ગુજરાતી નારીસંપદા : કવિતા/માણસ

માણસ

નીતા પટેલ ‘નવલ’

માણસમાંથી મળતો માણસ,
તોયે ભીતર રડતો માણસ.

માણસ-માણસ રમતો માણસ,
ખાલી-ખાલી જડતો માણસ.

આમ જુઓ તો સુખનો સાગર,
તોયે દુઃખમાં સડતો માણસ.

લીલા-પીળાં કપડાં પહેરે,
અંદર કાળો પડતો માણસ.

ખુદથી ખુદ પર પથ્થર બનતો,
અમથો-જુલમ કરતો માણસ.

***