાને છેક લગી ક્યાં બનેલું? એમનો પૂરો પાસ આયેલો. કમળીફોઈ ફઉ…ઉ…ઉ કરતાં હસી પડ્યાં — ‘ઓહો જમુબે’ન. મારા ભઈ જેવો કીધો એય ના ખમાયું?’ બીજી પળે તો ગળગળાં થઈ ઊઠ્યાં. નવીનને મરતા હુંધી સુખ ના આયું. કોઈએ સુખે ના જીવવા દીધો. ના બાપે કે ના દીકરાએ — બોલતાં બોલતાં તો ડળક ડળક. એમનો લથડતો અવાજ ટપકતી આંખો જોઈ બીજાં બૈરાંની આંખો ભરાઈ આવી. તરભાણું લઈ ધીમા પગલે બહાર નીકળતો હતો, ત્યાં પગ શેતરંજીમાં ભરાયો. હું લથડ્યો. તરભાણું ભીંતે અથડાયું. ચારેકોર પાણી ઊડ્યું. બા કશો જવાબ વાળવા જતાં હતાં એ ભૂલી ‘ખમ્મા, ભઈ ખમ્મા’ કહેતાં ઊભાં થઈ ગયાં. મામાએ દોડીને મારું બાવડું પકડી લીધું. બાનો ટપકતો ચહેરો જોઈ આગળ વધી ગયો.

વધેલું પાણી પીપળે રેડી પાછો આવ્યો ત્યારે ઘર હકડેઠઠ ભરાઈ ગયું. જમુબા કો’કને ભઈ કેવી રીતે પાછા થયા એની વાત કરતાં હતાં. ગૉરે જનોઈ અપસવ્ય કરાવી પિંડની પૂજા શરૂ કરાવી. પિંડની પૂજા આગળ ધપાવી. પંચામૃત અને ચોખ્ખા પાણીથી નવરાવી અબીલ-ગુલાલ, કંકુ અને ફૂલથી ત્રણે પિંડ વધાવરાવ્યા. ભઈના પિંડની પૂજાવિધિ લાંબી ચાલી. પિંડ પર અબીલ-ગુલાલ છાંટ્યા પછી એ જ સૂતા હોય એવું લાગતું હતું. સાવ નાનકડા ભાઈ! પેલા દિવસે ચૂંટણીની બાબતમાં બબાલ થયેલી. ભઈને પોળના નાકે જ અંબાલાલ મેરઈએ આંતરેલા. એ, કનુ સલાટ, ભીખા જેહરિ, ને બીજા બે-ત્રણ આગેવાનો. ભઈ સ્વભાવ મુજબ ઊકળી ઊઠેલા ને હાથોહાથની ઝપાઝપી થઈ ગયેલી. ભઈની ફેંટ ઝાલી અંબાલાલ ગમે એમ બોલી ગયેલો. ઘેર આવી સૂનમૂન બેઠેલા. મને જોઈ બીજી તરફ જોઈ ગયા. મોં, ઘૂંટણે કોણી ટેકવી લમણે હાથ ધરી બેઠેલા. જાણે ભઈ જ નહીં. નજર મળી ત્યાં આંખો ભરાઈ આવી. બે’નને કહે, ‘મારે પહાડ જેવો ભઈ, આવો દીકરો ને એ બે બદામનું ટેભલું મને…’ આંસુ ટપક્યાં નહોતાં પણ અપાર કરુણાભર્યો, લાચાર ચહેરો જોઈ હું અને બે’ન પાણી લેવા ઊઠ્યાં, પ્યાલો લઈને આવ્યાં ત્યાં સુધીમાં તો હું ડેલી વટાવી ગયેલો. બજાર વચ્ચે મેં ને ગિરીશે અંબાલાલને ધોઈ નાખેલો. જામીન પર અમને છોડાવી લાવ્યા પછી કશું બોલેલા નહીં, પણ એમનું મોઢું, એમની આંખો… છેલ્લે ભઈને મામાએ સફેદ ચાદર નવી ઓઢાડી આવી રીતે જ સુવાડેલા. આ બેઠા મામા, હમણાં બોલશે ‘કાથી પલાળો, નાનાછડી લાવો, નાળિયેર ક્યાં મૂક્યાં? લાડવા વાળ્યા? કેવલે અબોટિયું પહેર્યું… ત્યાં ગૉરે થેલામાંથી જનોઈ કાઢી પલાળી. ઉકેલી ફરીથી વાળી મારા હાથમાં મૂકી — પહેરાવો.

પીપળાના થડ નીચેથી, તુલસીક્યારેથી તૂટેલી જનોઈ વીણી લાવી અમે સાટકો ગૂંથેલો. ભઈએ એ સાટકાથી જ એક વાર બે’નને… એ બે’નને મારતા, મને ઝૂડતા. આખું ઘર એમનાથી ફફડતું. પહેલાં તો એમને જોઈને જ આઘોપાછો થઈ જતો. પણ પછી કોઠે પડી ગયેલું. બહુ બહુ તો શું કરશે? મારશે. એ બેન પર હાથ ઉપાડે એટલી વાર મારો હાથ સળવળી ઊઠે. એમની મોટી માંજરી આંખો ફોડી નાખવાનું ઝનૂન ચડી આવે. એમની ચોટલી પકડીને…

ઝઘડો કરીને ગયા હોય તો જમરૂખ, સફરજન કે કાજુ લેતા આવે. ગરમ ગરમ સમોસાં, ફાફડાનો નાસ્તો આવે. સહુથી મોટો ભાગ મારો કાઢે. મોટી બે’ન ‘ધરવો, ભઈલાને ધરવો તમતમારે.’ કહી બે’નને પડખે ભરાય. ‘કાગડી તેંય બહુ ખાધું છે.’ બોલી હસે બે’નના ભાગમાં સમોસું મૂકે.

એ વખતે તાવ ઊતરતો નહોતો. ભઈ ઢીલા થઈ ગયા. બા પગના તળિયે દિવેલ ઘસતાં હતાં. બે’ન પોતાં મૂકતાં હતાં. ભઈ આંટો મારતા જાય અને ઘડિયાળ જુએ. ડૉક્ટરને લાવતાં આટલી વાર? આ બિપિનિયો સાલો કાયમનો ઢીલો. કોણે કીધું’તું એને જવાનું? ડૉક્ટર આવતાં સુધીમાં તો આંખો…

હમણાં હસશે એવા સૂતા હતા. મોઢું સૂજી ગયેલું પણ હોઠ અદ્દલ. ધોળું કપડું ઓઢાડ્યું પછી સામે પડેલો પિંડ, ઉપર અબીલ, ગુલાલ, કંકુ… પ્રહ્લાદ ગૉરે ગલગોટાની પાંદડીઓ તોડી મારા હાથમાં મૂકી — ચડાવો. હું વિચારમાં ને વિચારમાં પિંડ સામે તાકી રહેલો. એમણે ચિંતાભર્યા મારે કાંડે હાથ મૂકી પૂછ્યું — તાવબાવ તો નથીને? ના કહેતાં મેં ફૂલ ચડાવ્યાં. ગોરે કાંડું પકડેલું એટલે કે… પાંદડીઓ વેરાઈ ગઈ. ગૉરે બીજી વાર ફૂલ આપ્યાં. મેં ચડાવ્યાં. કશી સમજ પડતી નહોતી. અંદર બધું વલોવાતું હતું. આવું થાય એટલે કંઈક અવળું થવાની ફડક પેસી જતી. બે’નને વાત કરું એટલે હનુમાનચાલીસા બોલવાનું કહે. કરું?

ગૉર મંત્રો બોલતાં ચાંદીનો તાર કાઢી ચોગડા જેવો આકાર બનાવતા હતા. પંચામૃતથી પિંડની પૂજા કરાવેલી એટલે બેત્રણ માખો વારે વારે ઊડીને બેસતી હતી. ભઈને છેલ્લે નસકોરી ફૂટી ગયેલી. નાકના ફોયણામાં ચીકણું લાલ પડ જામી ગયેલું. બિપિનકાકા ધોતિયું પહેરાવતાં બૂમ પાડતા હતા — ભઈનું નાક લૂછો ’લ્યા, માખો બેસે છે. જીભઈ’દા મને પડખામાં લઈ સમજાવતા હતા — મરણપોક મૂકવી પડે દીકરા. હું એમની સામે જોઈ રહેલો. મામાએ કાથી પલાળતાં કહ્યું, ‘એમના કાનમાં જોરથી બૂમ મારવાની — ઓ મારા બાપા રે.’ સહુ ટોળે વળેલા એ વખતે જોરથી બૂમ પાડવા હું બહુ મથેલો, બહુ મથેલો. ગોરે તાર મારા હાથમાં આપી કહ્યું,

‘જુઓ હવે પિંડ વહેરવાના છે. બા, મોટીબે’ન, ફઈ… સહુ રડવા માંડ્યાં. ગોર એ તરફ ફર્યા — રડશો નહીં, આ તો તર્પણ કહેવાય. મારી જનોઈ તપાસી બોલ્યા. અપસવ્ય છે ને? જુઓ આ પિંડના ત્રણ ભાગ કરવાના. બાપુજીને પિતૃમાં ભેળવવાના છે. એક એક ભાગ સામે મૂકેલા ત્રણેય પિંડમાં ભેળવી દેવાનો. સમજ્યા? આ વિધિ થાય એટલે મરનાર સાથે તમારી સગાઈ પૂરી થઈ ગણાય.’

હું થોડી વાર પિંડ સામે તાકી રહ્યો. હમણાં ‘કેવલ દીકરા, કેવલ… કહેતાં મને છાતી દબાવી રાડો પાડતા, ઑક્સિજનની નળી ખેંચી કાઢતાં, ઝલાઈ ગયેલી જીભે ક…ક…ક… કરતાં ભઈ દેખાયા. મારા હાથમાંથી તાર પડી ગયો. હું ઉભડક થયો. નહીં વહેરાય, નહીં વહેરું ભઈ તો… બોલતાં હું નાઠો.

પાછળ જમુબા બોલતાં હતાં. હું તો પરસાળ ઓળંગી ગયો હતો. પાછળ…