ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇવા ડેવ/તરંગિણીનું સ્વપ્ન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તરંગિણીનું સ્વપ્ન

ઇવા ડેવ




તરંગિણીનું સ્વપ્ન • ઇવા ડેવ • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ

તરંગિણી છાની તેની પથારીમાં રડી રહી હતી. મેં એ સાંભળ્યું.

પહેલું તો એમ જ થયું કે એને રડવા દઉં. વર્ષોથી હું એમ જ ઉશીકામાં મોં લપાવી, ઉપર ગોદડી ઓઢી રડી છું: છાનું છાનું, ઈર્ષાથી દાહ ઊપજવાને લીધે. ફેર એટલો જ હતો કે તે મારે ઘેર મને મળવા આવી હતી અને એને એમ રડવા દેવી એ ઘાતકી છે એમ લાગતું હતું. તે ઉપરાંત મને લાગ્યું કે તે ચોક્કસપણે મને જણાવવા માગતી હતી કે તે દુઃખી છે, અને તે એનું હૈયું મારી આગળ ઠાલવવા ઇચ્છે છે. પ્રશ્ન માત્ર એ હતો કે અમારી વચ્ચે રહેલા અંતરનો પડદો કેમ ઉપાડવો? ગર્વ, અને કદાચ થોડું વેર પણ ભૂલીને કોણ પહેલ કરે?

એનાથી મોટેથી ડૂસકું મુકાઈ ગયું. હું પીગળી ગઈ. ઊઠીને મેં લાઇટની સ્વિચ દાબી. ઝળહળાં થતા પ્રકાશમાં એણે ઝટ પાલવ મોઢે ઓઢી દીધો. આંસુ લૂછતી એ વધુ રુદન કરી રહી. હું એની પથારીમાં બેસી ગઈ. એના ભાલે હાથ ફેરવતાં મેં પૂછ્યું: ‘મોટી બહેન, શું છે, શું થાય છે? મને ન કહો! મારી બહેન નહિ?’

તે પથારીમાં બેઠી થઈ ગઈ. મારે ગળે વળગી પડી. જીવનમાં પહેલી જ વખત એનું પારાવાર અભિમાન મૂકી એ આક્રંદ કરી રહી. મેં એને ન અવરોધી એનો બરડો પંપાળતી હું મનોમન વિચારી રહી:

‘આમ જ તરંગિણીના ખોળામાં મારું મોં લપાવી રડવાનું મને કેવું મન હતું? એ કેમેય મારાથી ના બન્યું. કદાચ તરંગિણીએ મને એટલી નિકટ ન આવવા દીધી. બા મરી ગઈ અમને સહુને નાનાં મૂકીને. બાપુ વેપારના કામમાં ભાગ્યે ઘરની – ખાસ કરીને અમારી ભાઈબહેનોની વાતોમાં રસ લઈ શક્યા. મોટી બહેને ઘરનો બોજો ઉપાડ્યો. વચલા ભાઈને અને નાની બહેનને તરંગિણી જે આપી શકી તે મને ન આપી શકી. કદાચ કાં તો તે આપવાની તેની ઇચ્છા નહોતી કે મારા સ્વભાવને કારણે એ મેળવવાની મારી શક્તિ નહોતી. મારે કબૂલ કરવું રહ્યું કે એણે સારી રીતે અમારું ઘર નિભાવ્યું. એ કારણે તો મેં એને એસ.એસ.સી.માં પકડી પાડી. તે બિચારીનાં બે વર્ષ ઘરની કાળજી લેવામાં બગડ્યાં હતાં.

‘અમારી વચમાં માત્ર બે જ વર્ષનો ફેર. એને કારણે કદ, શોખ ને જરૂરિયાતોમાં સરસાઈ થતાં બેઉ જણે પરસ્પરને દૂર રાખવામાં પોતાનું શ્રેય માન્યું હોય એમ બનવા સંભવ છે. ના, મૂળ કારણ તો હતું એનું રૂપ. તે સુંદર હતી, વાતચીત કરવામાં કુશળ હતી. ઠસ્સાભેર ચાલતી. આને કારણે એનું આકર્ષણ સૌને ગમતું. બાપુ, ભાઈ, નાની બહેન, અરે! આસપાસના બંગલામાં રહેતા સુરેશ, દિનેશ વગેરેને ને પાડોશીઓને એની મોહિનીએ વશ કર્યા હતા. મને એમ જ લાગતું કે હું કોઈનેય ગમતી નહોતી. હું જન્મી ના હોત તો સારું થાત. જ્યારે રાત્રે પાસેના રૂમમાં તરંગિણી એના મિત્રમંડળ સાથે ટોળટપ્પાં મારતી ત્યારે હું અભ્યાસમાં મન પરોવવા વ્યર્થ પ્રયત્ન કરતી કે પથારીમાં પડી રડતી.

‘અમે બેઉ એસ.એસ.સી.માં પાસ થયાં ને બાપુજીએ એકાએક અમારા બેઉમાં રસ લેવા માંડ્યો. પહેલી શિખામણ મળી કે હવે અમે મોટાં થયાં. તો બંગલાના ‘ભાઈઓ’ સાથેનો વ્યવહાર ઓછો કરી નાખવાનો. બેઉને માટે મુરતિયા જોવાની શરૂઆત તેઓ જ્ઞાતિમાં કરી દેશે. તરંગિણીની નાદુરસ્ત તબિયત અને થોડા માર્ક્સને કારણે એણે ઘેર રહેવું. જ્યારે મારે કૉલેજ ચાલુ કરવી. બેઉએ જ્ઞાતિના જ છોકરાઓ સાથે પરણવાનું છે માટે સોસાયટીના છોકરાઓ સાથે બહુ સંબંધ ના કેળવાય એની કાળજી રાખવી.

કૉલેજમાં મારે અનિલનો પરિચય થયો. તે અમારી જ્ઞાતિનો હતો. મેં એને ઘેર આમંત્રવાનું શરૂ કર્યું. – એ પ્રસંગ યાદ આવતાં તરંગિણીના ઉપર ક્રોધ ને પ્રેમ બેઉ સાથે ઊપજ્યાં. કદાચ એમાં તરંગિણીનો કશોય દોષ નહિ હોય. બે વર્ષના ઘનિષ્ઠ પરિચય પછી અનિલ કોના પ્રેમમાં પડ્યો? તરંગિણીના!? એકાએક એ રાત્રે જ્યારે તેણે મોટી બહેનને પરણવા માટે સમજાવવા અધરાત સુધી વિનવણી કરી, ત્યારે મારા હૃદયમાં જે હાહાકાર વર્ત્યો હતો ને જે આંસુઓ મેં વહેવડાવ્યાં હતાં, તે તો મારું મન જ જાણે છે. જીવનનું મોટામાં મોટું આશ્ચર્ય મને થયું હતું તેની બીજી સવારે. મોટી બહેને સહજ જ કહ્યું કે તેમણે અનિલને ઘસીને ના પાડી દીધી હતી અને મારે એને ઘરમાં બોલાવવાનું બંધ કરી દેવું. અણજાણે તરંગિણીએ મને કેટલું આશ્વાસન આપ્યું હતું?! અનિલે મારા હૃદય પર ને મોટી બહેને એના હૃદય પર ડામ ચાંપ્યા – કેવો વિષમ પ્રણયત્રિકોણ?’

‘સરુ!’ હું ચમકી ઊઠી, જાણે મને ઊંઘનું ઝોકું આવી ગયું!’

તરંગિણીનું રુદન સાવ બંધ થઈ ગયું હતું. તેણે વાળને સમાર્યાં ને આંખો પાલવથી લૂછી. મેં બહેન પ્રત્યે કોઈક નિકટતા અનુભવી. આવું અથવા એનાથી વધારે પોતાપણું – ખરા હૃદયથી – મેં અનુભવ્યું હતું તે તેના લગ્નસમયે. મને ઊંડે ઊંડે વહેમ હતો કે એનું લગ્નજીવન અસંતોષી હતું. એનાં એંધાણ તો લગ્નની આગલી રાતે આજની રાતની જેમ એણે કરેલા છાતીફાટ રુદનમાં દેખાતાં હતાં.

‘બાપુજીના ચાર ચાર વર્ષના અમારા લગ્ન માટેના પ્રયાસનું પરિણામ હતું: અમે બેઉ અપરિણીત હતાં. શરૂઆતમાં બાપુજીએ તરંગિણીની ઇચ્છાને, અભિપ્રાયને લક્ષમાં લીધાં. પણ પછી મને એમ લાગ્યું કે તેઓ અમને ગમે તે હિસાબે પરણાવી દેવાના નિર્ણય ઉપર આવી ગયા હતા.’

‘સરુ, હું પાણી પી આવું.’ તે રસોડા તરફ ચાલી.

‘હું લાવી આપું, બહેન?’

‘ના, હું તરત જ પાછી આવું છું.’

‘ઓચિંતાનો વિચિત્ર બનાવ બન્યો. તે બનાવ તે પ્રણય મને જોવા આવ્યો હતો એ. મારા–એના જન્માક્ષર મળ્યા. એ આવ્યો. મને જોઈ, પસંદ કરી. મારી ઇચ્છાનો તો સવાલ હતો જ નહિ. પણ એ મને ગમ્યો હતો. મારા સુખનો પાર નહોતો. વિવાહની વાત નક્કી થઈ. પરંતુ મોટી છોકરીનાં વેવિશાળ થયા વિના નાની દીકરીના વિવાહની વાત જાહેર કેમ થઈ શકે? બેઉ કુટુંબોએ થોભવામાં સુજનતા માની. ત્યાં તરંગિણીના જન્માક્ષર મળ્યા સંદીપ સાથે. સંદીપ કુળવાન હતો, પૈસાદાર હતો, ડૉક્ટર થવાનો હતો. તે આવ્યો, તેણે તરંગિણીને જોઈ, એને તે ખૂબ ગમી. બાપુએ તરંગિણીને પૂછ્યુંઃ ‘કેમ બહેન?’ તરંગિણી કશું જ બોલ્યા વગર સડસડાટ સૂવાના રૂમમાં ચાલી ગઈ હતી. એના એ જવાબ ઉપર બાપુજીએ બેઉના વિવાહ જાહેર કર્યા.’

તરંગિણી પાછી આવી. ઓહ! તે કેટલી ફક્કડ દેખાતી હતી! તેનું શરીર જોકે સુકાયું હતું. પણ તેનું મોં એવું જ નાજુક ને આકર્ષક હતું. મને છેક અડીને બેસી તે બોલીઃ

‘સરુ, શાંત ના બેસી રહીશ. કંઈક વાત કર. મને કશાકનો ડર સતત લાગ્યા કરે છે.’

‘શું થાય છે, મોટી બહેન?’

‘નથી સમજાતું મને. ન કરી શકાય. ન કરવું જોઈએ એવું બધું જ કરવા મન તત્પર બની ઊઠે છે.’

તે અટકી, આવતા રુદનના વેગને અટકાવવા માટે. સ્વસ્થ બની તેણે હળવેથી બોલવાનું શરૂ કર્યુંઃ

‘યાદ આવે છે મારા લગ્નની રાત! એ સમયે જેમ આ હૃદય, મન ને શરીર રડી રહ્યાં હતાં તેમ આજેય તેઓ રુએ છે. માત્ર હવે આંસુ સુકાઈ જવા માંડ્યાં છે.’

‘પણ બહેન, એમ કેમ? તારી તો બધાં ઈર્ષા કરે છે. તારે શું નથી? પૈસો, બંગલો, મોટર, ચાકર, આયા, – કહે જો, શું નથી?’

એકેએક શબ્દ પર ભાર મૂકતી એ ધીરે સાદે બોલીઃ ‘મને ગમતો મારો જીવનસાથી. જેની સાથે હાથમાં હાથ મિલાવીને આ જીવનવાડીમાં હું નિશ્ચિંત ભટકું, જેના હૃદયમાં હૃદય ગૂંથી હું સ્નેહથી વાતા કરું, જેનામાં મને સંપૂર્ણપણે લય થઈ જવાની ક્ષણે ક્ષણે પ્યાસ જાગે!’

‘હા, એ જ તરંગિણીઃ ઊડતી, કલ્પનાઓમાં રાચતી ને અવાસ્તવિક.’ હું મનમાં વિચારી રહી.

અચાનક એનો બાબો ઊંઘમાંથી ઝબકી રડી ઊઠ્યો. પથારીમાં બેઠા થઈ એણે રડવાનું શરૂ કર્યું. તરંગિણીએ એને છાનો રાખવા લગારે પ્રયાસ ન કર્યો. મારાથી ન રહેવાયું. હું તેને છાનો રાખવા પ્રયાસ કરવા માંડી.

બેદરકાર તે બોલી રહીઃ ‘જો આ છોકરો. બીજા ‘એ’. જરાયે મારો અંશ છે? તને નવાઈ લાગશે સરુ, જો, આવડા નાના છોકરાનાં ભવાં પર જાણે મોટા માણસને હોય એવા બરછટ વાળના ગુચ્છા છે! એની આંખની આસપાસ કાળાં વર્તુળ છે! ગાલમાં જાણે ઠાંસી ઠાંસીને કશું ભર્યું ના હોય!’

હું ત્રાસી ઊઠી. મને ઊઠીને ત્યાંથી ભાગી જવાનું મન થઈ આવ્યું.

‘શું બોલે છે તેનું ભાન છે તને?’

‘પૂરેપૂરું. સરુ, મહેરબાની કરીને મને બોલવા દે. હવે તો નથી સહેવાતું. તું ને હું બે જ અહીંયાં છીએ. ઠાલવવા દે મને.’ અમે ચૂપ બેઠાં.

એકાએક શાંતિ તોડી તે બોલીઃ ‘પૈસો, બંગલો, ચાકર – અરે! બધું જ જોઈએ છે તારે? ને મને આપવો છે તારો પ્રણય?’

‘છીઃ બહેન, તારું મગજ!’ મને એણે ન તો વાક્ય પૂરું કરવા દીધું કે ન મને ગુસ્સે થવા દીધી. મારા ખોળામાં પડતું મૂકી તે ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

રડતાં રડતાં જ એ બોલી રહીઃ ‘હું મારા પોતાથી જ ત્રાસી ઊઠું છું. મારા હૃદયમાં – હા, હું તને કહીશ જ. ભલેને તું મને ધિક્કારે. કદાચ આમ વાત કરવાથી અંદર રહેલો ભાર ઓછો થશે. મને એક ભયંકર તિરસ્કાર પેદા થયો છે સહુના તરફ. તેમાંય એમના આખા કુટુંબ તરફ તો ખાસ. સારું છે કે આયા આખો દિવસ આને રાખે છે. પણ એય દુશ્મન છે. મારા વિના એને ચેન નથી પડતું. જાણે મારી પાછળ એમણે ડિટેક્ટિવ ના મૂક્યો હોય!’

પરણ્યા પછી તરંગિણીએ કોઈ પણ સંજોગોમાં સંદીપને એના નામથી ઉદ્દેશ્યો નથી. હંમેશાં ત્રીજા પુરુષમાં જ, ‘એ’, ‘એમણે’, એમ એણે સંબોધન કર્યું છે. જાણે એ સંદીપ સાથે કોઈ સંપર્ક ના ધરાવતી હોય તેમ! જાણે તે એનાથી દૂર દૂર રહેવા માગતી ના હોય તેમ! તરંગિણીનું આ આંતરજીવન મારી કલ્પના બહારનું હતું. કોઈ આમ વિચારી શકે તેનો મને ખ્યાલ આવવો પણ મુશ્કેલ હતો. ‘ચાલ, સૂઈ જઈએ.’ એમ કહેવા ઊઠતી વૃત્તિને મેં પરાણે દબાવી. મનેય કશી સમજ નહોતી પડતી.

એ બોલ્યે ગઈઃ ‘મન એવું વિકૃત બની ગયું છે કે ના પૂછો ને વાત.’

ત્યાં વચ્ચે એનો બાબો ફરીથી જાગી ઊઠ્યો. એની સોડમાં લપાવા આવતા બાબાને ધોલ મારી એના તરફ વિચિત્ર રીતે તે જોઈ રહી. એના બાબાના મુખને આંચકા સાથે મારી બાજુ ફેરવી તે બોલીઃ ‘જો આ ગાલ, જો આ કોડિયા જેવું કપાળ! જો આ બરછટ રુવાંટી! સરુ, ખબર છે તને, એમના કાન પર આટલી નાની ઉંમરમાં વાળ ઊગે છે! પહેલી રાતથી ગઈ રાત સુધી મારો એ જ અનુભવ. જ્યારે એ મારી પથારીમાં આવે છે ત્યારે તરત જ સમસ્ત શરીર ને પ્રાણ જડ એવાં બની જાય છે. એમને સંદેહ ના આવે માટે હું શાણી પત્નીનો ભાગ બરાબર ભજવું છું. પણ જ્યારે એ મોં મારા પર સવાર થતું છેક નજીક આવે છે ત્યારે, એ મોં, પેલા કાળા, તીણા, બરછટ વાળ, તીણી કાપેલી મૂછોના, કાનના અને ગાલ ઉપરના વાળ મારા મોંમાં એવા ભોંકાય છે કે મારું શરીર સાવ શીત બની જાય છે.’ તે પળવાર થોભી.

પછી મોં બીજી બાજુ ફેરવી એ ઝટપટ બોલી ગઈઃ ‘ભયંકર શરમ આવે છે તોય તને કહું છું. તું પૂછશે કે દેહ એનો ધર્મ ભૂલે? શું મને એમાંનું કશું જ નહિ ગમતું હોય! ના, મનથી એમાંનું કશુંય ગમતું નથી. તેથી જ હું આવી શીત બની જઈ શકું છું. પણ હું કુદરતી રીતે શીત નથી. મારી વાંછના જાગે છે ત્યારે પુરુષના સ્પર્શ વિના જ મારા સમસ્ત દેહમાંથી સ્રાવ થવા માંડે છે. તું નહિ માને! કોઈ ગાયકનો ભારે અવાજ, એક્ટરના ફોટાનું દર્શન, કોઈ આગંતુક યુવાનનું સુંદર મોં – આ બધાંય કે એમાંનું એક મારા દેહમાં ઝણઝણાટી ઉપજાવવા માટે બસ થઈ પડે છે. એવે સમયે તે બધા ચોવીસે કલાક મારી સાથે હોય છે. ખાસ કરીને રાત્રે!’ એણે એનું મોં મારી બાજુ ફેરવ્યું. એ આંખનો ચળવળાટ મારાથી ન સમજાયો કે ન તો સહાયો. ત્યાં એની નજર એના બાબા પર પડી. એ ગાંડાની જેમ બબડીઃ ‘અને આ જો! બેડોળ, પીળોપચ, છોકરો! આવડોક છોકરો ને પ્રૌઢ જેવાં એનાં બરછટ ભવાં!’

હું નિર્વાક્ બની ગઈ. હું ચોંકી ઊઠી હતી. જાણે કોઈ દુઃસહ શમણામાંથી એ જાગી ઊઠી હોય એમ એને લાગ્યું. સંદીપ ને એના વાળ, એનો બાબો ને એનાં ભવાં, તરંગિણીની આ કલ્પનાઓ બધું જ મારે માટે કદાપિ ન ઊકલે એવા કોયડા સમું હતું. કેમેય મને પ્રણયના કાને વાળ હતા કે નહિ તે યાદ ન આવ્યું. મારે પ્રણયની સોડમાં લપાવું હતું.

*

‘ઓ, નહિ, નહિ, છો…છો…!’

હું સફાળી જાગી ગઈ. મોટી બહેનનો જ એ સાદ હતો. મેં ઝપ દઈને લાઇટ કરી. પથારીમાં બેઠી તરંગિણી અદૃષ્ટમાં જોઈ રહી હતી.

‘મોટી બહેન!’

‘હું ક્યાં છું? આપણે ફરવા ગયાં હતાં ને!’

‘ફરવા? તું મારે બંગલે છે. વિલેપાર્લેમાં.’

‘ઓહ! એમ! તો તો એ સાચું નહિ હોય. હવે મને શાંતિ વળી.’

હું સમજી. એને દુઃસ્વપ્ન આવ્યું હતું. એ સહજ સહજ વારે કાંપી ઊઠતી હતી. એ ચીડથી બોલી, ‘દુષ્ટ સપનું!’ પછી પાછી પહેલાંની જેમ તે અવકાશમાં કશુંક ખોળી રહી.

મને અનુકંપા થઈ. પાસે સરકી મેં એને બરડે હાથ ફેરવવા માંડ્યો.

‘કેવું વિચિત્ર સ્વપ્ન! ઓહ! ભયંકર પણ! આમ લાગતું હતું કે ચારે બાજુ ગાઢ જંગલ હતું. પણ એમાં હતો નાનો સરખો સુંદર બાગ. એ બાગની અંદર આપણે બે ચરતાં હતાં. આપણાં બેઉનાં શરીર કમર સુધી સોનેરી હરણ જેવાં, કમરથી નીચેના ભાગ હતા મનુષ્ય જેવા. નવાઈની વાત એ હતી કે આપણામાંથી એકેને એમ ચરવામાં કશુંય અજુગતું નહોતું લાગતું. વારે વારે મને પ્રશ્ન થતો કે અડધાં પ્રાણી અને અડધાં મનુષ્ય હોવા છતાં ચાલવામાં કે ખાવામાં કેમ કશી મુશ્કેલી પડતી નથી?’

‘તે અરસામાં પ્રણયે પાસેની ઝાડીમાંથી પ્રવેશ કર્યો. એનું અડધું શરીર વાઘનું અને અડધું મનુષ્યનું. બરાબર આપણા જેવું. આશ્ચર્ય એ થતું હતું કે હરણના મોંવાળી તું ને વાઘના મોંવાળો પ્રણય – બેઉને ઓળખવામાં લગારે મુશ્કેલી લાગતી નહોતી. એણે તારી પાસે સરીને નાના કુરકુરિયાની જેમ ગેલ કરીને રમવા માંડ્યું. તને એની લગારે બીક ન લાગી. ઊલટાની અહીંતહીં ઠેકતી તુંય એની સાથે ખેલવા લાગી.

‘ઓચિંતાની ગાત્રો ઢીલાં કરી નાખે એવી ત્રાડ પાડી એક કાળો સિંહ ત્યાં ધસી આવ્યો. મેં એને તરત ઓળખી કાઢ્યો. તે સંદીપ હતો. તેનું તો આખુંય શરીર પ્રાણીનું હતું. એ મારી નજીક આવ્યો. હું દોડી જવા પ્રયત્ન કરવા લાગી. પણ જાણે પગ ત્યાં ખોડાઈ ગયા. માંડ એક પગ ઊપડ્યો કે છંછેડાઈને એણે મારા પર તરાપ મારી. મને નીચે પાડી ને તારી છાતી પર ચઢી બેઠો, બાપ રે! એની મોટી મૂછો ને પેલા હાલતા કાન! હું અવાક્ ને અક્કડ થઈ ગઈ.

‘મહામહેનતને મેં છૂટવા પ્રયાસ કર્યો. એક ક્ષણમાત્રમાં એણે હુંકાર કરી એના તીણા દાંત ને નહોર મારા કમરના નીચલા ભાગમાં ખોસી દીધાં. મારાથી દુઃખની ચીસ નંખાઈ ગઈ, હું જાગી ગઈ.’

અમે સ્વસ્થ થઈએ તે પહેલાં કોઈએ બારણું ઠોક્યું. અમે બેઉ છળી ઊઠ્યાં, ગાભરી બની મેં પૂછ્યુંઃ ‘કોણ?’

‘બીજું કોણ હોય? મારો પ્રણય!’ હું બારણું ઉઘાડવા દોડી.

જ્યારે થોડી વાર પછી પ્રણય ને હું સૂવાના રૂમમાં પ્રવેશ્યાં ત્યારે તરંગિણી માથેમોઢે ઓઢી ઘસઘસાટ ઊંઘવાનો ડૉળ કરતી ઊંડા શ્વાસ લઈ રહી હતી.