ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહન પરમાર/કુંભી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કુંભી

મોહન પરમાર

એકાએક છોકરાં શકરીની ઑસરીમાં એકઠાં થઈ ગયાં. શકરી બારસાખ પર હાથ ટેકવી હજી ઊભી હતી. ખાટલા પર સેવ વણવાનો પાટલો ગોઠવીને એનો એક છેડો દિનેશે દબાવી રાખ્યો. બહારના છેડાને ઘોડે કરીને જેઠીનો છોકરો મહેશ ખધડૂક ખધડૂક કરવા લાગ્યો. શકરી એ બાજુ જોઈને સહેજ મલકાઈ. મલકાટમાં ફિક્કાશ વરતાતી હતી. જેઠી આવવાની હતી. એ આવી નહિ. જેઠીની છોકરીઓ કૅલેન્ડરનાં પૂંઠાં લઈ સેવ ચાળવા આવીને ઊભી રહી. એક છોકરી શકરીનો પાલવ પકડીને બોલીઃ

‘હંડોનઅ શકરીકાચી! ઝટ પતાઈ દઈએ. સેવ તડકે સૂકાઈ જાય તો ચિંતા મટઅ.’

‘તારી માનીએ તો બોલાય!’

‘મહેશિયો કહીનઅ આયો છઅ. તાણઅ ચ્યમ એ હજુ ના આયી?’

શકરીએ બારસાખ પરથી હાથ લઈ લીધો. ઘરમાં ગઈ. ઘરમાં જાણે પડછાયા ઘૂમી રહ્યા હતા. જેઠીનાં છોકરાંના શોરબકોરથી ઓસરી ગાજતી હતી. ઘરમાં એક ખૂણેથી બીજે ખૂણે બાળકો હરીફરી રહ્યાં છે. ને પોતે ‘કાચી’ થઈને બધાંની પૂંઠળ સાવરણી લઈને પડી છે. એકાએક એને જાત પ્રત્યે ફિટકાર વરસ્યો. પેટ સામું જોઈને નિસાસો નાંખ્યો; ‘ચ્યમ ભગવોને મનઅ નછોરવી રાશી?’ એ મૂંગી થઈ ગઈ. આંખો દુખવા ચડી હતી. પેટમાં કશો સળવળાટ થયો. આ પાણીએ મગ ન ચડે.

દસ વર્ષનાં વહાણાં વાયાં. કરસન તો બચાડો ના પાડતો હતો. શકરીએ જ એને કહેલુંઃ ‘હવઅ ચ્યાં સુધી રાહ જોવી છઅ? કાંક હમજો!’ કરસને કીધું તુંઃ ‘ભલેનઅ જનમારો આખો નછોરવાં રઈએ, મારઅ બીજુ નથી કરવું.’ પછી શકરીએ વાત પડતી મૂકેલી. બીજાં બે વરસ વીતી ગયાં. હવે ઘર ખાવા ધાતું’તું. એક દા’ડો કરસન બહારગામથી સાંજે ઘેર આવ્યો ત્યારે દીવેલ પીધા જેવો લાગતો હતો. શકરીએ ફરી ફરી પૂછ્યા કર્યું, ત્યારે માંડ એટલું બોલેલોઃ ‘મનઅ ચ્યાંય ફાવતું નથી.’ શકરીને ધ્રાસકો પડેલોઃ ‘સામે ચાલીનઅ કેતી’તી તાણએ ના પાડતા’તા. નઅ હવઅ ચેવા ઠેકાણે આયી જ્યા!’ મનમાં કરસન માટે ઘણું ઘણું બળતું હતું. શકરીએ એ વખતે બહુ ગરજ બતાવેલી નહિ. ગોદડું ઓઢીને ઊંઘી ગયેલી. બીજા દા’ડેથી કરસન ગુમસુમ રહેવા માંડ્યો. મગનું નામ મરી પાડતો નહોતો. શકરીને એની ધીરજની કસોટી કરવી હતી. એ તો બીજે દા’ડે મજૂરી કરવા જતી રહી. કરસનેય કડિયાકામે ઊપડી ગયેલો. સાંજે બંને ભેગાં થયાં ત્યારે શકરીને એ હાથ દેખાડવા માંડ્યો.

‘જોનઅ મારા હાથ, તનઅ નથી લાગતું કે હવા હું ઘૈડો થવા માંડ્યો સું?’

‘બધાં જાણવા – તાણા પૈડાં થવાનાં જ છઅ.’

‘તનઅ તો જાંણી કાંય હમજણ જ ના પડતી હોય!’

‘તો હમજાવોને.’

‘શું હમજાવું? પે’લાં તો મારું લોઈ પીનઅ વેગળી રઈ’તી. હવઅ જાણી હું કઉસુ તાણઅ િચ્યમ આંખ આડા કોન કરઅ છઅ.’

‘હારું હવઅ જે કે’વાનું હોય એ કહી નાંખો!’

કરસને શકરીને બધું ઈશારામાં સમજાવી દીધું. શકરીને એ જોઈતું હતું. પણ પોતાનો હાથ ઉપર રહે તે માટે વાતને ટાળી દીધી. ઊલટાનું રીસ ચડે એવું બોલી ઊઠીઃ

‘આ ઉંમરે થાય તોય હવઅ આપણું ઘૈડપણ પાલઅ તેવું લાગતું નથી.’

‘ઘૈડપણ ના પાળઅ તો કાંય નૈ. ઘર જીવતું રેય એટલા પત્યું.’

કરસન એવું ઓશિયાળું મોં કરીને બોલ્યો કે શકરીના દિલમાં લાગણી ઉછાળા મારવા લાગી. હવે એ કરસનને વધારે કનડવા માગતી નહોતી. કશુંક કહેવા માટે એના હોઠ ફફડવા લાગ્યા. થોડી વાર હોઠ ખોલે અને વળી મૂંગીમંતર થઈને લમણે હાથ મૂકી દે. કરસને શકરીની હાલત પારખી લીધી હતી.

‘તું કાંક કે’વા માંગીએ છીએ નૈ!’

‘જીભ ઊપડતી નથી… બળ્યું લાજ આવા છઅ.’

‘કુની લાજ, મારી? પંદર વરહ હુધી નૈ નઅ હવઅ?’

‘વાત એવી છએ એટલે…’

‘બોલી નાંખના હવઅ.’

‘કઉં?’

‘કે.’

‘તાણઅ પેલી રાત હું તમનઅ કનડગત નૈ કરું. તમારી વચમાં નૈ આવું. પણ બીજા દાડાથી મારો બોલ અનઅ નવીના ટાંટિયા. બોલો કબૂલ?’

‘હા, કબૂલ. ઈમાં શું થઈ જ્યું? તું જૂની છઅ એટલઅ આ ઘર તારું જ કે’વાય નઅ. નવી રોટલા ઘડીના આલમ અનઅ એકાદ છોકરું…’

‘પછી નવીનકોર વહુની ભાળીનઅ પાછા ભૂલા ન પડી જતા.’

‘તનઅ વસવા ના હોય તો મારઅ બીજું નથી કરવું જા!’

પછી તો શકરી નચિંત થઈને કરસન પર વરસી પડી હતી. નવી લાવવાની છૂટ આપી દીધી હતી. કરસન ભાઈભાંડુઓને લઈને ગઈકાલનો નવીને તેડવા ગયો હતો. ને આજે સાંજે તો નવીને તેડીને પાછો વળવાનો હતો. શકરીના મનમાં વારેઘડીએ ભય ડોકાયા કરતો હતો. નવું બૈરું કરવાની પોતે છૂટ તો આપી છે પણ પોતાનાથી આ બધું જીરવી શકાશે?

એ થોડી નાસીપાસ થઈ ગઈ.

સાંજ પહેલાં તો બધી વાતે પરવાર લાવવો હતો. એટલે તો ઘઉંના લોટની સેવ વણી નાખવાની એ ઉતાવળ કરતી હતી. પણ હજી જેઠી નહોતી આવી. શકરીને ચીડ ચડી. ‘જોનઅ આ નવી આવઅ છઅ ઈમાં મારઅ લોઈ ઉકાળા…’ એવું મનમાં કશું ધસી આવ્યું. પણ રહી રહીને પાછો જીવમાં ચચરાટ થયો. ‘મારી ઉપરવટ જઈનઅ ચ્યાં કરસન નવું લાવઅ છઅ! છોનમાંઅ ઈનો વંશવેલો વધતો. ઊલટાનું અમારું ઘૈડપણ સુધરશી.’

ઓસરીમાં છોકરાં તોફાને ચડ્યાં હતાં. શકરી રોફમાં આવીને બારણા વચ્ચે ઊભી રહી ગઈ. છોકરાં શકરીનો રુઆબ જોઈને ફફડી ઊઠ્યાં. શકરીના રુઆબની ઐસીતૈસી. મહેશે ખધડૂક ખધડૂક કરવાનું ચાલુ રાખ્યું. શકરીએ આંખ કાઢી. તોય એ ઊભો ન થયો. પણ સામેના છેડા પર બેઠેલો દિનેશ શકરીની આંખથી ગભરાઈ ગયો. સામેના છેડા પરથી ઊભો થઈને દોડ્યો ને મહેશ પાટલા સમેત ભોંય પર પટકાણો. ઓસરીમાં હસાહસ થઈ પડી. મહેશ ખસિયાણો પડી ગયો. માંડ ઊભો થઈને બહાર નાઠો.

‘માનતું ન’તું તી’લે, લેતું જા!’ એમ બોલીને શકરી બહાર આવી.

પગ ઓટલા પર ટેકવી જેઠીના ઘર સામું જોવા લાગી. જેઠીની મોટી છોકરી હવે કંટાળી હતી. એ શકરીની પાસે આવીને ઊભી રહી. શકરી ચમકીને એની સામું જોવા ગઈ. ત્યાં એનો ખભો કુંભીને ભટકાણો. ‘હત્‌તારી…’ બબડીને ખભો પંપાળવા લાગી. પછી હાથની થાપટ કુંભી પર મારતાં બોલી: ‘આ કુંભીય હવા તો નડવા માંડી.’

શકરીને વાગ્યું તેથી જેઠીની છોકરી ખસિયાણી પડી ગઈ. એના માથા પર હાથ મૂકીને શકરીએ એને આખી હલાવી દીધી. જેઠીની છોકરી ખિલખિલાટ હસી પડી.

‘છોડી, શું છઅ તારઅ?’

‘તમી તો જૉણી સેવ વેણવી જ ના હોય, ઈમ ઊભાં સો. લોટ તો મહળવા માંડો!’

‘મહળું સું. તું પાટલો હમો કરઅ.’

શકરી ઘરમાં આવી. પછી લોટના થાળ સામે બેસી પડી. કામમાં ચિત્ત ચોટતું નહોતું. અનેક તર્કવિતર્ક ચાલતા હતા. પોતે નઘરોળની જેમ ઘરના ખૂણામાં ખાટલો ઢાળીને પડી રહે. કોઈની સામે એક હરફ પણ ન બોલે. કોઈ સહારો આપવા ધારે તોય પોતે કોઈની ઓથ પણ ન લે.

એ ફટાક કરતી ઊભી થઈ ગઈ. બારી વાટે વાડામાં જવાનું એને મન થયું ‘આ જેઠીય ચ્યમ હજુ દેખાણી નૈ!’ બબડીને પગ ઉપાડ્યા. દરમિયાન બિલાડીનાં બે બચ્ચાં કૂદકા મારતાં બારીએ થઈને વાડામાં જતાં રહ્યાં. શકરી એથી હતપ્રભ થઈ ઊઠી. વાડામાં જવા બારીની વચ્ચોવચ મૂકેલો પગ પાછો ખેંચી લીધો. લોટના થાળની આજુબાજુ ઉંદર આંટાફેરા મારવા લાગ્યા. બારીમાંથી પવન સુસવાટા મારતો આવ્યો. શકરીના મનની જેમ લોટ થાળની કિનાર પર ઘૂમરી લેવા લાગ્યો. એણે બારી આડી કરી લીધી. પછી લોટ મસળવા બેઠી. એ મસળાટમાં પોતે ગૂંચવાતી ચાલી. એની પછવાડે દુઃખની હેલી ચઢી હોય એવું એને લાગ્યું. પોતે જ પોતાનાથી ભૂલી પડી ગઈ હોય એમ ડોક આઘીપાછી કરીને જાણે ફાંફે ચઢી. બહાર છોકરાંની ધમાલ ફરી શરૂ થઈ હતી. લોટવાળા હાથે બહાર નીકળી.

‘હવઅ છાંના રો. આ જેઠલીય દેખાતી નથી. જાનઅ છોડી, ઈનઅ બોલાઈ લાય.’

છોકરી જેઠીને બોલાવવા દોડી.

પાછી શકરી લોટ મસળવા બેઠી. લોટના લૂંદા પર ઊંધાં આંગળાંની છાપ પાડતી-ભૂંસી નાંખતી-પાડતી-વળી ભૂંસી નાખતી ઝોલે ચઢી ગઈઃ ‘હાંજના કરસન નવીન લઈનઅ આવશીં. હું ઈમનઅ ઘીથી લથપથ સેવ ખવડાઈશ. નવી લાજની મારી થોડું ખૈનઅ ઊભી થવાનું કરતી હશી. ત્યાં હું ઈનઅ પરાણે બેહાડીનઅ હોંશે હોંશે ખાવાનું કીધા કરીશ. બધાંની આગળ કે’તી ફરશી; મારી શકરીબૈ એટલઅ કે’વું પડઅ. હગી બુનની જ્યમ મનઅ રાખઅ છઅ. પછઅ… થોડા મહિના વહી જાહએ. નઅ ઉવાં, ઉવાં – એ મલકી પડી. પછી તો લોટના લૂંદા પર વારંવાર પડતી – ભૂંસાતી આંગળાંની છાપનીયે ખબર ન રહી’ – લોટ ક્યારે મસળાઈ ગયો, ક્યારે ખાટલા ઢળાઈ ગયા. ક્યારે સેવ વણવા એ પાટલા પર બેઠી – ને ક્યારે સેવ વણાઈ ગઈ. એની કશી ગમ ન પડી. સેવ વણી વણીને એના હાથ સુંવાળા થઈ ગયા હતા. પાટલાની બે બાજુથી જેઠીની છોકરીઓએ સેવ ચાળેલી, એ બે છોકરીઓ વધેલો લોટ લેવા હજુ ઊભી હતી.

‘ચ્યમ ઊભી સોલી?’

‘કાચી, થોડો લોટ આલોનઅ.’

‘મનઅ ખબર છઅ. તમીં લોટ લીધા વન્યા નૈ જાવ.’

એ જેઠીની છોકરીઓને લોટ આપીને માંડ હળવાશમાં હતી, ત્યાં જેઠીને દીઠી. એણે ઠપકાભરી નજર જેઠી સામે નાખી. જેઠી હસતી હસતી એની બાજુમાં આવીને ઊભી.

‘અમારા ગોવલાનો તાળો આયો’તો, ઈમના માટઅ રોટલા ઘડવા બેઠી’તી, છોડીએ તનએ કીધું ન’તું?’

‘ના.’

‘હારું હેડ, મારી બે છોડીઓ તો તારા ખપમાં આયી.’

‘ઠીક હવઅ મારા ભૈ. છોકરાંને કોમ છોકરાં જેવું. ખાદલીઓય ચ્યાં હારી પાડી છએ? ખાટલામાં જ જોનઅ. બધેય ઢગલા જ દેખાય છેઅ નઅ?

જેઠીને કાનની બૂટ પકડવી પડી.

‘સેવ હૂકઈ જઈ હોય તો લઈ લે હવઅ ઘરમાં!’

‘એટલી વારમાં ચ્યાંથી હૂકઈ જાય? હાંજે રાંધવાની છઅ. છો તડકે તપતી.’

‘હા ભૈ હા. પાછા કરસનભૈના તાજામાજા કરવા પડશી નઅ.’

‘આવું તીં શું બોલતી હશીં. જા, તારઅ પાછું મોડું થાઅ.’

જેઠી જવાનું કરતી હતી. શકરીને યાદ આવ્યુંઃ

‘રાતે મારી જોડે ઊંઘવા આયે તું?’

‘હા આયીશ.’

જેઠી ગઈ. શકરી એકલી પડી. સાંજ ક્યારે પડે એની રાહ જોવામાં વસમું પડી ગયું. સુકાયેલી સેવ કોઠીમાં ભરવામાં એણે સાંજ પાડી દીધી. વાસમાં ખાસ્સે અંધારું ઊતરી આવ્યું હતું. શકરીએ સેવનું આંધણ ચૂલા પર મૂકી દીધું. પછી એ કુંભી પર હાથ ટેકવી ફળિયાના નાકા તરફ જોવા લાગી. ‘કરસન ચાણઅ આવશીં’ રટણ ચાલતું હતું. બે-ત્રણ વખત આ રીતે રાહ જોવા છતાં કરસન અને એની સાથે ગયેલાનાં દર્શન ન થયાં, એટલે કંટાળી. ‘આંય ઊભા રે’વું જ નથી.’ મનમાં બબડીને એણે કુંભી પર હાથ પસવારી લીધો. ઘરમાં જવાનું કરતી હતી ત્યાં કરસનનો રસાલો નવી વહુ લઈને આવી પહોંચ્યો. કરસન સૌથી આગળ હતો, ને ખુશખુશાલ લાગતો હતો. એની સામે જોઈને શકરીનું મોં પડી ગયું. તોય એ તો નવી વહુને પોંખવા દોડી. વાસનાં બૈરાં ભેગાં થઈ ગયાં હતાં. બધાંની વચ્ચેથી અલોપ થઈ જવાનું શકરીને મન થયું. પણ લોકલાજે એણે નવી વહુને ઘરમાં ઘાલી. રાતે બહુ મોડો પરવાર આવ્યો. શકરી કરસન જોડે વાત કરવાનો લાગ શોધતી હતી. મેળ ન પડ્યો. વાસનાં બૈરાં ખાઈ-પીને બેસવા આવ્યાં. બધાં નવીની આજુબાજુ ગોઠવાઈ ગયાં. પુરુષોય આવ્યા. શકરી બહાર દોડીને કરસન સામું જુએ, કુંભીએ હાથ ટેકવીને ઊભી રહે, પણ બધાને જોઈને કુંભીથી આગળ વધી જ ન શકે. અણજાણપણે કુંભી પર હાથ ફેરવાઈ જાય, ને તરત જ પાછી ઘરમાં આવતી રહે.

ને સરભરામાંય કરસન સાથે વાત કરવાની નવરાશ ન મળી. જમવા ટાણે થોડી વાત થઈ શકત. પરંતુ એ વખતેય જેઠી અને બીજી બે-ત્રણ સ્ત્રીઓ જોડે હતી એટલે એ મૂંગી રહી હતી.

હવે સાચે જ એ રોષે ભરાઈ હતી. એને કશું ગમતું નહોતું. સ્ત્રીઓ બધી ઘરમાં બેઠી હતી. એમની વચ્ચેથી ઊઠીને એ ઓસરીમાં આવી. જોયું તો લીમડાની નીચે ખાટલામાં બેઠેલા પુરુષો વચ્ચે કરસન ઠિઠિયારા કરતો હતો. શકરી ઓશિયાળી થઈ ગઈ. કરસન એનાથી દૂર ઠેલાતો ગયો. આંખે અંધારાં આવતાં હતાં. ઘરમાં શોરબકોર વધી પડ્યો. શકરીને લાગ્યું કે વાતાવરણ સાવ સૂમસામ હોય અને પોતે એકલી જ લવ્યા કરે. ઓટલીની ધાર પર પગનું પવાલું ઘસતાં ઘસતાં એને છાતીમાં ઘસારો પડતો લાગ્યો. એક હાથ ડાબા પડખે ફરવા લાગ્યો. કરસન હવે હસીમજાકે ચડ્યો હતો. હસવા જતાં કરસનનું પહોળું થતું જડબું કરીને બિહામણું લાગ્યું.

એ હડફભેર ઘરમાં ગઈ. ફાનસની શગ ધીમી થવા માંડી હતી. અડોશપડોશમાં ફાનસનાં અજવાળાં હોલવાવા માંડ્યાં હતાં. સ્ત્રીઓ હવે એક પછી એક ઘેર જવા માંડી હતી. જેઠીની છોકરીઓ સાથે નવી ઝીણા સાદે વાતોએ વળી હતી. શકરીને જોઈને એણે મોં પર ઘૂમટો તાણી લીધો. શકરીને નવી વહુનું મોં જોવાનું મન થયું. પોતે રંગ-રૂપે ઊઘડતી છે એની તો સહુ વાતો કરે છે. નવી કદરૂપી હોય તો કેવું? એ ધીમે પગલે પટારા બાજુ વળી. પટારો ખોલ્યો. બધું હેમખેમ હતું. કોઠી પર ફાનસ જળતું હતું. બારીમાંથી પવન આવતાં ફાનસની જ્યોત થરકતી હતી. એનો થરકાટ સામેની દીવાલ પર અથડાતો હતો. શકરીએ બારી આડી કરીને ફાનસનો થરકાટ અટકાવી દીધો. ઘરમાં હજુ થોડી સ્ત્રીઓ બેઠેલી હતી. એમણે શકરીની ડામાડોળ હાલત જોઈને મજાક પણ કરી લીધી. પછી ‘હેંડો’લી!’ કહીને ઊઠી, એટલે શકરીને હાશ થઈ.

જેઠી ઓસરીમાં ઊંઘવાની હતી. એ તો નિરાંતે બેઠી બેઠી શકરીની હિલચાલ જોઈ રહી હતી. બહાર પુરુષોમાંય હવે તો ખાસ કોઈ બેઠું નહોતું. કરસન લીમડા નીચે આડો થયો હતો. ખાટલાની પાંગથે બેઠેલા બે ભાઈબંધો ગપાટા મારતા હતા. કરસનને એમાં રસ નહોતો. એની નજર વારેઘડીએ ઘરમાં જતી હતી. થોડી વારે ‘બેસ તાણઅ!’ કહીને બંને ભાઈબંધો ઊભા થઈ ગયા. કરસનને એ ગમ્યું. દરમિયાન કરસન આંખો ઉઘાડવાસ કરતો બારણું સોંસરવો બધી હિલચાલ જોઈ રહ્યો હતો. શકરી બધું રાચરચીલું ગોઠવવામાં પરોવાઈ. જેઠી ખાટલા ઢાળતી હતી. જેઠીને ગોદડાં આપતી ઊંચી પાતળી અને સહેજ ગોરાવાનની નવી વહુને જોઈને કરસના તળેઉપર થઈ ઊઠ્યો.

વાતાવરણમાં અંધારું ઘેરું થતું જતું હતું. એની કાલિમા શકરીના મુખ પર છવાઈ ગઈ હતી. એની આંખો ઉઘાડવાસ થયા કરતી હતી. નવીને ઘરમાં મૂકીને જેઠી અને એ બહાર ઓસરીમાં ખાટલે આડાં થયાં. કરસન ઓસરીમાં થઈને પસાર થયો ત્યારે શકરી હલબલી ઊઠી. દોડીને કરસનનો હાથ પકડી લેવાનું મન થયું, પણ કોણ જાણે એ રોકાઈ ગઈ. કરસન ધીરે રહીને બારણું ખોલી ઘરમાં પ્રવેશ્યો ત્યાંથી માંડી એનો પદરવ શમી ગયો ત્યાં સુધીની ક્રિયાઓ શકરી કાન દઈને સાંભળવા મથતી હતી. જેઠી તો થોડી વાર વાતો કરીને નાકોડાં બોલાવવા માંડી. ત્યાં ઘરમાં માટલી ખખડવાનો અવાજ આવ્યો. શકરી ખળભળી ઊઠી. જાણે પોતે પાણીનો પ્યાલો કરસનને આપી રહી ન હોય! માટલાથી ખાટલા સુધી પગરવ સંભળાયો. થોડી ગુસપુસ પણ સંભળાઈ. ‘ઓત્તારી, આ તો…’ શકરીના મનમાં ગૂંચવણ ઊભી થઈ ગઈ. પણ મન મક્કમ કરીને પડી રહી. વિચારો વારેઘડીએ ઊથલો મારતા હતા, ‘એ મનઅ પૈણીનઅ લાયો તાણની પે’લી રાત અનઅ આ નવી હંગાથેની પે’લી રાતમાં કાંય ફરક ખરો?’ એ ખાટલામાંથી બેઠી થઈ ગઈ.

હૃદય ધમપછાડા મારતું હતું. પલાંઠીની પકડ છૂટી કરીને પગ ભોંય પર મૂકવા માટે સહેજ ખસેડ્યો. મન પાછું થયું: ‘મેલનઅ સાલ મારી બૈ! તારી હંગાથે જે થ્યું એ જ ઈની હંગાથે થવાનું છઅ. તનઅ વળી આ શું ભમતિયો હાલ્યો છઅ.’ એણે પગ પાછો ખેંચી લીધો. ખાટલામાં આડી થઈ. જેઠીના ખાટલા સામું મોં કરીને પડખું ફરી. જેઠી તો ઘસઘસાટ ઊંઘતી હતી. ‘છઆ કાંય ચિંત્યા ફકર? નઘરોળની જ્યમ એવી ઘોળઅ છઅ!’ થોડું મરકીને એણે જેઠીના ખાટલા તરફથી નજર ખસેડી લીધી. ઊંઘ આવતી નહોતી. આંગળી વડે ગોદડા પર કશું ચિતરામણ કરવા લાગી. જાણે ચિતરામણમાં ભૂલ પડતી હોય તેમ દોરે અને હથેળી વડે ભૂંસી નાંખે. એમ કરવામાં મન થોડું વિસારે પડ્યું. પણ પાછો ઘરમાં એકદમ હસવાનો અવાજ એને સંભળાયો. ને એના કાન સરવા થઈ ગયા.

‘ના, ના. મારા કરતાં કાંક વધારે…’

એ આગળ વિચારી શકી નહિ. ચત્તી પડીને અંધારામાં જેમતેમ આંખો ફેરવવા લાગી. ત્યાં વળી એના મનમાં પાછો વિચારોએ ઊથલો માર્યોઃ ‘ના, ના. કાંક તો ફેર હશીં જ હોં!’ એકદમ કૂદકો મારીને એ બેઠી થઈ ગઈ. જાણે એના પર કોઈ તરાપ મારી રહ્યું હોય એવું લાગ્યું. ધીરે રહીને એણે ભોંય પર પગ ટેકવ્યો. ઊભી થવા કરતી હતી ત્યાં ફળિયામાં કોઈએ છીંક ખાધી. ‘આ અડધી રાતે વળી કુણ ટપકી પડ્યું પાછું?’ એણે પગ પાછો ખેંચી લીધો. અંદર વાતો ધમાકાબંધ શરૂ થઈ હતી. શકરીના કાન બધું સાંભળવા માટે સરવા થયા હતા. પણ મન ગૂંચવણમાં હતું તેથી કશું સંભળાતું નહોતું. એને થયુંઃ ‘આંય હું લઠ્ઠા જેવી બેઠી હું તોય મારા વાલાં શરમાતાંય નથી.’ એને ધ્રાસકો પડ્યો. આ વખતે તો ઝડપભેર પગ નીચે મૂકી દીધા. ફરીથી છીંક ન થઈ, એથી રાજી થઈને ચંપાતા પગલે ચાલવા લાગી. ફાનસનો ઉજાસ બારણાની તિરાડમાંથી બહારની દીવાલ પર લીટી પાડતો હતો. શકરી બારણામાં તિરાડ સામે જોઈ મલકાઈ ઊઠી. એકાએક ઘરમાં વાતો થતી બંધ થઈ ગઈ. શકરીએ નિરાંતનો શ્વાસ લીધો. એણે ઝડપથી બંને આંખો બારણાની તિરાડ પર ગોઠવી દીધી. એનાથી રહેવાતું નહોતું. આંખો ખેંચી ખેંચીને જોવાય એટલું એ જોવા મથતી હતી. નવી ખાટલામાંથી ઊઠીને પાછી પાણિયારા તરફ વળી. કરસન ખાટલામાં બેઠો બેઠો નવીની રાહ જોતો હતો. ‘જોનઅ આ, ચેવો લાગ જોઈનઅ બેઠો છઅ…’ એ વિચારોમાં ખોવાઈ ગઈ. ‘નવી હવએ સાડલો કાઢશીં. પછએ કરસન ઈનો હાથ ખેંચશીં. નવી પે’લાં તો આનાકાની કરશીં. પછી ખિલખિલાટ કરતી કરસનના ખોળામાં ઢળી પડશીં. પછી –’ ખરાખરની ઘડી આવી ગઈ હતી. જે જોવા એ તલપાપડ હતી. એનું હૃદય જોરશોરથી ફફડવા લાગ્યું.

નવી પાણી પીને, કરસનની સામે ખંચકાઈને ઊભી રહી ગઈ. કરસન એનો હાથ પકડીને સાડલો ખેંચવા લાગ્યો. શકરીનો હાથ છાતી પર મુકાઈ ગયો. પરસેવે રેબઝેબ પણ થઈ ગઈ. ફફડતા હૃદયે એણે નવી સામે જોયું. નવી લાજથી મોં છુપાવીને દોડતી દોડતી ફાનસ પાસે પહોંચી. ફાનસનો ગોળો ઊંચો કરીને એણે ફૂંક મારી. શકરીની આંખે ઝાંઝામાંઝા થવા લાગ્યાં. એની આંગળી દાઢી પર આવીને અટકી ગઈ. એણે તિરાડમાંથી જોવા ફાંફાં માર્યા. કશું જ કળાતું નહોતું, બે હાથની મુઠ્ઠીઓ ભિડાઈ ગઈ. મુઠ્ઠી બારણા પર મારવા જતી હતી, પણ મનને વશમાં લઈને મુઠ્ઠી કપાળ પર પછાડી. નવી પર જાણે પારાવાર ખીજ ચઢી હોય તેમ એ બબડીઃ ‘મરે મૂઈ, નડી નડીનઅ તનઅ ફોનસ જ નડ્યું!’ એ ફફડતી ફફડતી ઓટલી પાસે આવી. ઓટલી પર પગ ટેકવીને અંધારામાં ઓગળી ગઈ હોય તેમ સૂધબૂધ ખોઈ બેઠી. ‘શું થ્યું હસી?’ એની વિમાસણમાં એનો પગ ઓટલી પરથી લસર્યો. આમ તો એ પડી જ જાત, પણ ઝડપથી એણે કુંભીનો સહારો લઈ લીધો.

(‘કુંભી’)