ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન શાહ/છોટુ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
છોટુ

સુમન શાહ

બપોરે હંસા ઘરમાં એકલી હોય છે. છોટુને આની ખબર છે. હંસા બારણું ખોલે ન ખોલે ત્યાં તો ‘સાએબ છે કે…?’ કરતોકને માળો સીધો દાખલ જ થઈ જાય છે! મેં હંસાને ઘણી વાર કહેલું છે કે, ‘બપોરે તું એકલી હોય ત્યારે બેલ વાગે કે તુર્ત જ બારણું ખોલવાની ઉતાવળ ન કરવી.’ પણ એ હંમેશની ઉત્કંઠ હોય છે બારણે આવેલા કોઈ પણ માનવબાળનું સ્વાગત કરવાને. હંસા, સદાની આતુર એવી, મારી જરીક ભોળી પત્ની છે. છોટુ નથી જાણતો કે એ આમ અવારનવાર મારા ઘરમાં ગરી જાય છે તેની મને ખાસ્સી ખબર છે. દાખલ થઈને સીધો હોહા શરૂ કરી દેવાનો : ‘કેમ જેન્તીભૈસાએબ નથી?

હજી નથી આવ્યા? મને એમ કે આવી ગયા હશે. શું ચાલે છે આજકાલ? મજામાં તો છો ને?’ જવાબમાં ‘કેમ કાંઈ ખાસ કામ હતું?’ કહેતી હંસા પાણીના સ્વચ્છ ગ્લાસમાં, જેને હું ‘ક્રિસ્ટલ ક્લિયર’ કહું છું, તેમાં ફ્રિજનું ઠંડું પાણી ધરી એને પૂછે છે. હંસાને એવું છે કે બધાં જ માણસોને હંમેશાં મારાં મહત્ત્વનાં જ કામ હોય છે!

પણ એમ નથી હોતું. છોટુની વાત કરું :

છોટુ, સાલો, મેં બરાબર માર્ક કર્યું છે, આમ અપાતા ગ્લાસનો હંમેશાં ગેરલાભ લઈને હંસાનાં આંગળાંને પોતાનાં સ્પર્શે એવું અચૂક કરે છે. મારી ગેરહાજરીમાં કેટલો આગળ વધતો હશે એ તો રામ જાણે, પણ મારી હાજરી હોય ત્યારે તો એને એમ કરતો મેં વારંવાર નોંધ્યો છે.

જરા માંડીને કહું :

છોટુ લાંબો પહોળો માણસ છે. પડછંદ કાયાનો. થોડો ગોરટિયો પણ ખરો. છ-સાત માસ પર આકસ્મિક જ એની ઓળખાણ થઈ ગઈ અમારે. મોટે ભાગે સફારી પહેરે છે.

આવા આડેધડ વધી ગયેલા તડબૂચો મને હંમેશાં ઇડિયટ જેવા લાગ્યા છે. હું હોઉં ત્યારે કેવું કરે છે એ જુઓ :

આવતોકને સોફામાં બેસી – બેસી શું – લંબાઈ પડે. ઘણી વાર તો ટિપૉઈ પર પગ પણ લંબાવી દે – જાણે એના બાપનું ઘર હોય! ‘ચા-પાણી કરશો ને?’ રસોડા તરફ જતાં હંસા રીતસર ટહુકતી લાગે. ‘બેસો બેસો, ભાભી.’ છોટુએ ક્યારથી હંસાને ‘ભાભી’ કહેવું શરૂ કરી દીધેલું તે મને ઘણું ઘણું વિચાર્યા પછી પણ યાદ આવ્યું નથી – ’બેસો, વાત કરો ને, શું ચાલે છે? મારી તે કાંઈ મહેમાનગતિ કરવાની હોય!’ હંસાને સામે બેસાડવા ઊંચો થયેલો છોટુનો હાથ એ બેસે પછી જ હેઠો પડે. એ પણ એકદમ કહ્યાગરી થઈ, પાલવ સરખો કરતી, સોફામાં સામે બેસી જાય છે – એના સફેદ દાંત દેખાય એવું ખુલ્લું હસતી. ‘સફારી તમને સરસ લાગે છે, છોટુભાઈ.’ મારા આશ્ચર્ય વચ્ચે હંસા આવું કાંઈક બકી બડે. ‘એ… એમ! ‘ સફારી તરફ જોતાં એનું એકાદું બટન રમાડતો છોટુ એકદમ ખુશ થઈ બોલે : ‘તમને ગમ્યું એટલે બસ!’ મને થાય : ‘તમને’ એટલે કોને? કોને કોને? એ વિચારે, છોટુ હવે નવી શી વાતો કાઢશે તેની વિમાસણમાં હું એની ચેષ્ટા નીરખતો રહું. ‘ભલે, કાંઈ નહીં તો પાણી તો પીઓ’ કહીને હંસા સહસા ઊઠીને, ગ્લાસ લઈ પાછી ફરે ને છોટુને ધરી રહે. લંબાઈ પડેલો એ બેઠો થાય ને એની કટેવ પ્રમાણે હંસાનાં આંગળાંને સ્પર્શ કરતો કરતો જડથાની જેમ ગ્લાસ લે – ’ટિપૉઈ પર ઠોકી દેતી હોય તો’ – એવું એક આખું વાક્ય મારા મોંમાં સમસમી ઊઠે, પણ બોલું નહીં. પાણી છોટુ, હંમેશાં થોડુંક જ પીતો હોય છે. એને ખબર નથી કે આ બધું રજેરજ છપાય છે મારા મગજમાં. ઊપસેલી જાડી લીલી નસોવાળાં એનાં કાંડાંને તેમજ ટૂંકાં પણ પહોળાં નખવાળાં એનાં જાડાં આંગળાંને હું બરાબર ઓળખું છું – એનાં એ આંગળાં મને જો એકલાં પણ મળે ને તોપણ ઓળખી કાઢું.

એ અડબંગને એમ છે કે આ જેન્તીલાલ ભોટ છે! પણ હાળાને એક દી તો… પણ શું એક દી તો? એનાં શું આંગળાં કાપી નાખવાનો? કાંડું તોડી નાખવાનો? શો સ્વાદ ચખાડવાનો’તો એને, માથું?! — હંસા જ જ્યાં રિસ્પૉન્સ આપે છે તે! ગ્લાસ ટ્રેમાં લાવતાં શું થાય છે એને? બધું ટ્રેમાં જ લાવવાનું હોય ને? ટ્રે તો નાનીમોટી બેચાર વસાવી છે! વચમાં એક વાર મેં એને કહેલું : “તમે – ગુસ્સે થાઉં ત્યારે ક્યારેક હું એને ‘તમે’ કહું છું – ટ્રેનો ઉપયોગ કરવાનું રાખો. આમ હાથોહાથ સારું નથી લાગતું, એ દેશી રીતભાત છોડો હવે,’ ત્યારથી હંસા કોઈને પણ ચાનો કપ કે પાણીનો ગ્લાસ ટ્રેમાં જ આપે. પણ મારા આશ્ચર્ય વચ્ચે ઘણા પ્રસંગે પાછી ભૂલી ગઈ હોય, છોટુના કિસ્સામાં આબાદ રીતે ભૂલી જ ગઈ હોય! કેવું કહેવાય? શું સમજતી હશે એના મનમાં? મને થાય કે હંસાને સાવ ભોળી માનવી તે કદાચ ભૂલ થાય…

છતાં? છતાં કહું? હંસા એકદમ નિખાલસ છે, બિલકુલ સાફ દિલની. નહિતર મને ખબર પડે જ શી રીતે કે બપોરે હમણાંનો છોટુ અવારનવાર ટપકી પડે છે? ઑફિસેથી આવું કે તુર્ત જ હંસા કહે : ‘આજે તમારો પેલો છોટુ આવ્યો’તો. એની રિક્ષા આપણા ઘરની જરા આઘે બગડી ગઈ એટલે એને થયું કે ચાલો મળતો જઉં. મેં તો કહ્યું એને : ‘તમારા ભૈ આ ટાઇમે તો ન જ હોય ને ઘરમાં?’ તો કહે કે ”હા-હા, એની તો ખબર છે મને. પણ હંસાભાભીને મળવા ન અવાય અમારાથી?’ મને તુર્ત જ છોટુની ઝીણી આંખો ઝીણી છે, મોટા ચહેરામાં બિયા જેવા – પ્રશ્ન બનીને હંસાની આંખોમાં મંડાયેલી દેખાય. હંસાએ શો જવાબ આપ્યો હોય? – ’અવાય અવાય, કેમ નહીં વળી?’

એનો સ્વભાવ જ એવો છે. ખરે જ. હંસાએ પણ માર્ક કર્યું છે કે પંદર-વીસ દિવસના આંતરે, કાં તો બુધવારે કે ગુરુવારે છોટુ ટપકે છે : ‘કાલે બુધ ને? પેલો આવવાનો!’ – એમ કહેતી હંસા હવે તો મને ઠીક ઠીક અકળ લાગવા માંડી છે : એમનું બધું ગોઠવેલું તો નહીં હોય ને!

એક વાર ‘વીજળીઘર’ પાસે રોડ ક્રૉસ કરતાં મને છોટુ મળી ગયો. હું ‘ઍડ્વાન્સ’ ભણી જતો’તો ને એ બાજુથી આ તરફ આવતો’તો. મને જોઈને ‘વીજળીઘર’ની ફૂટપાથે મારી જોડે પાછો ફર્યો : ‘જવાય છે, રસ્તામાં વળી ક્યારે ભેટો થવાનો હતો તમારો? શું ચાલે છે જેન્તીભૈ? કોઈ દી નહીં ને આજે એકલા કેમ? હંસાભાભીની તબિયત તો સારી છે ને?’ સાલાને ‘હંસાભાભી’ બોલતાં મોંમાં આઇસક્રીમ પડ્યાનું સુખ થતું લાગે છે – મને થયું. પછી જૂઠું જ કહેવાનું મન થયું કે ‘હા, દવા લેવા જ જઉં છું હંસાની’ – પણ પછી ચમકારામાં જ સમજાઈ ગયું કે આમ કહેવાથી તો પહાડ જેવડી ભૂલ કરી બેસવાનો! આ ગધેડાને એવું ના કહેવાય. એટલે મેં તો, આમતેમ જોતાં ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં. દરમિયાનમાં ટ્રાફિક પાછો બંધ થઈ ગયેલો. એટલે તો, છોટુ, જલદી ઊખડે જ શાનો મારાથી? મને સામું પૂછવાનું મન થયું : તમે કેમ એકલા નીકળ્યા છો, છોટુભાઈ? પણ એવું કશું પૂછવું તે પણ ભૂલનો બાપ જ ઠરે! સ્ત્રીઓની કશી પણ વાત વચમાં લાવ્યા વિના જ આની જોડે પતાવવું સારું : ‘ચાલો નીકળું ત્યારે, ફરી મળશું પાછા.’ પણ છોડે તો છોટુ શાનો? ‘આ સન્ડે ઘેર છો ને?’ મેં કહ્યું : ‘ના, સૂરત જવાનો છું.’ ‘ઓહોઓ! એમ! કાંઈ નહીં, મળશું ત્યારે તો, ફરી કોઈ વાર… આવજોઓઓ,’ કહી પાછો ‘એ આવજો જેન્તીભૈ’ ઉમેરતો છોટુ ગયો. મને શી ખબર કે જૂઠું નહીં, પણ સાચું બોલવું એય આ દુષ્ટના દાખલામાં તો ગંભીર ભૂલ જ ઠરશે! સોમવારે રાતે સૂરતથી પાછો આવ્યો કે તુર્ત જ હંસાએ હંમેશની જેમ એકદમ જ સમાચાર આપ્યા : ‘છોટુ આવ્યો’તો, સન્ડે સન્ડે કરતો’તો…’ ‘થયું કે સન્ડેની રજા છે એટલે તમને બન્નેને મળાશે.’

‘એ સાલીનો સમજે છે શું એના મગજમાં?’ મારો પારો અચાનક જ ઊંચે ચડી રહ્યો’તો. સૂરતનું મારું કામ પણ પતેલું નહીં એટલેય ચિડાયેલો હતો :

‘કૂતરાને કીધું’તું તો ખરું જ કે હું નથી. સૂરત જવાનો છું! હવે તો આ રાસ્કલને કંઈ ને કંઈ સ્વાદ ચખાડવો જ પડશે…’

‘મને એ નથી સમજાતું હંસા, કે આવા બોથડોને આપણે કયા કારણે ચલાવી લઈએ છીએ?’

હંસા કંઈ જ ન બોલી. હું ક્રોધથી ત્રમત્રમ થઈ રહ્યો – કપડાં બદલતો, આંટા મારતો. એની ચુપકીદી મને ભેદી લાગી. થોડી વારે હંસા ઠાવકાઈથી બોલી, ‘તમે એને સાચું કીધું જ શું કામ?’ પછી હસીને ઉમેર્યું : ‘ભૂલ તમારી નથી?’ હંસાના મોં પરનું હાસ્ય એની મોટી મોટી આંખોમાં ચમકતું મને ગમતું’તું, છતાં મેં રાડ પાડીને કહ્યું : ‘હસે છે શું? તું દર વખતે આ વાતમાં હસે છે કેમ? તને કહી દઉં હંસા, મારી ભૂલ ના કાઢીશ, કદી પણ ના કાઢીશ… અને હા, તને એ પણ કહી દઉં છું?’

મારો અવાજ સાચે જ બહુ ભારે – મોટો થઈ ગયેલો – ’આવું બધું હું ઝાઝું ચલાવી લેવાનો નથી, સમજી?’

પણ મનમાં આવેલું એ ભારે વાક્ય ન બોલતાં જુદું જ બોલ્યો : મારો સૂર મારી જાણ બહાર સમજાવટના સૂરમાં સરી પડેલો : ‘તને ખબર નથી હંસા, આ માણસ જરીયે ભરોસાપાત્ર નથી.’

આ ક્ષણે હંસાની આખી ફિગર મારી સમક્ષ દેખાવડી પૂતળીની જેમ ઊપસી રહી – ’હજી તું ઘણી આકર્ષક છે’ એવું બોલવાની મારી પૂરી ઇચ્છા હતી, પણ એવી ઇચ્છાને આ ટાણે બળપૂર્વક દબાવીને મેં એટલું જ કહ્યું : ‘તું ચેતજે – આવા લફંગાઓની કોઈ વાર દાઢ સળકે ને, તો ભારે પડી જાય આપણને, કોઈ દિવસ કશું અઘટતું થઈ જશે ને – ’

અને નહોતું ગમતું છતાં બોલી નાખ્યું:

‘…તો જીવવું ભારે થઈ પડશે… દુનિયાને મોઢું નહીં બતાવાય મોઢું… રોજ કેવા કેવા કિસ્સા બને છે, ખબર છે ને તને? – આ વખતે હંસા મારો બગડેલો મૂડ પામી ગઈ હોય કે પછી મને સાંભળતી જ ન હોય એમ એની સાડીના છેડાથી ફ્રિજનું હૅન્ડલ ઘસી-ઘસીને ચમકતું સાફ કરતી’તી. એણે એક દૃષ્ટિ સીધી ત્યાંથી મારી આંખોમાં ફેંકી ને પાછી હોઠમાં હસવા લાગી. ‘અરે યાર, હસે છે શું આ વાતમાં?’ હંસાના આ અકળ હાસ્યથી અંદરથી હું ખરેખર ગભરાઈ ગયેલો, ને એનો ભેદ પામવા અધીરો બની ગયેલો એટલે ‘યાર’ એમ લાડ ઘાલીને બોલ્યો’તો.

‘હસું ના તો શું કરું? તમે કેટલું બધું લાંબું વિચારો છે? શું બોલતા હશો – દુનિયાને મોઢું નહીં બતાવાય…! છોટુ તો એક સામાન્ય માણસ છે, ખરેખર તો વલકૂડો છે – ’

‘શાનો વલકૂડો? તું બચાવ ન કર, હંસા! મારા વિચારો ઊછળી પડશે પછી – તને કહી દઉં, મારું માથું ફાટે છે આ વાતે…!’

… … …

‘ક્યાંથી ભેટી ગયો ઇડિયટ… જીવનમાં મને…?’

એમ હું ધીમો પડું છું ત્યાં હંસા પૂછવા લાગી: ‘તમને વિશ્વાસ નથી મારામાં?’ અને મારા જવાબની પરવા કર્યા વિના જ બોલવા લાગી : ‘ખોટો બળાપો કરો છો તમે, તમે ઘરમાં ના હોવ ને કોઈ બે ઘડી આવ્યું, તેમાં આટલો બધો વલોપાત શો?’ – કહી મને ટાઢો પાડવા લાગી.

‘ના હંસા, વિશ્વાસનો સવાલ નથી. પણ આ ”કોઈ’ નથી, છોટિયો છે!’ – ’જાડી આંગળીઓવાળો’ એમ ઉમેરવાને બદલે બોલ્યો : ‘આવા ઉંદેડા ધીરે ધીરે આગળ વધતા હોય છે’ …‘તને કશી ખબર નથી પડતી, હંસા. તું સાવ ભોળી છે, અથવા – …’

‘બોલો બોલો…?’ – અથવા ‘બધ્ધી ખબર પડે છે, બોલો, ઘણી હોશિયાર છે તું!’ – કહી હંસાએ મારું અધૂરું વાક્ય પૂરું કર્યું. આ ક્ષણે હું જરા લેવાઈ ગયો. એવો હેબતાઈ ગયો કે શું બોલવું તે જ સૂઝ્યું નહીં. મેં જોયું કે એ ઝડપથી બેડરૂમમાં ચાલી ગઈ’તી. એ રિસાય તો દેખાઈ જ આવે, કેમ કે હંસા કશો પણ મનોભાવ છુપાવી શકતી નથી…

આખી રાત અમે એકમેકથી ખોવાયેલાં અને ચૂપ પડી રહ્યાં કે ઊંઘ્યાં તે મને યાદ નથી.

પણ સવારે ઊઠીને ચાના ટેબલ પર મેં નવેસરથી વાત ઉપાડતાં કહ્યું : ‘હંસા, આડીતેડી વાત જવા દે, પણ આ આમ પરક્યો છે તે ખોટું નથી? આપણા ઘરમાં આ ચાલે ખરું?’ મને થયું, ‘શું ચાલે?’ એમ બૂમ પાડીને હંસા ઊકળી પડશે, પણ ધીમેશથી ત્રુટક સ્વરમાં બોલી : ‘ખો…ટું તો… છે જ… પણ શું થાય?’ હંસા છૂટી પડે છે કે વાતને વજૂદ વિનાની ગણી પડતી મૂકવા ચાહે છે તે મને નથી સમજાતું. ઘણી વાર એ ઘણું ગૂંચવાડિયું બોલતી હોય છે. ચાનો છેલ્લો ઘૂંટડો મોંમાં જાણે ઠાલવી દેતી હોય એમ ઉતાવળ દાખવતાં હંસા ઊભી થઈ ગઈ.

‘ગમે તેમ પણ આનું કાંઈક કરવું જોશે, સ્પષ્ટ કહી દેવું પડશે એને.’ પિવાઈ રહેલી ચાનો પ્યાલો હડસેલતાં હું બોલ્યો.

‘એવું થોડું કહેવાય છે કે મારી ગેરહાજરીમાં મારે ઘેર ના આવશો?’ મારાં કપરકાબી ભેગાં કરતાં મારી સામે જોયા વિના જ હંસા પૂછી રહી.

હંસાની આ વાત પણ એટલી જ સાચી છે – છોટુને સ્પષ્ટ કહેવું? સ્પષ્ટ શું કહેવું છોટુને?

હંસાએ પછી તો એ આવે ત્યારે એક નવો જ પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું : ‘કેમ એકલા આવ્યા? અમારાં ભાભીને કેમ નથી લાવતા કદી?’ આવો પ્રશ્ન પુછાશે એમ પહેલેથી જાણતો ન હોય, છોટુ તુર્ત જ બોલતો : ‘અરે ભાભી, એને બિચારીને નવરાશ જ ક્યાં છે તે…’ ને પછી, ‘તમે ટીવી-બીવી લાવ્યાં કે નહીં?’ – થી માંડીને જાતભાતની વાતોનો છોટુ એવો તો હંગામો ચાલુ રાખે કે તમે બધું ભૂલી જ જાઓ.

‘બોલો, બીજું શું ચાલે છે?’ એમ પાછો નવેસરથી વાતનો દોર ઉપાડતાં હમણાં હમણાંનો છોટિયો પોતાના ઉપલા ખિસ્સામાંથી પડીકી કાઢવા લાગ્યો છે. સૌ પહેલાં પડીકી બાંધેલો છાપાનો ઉપરનો ટુકડો કાઢે, ડૂચો વાળી હાથ લંબાવી ઘર બહાર વરન્ડામાં ફેંકી દે. પછી, નાયલૉન-પેપરથી બાંધેલી પડીકીને, ડાબા હાથની હથેળીમાં, બાંધેલી હાલતમાં જ જમણા હાથનાં આંગળાંથી મસળે. પછી નાયલૉન-પેપરનો દોરો નિરાંતે છોડે. દોરો, એક તો લાંબો હોય અને છોટુ સાવ ધીરેથી છોડે. આપણને થાય કે ક્યારે ખૂલશે પડીકી – પણ તુર્ત જ એની હથેળીમાં, સોપારી-કિમામ-ચૂનો-એકસો વીસ વગેરેની મિશ્ર સુગન્ધનો એક જાણે આછો કૂવો ખૂલી જાય છે. પછી તો છોટુ પોતાનું આખું મસ્તક ઊંચું કરી, એક્કી સાથે, બધું પોતાના મોંમાં રીતસર ઓરી જ જાય છે! હોઠ પાસે ચોંટેલી કશીક કટકીને પણ મોંમાં આંગળીથી પ્રવેશ અપાવી દે છે. અને અજાણપણે પેલું નાયલૉન-પેપર ચોળી-ચોળીને વાળતો રહે છે. નાયલૉનનું હોવાથી એનો સાવ ડૂચો નથી થતો તે હું બરાબર જોઉં છું. પછી એના સોપારી-ભરેલા મોંએ છોટુ વાતો કરવાનું ચાલુ રાખે છે. એ શું બોલે છે આવી રીતે, તે મને કે હંસાને કેટલીય વાર નથી સમજાતું, છતાં સૌજન્ય ખાતર એને અમે ધ્યાનથી સમજ્યાનો ડોળ કરીએ છીએ. બોલતો બોલતો જ ઊભો થઈ છોટુ બહાર વરન્ડામાં પિચકારી મારી આવે છે. આવીને, વળી સોફામાં બેસી જોય છે. આપણને એમ કે હવે કશુંક ચોખ્ખું બોલી શકશે. પણ એને ઊંડેથી એક હેડકી આવે છે. એની આંખોના ડોળા આછું ચળકતા ચકળ-વકળ થવા લાગે છે. તમાકુ-કિમામની અસર રૂપે એના મોટા ચહેરા પર એક ભદ્દી લાલાશ તરવરવા લાગે છે. એના હાથની આંગળીઓ વાતના મુદ્દા પ્રમાણે નાચતી-ફરતી હોય છે, પણ અમને કંઈ કરતાં કંઈ જ સમજાતું નથી.

આખું દૃશ્ય સ્વપ્ન સમું અશ્રાવ્ય બની રહે છે…

‘પાણી આપું…?’ હંસાના એવા લાગણીભર્યા બોલથી પછી દૃશ્ય છેદાયું, પણ પેલો, ‘ના ના હોય?’ મોંમાં ‘આ’ હોય ત્યારે તો ‘કંઈ નહીં’ – એવું ઇશારાથી સમજાવી દે છે.

…એના ગયા પછી ડૂચો નહીં થઈ શકેલું પેલું નાયલૉન-પેપર હું બહાર ફેંકી દઉં છું.

એક વાર છોટુ આમ લાલ થઈ ગયેલો, ત્યારે વાતોનો દોર મેં ઇરાદાપૂર્વક ‘નાલાયકો’ની દિશામાં વાળેલો, ‘છોટુભાઈ, અમે ગામડામાં હતાં, ત્યારે અમારી પડોશમાં સાલું એક જબરું લફરું ચાલતું’તું. બપોરે ભાઈ એમની ઑઇલ મિલે જાય, એટલે બાઈ બનીઠનીને – પફપાઉડર, નવી સાડી, પગમાં ચંપલ, ઠસ્સાથી થનગનતી – એક જાડિયાની રાહ જુએ. ઠીકઠીકપણે અંદરબહાર થઈ હોય. પછી પેલો આવે, જાડિયો. આવે કે થોડી વારમાં જ અમુક બારી અને મેઇન ડૉર બંધ થઈ જાય તે છેક પેલાના પાછા ફરવાનો વખત થાય ત્યાં લગી – સાંજના ચાર-સાડા ચાર લગી એમનો આ રોજનો ક્રમ. કોણ જાણે અંદર કેટલાય ખેલ પડતા હશે! જાડિયાને લઘરવઘર બહાર નીકળતો અમારી બારીમાંથી અમે ઘણી વાર જોયેલો. મને તો, છોટુભાઈ, સાચું કહું? આવા નાલાયકો પ્રત્યે ભારે ચીડ છે – એવી તો જબરદસ્ત ખીજ છે કે સાલાઓને કાપી નાખું જાણે! દુષ્ટો સમજે છે શું તે આમ લોકોનાં ઘર ભાંગવા મંડી પડે છે? એવું થાય છે કે કૂતરાઓને રિવૉલ્વરથી શૂટ કરી નાખું!’ – આ મારી ટેવરૂપ બની ગયેલી લઢણ છે : ‘સાલાઓને રિવૉલ્વરથી શૂટ કરી નાખું.’

એટલે હંસા, આ વખતે પણ આંખોમાં હસતી મને ધ્યાનથી સાંભળતી હતી. એના મનમાં પેલો હંમેશનો રમૂજી પ્રશ્ન પણ ઝબક્યો હશે. ‘પહેલાં રિવૉલ્વર તો લાવો… છે તમારી પાસે?’ પણ એવું કશું બોલવાને બદલે પોતાની ડાબી હથેળીના ટેકે, ચહેરો મારા ભણી ગોઠવી રાખી હંસા, વાત કરવાનો મારો ઉત્સાહ ટકી રહે એમ, પોતાની નજરને મારા ભણી વધુ ને વધુ સંકોરતી રહી…

પણ છોટુ? એ લુચ્ચો ‘હંહં’ કરી, ‘અચ્છાઆ’ ‘એ…એમ’ વગેરે રસ લેતો હોય એવું બતાવનારાં જાતભાતનાં અચરજો રજૂ કરતો’તો. પછી, ‘એવું છે જેન્તીભૈ, કે આખ્ખો જમાનો બગડી ગયો છે…!’ –  કહેતો મારી વાતમાં સૂર પુરાવતો લાગ્યો, પણ પછી ગઠિયાએ મારા આશ્ચર્ય વચ્ચે શું કહ્યું. જાણો છો? કહ્યું, ‘એ કરતાં તો જેન્તીભૈ, તમે કહો છો તેવા નાલાયક જાડિયાઓ સારા, બાઈની મરજી વિરુદ્ધનું તો કંઈ નથી કરતા ને…!’

છોટુ, આટલું બોલતાં બોલતાં તો એના મોટા શરીરની અંદર ઊતરી ગયો ભાસ્યો – ઊંઘમાં કે તન્દ્રામાં નહીં, પણ પેલા એની તમાકુના કૂવામાં.

‘નહીં નહીં, છોટુભાઈ, – મને થયું નથી સાંભળતો કે’શું – ‘એવી વાત નથી યાર, બાઈની મરજી શાની? હમણાં કહું એની! એ ઘોડીના બધું ધીમે ધીમે ફોસલાવી ફોસલાવીને વધારતા હોય છે – ’

આ ક્ષણે હંસા ખરેખર ગભરાઈ ગઈ, કેમ કે એને ખાતરી હોય કે હું હવે મારા સ્વભાવ પ્રમાણે ‘એક્સ્ટ્રિમ’ પર પહોંચી જવાનો. પણ એ જ વખતે છોટુનું મસમોટું શરીર સોફામાં લંબાયેલું મને સાવ ઢીલું અને પલળેલા લોચા જેવું લાગ્યું – ઊંઘી ગયો કે શું?

 – પછી મને એની એવી તો સૂગ ચડી કે હંસાને પણ ત્યાં જ મૂકીને હું સીધો રસોડામાં ચાલી ગયો. સિન્કમાં તિરસ્કારથી થૂંકી કાઢ્યું, પાણી રેડી દીધું ને પછી ત્યાં વ્યર્થ ફાંફાં મારતો થોડી મિનિટો જાણે પુરાઈ રહ્યો…

‘ક્યાં ગયા સાએબ? ચાલો, નીકળું ત્યારે’ – થોડી વારની ચુપકીદી પછી ઊંઘમાંથી ઊઠેલા છોટુનો અવાજ સાંભળી હું બહાર આવ્યો, કહ્યું: ‘અચ્છા, જવું છે? આવજો ત્યારે.’

પરંતુ હંસા, ‘પાછા નીકળી આવજો આ તરફ’ એમ નવું ઇજન આપતી, મારી સામે મર્માળું હસવા લાગી. ને પછી, એનો ચહેરો કેનાના વિકસિત ફૂલ જેવો ખરે જ હસી રહ્યો! કેવી… છે!

… હંસા મને નથી સમજાતી એવું સાવ નથી. હું એના હાસ્યને માત્ર ટેવ નથી ગણતો. છતાં એની નિર્દોષતાને નથી પિછાણતો એમ પણ નથી. મને એનામાં સાવ વિશ્વાસ નથી એવું પણ નથી. પણ આ છોટિયાની બલા અમારા જીવનમાંથી શી રીતે ટળે એ મુદ્દો જ મને સતાવતો મુદ્દો છે. એના ઊપસેલી જાડી લીલી નસોવાળા કાંડાની તેમજ પહોળાં નખવાળાં, જાડાં, પેલાં આંગળાંની મને ખરે જ બીક પેસી ગઈ છે. આ કારણે તો હું મારી ઑફિસમાં પણ ઘણી વાર બાવરો પડી જઉં છું. ક્ષણેક નવરો પડું ને છોટુ જો યાદ આવી જાય, તો પછી અસ્વસ્થ થઈ જઉં, મારે ત્યારે યુરિનલ અવશ્ય જવું પડે. મારી હંસાનું નાજુક ગૌર કાંડું ક્યાં, ને… મારી સામે મનોમન જ ફિલ્મોમાં આવતા રૅપ-સીન જેવી કશીક દૃશ્યાવલિ ભજવવા માંડે. ફાઇલનાં પાનાં ફર્યાં કરે, ને મન મારું અમારા ડ્રૉઇન્ગ રૂમમાં ભટકતું થઈ ગયું હોય. ભૂલું પડેલું કોઈ ચામાચીડિયું જ જોઈ લો. આ છોટુની વાત આમ તો કોઈ મોટી વાત નથી. સ્વસ્થતાથી વિચારતાં લાગે કે વતેસર થઈ ગયું છે. પણ મને છોટુ જળોની જેમ વળગ્યો છે. સાથોસાથ, બીજું પણ છે. હું એકદમ ચોખ્ખો માણસ છું. બિલકુલ નીતિથી ચાલનારો, પાપભીરુ. મારા સુખી જીવનમાં નાનોસરખો પણ બીજાનો પ્રવેશ હું શાને સાંખી રહું? કારણ શું સાંખી લેવાનું? હું કાયર થઈને જીવવા નથી માગતો…

ગઈ કાલે બુધવાર હતો. જરા વિચિત્ર બની ગયું.

‘લંચ અવર્સ’માં પાંડે અમારી સ્ટેનોના ટેબલ પર બેસી ઠહાકા મારતો’તો. હસતો હસતો ખાતો’તો. ઘડીમાં પેલીના બૉક્સમાંથી શાકનું ફોડવું લે, તો ઘડીમાં પોતામાંથી લેવાં પેલીને આગ્રહ કરે. પછી તો બન્ને જોરજોરથી હસવા લાગ્યાં. થોડી મિનિટો લગી તો, એ લોકો ખાય છે કે હસે છે તે જ મને સમજાયું નહીં. વાતાવરણમાં એમના ખુશહાલ હાસ્યનો અવાજ તરતો થયો. અચાનક જ મને બધું ધૂંધળું-ધૂંધળું દેખાવા માંડ્યું. પછી મારો જીવ એકાએક છોટુની યાદે ચડી જોરથી ચૂંથાવા લાગ્યો. કદાચ છોટુ મારા ઘરમાં આમ હંસા જોડે ઠહાકા નહીં મારતો હોય ને…? આજે પાછો બુધવાર છે! – એકાએક જ મારું ટેબલ સરખું કરી, થોડી વાર પછી સીધો હું ઑફિસની બહાર પડ્યો ને રિક્ષા પકડી. પરમાર જોડે મારા સાહેબને કહેવરાવી દીધું : ‘જેન્તીલાલ હેડઑફિસે ગયા છે. મોડું થશે તો પાછા નહીં આવે’ એમ કહી દેવાનું કહ્યું છે…

રિક્ષા ઊભી રહી મારા જ ઘર પાસે ત્યારે, અમારે ત્યાં આવતા જાતભાતના મુલાકાતી જેવો હું મને ભાસી રહ્યો.

હું અને હંસા, ઘણાની રિક્ષા આમ અમારા ઘર પાસે થંભી જતી અમારા ઘરમાંથી જોઈએ. આવેલાને વિશેનું હંસાનું કુતૂહલ જબરું. રિક્ષાવાળાને પૈસા ચૂકવતાં એ લોકોને ઠીક ઠીક વાર થાય, પરચૂરણ આપવું ન હોય, પેલાને લેવું જ હોય વગેરે કારણે, – પછી ધીરેથી રિક્ષાની પેલી બાજુ ઊતરે ને સીધા અમારા મકાન સામે જુએ. હંસા ત્યાં લગી સતત ઊંચીનીચી થાય, ‘આપણે ત્યાં જ આવ્યા છે’ એવી ખાતરી થતાં એને સુખદ હાશકારો થાય.

ખૂબીની વાત એ છે કે મારી બાબતમાં પણ આજે આ બધું જ બન્યું. ગણીને તૈયાર રાખેલા પૈસા ચૂકવી, એ જ પ્રમાણે હું પણ રિક્ષામાંથી ઊતર્યો, ને મારા મકાન ભણી મેં અદ્દલ કોઈ અજાણ્યાની જેમ જ જોયું. ત્યાં, ઘરમાંથી મને જોતી હંસાની આંખો તો શાની હોય એ જાણતો’તો છતાં મનોમન દુઃખી થયો. હંસા અંદર જ છે, પણ એકલી થોડી હશે? – એવી કસક સાથે મેં બેલ માર્યો – બટન જોરથી લાંબે લગી દબાવીને. હંસાએ બારણું ખોલ્યું ને મને જોઈ એનું મોં પહોળું રહી ગયું : બીજો કોઈ પ્રસંગ હોત, તો એના આવા ખુલ્લા મોંમાં સફરજનની એક આખી ચીરી મૂકી દેવાની ઇચ્છા થઈ હોત.

‘અત્યારે ક્યાંથી?’

‘અમસ્તો જ, જરા ઠીક નથી મને. ઊલટી જેવું થતું’તું. અરધી સી.એલ. લઈ લીધી.’ ગભરાઈને હંસા મારી બ્રીફકેસ તો લેતી હતી, પણ મને થયું કે મારી વાત સાચી નથી લાગી એને.

‘એકદમ શું થયું?’ – એની નજર પૂછતી’તી મને.

હું સોફામાં બેસી પડ્યો. પછી મારી નજર ચોરની જેમ મારા જ ઘરમાં ચોતરફ ફરી વળી. હંસાએ આપેલો ગ્લાસ પાણી રૂપે પેટમાં ઠર્યો, ત્યારે એક એવી ‘હાશ’ થઈ, જેને ‘છોટુ નથી’ એવું નામ આપી શકાય.

નથી જ… કેવું સારું… સારું લાગવાનો એક સરળ સૂર અગરબત્તીની ધુમાડીની જેમ મેં સ્પષ્ટ પ્રસરતો જોયો. દરમિયાન હંસાએ બેડરૂમમાં ચાદર બરાબર કરીને ઉશીકાં ગોઠવી દીધાં. કહે : ‘તબિયત સારી નથી તો સૂઈ જાઓ.’ હું એને વશ થયો તે મને થયેલી ‘હાશ’થી કે ‘માંદો’ પડ્યો’તો તેથી મને ખબર નથી. થોડી જ વારમાં હંસા પેલા ગ્લાસમાં બીજું પાણી લાવી અને ગોળી ધરતાં બોલી : ‘લો આ ડિસ્પ્રિન લઈ લો, હમણાં જ સારું થઈ જશે.’ એની આંખોમાં કયો ભાવ છે તે શોધતાં, ગ્લાસ લેવા જતાં, મારાં આંગળાં એનાં આંગળાંને સ્પર્શ્યાં. મને વિચિત્ર લાગણી થઈ કે હું જ છોટુ છું કે શું? –

‘જોયા શું કરો છો? લઈ લો ને!’ તોય હું જોતો રહ્યો. એ જોવામાં હંસાને કદાચ મારો પ્રશ્ન વંચાયો હશે : ‘છોટુ આવ્યો’તો?’ અથવા ગમે તેમ, પણ હંસા એકદમ જ બોલી :

‘સૂઈ જાઓ, છોટુબોટુ કોઈ આવ્યું નથી.’ અચરજથી કે આનંદથી હું હસવા જેવું કરી બેઠો. પણ હંસા ન હસી. એણે મને કાળજીથી ચોરસો ઓઢાડ્યો.

ખરે જ, હું આમ ધસી આવ્યો તેથી હંસાને આજે પોતાનું ઘણું જ અપમાન લાગ્યું છે. તેથી હસી નહીં. ડિસ્પ્રિન મારામાં ઓગળતી હતી તેમ તેમ ‘હું પકડાઈ ગયો’ – નો ભાવ હંસાના અપમાનની લાગણીને ચોંટતો વધુ ને વધુ જામતો હતો…

સાંજ પડી ગઈ. રાત્રે દિવસભરની સમગ્ર ઘટનાના મિશ્ર પ્રભાવે કદાચ હું ઘસઘસાટ ઊંઘી ગયો હોઈશ.

આજે સવારે ઊઠતાંમાં જ હંસાએ આવો પ્રસ્તાવ મૂક્યો : ‘જુઓ આપણે કાવતરું કરીએ.’ ‘શું ઉં?’ ‘કાવતરું.’ ‘આજે પણ તમે રજા લઈ લો – એક સી.એલ. વધારે. આજે ગુરુવાર છે, છોટુ આવવો જ જોઈએ, આમેય એનો ટાઇમ થઈ ગયો છે.’

‘પછી?’

‘પછી શું? બેલ વાગે કે તરત જ તમારે બાથરૂમમાં સંતાઈ જવાનું, ને ત્યાંથી બધું જોવાનું કે એ શું કરે છે… અથવા હું શું કરું છું.’ હંસાની મને તાકતી આંખ કહેતી’તી – ’બારણું જરાક ખુલ્લું રાખશો, એટલે બધું દેખાય એવું જ છે.’

મને થયું હંસા છોટુને નહીં પણ પોતાને નિર્દોષ સાબિત કરવા માગે છે. કદાચ બન્નેને નિર્દોષ ઠરાવીને મને જ ભોંઠો પાડવા માગે છે.

‘હંસા, આવું બધું મને બિલકુલ પસંદ નથી. આવું નાટક આપણે શું કરવા કરવું જોઈએ?’

‘આમ તો કંઈ કરવા નહીં, પ…ણ – ’

‘પણ ને બણ હંસા, તને કહી દઉં, એવી કોઈ જ વાત નથી.’

‘કેવી?’

મને કશો ઉત્તર ન સૂઝ્યો એટલે મેં સામું પૂછ્યું :

‘શું કેવી?’

અને પછી બોલ્યો : ‘આવાં ધતિંગ આપણા ઘરમાં જરાયે શોભતાં નથી!’

‘એટલે તો કહું છું…’ – હંસા ધીમા સ્વરે નીચું જોઈને બોલી.

‘શું કહું છું હંસા?’ હું પણ અચાનક જ વ્યથિત થઈ ગયો. પછી હંસા બહુ ચીડ અને દુઃખથી બોલી, ‘આપણે એને કહી દઈએ, આપણે બન્ને એને કહી દઈએ.’

મને એકાએક જ સમજાયું કે હંસા દુઃખી છે આ વાતે, છતાં પોતાનો વટ બતાવે છે – પોતે કેટલી સાચી છે, એવું કંઈક – ! તો પછી ભલે થઈ જાય… હું પણ એને બતાવી દઉં… પેલાનાં આંગળાં… કે…

થોડી વાર અમારા બેમાંથી કોઈ કશું બોલ્યું નહીં.

‘ભલે, આવવા દે એને, જોઈ લઈએ…’

હું બોલ્યો, પણ એ ન બોલી.

પડોશીને ત્યાં જઈ હું ઑફિસે ફોન કરી આવ્યો, ત્યારે સવાર નમી ગઈ હતી. ભૂરા આકાશમાં મોટાં મોટાં સફેદ વાદળો હતાં, ને તડકો આકરો થવા માંડ્યો’તો. મને બપોરના એકાન્તનો સૂનો મૂડ આમ જ વરતાવા માંડ્યો…

અમે મૂગાંમૂગાં જમતાં’તાં. અમારાં મોં ચાલવાનો અવાજ સંભળાતો હતો. મને યાદ આવ્યું કે હંસા ગઈ કાલથી જરાયે હસી નથી. પોતે વરિયાળી લીધી, મને પણ આપી, કશું બોલ્યા વિના. પછી મોડે સુધી રસોડું સંભાળતી રહી, હું પલંગમાં પડ્યો પડ્યો, છાપાંની જાહેરખબરો જોતો રહ્યો…

હમણાં જ હંસા ધીમા પગલે બેડરૂમમાં આવી. પલંગની એની બાજુએ, મારાથી પૂંઠ કરીને આડે પડખે થઈ બરાબર ગોઠવાઈને સૂતી છે. હું છાપું ખખડે એમ પાનાં ફેરવું છું – પણ હંસા નિશ્ચલ છે.

‘નહીં બોલવું એ પણ શું આ કાવતરાનો જ એક ભાગ છે?’

‘ના.’ માત્ર ક્ષણાર્ધ માટે ડોક મારા તરફ કરી હંસા બોલી. એના ચહેરા પર ત્યારે કદાચ બહુ જ આછા એવા સ્મિતની લકીર હતી.

અમે બન્ને નિશ્ચલ હતાં હવે. અલગ અલગ રીતે, અમે બન્ને બેલ વાગવાની રાહ જોતાં’તાં. એ આવવો જ જોઈએ… જરૂર…

*

પછીની વાત તો શું કરું? એમાં નથી મારી શંકા, નથી મારો વિશ્વાસ, નથી હંસાની સચ્ચાઈ, નથી હંસાની ચીડ.

છોટુ આવ્યો ન્હોતો.

છોટુ, કંઈ નહીં તો અમારા બેયનાં મનના સહિયારા ફળિયામાં ઊભો છે, કશી ગલીને નાકે, દબાઈને… લાગે છે, ગમે ત્યારે, ગાંડા પવનની જેમ ધસીને દોડવા લાગશે…

એટલે એ વાત તો શું કરું?