ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાવજી પટેલ/સગી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સગી

રાવજી પટેલ

આજે પણ આ તો આવી! સોનેરી સાડીમાં તે આકર્ષક લાગે છે. નં. ૧૦ મિ. શંકર હજી બપોરની ઊંઘમાં હતો. આગંતુકા ચૂપચાપ સ્ટૂલ પર બેઠી, સાડીના છેડાથી મોં લૂછ્યું. મને રોષ થઈ આવ્યો. સાડીના પાલવથી મોં લૂછતી પત્નીને મેં છસાત વખત ધુતકારી કાઢી હતી – એ યાદ આવ્યું. પછી એણે થેલી ઉપાડી, અવાજ ન થાય એટલી કાળજીથી એ થેલીમાંથી દ્રાક્ષ, દાડમ, પપૈયું અને સંતરાં કાઢતી હતી. આખો વૉર્ડ ઊંઘતો હતો. મને દિવસે તો ઠીક પણ રાત્રે પણ નિદ્રા નથી આવતી. આગંતુકા સોનેરી ઝાંયમાં આકર્ષક લાગતી હતી. આ બે મહિનામાં તે બાવીસમી વખત ખબર જોવા આવી. આ જ તો મને મનમાં થતું જ હતું કે ઊંઘનું ઝોલું આવી જશે. કાલે મને ઊંઘ આવત પણ અકારણ ચિંતા ઊપડી આવેલી. મને વળી એ પણ થયેલું કે નં. ૧૦ની પત્ની (સાચી વાતની ખબર આજ સવારે પડી. એ બન્ને હજી પરણ્યાં નથી; પરણશે.) આવશે તો બેય જણ વાતોમાંથી ઊંચાં નહીં આવે. ને મને ઊંઘ નહીં આવે. આજે પાછું મને થયું કે – આ બેઠી છે તે આજ તો નહીં જ આવે; કેમ કે હોળીના દિવસોમાં કદાચ એને ગાવું પડશે. આજે સદ્ભાગ્યે મને ઊંઘનું ઝોલું આવત. પણ દુર્ભાગ્યની વાત એ બની કે ગઈ કાલે માવઠું થયું ને પરિણામે મને શરદી થઈ ગઈ. શરદીથી ગભરાઉં એવો નથી પણ પાછી મને એક ચિંતા થઈ – ચિંતા એ થઈ કે… જો પાછી, એણે ફરીથી પાલવથી મોં લૂછ્યું! સ્ત્રીઓને અમુક તમુક કુટેવ તો જતી જ નથી, ગમે તેટલું લઢો ને. એણે થેલીમાંથી કોરાં પોસ્ટકાર્ડની થોકડી કાઢીને, સાચવીને પાંજરા પર મૂકી. આટલાં બધાં પોસ્ટકાર્ડ શા માટે લાવી છે? પત્રની વાત આવી ત્યારે મને પાછું સાંભર્યું. આજે સવારે નં. ૧૦ ચાનો ગ્લાસ સ્ટૂલ પર મૂકી પત્ર વાંચતો હતો. હું સમજુ માણસ છું એટલે કોઈની ટીકા નથી કરતો. પણ આમ ખુલ્લી ચા રાખીને આવોય વાંચવા મંડ્યો છે તે બરાબર નથી. બાજુવાળા દર્દીઓ ખાંસી ખાય છે, હવામાં અસંખ્ય જંતુઓ હોય છે, ટાઢો ચા ન પીવો જોઈએ. મારાથી તોય બોલ્યા વગર ન રહેવાયું.

‘પહેલાં ચા પી લો શંકર, પત્ર કંઈ ટાઢો નહીં થઈ જાય.’

નં. ૧૦નો ચહેરો સવારે પ્રફુલ્લ હતો. એણે અનુત્તર સ્મિત કર્યું. પછી પ્યાલો મોઢે બોટી લીધો. વાચન તો ચાલુ જ હતું. મને સાધારણ ચીડ ચડી. આખો વૉર્ડ શાંત હતો. દૂર એક કૂતરું કાન ટપટપાવતું હતું. પછી ટૅસમાં આવી જઈને બેઅઢી સેકન્ડ સુધી ભસ્યું. આગંતુકા ચપ કરતી ઊભી થઈ. કૂતરાને બોલ્યા વગર હાંક્યું. પછી ધીમેથી સ્ટૂલ પર આવીને બેઠી, વૉર્ડ આખોય બપોર ઓઢીને સૂતો હતો ને એણે સાડીના પાલવથી પાછું મોં લૂછ્યું ને મને એ ન ગમ્યું. મેં બેઠા થઈને પાણી પીધું, બે દિવસ પહેલાં દાંતથી કરપેલો નખ મેં ફરી કરપ્યો. મારો રોષ ન ઘટ્યો. ક્ષણાર્ધ માટે હું ભૂલી ગયો કે હું પોતે એક સમજુ માણસ છું. મને પાછી ચિંતા થઈ. અનાયાસ મારી દૃષ્ટિ બહાર ગઈ. વાદળાં હતાં. માણસ છું. મને પાછી ચિંતા થઈ. અનાયાસ મારી દૃષ્ટિ બહાર ગઈ. વાદળાં હતાં. કાલની જેમ જો આજે માવઠું થશે તો ફિકર વધી પડશે. કમોસમી માવઠું આવે એ ઘઉંના પાકને નુકસાન પહોંચાડે. ફિકર કેવળ મારા એકલાની નથી, સમસ્તની છે. ખેડૂતનો પુત્ર છું એટલે મને આવી ચિંતા જલદી થાય છે. આ તો હું સમજુ માણસ છું. કોઈને કંઈ કહીએ તો એને બાપડાને ખોટું લાગે. એનું મન કોચવાય એટલે કહેતો નથી. અરે, પણ આ બાઈ કેટલું લાવી છે? સાબુ નથી મળતો કંઈ… આટલા બધા સાબુ શું કરવાના? એ ઝાઝો સમય મૂંગી બેસી શકતી નથી; બહુ બોલકી છે. આ ત્રેવીસમી વખત આવી છે. એ ઊઠી, કાચના ગ્લાસ લઈને સાફ કરી – વીંછળી – પાણી ભરીને પાંજરા પર મૂક્યા. એની રિસ્ટવૉચમાં જોયું. એને થયું હશે હવે બધા ઊઠશે. બધા ઊઠે તો મિ. ૧૦ પણ ઊઠે. બહુ બોલકી ક્યારની ચૂપ બેસી રહી છે! ગયા અઠવાડિયે આવી ત્યારે એણે મિ. ૧૦ને કહ્યું હતું.

‘તમે ડૉક્ટરને કહેતા કેમ નથી કે રજા ક્યારે મળશે?’ એણે ધીમેથી ગોદડા નીચેથી મૅગેઝિન કાઢ્યું. નિદ્રસ્થ મિસ્ટરનું મોં જોયું. પાલવથી પરસેવો લૂછ્યો. અને બેદરકારીથી પાનાં ફેરવવા માંડ્યાં. પાનાં ફેરવવાનો અવાજ મારા કાને સ્પષ્ટ આવતો હતો. જો હું ઊંઘી ગયો હોત તો મૅગેઝિનનાં પાનાંથી થતા અવાજથી અવશ્ય જાગી ગયો હોત. પણ મને ઊંઘ નથી આવતી. ગઈ કાલે બિનજરૂરી માવઠું થયું ત્યારે રાત્રે ખૂબ ઠંડો પવન ફૂંકાયો હતો. મને એ વખતે એક સામાન્ય ચિંતા થઈ હતી. સંભવ છે કે કમોસમી માવઠાને કારણે કમોસમી હિમ પણ પડે; ને ઘઉંના પાકને હિમ તો ભારે વસમું. મને શરદી થઈ. મારા ખેતરમાં દર વર્ષે આ ઋતુમાં ઘઉં વઢાતા. એની રક્ષા માટે સતત માણસને રહેવું પડે. બાપુજી જરીયે નવરા નહીં રહેતા હોય. આગંતુકાએ ખાલી થેલીથી મિ. ૧૦ના શરીર પર બેઠેલી માખીઓ ઉરાડી. બાપુજી જરીયે નવરા નહીં રહેતા હોય. ખભે-ગળે ગોફણ વીંટાળીને બોર નીચે ઊભા ઊભા મારી ચિંતા કરતા હશે. એમના સમવયસ્ક મિત્રો જો ભેગા થયા હોય તો એવાય ઝાલ્યા ના રહે. ખેતરમાંય દોસ્તીને ચગાવે, પોંક પાડે, વોરાની દુકાનેથી ઝીણી સેવનું પડીકું ભાઈ દ્વારા મંગાવે; પોંક અને સેવનું મિશ્રણ તો ભાઈ ગજબ! મિત્રો વચ્ચે જૂનીનવી ઊકલે, વટ પડે, ત્યાર પછી; મૈત્રી કોનું નામ? ઘઉંનો પોંક કાઢીને આપવા ઇચ્છતી હોય એમ મિ. ૧૦-ની વાગ્દત્તાએ ટહુકો કર્યો…

‘એય! એય…’

મારું ધ્યાન ત્યાં જ જતું રહ્યું. મને લાગ્યું હું ખૂબ માંદો પડતો જાઉં છું. હું ઊઠ્યો. પાંજરું ખોલ્યું. હાંફવું મને ગમતું હોય એમ બે મિનિટ સાંભળવા લાગ્યો. બામની શીશીમાંથી બધી જ ટીકડીઓ હથેલીમાં કાઢી. ગણી… આઠ. પરમ દિવસે સાંજે મળેલી આ ઊંઘની ટીકડીઓ બિલકુલ અસર વગરની છે. મેં પાછું આગંતુકા સામે જોયું. ન જોયા જેવું જોયું. એ બહુ બોલકી છે.

‘મને સાલું ઊંઘ નથી આવતી.’ એવું સમજુ માણસથી કહેવાય. એણે પરસેવો લૂછ્યો. આ વખતે મને ચીડને બદલે ગમ્યું. ઊંઘ લાવવા માટે છેવટે બધું ગમવું જોઈએ. એ ખરું કે માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ. ત્યાં તો – ઘઉંના ખેતર પર પંખીઓનું એક બૃહદ વૃંદ ઝૂમી આવ્યું હોય એમ મિ. ૧૦ સફાળો બેઠો થઈ ગયો!

‘ક્યારે આવી?’

‘ક્યારનીય.’

‘બેઠી રહી એમ ને એમ? જગાડ્યો પણ નહીં?’ હું તો મૅગેઝિનના મુખપૃષ્ઠ જેવો અવાચક થઈ ગયો. પેલીને તો જીભ છે કે વંટોળે ચડેલાં પાંદડાં? પીન ચડી. કનુભાઈથી માંડીને ઇચ્છાગૌરીની વાતો – સંભારણાં. આ પરણશે ત્યારે પણ આટલી જ વાતો કરશે? સાવ મુગ્ધ છે આવોય.

‘દ્રાક્ષ માટે મારા ભાઈને ચાર ધક્કા ખવડાવ્યા. ન મળી. મોટી બહેન પણ બજારમાં ધક્કો ખાઈ આવી. છેવટે હું આવતી વખતે ભાવનગર ઊતરી પડી. ત્યાં સરસ દ્રાક્ષ મળે છે. સોનેરી છે એટલે બી વગરની છે. નર્યો રસ જ.’

‘શું કરવા લાવી? મેં તો અમસ્તું જ લખ્યું હતું.’

‘તમે અમસ્તું લખ્યું’તું તો હું અમસ્તી જ લેતી આવી.’ ભારે બોલકી! સામાન્ય દ્રાક્ષ વિશે આવી વ્યર્થ વાતો કરવાની શી વળી? મેં પંદર દિવસ પર વૉર્ડબૉય પાસે દ્રાક્ષ મંગાવી હતી. બીજે દિવસે દ્રાક્ષ તો ન લાવી શક્યો બિચારો; પણ દોઢ રૂપિયા માટે કગરી પડ્યો. આખા સોનગઢમાં ક્યાંયે દ્રાક્ષ નથી. દ્રાક્ષ શોધવામાં માણસને ખૂબ મુશ્કેલી પડી હતી. બિચારાની વહુને વિપત આવવાની હતી. એને પિયર વળાવવા આમ તો બાર રૂપિયા જોઈએ પણ દોઢથી શરૂઆત થાય તો બાર પૂરા થાય એમ એની પવિત્ર અભીપ્સા હતી. દ્રાક્ષ ન ખાવાથી લોહી થતું અટકી નહીં જાય અને એ એવી છટાથી ડગરી પડ્યો કે દ્રાક્ષ લાવ્યો હોત તો વધારે ખાટી લાગત. માનવકલ્યાણ અર્થે સમજુ મનુષ્યની લક્ષ્મી વપરાય એમાં જ સોનેરી દ્રાક્ષનો સાચો સ્વાદ સમાયેલો છે એવું એના દલિત ચહેરા પરથી મને લાગ્યું. એના ગયા પછી છત પર દ્રાક્ષનો માંડવો રચાયો હતો એ મારે નોંધવું જોઈએ. માનવસ્વભાવ સ્વાદીલો હોય એવું સમજીને હું પડ્યો રહેલો.

‘તમે કાગળમાં લખેલું કે –’ ને મારું ચિત્ત દ્રાક્ષની લૂમ જેવી વાતચીત તરફ જતું રહ્યું. નં. ૧૦ ‘હંઅ બોલ’ કહીને હસ્યો.

‘તારે કંઈ ઘરેણું ખરીદવું હોય તો હું બાપુજીને લખું. આ વાંચીને મારું મન ભરાઈ આવેલું. મને રડતી જોઈને પપ્પાએ પૂછેલું: ‘કેમ રડે છે? એના કંઈ ખરાબ સમાચાર તો નથી? ત્યારે મેં મૂઈએ કહી દીધું કે –’ મિ. ૧૦ ખડખડ હસી પડ્યો. ‘જાવ, નથી કહેવાની.’

‘શું કહ્યું’તું તેં? તું ગાંડી છે; વડીલોને આપણી વાતો ન કહેવાય.’

‘તો તમે કેમ લખ્યું? પપ્પાએ પણ તમારી મશ્કરી કરી.’

‘શું બોલ્યા’તા?’ કાનથી જ માત્ર નહીં. આંખોથી, અંગોથી એને સાંભળવા (તે) ઉત્સુક થયો.

‘મોઢું ધોઈ આવો પહેલાં.’ એ દાડમ કાઢતાં બોલી. ‘પરણ્યા પહેલાં મને ઘરેણાં પહેરાવવાં છે. બહુ ઉતાવળા. પછી જાણે આપવાના જ નહીં હોય.’

હું ખૂબ ચિંતિત છું. દર્દીઓને વારંવાર કસમયે મળવા આવતાં એમનાં સગાંસંબંધીઓને મળવા માટેનો કોઈ ચોક્કસ સમય રાખવો જોઈએ. આવી ગોષ્ઠિથી દર્દીને ઊંઘ ન આવે. માનસશાસ્ત્રને લગતો આ પ્રશ્ન છે. આવા અજ્ઞાની વહાલેશરીઓને એમાં સમજ ન પડે. મિ. ૧૦ એને જોઈને હસતો હતો. સ્પુટમના પાત્રમાં જ કોગળા કરી દીધા. ધિસ ઇઝ વેરી બેડ. મોં ધોવાની આ સભ્ય રીત ન કહેવાય.

‘આપણે ત્યાં વરસાદ પડ્યો હતો કે?’

નંબર ૧૦ના આ પ્રશ્નથી મારાથી બારીમાં જોવાઈ ગયું. આકાશ ચોખ્ખુંચટ હતું. મેં કલ્પનાદૃષ્ટિથી દીઠું કે અમરગઢનું આકાશ ભલે ચોખ્ખુંચટ હોય પણ મારા ગામનું આકાશ વાદળોથી છવાયેલું હશે. બસ આ જ ચિંતા સમગ્ર દુઃખી માનવને જળોની જેમ વળગેલી છે. મારા ગામમાં મારાં પ્રિયજનો કમોસમી વાદળોને જોઈને વ્યાકુળ થઈ ગયાં હશે. ઓચિંતા ચારપાંચ કાળોતરા નાગ બારણા વચ્ચે ફેણ માંડતા ડોલતા હોય એવું મારી દુઃખી પત્નીને લાગતું હશે. આંખમાંથી પટ પટ પટ દ્રાક્ષના નાના નાના દાણા ખરતા હશે. મા ઘરમાંથી બહાર આવતીક આકાશ ભણી સચિંત નેત્રો માંડતી બબડતી હશે – ઘઉં કાપવાના છે ને આ માવઠું પડું પડું થાય છે નખોદિયું! – અને પછી ઘરમાં આવીને એની વહુ ભણી જોઈને ફરી બબડશે; અલબત્ત, મનમાંઃ શું કરીએ બેટા, ઘઉં ઊછર્યા છે જ માવઠાં નીચે ને તું એની ચિંતા ન કરતી. એની તબિયત – આ બધું અઢી મિનિટ લગી મારી ક્ષયગ્રસ્ત આંખમાં એકત્ર થાય છે અને પછીની ક્ષણોમાં તે થરમૉમીટર, સોડિયમ પાસ, સ્ટ્રેપ્ટોમાઇસીન અને પ્રોલાઇપો બની જાય છે. વધે છે તે બે-ત્રણ માખી થઈને વારંવાર સજલ ચહેરા (નેત્ર) પર બણબણે છે. મનમાં મુઠ્ઠી વાળીને મેં ધક્કો માર્યો. ઘેર માવઠું થયું જ નહીં હોય. થયું હોત તો અવશ્ય પત્ર આવે. ઘઉંને નુકસાન થાય ને બાપને ચિંતા ન થાય એવું બને જ નહીં. મને આધ્યાત્મિક ઊભરો આવ્યો એનું કારણ આગંતુકા શ્રી કૃષ્ણનો ફોટો લાવી છે તે છે.

મેં થોડી ક્ષણો આંખો વાસી દીધી. અર્જુનને કુરુક્ષેત્રની ભૂમિ પર ઉપદેશ આપતા મહાત્મા કૃષ્ણનો એક શ્લોક રટવા લાગ્યોઃ

विहाय कामान्यः सर्वान्पुमांश्चरति निःस्पृहः। निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ।।

હું નાનો હતો ત્યારથી જ અહંકારી મટી ગયો છું. એટલે એ દોષથી જન્મતી થોડીક અશાંતિ તો નથી થતી. પણ બીજાં ચરિતર સ્વાદિષ્ટ ફળની છાલ જેવાં છૂટાં ન પડે એવાં છે. હે મારા કૃષ્ણ પરમાત્મા, આ સૅનેટોરિયમમાં સોનેરી વસ્ત્રો તું ફરકાવે છે તે દયા કરીને પાછાં સંકેલી લે. પ્રાર્થના પૂરી કરી આંખો ખોલું છું તો સાંભળું છુંઃ

‘પરમ દિવસે – રાત્રે ઊંઘમાંથી લાગલી ઝબકી ગઈ હતી.’

આ સ્ત્રીએ નિર્મોહી થવું જોઈએ. ત્યાં સુધી એને શાંતિ પ્રાપ્ત નહીં જ થાય. એ દાડમ છૂટું કરવામાં મગ્ન થઈ ગઈ. થોડી વાર નથી બોલતી એ જાણે અણગો થતો હોય એવું મને લાગ્યું. મારી પત્ની આવી રીતે કામમાં મગ્ન નથી થતી. એ અત્યારે કદાચ મારા નાના ભાઈ સાથે ખેતર સાચવવા ગઈ હશે. બેય દિયર-ભોજાઈ ગમ્મત કરતાં હશે. મારો નાનો ભાઈ એને ઉખાણાં પૂછતો હશે. એક ઉખાણું મને લગતું થઈ જશે ને કદાચ એથી વ્યાકુલ થઈને તેણે બોરડીની ડાળ પર બેઠેલો પોપટ બતાવ્યો હશે. ઘણી વખત દુઃખી માણસો ન જોવા જેવું જોતાં હોય છે. બીજાની વાત જવા દઉં; મારી જ વાત કરું. બધા દર્દીઓ બગીચામાં બેઠા હતા, સોમો ઘરની વાત કરતાં કરતાં વેપારની વાતે ચડીને રોગની વાત કરતો હતો ત્યારે મેં રામફળી નીચે પડેલું પોસ્ટકાર્ડ સૌને બતાવેલું. આ પોસ્ટકાર્ડ આવી રીતે રામફળી નીચે ઝાંખરામાં પડ્યું છે તે કોનું હશે વારુ? પછી તો અમે ખૂબ હસેલા… ખૂબ. મને તો પેટમાં સણકો ઊપડેલો. ને મેં પત્ર વાંચેલો. માત્ર બે જ વાતો હેરવીફેરવીને લખેલી. ચિંતા કરશો નહીં અને કાગળ લખશો. મારી નજર નંબર ૧૦ ભણી ગઈ. એ કંઈ હવે બાબો નથી તે જાતે નખ ન કાપી શકે! કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે કે લેંઘાનો ચીરો સાંધતાંય ‘એને’ ચીડ ચડે. નખ કાપતાં કાંપતાં પણ એની જીભ ચાલ્યા કરે છે.

‘તમારા હાથમાં હવે રતાશ આવી ગઈ છે.’ મેં નહોતી ઇચ્છા તોય મારા હાથ જોઈ નાખ્યા. ‘બિલકુલ મારા હાથ જેવી જ રતાશ! તમે હસો નહિ તો એક વાત કહું!’ મારા કાન સરવા થઈ ગયા. આ બે જણ જાણે ઘઉંના ખેતર વચ્ચે લપાઈને બેઠાં છે.

‘કહે.’

‘મેં બાધા માની છે.’

પેલો ખડખડ હસી પડ્યો. મને ચીડ ચડી. આ સ્ત્રી સાવ ઑર્થોડૉક્સ છે. દેખાવે મૉડર્ન લાગે છે. એના મોંમાંનો ‘બાધા’ શબ્દ ઘઉંના ખેતર વચ્ચે (ન હોય એવા) બાવળિયા જેવો લાગે છે.

‘કોની બાધા રાખી છે?’

‘દાવલશા પીરની.’

‘પીરની?’ ફરી પાછો મૂર્ખો હસી પડ્યો. મને સમજાતું નથી આમાં હસવાનું ક્યાં – શું આવ્યું? મારા માસ્તરસાહેબની માએ અંબાજીની બાધા રાખી ત્યારે એવાય થોડું થોડું હસ્યા હતા, પછી કહેતા હતા – મા, મને તો ચાર દિવસથી મટી ગયું, તું બાધા રાખે તે પહેલાં.

‘તમને તદ્દન સારું ન થાય ત્યાં લગી હું ઘી નહીં ખાઉં. સાજા થશો ત્યારે પીરના સ્થાનકે લાડવા જમાડીશ.’

મને પેલી વાત સાંભરી ऋणम् कृत्वा घृतम् पिबेत्! સ્વાસ્થ્ય ટકાવવા માટે ઘી તો જરૂરી છે. હાઉએવર ધિસ લેડી ઇઝ ઑર્થોડૉક્સ. શી હૅઝ નો કૉમન સેન્સ. એ ચપ્પુ ધોવા ગઈ એટલે અવકાશમાં મિ. ૧૦ મારી સાથે વાતે વળગ્યો.

‘સ્ત્રીની જાત ખૂબ લાગણીશીલ. મેં એને અમસ્તું જ લખ્યું ને એ કષ્ટ વેઠીને પણ દ્રાક્ષ લેતી આવી.’ શિષ્ટતા ખાતર મારે બોલવું પડ્યુંઃ

‘તમે ભાઈ, સદ્ભાગી છો.’

નજીક આવતાં આ સાંભળી ગઈ. તરત જ બોલીઃ

‘અને હું શું દુર્ભાગી છું?’ નં. ૧૦-ને ઉદ્દેશીને કહ્યું, ‘તમને એકલાને સદ્ભાગી કહ્યું ને મને તો એમણે કહ્યું જ નહીં! હજી કુંવારી છું એટલે?’ ને હસતાં મને પૂછી બેઠીઃ

‘તમે પરણેલા છો કે કુંવારા?’

આવી રીતે સીધો જ પ્રશ્ન કરવામાં મને તે ગ્રામ્ય લાગી. તોય મેં જો એને ઉત્તર આપ્યો તો મારે અસત્ય નહોતું બોલવું જોઈતું. સભ્ય થઈને પૃચ્છકને બનાવું એમાં વિવેક ન ગણાય. એ એની આદત અને પ્રીતિને લીધે વારંવાર મળવા આવે એનો મારા ચિત્તમાં અંશમાત્ર પ્રતિભાવ ન પડવો જોઈએ. આશરે સવા મિનિટ આ જાતતપાસ ચાલી. મહાન પુરુષની જેમ મેં નિર્દોષ સ્મિત કર્યું. ગૌતમે ફોટામાં પલાંઠો વાળ્યો છે એમ પલંગમાં બેઠો. સાચી વાત ઉચ્ચારવા મારી જીભ કેમે કરી તત્પર ન થઈ એનો વિષાદ ચહેરા પર આવ્યો હોય એવું ચિત્તમાં થયું. જ્ઞાની માણસ જો બ્રહ્મની સ્થિતિ પામે તો તેને કદાપિ ઉદ્વેગ નથી થતો એવું વિચારી પ્રયાસ મોકૂફ રાખ્યો. મોકૂફ ન રાખત પણ પેલી સ્ત્રીએ દાડમના દાણા ખાવાનો મને આગ્રહ કર્યો. જેટલી ત્વરાથી હથેલીમાં દાણા પડ્યા એથી બલકે એથીય બમણી ત્વરાથી ચિત્તમાં સંમોહ થયો. શ્રીકૃષ્ણે અર્જુનને કહેલું એથી ઊલટું થયું. સંમોહથી સ્મૃતિ નાશ થવાને બદલે સ્મૃતિના દાણાથી ચિત્ત છલકાઈ ગયું. મને ચિંતા થઈ એમ મારે કહેવું જોઈએ. ગઈ કાલના માવઠાની મારા ઘઉં પર માઠી અસર થઈ હશે. મને પત્ર લખવાનું પણ તેઓ વીસરી ગયાં હશે. મને લગતું ઉખાણું બાંધેલું ને બાંધેલું જ જીભ પર રહી ગયું હશે.

‘લો દ્રાક્ષ પણ ચાખો.’ ઘરવાળાંએ કાળજીથી ઊભા ઘઉંને કાપી કાપી બચાવી લીધા હોય એવી શાંતિ થઈ. મને એ જ ક્ષણે મારી ભૂલ સુધારવાનું મન થયું, પણ કેમે કરી જીભ ન ઊપડી.

‘તમે કદી બોલતા નથી, આજે બોલ્યા એ સારું થયું, ઓછું બોલે તે સારું જ બોલતા હોય છે. દ્રાક્ષ મેં સાફ કરી છે.’ હું દાડમ-દ્રાક્ષ ખાવા લાગ્યો. મને દૂરનો એક પસ્તાવો થયો. નજીવી બાબતમાં પત્નીને મેં ધુતકારી કાઢી હતી. દ્રાક્ષ-દાડમ ખાતાં ખાતાં મને શુંય થઈ ગયું કે હું થોડોક લવારો કરી ગયો.

‘મેં આ રીતે કદી દ્રાક્ષ નથી ખાધી. આવી રીતે દાડમમાં લાગણી મને પહેલાં નહોતી મળી. પહેલાં હું ખૂબ દુઃખી હતો. આ રોગથી મને આ ક્ષણે લેશમાત્ર દુઃખ નથી થતું કેમ કે દ્રાક્ષના દાણામાં તમે મને સુખ થાય એવું ઔષધ આપ્યું છે.’

બારીમાંથી ઠંડો પવન આવતો હતો. તે પવન મારા ગામની દિશામાંથી આવે છે. બનવાજોગ છે કે મારા બાપુજી બધાંની સાથે બેઠા હોય. ઉંબરની પેલી તરફ લાજ કાઢીને ચિંતનિની બેઠી બેઠી આગંતુક સમયની કાળજી લેવાની મનોમન પ્રતિજ્ઞા લેતી હશે. ભીની આંખોમાંથી માવઠું હજી ખસ્યું જ નહિ હોય. અરે, આ શું? આ કેમ આમ ઊભી ઊભી ચૂપચાપ પાલવનો છેડો મોં તરફ લઈને – શું થયું બિચારીને? મિ. ૧૦-ને બોલવાનું લગીરે ભાન નથી. નજીવી બાબતમાં પત્નીને ધુતકારી કાઢવાનો ભાવ બહુ વહેલો આને થયો હશે. આ તો હજીય પાલવના છેડાથી આંખો લૂછે છે! મિ. દશે એને કશુંક ચિંતાજનક કહી નાખ્યું હશે. એ વાચાળ કદી રડવાની જ નહોતી, તે અત્યારે મચ્છરદાનીનો સળિયો પકડી ઊંચું પણ જોતી નથી. ને વૉર્ડના જંગલી માથામારુઓ પૂછાપૂછ કરવાની તૈયારીમાં લાગી ગયા છે. ઠંડો પવન વાતો હોય ત્યારે સૌએ ઓઢીને સૂઈ જવું જોઈએ. બધાને આમ કુતૂહલ ન થવું જોઈએ. જો આ ઘરમાં ઉંબરાની પેલી તરફ એકલી એકલી આંસુ સારતી હોય તો બારસાખ પણ ચડતી કીડી પણ ન જાણી શકત.

‘અલ્યા ભાઈ, તમે આને સમજાવો ને, પાંસળીનું ઑપરેશન કંઈ ગંભીર નથી હોતું. આટલી સમજુ થઈને આ–’

મેં પાંસળીના ઓપરેશનની સરિયામ સફળતા ઉપર પંદર મિનિટનું માવઠું ઠલવ્યું. હું સાક્ષાત્ શ્રી પરમ નરમ પરમાત્મા જ હોઉં એમ તેણે મારા ચહેરાને જોયો. સંતુષ્ટ થતી હોય એમ સ્ટૂલ પર બેઠી. એને એમ હશે – જે બોલતો નથી તે બોલે તો સારું જ બોલે. ને હું સારું બોલ્યો હતો એમાં શંકા નથી. ગૌતમની છટાથી વાળેલો પલાંઠો ખોલી નાખ્યો અને હું મિ. ૧૦-ના પલંગ પાસે ગયો. સંકોચ વગર હાથ લંબાવતા કહ્યુંઃ

‘મને દ્રાક્ષ આપો.’ એ દ્રાક્ષ આપતી હતી ત્યારે મારાથી બોલાઈ ગયું.

‘તમે સાચે જ સદ્ભાગી છો.’

એ હસી પડી.