ગુજરાતી નારીસંપદા : કવિતા/વરસાદમાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વરસાદમાં

છાયા ત્રિવેદી

નાવ કાગળની તરે વરસાદમાં,
ને ઉદાસી નીતરે, વરસાદમાં!

સાચવેલી હોય જે ભીની ક્ષણો,
વીજ થઈને વેતરે, વરસાદમાં!

સાવ સુક્કા ઝાડની ડાળી ઉપર,
સાત રંગો ચીતરે, વરસાદમાં!

આભ વરસે ને વરસતી આંખ આ,
કોણ, કોને છેતરે, વરસાદમાં!

બારણાં -બારી, ઉઘાડાં છે છતાં,
ક્યાં પલળતાં ભીતરે, વરસાદમાં!

***