ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/ભણેલી વહુ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભણેલી વહુ

રઘુવીર ચૌધરી




ભણેલી વહુ • રઘુવીર ચૌધરી • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની

રામજી પટેલ કર્મઠ અને આખાબોલા ખેડૂત છે. જેવા એ એવાં એમનાં પત્ની ભલી. એક જ સંતાન, હરિ. દીકરો ભણવામાં હોશિયાર તે ઇજનેર થઈને મુંબઈની મોટી કંપનીમાં નોકરીએ લાગ્યો. પરણ્યો પણ પરનાતમાં. સગાંવહાલાં પહેલાંથી સલાહ આપતાં હતાં: છોકરો મૅટ્રિક થ્યો એ ઘણું કૅવાય. આવી સારી ખેતી છે, બાપદાદા વારાની બચત છે, ચરુ ભરાય એલા રાણીછાપ રૂપિયા નીકળ્યા હતા, તો નોકરીનો લોભ શું કામ કરો છો? એક વાર બેઠાડુ ને સુંવાળો થયા પછી કામ કરતાં એની કેડ્ય નહીં દુખે?

રામજી પટેલ સાંભળી રહેતા. મનોમન જવાબ મેળવી લેતા. ભણેલો માણસ કામચોર પણ થાય ને વધુ કામગરો પણ થાય. જે બળથી ન થાય એ કળથી થાય. છોકરો ભણતો ગયો ને દૂર જતો ગયો. ઇજનેર થયા પછી મુંબઈની મોટી કંપનીમાં જોડાયો. એ કહેતોઃ ‘મારે પરદેશ વસવા નથી જવું, પણ તક મળે તો આગળ વધેલા દેશ જોવા છે.’

માબાપ એના માટે કન્યા શોધતાં હતાં એ જાણતાં જ એણે કહેલું: એક છોકરીએ મને બોટી લીધો છે. એનાં માબાપ હા પાડે એટલી વાર. તમને મળવા મોકલીશ. એકલી આવે એવી છે. ઉંમરમાં સરખી ને ભણવામાં મારાથી આગળ છે. ‘માટીના બંધારણ’માં પીએચ.ડી. કરે છે. નામ છે શીલા.

હરિયો પરનાતમાં પરણીને ભણતર લજવશે એ બીકથી સગાંવહાલાંએ રામજી અને ભલીને સાંકડે લીધાં હતાં. થોડી જમીન-જાયદાદ વધારે એટલે નાતની સાડાબારી જ નહીં રાખવાની? શું આપણા ગોળની કન્યાઓને કાતરા ખાઈ ગયા છે? કે તમને નાતબાર મુકાવાનાં અરમાન જાગ્યાં છે?

રામજીને બીક ન હતી. નાતબાર મૂકવાની જોહુકમી કરનારા પંચાતિયા ઊકલી ગયા. હવે તો કાયદાનું રાજ આવ્યું છે. દીકરો કહે છે કે નાતજાતના ભેદભાવ લોકશાહી માટે સારા નહીં. એ સાચું જ કહેતો હશે ને? ભણીને ઇજનેર થયો છે, કંઈ આપણી જેમ ગમાર ઓછો છે? શું કહો છો હરિની મા?

ભલી ધીમે પણ અડગ અવાજે બોલેલાં: સગાંવહાલાં સારા અવસરે ન આવે તો એમની ખોટ આપણને એકબે દિવસ સાલે. પણ હરિને નાતના દબાણથી પરણાવી દઈએ ને ન કરે નારાયણ ને લાકડે માંકડું વળગાડવા જેવું થાય તો? કન્યા બરાબર ભણેલી હોય તો મુંબઈ જેવા શૅરમાં ભૂલી તો ન પડે! ખોટું કહું છું હરિના બાપા?

સગાંવહાલાં સમજી ગયેલાં કે આ બે જણાં લાંઠ છે, એકબીજાને પૂછે છે ને હામાં હા કરે છે. તો આપણે શું કામ સલાહ આપવી? સોનાની જાળ શું કામ પાણીમાં નાખવી?

બધાંને શીરો, મગનું શાક ને તાજી છાશ સાથે એક એક પાપડ પીરસીને ભલીબહેને ઉજવણીનો આરંભ કરી દીધો હતો. સલાહ આપનારાં ભાવતાં ભોજનની બીજી તક જતી કરવા રાજી ન હતાં. સારાસારી હોય તો કો’ક દાડો કહી શકીએ કે ઇજનેર હરિ અમારા સગામાં થાય.

લગ્નપ્રસંગ મુંબઈમાં ઊજવાયો હતો, શીલાનાં દાદીમાની હાજરીમાં. હરિએ માતાપિતા ઉપરાંત નજીકનાં સગાંને મુંબઈ તેડાવ્યાં હતાં. દરેકને આગવો ઉતારો આપ્યો હતો. ફોટા પાડવામાંથી કોઈને બાકાત રહેવા દીધાં ન હતાં.

વિદાય વખતે દરેકને ભેટસોગાદ મળી હતી. દરેકે વળતું ખાસ આમંત્રણ આપ્યું હતું: અમારે ત્યાં ક્યારે આવો છો? તમારાં કુમકુમ પગલાં પાડવા આવશો ને?

લગ્ન પછી હરિ અને શીલા ગામ આવી શક્યાં ન હતાં. પણ દરેકેદરેક સગાને લગ્નવિધિ વખતના એમની સાથેના ફોટા મોકલ્યા હતા. ફોટાની ફરતે રંગીન કાગળ ને એના ઉપર પરબીડિયું. અંદર ટચૂકડો કાગળ પણ ખરો. હરિ અને શીલાની ભાવભીની યાદી. સરનામામાંય ભૂલ નહીં. બધાં હરિની ચોકસાઈનાં વખાણ કરતાં હતાં પણ ભલીમાએ ફોડ પાડ્યોઃ મારો હરિ તો આળસુનો પીર છે. આ બધી કળા તો વહુની! યાદ છે તમને? લગન પછી વરઘોડિયાં પગે લાગવા આવ્યાં ત્યારે હરિ તો સમ ખાવા પૂરતું જ નમતો હતો… પણ વહુ? મારા પગના અંગૂઠાને અડકીને એણે આંગળીઓનાં ટેરવાં એનાં પોપચાંએ લગાડ્યાં. આપણે વિદાય થયાં ત્યારે પણ એ જ રીતે પગે લાગી. જરાય ચૂક નહીં. પાછી ભેટીને રડી. એ ‘મા’ કહીને બોલાવે ત્યારે લાગે કે સગી દીકરી તો શીલા છે ને એને લીધે હરિ અમને ઓળખે છે.

બંને મહિનામાસમાં ગામ આવવાનાં હતાં પણ હરિને કંપની તરફથી યુરોપ જવાની તક મળી. શીલા એકલી ગામ આવી પંદર દાડા રહેવા માગતી હતી પણ છેલ્લી ઘડીએ હરિ એને સાથે પ્રવાસમાં ખેંચી ગયો. કેવું બહાનું કાઢ્યું? અમને બધા ઇજનેરોને લખતાં ને નકશા દોરતાં આવડે પણ અંગ્રેજી બોલતાં બરાબર ન આવડે. શીલાને તો યુરોપની બીજી ભાષાઓ પણ સમજાય. અમારી કંપનીએ જ એને અમારી સાથે મોકલવાનું નક્કી કર્યું છે, જેથી અમે ભૂલા પડી ન જઈએ અને હેમખેમ પાછા આવી કામે લાગી જઈએ.

પ્રવાસથી પાછો આવ્યો ત્યારે પૂછ્યું તો હરિ કહેઃ શીલા તો માથે પડી. અમને મોજશોખ કરવા ન દીધા. અમે ભૂલા ન પડીએ એ એણે જોવાનું હતું એને બદલે આ તો અમને રોકતી હતી. એ ફિલ્મ ન જોવાય, નાગી છે. એ લત્તામાં ન જવાય, લૂંટાઈ જશો. બધા મનોમન બળતા હતા પણ શું કરે? એક વાર શીલાની આગેવાની સ્વીકારી પછી.

‘પ્રવાસનું તો સમજ્યા પણ અહીં ઘેર તો તને તારી રીતે જીવવા દે છે ને? તારો ભુલકણો સ્વભાવ, તારી આળસ – ‘રામજીભાઈએ ફોન પર પૂછેલું.

‘એની તો રામાયણ છે. સવારે છ વાગ્યે જગાડી દે. નાહીને મારે ગીતાનો એક અધ્યાય વાંચવાનો; ગુજરાતીમાં નહીં, સંસ્કૃતમાં. કોક અઘરો શ્લોક હોય તો અર્થ કહે. નહીં તો ઠપકો આપેઃ શેના ઇજનેરની પદવી લઈ બેઠા છો? જર્મનનો ટેસ્ટ આપી શકો છો ને ગીતા સમજાય એટલું સંસ્કૃત શીખી શકતા નથી? આજે બરાબર સમજી રાખો. કાલે અર્થ પૂછીશ. ભૂલ કરશો તો પરમ દિવસે પોણા છ વાગ્યે જગાડીશ… જાણે મારી ઊંઘ ઉડાડવા મને પરણી ન હોય! એની ઊંઘ ઓછી એમાં મારો વાંક? હવે તો એક વાર એને અહીં જાગતી મૂકીને મારે ગામ આવવું છે, ઊંઘવા માટે. દિવસેય ખેતરમાં જઈ લીંબડા નીચે ઊંઘી જઈશ.

તારી તબિયત તો સારી છે ને બેટા?’ – ભલીમાએ ચિતાથી પૂછ્યું. એમાં મને ખબર નથી પડતી, શીલાને આપું.’

સાસુમાને પ્રણામ પાઠવી શીલા કહે છે: ‘સવારે વહેલા જાગવાથી રાતે વહેલા ઊંઘ આવે. દસ પહેલાં ઊંઘી જવાથી મન-શરીર સ્વસ્થ રહે. તમે જ કહો મા, બાપા કેટલા વાગ્યે જાગે છે?

ભલીમા રામજી પટેલને પૂછે છે. પટેલ હસીને જવાબ આપે છે: ‘હવે તો આવતી કાલે જાગું ત્યારે ઘડિયાળમાં જોઈને કહું.’

‘એમાં વાંકું શું કામ બોલો છો? કહી દો ને કે દાડો ઊગે એ પહેલાં જાગું છું.’

‘પાંચેક વાગ્યે, ખરું ને?’ – શીલા સ્પષ્ટતા કરે છે. ‘બાપ કરતાં દીકરાને વધુ ઊંઘવાની છૂટ હોય એ ખરું પણ કેટલી? એક કલાક કે વધુ??

ત્યાં હરિ શીલા પાસેથી ફોન લઈ લે છે. માને કહે છે: ‘આને કોઈ નહીં પહોંચે. ત્યાં આવે ત્યારે તમનેય કાયદા ન શીખવે તો મને ફટ કહેજો.’

પછી તો શીલા સુવાવડ વખતે પિયર ગઈ. ખોળો ભરવાનો શુભ પ્રસંગ ઊજવાયો ત્યારે બધાં ભેગાં થયાં હતાં. પછી ભલીમા એક વાર એની ખબર કાઢી આવ્યાં હતાં. વેવાણ-વેવાઈને લાગ્યું હતું કે ભલીમા ગામડાગામમાં રહે છે પણ કેવાં ગૌરવશીલ છે! હરિમાં માબાપના ગુણ આવ્યા છે. ભણતરનું કે હોદ્દાનું અભિમાન જ નહીં!

શીલા પૂરા પાંચ માસ પિયર રહી હતી. હરિના નિત્યક્રમમાં અનિયમિતતા આવી ગઈ હોય એવું એને લાગતું હતું. પણ દયા આવતી હોઈ વહેલો જગાડતી. નહીં. એમ તો એ પોતે પણ ક્યાં અનિયમિત નહોતી થઈ ગઈ? દીકુ જાગે ત્યારે જાગવાનું ને ઊંઘવા દે ત્યારે ઊંઘવાનું. ક્યારેક એ ઘોડિયામાં જાગતો હોય ત્યારે સૂતાં સૂતાં રમ્યા કરે છે ને હોલાની જેમ બોલે છે, શીલાને ત્યારે રજા રહે છે. પણ નજર પડી તો જોયા જ કરે છે.

જિયારાના રિવાજ વિશે શીલા જાણતી હતી. પહેલી હુતાશણી— હોળી વખતે ગામ જઈ બાળકને પગે લગાડી આવવાની એની તૈયારી હતી. તેથી એક મહિના પહેલાં પિયરથી વિદાય લઈ પોતાને ત્યાં પહોંચી ગઈ હતી. માબાપે જિયારામાં દીકુને આપેલી ભેટસોગાદોથી એક આખો ઓરડો ભરાઈ ગયો હતો. જે શીલાના સ્ટડીરૂમ તરીકે ઓળખાતો હતો. હવે તો મારે દીકુનો જ સ્ટડી કરવાનો ને!

ખાસી અઠવાડિયાની રજાઓ લઈને હરિએ ગામ જવાનું આયોજન કર્યું હતું. પણ શીલાએ પાછા વળવાની તારીખ નક્કી કરવાની ના પાડી હતી.

‘કેમ? તારાથી ત્યાં અઠવાડિયું નહીં રહેવાય?’

‘વધારે રહેવું હોય તો? તમે તમારા એમ.ડી.ને કહી રાખો કે મારા દીકુને ત્યાં વધુ ફાવશે તો પંદર દિવસ પહેલાં પાછો નહીં આવું.’

‘મને વાંધો નથી, તને નહીં ફાવે. બધાને જવાબ આપતાં આપતાં તું થાકી જશે.’

‘તો મારા વતી મા જવાબ આપશે. હરિ, તમે એટલુંય સમજતા નથી કે દીકુને રમાડવાનું માને કેવું મન હશે? પેલી કહેવત ભૂલી ગયા? મૂડી કરતાં વ્યાજ વહાલું!’

‘પણ ત્યાં બીજી કહેવતોપણ પ્રચલિત છે. ભણેલી વહુના વાંક કાઢવા લોકોને નવરાશ મળતી રહેતી હોય છે. ખુદ મારા પિતાજી પહેલાં એક સાખી બોલતા:

ભણેલી પણ ભામિની, અજવાળી પણ રાત, ડાહ્યો પણ દારૂડિયો એ ત્રણની એક જાત.

એમાં ત્રીજું ચરણ તો બરાબર છે. તમારા જે મિત્રો બેસુમાર પીએ છે એમની ગૃહસ્થી વિશે તમે નથી જાણતા? અજવાળી રાત આપણા જેવા જુવાન માણસોને વધુ ગમે એ ખરું પણ સૂર્યના પ્રકાશ વિના ફૂલ-ફળ ન આવે એ તમે કયાં નથી જાણતા? આ સાખી રચાઈ હશે ત્યારે ભણેલી ભામિનીઓએ ફૅશન અને બિનજરૂરી છૂટછાટ પ્રત્યે રુચિ દાખવી હશે. પણ ભણેલી સ્ત્રીઓ છેક વેદકાળથી પ્રેરણા આપતી રહી છે. મધ્યયુગમાં સમાજમાં પૂર્વેની જાગૃતિ રહી ન હતી ત્યારે પણ ગંગાસતી જેવી ભામિનીઓ થઈ છે. તમારા પિતાજી ગંગાસતીનાં પદ ગાય છે એ જાણો છો ને! એ એમ.એ., પીએચ.ડી. ન હતાં, પણ કેવું જ્ઞાન બલ્કે આત્મજ્ઞાન! કેટલાક શબ્દોના અર્થ મારા કરતાં તમારા પિતાજી વધુ સમજે છે.’

‘તને શી ખબર?’

‘મેં એમની પાસે ગવડાવી આ કૅસેટ બનાવી છે.’

‘તારામાં આ બધા સંસ્કાર ક્યાંથી આવ્યા શીલા?’

‘શિક્ષણમાંથી અને માબાપના વારસામાંથી.’

‘તું મારાથી કેટલી બધી આગળ છે શીલા?’

‘આમ તો પાછળ છું. કમાઓ છો તમે ને ખર્ચું છું હું.’

‘ખર્ચે છે કે બચાવે છે?’

શીલા પતિ સામે જોઈ રહી. હરિ ભોટ તો નથી જ. બધું જાણે છે. એને મારા સ્વમાનની કેટલી બધી ચિંતા છે! પણ એને ક્યાં ખબર છે કે એ ખેડૂતનો દીકરો છે એ પણ એને પસંદ કરવાનું એક વધુ કારણ હતું. ગામમાં મને કેમ નહીં ફાવે? ત્યાં તો આખું ગામ એક કુટુંબની જેમ વર્તતું હોય છે. હું ભણેલી હોઉં તો આટલુંય જાણતી ન હોઉં?

જોકે વડીલોને પગે લાગવાની ટેવ એને નાનપણમાં પડેલી. પછી એ બહેનપણીઓને ખુલાસો કરતી. મારી જેમ તમેય નમશો તો કેડ પાતળી રહેશે. નહીં તો પરણ્યા પછી સુખમાં પડીને સમચોરસ થઈ જશો. પણ યાદ રાખો હું કસરત કરવાનું નથી કહેતી, નમવાનું કહું છું, ભાવભેર.

શીલાની આ ટેવને કારણે લોકો મોંમાં આંગળાં ઘાલી ગયાં. કહે છે કે પીએચ.ડી. થઈ છે તોય પગે લાગવાની ટેવ છોડતી નથી. રામજીભાઈનો હરિયો તો થાંભલાની જેમ ઊભો રહે છે. બે વાર પૂછીએ ત્યારે ઉતોર આલે.

આ વહુ તો પાછી રોજ સવારે મંદિરેય જતી હતી! આપણે તો વારતહેવારે ભગવાનનાં દર્શન કરવા જઈએ. આ તો ઊઠે એવી ઊપડે છે. જાણે ભગવાનને જગાડવા જતી ન હોય! ગામનાં કૂતરાંથી બીતી નથી.

શું કામ બીએ? ગામમાં આવી છે ત્યારથી કૂતરાંને ખાવાનું નાખે છે. ધુતકારતી નથી. વહાલથી ઓટલા પર ખાવાનું મૂકે છે. આંગણું એવું ચોખ્ખું રાખે છે કે કૂતરાંને ગંદું કરવાનું ગમે જ નહીં.

શીલાએ બધા વિધિ ઉમંગભેર કર્યા. પોતે જાણતી હોય એ અંગે પણ ભલીમાની સલાહ લઈને આગળ વધે. ફક્ત એક અપવાદ થયો.

વાસમાં એક યુવતી ગાંડામાં ખપતી હતી. આમ તો ઘરનું, ખેતરનું બધું કામ કરે પણ ભાભી સાથે વાંકું પડે કે કોઈ એને ગાંડી કહી અવગણે કે અપશુકનિયાળ માની રસ્તો ચાતરે એની સાથે એ વીફરે. થાકે તોય શાંત ન પડે. આખો પાયો ગજવે. સાંભળનાર માની લે કે આ ગાંડી જ છે.

એણે હોળીમાને પગે લગાડવા લઈ જતા હરિના છોકરાને દૂરથી જોયો હતો. નજીકથી જોવાનું મન હતું પણ ભલીમા એને ગાંડી કહી ઉંબરેથી પાછી વાળે તો?

વેળા પછી એણે ભલીમાને ખેતરમાં જતાં જોયાં હતાં. ગભરાતાં ગભરાતાં એમના આંગણા બાજુ વળી. એનો સંકોચ જોઈ શીલાએ આવકાર આપ્યો.

એણે બાબલા વિશે પૂછ્યું.

‘ઘોડિયામાં છે. જોવો છે? આવો.’

માથેથી રૂમાલ ખસેડ્યો ત્યાં દીકુએ આંખો ઉઘાડી. હાથ લંબાવ્યા. જાણે આ અજાણી યુવતીને અગાઉથી ઓળખતો ન હોય!

અને એને તેડતાં એ જે રાજી થઈ છે, રાજી થઈ છે!

ભગવાન તને સો વરસનો કરશે – એ એના લહેકામાં બોલતી જ ગઈ.

‘કશુંય લીધા વિના આવી છું ભાભી, શું આલું?’

‘આશીર્વાદ તો આપ્યા. બીજું શું જોઈએ?’

‘બઉ ડાયો થશે તમારો બાબલો. કેવો ટગર ટગર જુએ છે મારી હાંમે!’

તમે એનાં ફોઈ થાઓ એની એને ખબર પડી ગઈ લાગે છે.’

‘ખરું, એ ફરી આવશે ત્યાં હુદીમાં ઈના ઓલે ચાંદીનો ઘૂઘરો ઘડાઈ રાખીશ. ઘરમાં તો કોઈ મને પૈશોય આલે એમ નથી પણ પારકી મજૂરી કરીનેય એટલી બચત કરીશ.’

એનો ભાર ન રાખશો.’ – કહેતાં શીલાની નજર એના ફાટેલા સાડલા પર પડી. પોતાની સાડીઓમાંથી એકાદ આમને ગમે ખરી? હા, ગવન ગમશે.

અને એણે બૅગમાંથી ગવન શોધી કાઢ્યું.

‘બાબલાને મેલીને જવાનું મન થતું નથી પણ મારી ભાભી વઢકણી છે’ – કહેતાં એ દીકુને ઘોડિયામાં સુવડાવવા ગઈ. દીકુ રડ્યો. શીલાએ તેડી લીધો. એની સાથે બહાર આવી. ગવન ધરતાં કહે: ‘તમને આ શોભશે. તમારા ભાઈ તરફથી ભેટ.

પણ, કયા હકથી હું લઉં? લોક મને ગાંડી કહે છે.’

ખરેખર તો પોતાને બહુ ડાહ્યાં માનનારાં ગાંડાં હોય છે. તમે આ લેશો તો મને ખૂબ આનંદ થશે.’

અને ગવન લઈ, છાતીએ દબાવી ચોધાર આંસુ સાથે એ ‘ગાંડી’ ત્યાંથી નીકળી, ત્યારે શીલા પણ લાગણીમાં ખેંચાઈ ચૂકી હતી. એણે જોયું હતું: આ યુવતીને ગવન મળ્યાનો નહીં, દીકુને રમાડવાનો આનંદ વધુ હતો.

લોક ટોળટપ્પે વળ્યું હતું. કેટલાકે હરિને ફરિયાદ કરવાની રીતે કહ્યું: ‘તારી વહુએ તારા છોકરાને તેડવા દીધો પેલી ભાન વનાનીને? એને કંઈ ગતાગમ પડે છે કે નહીં?’

પડે છે. મારા કરતાં વધુ ભણેલી છે.’ [‘સાંજનો છાંયો’]