ગુજરાતી નિબંધ-સંપદા/ગુણવંત શાહ/વૃક્ષમંદિરની છાયામાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વૃક્ષમંદિરની છાયામાં

ગુણવંત શાહ

આપણા દેશનાં બાળકો સૂર્યને સૂરજદાદા કહે છે અને ચંદ્રને ચાંદામામા કહે છે. વેદના ઋષિએ ભૂમિને માતા કહી છે અને વરસાદ(પર્જન્ય)ને પિતા ગણાવ્યો છે. કાકાસાહેબ કાલેલકરે નદીને લોકમાતા ગણાવી છે. આપણી વાર્તાઓમાં બિલાડીને વાઘની માસી કહેવામાં આવી છે. મહાકવિ કાલિદાસે હિમાલયને નગાધિરાજ કહ્યો છે. ગંગા નદીમાં ડૂબકી મારનાર ભક્ત ગંગામૈયાને કેવળ વહેતા પાણી (H2O) તરીકે જોતો નથી. ભારતીય સંસ્કૃતિ ‘અખિલ બ્રહ્માંડમાં એક’ એવા શ્રીહરિને જૂજવે રૂપે નિહાળનારી છે. સૃષ્ટિમાં કશુંય પૃથક્ નથી, બધું એકબીજા સાથે જોડાયેલું અને ગૂંથાયેલું છે. મુણ્ડક ઉપનિષદમાં કહ્યું છે: ‘જે આ પરબ્રહ્મને જાણે છે તે પોતે બ્રહ્મ બની જાય છે.’

ઉત્ક્રાંતિના ક્રમમાં વૃક્ષો મનુષ્યથી કરોડો વર્ષ સિનિયર ગણાય. આજે કોઈ ઋષિ ઉપનિષદ રચવાનું વિચારે તો પર્યાવરણ, બાયોડાઈવર્સિટી અને ઇકૉલૉજીના વ્યાપક સંદર્ભમાં વૃક્ષોપનિષદની ભેટ ધરી શકે. નિષ્ઠાવંત નાસ્તિક પણ એ ઉપનિષદ હોંશે હોંશે વાંચી શકે. વૃક્ષમંદિરની છાયામાં ઊભેલો માણસ પ્રેમ કરી શકે, કાવતરું ન રચી શકે. વૃક્ષમંદિરની છાયામાં ધ્યાન થઈ શકે, ખૂન ન થઈ શકે. બ્રસેલ્સ દુનિયાનું એકમાત્ર એવું મહાનગર છે, જેની મધ્યમાં વિશાળ જંગલ આવેલું છે. નેપોલિયને આક્રમણ કર્યું ત્યારે લશ્કરને સૂચના આપેલી એ કે જંગલને નુકસાન પહોંચાડવું નહીં. સંસ્કૃતમાં કઠિયારાને ‘વૃક્ષતક્ષક’ કહે છે. જંગલખાતામાં નોકરી કરનારા આજના સરાકરી તક્ષકની કુહાડી સોનાની બની જાય છે.

પ્રત્યેક વૃક્ષને સ્વજન તરીકે નિહાળવાનું શરૂ થાય તો યુદ્ધો અને હુલ્લડો અશક્ય બની જાય. આતંદવાદની સામે ટકી શકે એવો વૃક્ષવાદ વિસ્તાર પામે તો માનવજાતને ટાઢક વળે. આતંકવાદનો રંગ લાલ છે. રક્તરંગી આતંકવાદનો સામનો લીલાંછમ વૃક્ષવાદથી થઈ શકે. કઠિયારો માળી બને એ અશક્ય નથી. આપણી આસપાસ ઊભેલાં વૃક્ષો આપણાં સગાં છે. આપણે વડદાદા, પીપળાબાપા, લીમડાકાકા, આંબામામા, નીળિયેરીમાસી, ચીકુકાકી અને ખજૂરીફોઈને ભરપૂર પ્રેમ કરીએ તો કદાચ આપણી અંદર પણ થોડુંક વૃક્ષત્વ ખીલવા લાગે એ શક્ય છે. એમર્સને વૃક્ષોને અધૂરાં મનુષ્યો તરીકે ઓળખાવેલાં. એક ખ્રિસ્તી કહેવત છે: ‘તમે ધરતી સાથે વાત કરો અને ધરતી તમારી સાથે વાત કરશે.’ ધરતી પાસે વાણી નથી. વૃક્ષો પાસે પણ વાણી નથી. પંખીઓનો કલરવ એ વૃક્ષોની વાણી છે. કોયલનો ટહુકો વગડાનો વેદમંત્ર છે. એ ધરતીમાતાનો લાડકો પ્રણવ છે.

વિષ્ણુસહસ્રનામમાં વિષ્ણુનું એક નામ ‘અનુકૂલઃ’ છે. વૃક્ષ બધી રીતે માનવીને અનુકૂળ થઈને પોતાની કરુણા વહેંચતું રહે છે. એ જ રીતે શિવસહસ્રનામમાં શિવનું એક નામ ‘અનાકુલઃ’ છે. વૃક્ષ આકુળ-વ્યાકુળ થયા વિના માનવીને મદદ પહોંચાડતું રહે છે. આમ વૃક્ષ વિષ્ણુસ્વરૂપ અને શિવસ્વરૂપ છે. વિષ્ણનું એક નામ ‘વૃક્ષઃ’ છે અને શિવનું એક નામ ‘વૃક્ષાકારઃ’ છે. પાંડુરંગ શાસ્ત્રીજી ‘છોડમાં રણછોડ’ — એવી મૌલિક વાત સમાજને કહેતા ગયા.

રાજકુમાર સિદ્ધાર્થને બોધિવૃક્ષની છાયામાં સંબોધિ પ્રાપ્ત થઈ હતી. વૃક્ષમંદિરની છાયામાં સિદ્ધાર્થમાંથી બુદ્ધ પ્રગટ થયા. લોસ એન્જલમાં પુસ્તકોની વિખ્યાત દુકાનનું નામ Bodhi Tree છે. અમેરિકના યશોમિતિ પાર્કથી થોડે દૂર કેટલાંક એવાં ઊંચાં ઊંચાં વૃક્ષો છે, જે મહાવીર અને બુદ્ધના સમયથી ત્યાં ઊભા છે. કેલિફોર્નિયામાં એક અતિ ઊંચા વૃક્ષની મોટી બખોલમાં પ્રવાસીઓ દાખલ થઈને ઊંચે નજર કરે ત્યારે લગભગ ચોથા-પાંચમા માળ જેટલી ઊંચાઈએ વીજળીનો બલ્બ સળગતો દેખાય છે. સમજુ માણસ માટે વૃક્ષ એક યુનિવર્સિટીનું સ્થાન લઈ શકે. જો માણસ પ્રાર્થનામય ચિત્તે વૃક્ષને નિહાળે તો જ્ઞાની બની જાય. રવીન્દ્રનાથ ટાગોર કહે છે: ‘હે મારા આત્મા! શાંતિ જાળવજે. આ વૃક્ષો પ્રાર્થના કરી રહ્યાં છે.’

વૈશાખ બેસે પછી ગુલમહોર અને ગરમાળો પુષ્પમય બની જાય છે. સદીઓથી વૃક્ષત્વ, પુષ્પત્વ અને મનુષ્યત્વ પૃથ્વી પર સાથોસાથ શ્વસી રહ્યાં છે. જે માણસે જિંદગીમાં એક પણ વૃક્ષ ઉછેર્યું ન હોય તે નિઃસંતાન જ ગણાય. કવિ જ્હૉન ક્લિમર કહે છે: ‘કવિતા તો મારા જેવા મૂર્ખાઓ રચતા રહે છે, પરંતુ વૃક્ષ તો કેવળ પરમેશ્વર જ રચી શકે.’ માણસ અને વૃક્ષ વચ્ચે લવ-અફેર હોઈ શકે છે. ઉત્ક્રાંતિના બહુમાળી મકાનના છેક ઉપલા માળે આવેલા ફ્લૅટમાં પ્રેમનો નિવાસ હોય છે.

વૃક્ષો વિનાની પૃથ્વી અને પંખીઓ વિનાનાં વૃક્ષોની કલ્પના તો કરી જુઓ! એમર્સને કવિની અનોખી વ્યાખ્યા આપી છે: ‘જે માણસ પાણીનો ગ્લાસ જોઈને નશામાં આવી જાય તે કવિ છે.’ આ વિધાનમાં એક ઉમેરો કરવાની ગુસ્તાખી કરવી છે. જે માણસ વૃક્ષને નિહાળીને નશામાં આવી જાય તે મહાકવિ છે. ડેસ્મંડ ડીસોઝાના શબ્દો છે:

મેં વૃક્ષને કહ્યું: મને ભગવાન વિશે વાત કર. અને એ ખીલી ઊઠ્યું!

જે મનુષ્ય વૃક્ષોને પ્રેમ કરતો નથી, એ મંદિરે ગમે તેટલી વાર જતો હોય તોય ‘નાસ્તિક’ ગણાય. પ્રત્યેક રણવાસીને ખજૂરીના વૃક્ષમાં રહેલું માતૃત્વ મનોહર જણાય છે. આરબ સંસ્કૃતિ મૂળે રણસંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ મૂળે અરણ્ય સંસ્કૃતિ છે. ઉપનિષદો અરણ્યમાં પ્રાપ્ત થયાં તેથી તેમને આરણ્યકો કહેવામાં આવે છે. વનમાં જ્યારે તપનો મહિમા થાય ત્યારે માનવજાતને તપોવનો પ્રાપ્ત થાય છે.

જંગલમાં ક્યાંક વાડનું નિર્માણ થયું ત્યારે વાડીનો જન્મ થયો. વાડીનાં વૃક્ષો કપાયાં અને ધરતી પર હળના ચાસ પડ્યા ત્યારે ખેતર નામની ઘટના બની. શરૂઆતમાં માણસ ખેતર પર વસ્યો પછી ખેતર છોડીને એ ગામમાં વસ્યો. ધીરે ધીરે એ ગામ છોડીને નગર ભણી દોડ્યો અને નગરમાં પણ ન સમાણો ત્યારે એ મહાનગરના માળામાં વસતો થયો. હવે માળાને ફ્લૅટ કહેવાનો રિવાજ છે. જેઓ ફ્લૅટમાં પણ ન સમાણાં તે ગંદીગોબરી ઝૂંપડપટ્ટીમાં વસ્યાં. ઝૂંપડપટ્ટીનું હૃદય વિશાળ હોય છે. ત્યાં વસ્તીની ખીચોખીચતા વચાળે માણસ ખદબદે છે. માણસની ભીડ ઝાઝી એટલે વૃક્ષોની વસ્તી ઓછી. સુરતના રિંગરોડ પર રેલવેલાઇનની નજીક આવેલી ખદબદતી ઝૂંપડપટ્ટીમાં એક કેસૂડો વસંતના આગમન ટાણે એવો તો ખીલે છે કે ઝૂંપડપટ્ટીને ચાર ચાંદ લાગી જાય છે. જંગલની એકલદોકલ ઝૂંપડીથી તે મહાનગરની ગીચ ઝૂંપડપટ્ટી સુધીની આ દડમજલને લોકો ‘વિકાસ’ કહે છે.

ઈસુએ પાડોશીનો મહિમા કર્યો છે. આપણો પાડોશી મનુષ્ય જ હોય એવું શા માટે? આપણી પડોશમાં કોઈ વૃક્ષ પણ હોઈ શકે. પરિવારની ખરી ખાનદાની એના વૃક્ષપ્રેમ પરથી માપી શકાય. જે પરિવાર એકાદ વૃક્ષ પણ ઉછેરી ન શકે તે પરિવારમાં દીકરીનાં લીલાંછમ અરમાનો જળવાય એ વાતમાં માલ નથી. જે ઘરે મોટરગાડી હોય, પણ એકાદ વૃક્ષની શીળી છાંયડી ન હોય, તે પરિવારમાં દીકરી મોટરગાડીમાં બેઠી બેઠી પણ રડી શકે છે. સંભવ છે કે એ મોટરગાડીમાં ઍરકન્ડિશનરની ઠંડક પણ હોય. ઊનાં ઊનાં આંસુને એ ઠંડક શા ખપની?

વૃક્ષ ફળાઉ હોય તો ફળ આપે અને ફળાઉ ન હોય તોય બીજું ઘણું આપે છે. આસોપાસલ ફળ ન આપે, પરંતુ એની ‘નિષ્ફળતા’ પણ કેટલી રળિયામણી! વૈશાખ અને જેઠ મહિનાની બળબળતી બપોરે જ સમજાય કે પ્રત્યેક ઘટાદાર વૃક્ષ લીલું ઍરકન્ડિશનર છે. ઘરની નજીક ઊભેલું એકનું એક વૃક્ષ પણ પવનને શીતળતાની દીક્ષા આપવા માટે પૂરતું છે. મહાનગરોમાં મોટરગાડી પાર્ક કરતી વખતે ઉનાળાની બપોરે એકાદ વૃક્ષની અડધીપડધી છાંયડી મળે તે માટે પડાપડી થતી હોય છે. માત્ર અડધો કલાક માટે દુકાનમાં, ઑફિસમાં, દવાખાનામાં કે હોટેલમાં જઈ આવ્યા પછી તાપમાં તપી ગયેલી કારમાં પ્રવેશવાનું બને ત્યારે પરસેવાથી લથપથ એવા રૂમાલને નિચોવવો પડે છે. કોઈ અજાણ્યા વૃક્ષની નીચે પાર્કિંગ મળી જાય ત્યારે કારના માલિકને ભારે રાહતની લાગણી થાય છે. આશ્ચર્યની વાત છે કે આવી શીળી રાહત મેળવનારને પણ વૃક્ષ ઉછેરવાનું મન નથી થતું. એવા કોઈ બબૂચકને કાર રાખવાનો અધિકાર ખરો? નૈરોબીથી એલ્ડોરેટ જતી વખતે હાઈવે પર એક સ્થાન આવે છે, જ્યાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. બધા પ્રવાસીઓ ત્યાં કાર થંભાવીને વિષુવવૃત્ત પર ઊભા રહેવાનો લહાવો લૂંટે છે. ત્યાં વૃક્ષો એટલાંબધાં કે વિષુવવૃત્ત પર પણ તાપ ન લાગે.

છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે, સૂર્ય એ દેવોનું મધ છે. ઋષિ કહે છે કે દ્યુલોક ત્રાંસા વાંસ જેવો છે અને એ વાંસ પર અંતરિક્ષ એક મધપૂડો છે. એ મધપૂડામાં સૂર્ય એ મધ છે. ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝે પ્રથમ વાર દુનિયાને જણાવ્યું કે વનસ્પતિમાં જીવ હોય છે. ઉપનિષદના ઋષિએ સદીઓ પહેલાં કહ્યું: ‘એ વૃક્ષમાં જીવાત્મા રહેલો છે. એથી એ મૂળથી પાણી પીએ છે અને જમીનના રસોને ખેંચીને આનંદથી ઊભું રહે છે. એ જીવ જ્યારે વૃક્ષની એક ડાળી છોડી દે. ત્યારે એ ડાળી સુકાઈ જાય છે; બીજી ડાળી છોડી દે, ત્યારે બીજી સુકાય છે, ત્રીજી ડાળી છોડી દે ત્યારે ત્રીજી સુકાય છે અને એ જીવ આખું વૃક્ષ છોડી દે ત્યારે આખું વૃક્ષ સુકાઈ જાય છે.’ (છાંદોગ્ય ઉપનિષદ. અધ્યાય-૬ ખંડ-૧૧. મંત્ર-૧ અને ૨). જે મનુષ્ય વૃક્ષ કાપી નાખે તેને કોઈ ખૂની નથી કહેતું. ક્યાંક ઘટાદાર વડલો કપાઈ મરે ત્યારે શોકસભા યોજાતી નથી. એ મૅન ઇઝ એન અનગ્રેટફુલ ઍનિમલ. એ મનુષ્ય યુદ્ધમાં કપાઈ મરવાની પાત્રતા ધરાવે તેવો બદમાશ છે. એવો અહેસાનફરામોશ માણસ હજાર વાર મંદિરે જાય તોય નાસ્તિક ગણાય. ઈશ્વર હોય કે ન પણ હોય, પરંતુ આકાશ છે, સૂર્ય છે, નદી છે, વૃક્ષ છે, પુષ્પ છે, પવન છે અને માતા છે. આ બધા કલ્યાણમિત્રો પ્રત્યેની કૃતજ્ઞતા એ જ ખરી આસ્તિકતા ગણાય. વૃક્ષને જોવાનું નથી, નીરખવાનું છે. કહે છે કે ખ્રિસ્તી સંત બંધુ લૉરેન્સને પ્રાર્થનામય ચિત્તે વૃક્ષને નીરખતી વખતે પ્રભુનો સાક્ષાત્કાર થયેલો.

કવિ ઉમાશંકર જોશીએ કહેલું કે ભારતમાં યુનિવર્સિટી એટલે વડનું ઝાડ, જેની છાયામાં ગુરુ-શિષ્ય વચ્ચે સંવાદ થતો રહે. જ્યાં અને જ્યારે વડનું ઝાડ નજરે પડે ત્યારે મને એ ઝાડની નીચે કોઈ ઋષિ ઊભા હોય એવી લાગણી થાય છે. ક્યાંક મહીદાસ ઐતરેય ઊભા ચે અને ‘પ્રજ્ઞાનં બ્રહ્મ’ જેવા મહાવાક્યનો ઉદ્ઘોષ કરી રહ્યા છે. ક્યાંક ઉદ્દાલક આરુણિ ઊભા છે અને પુત્ર શ્વેતકેતુને વડના ટેટામાં રહેલા સૂક્ષ્મ વડની વાત સમજાવી રહ્યા છે. ક્યાંક વરુણ ઋષિ બ્રહ્મ આનંદમય છે, એવી પુત્ર ભૃગુની વાતને વધાવી રહ્યા છે. ક્યાંક પરિવ્રાજક યાજ્ઞવલ્ક્ય ઊભા છે અને પત્ની મૈત્રેયીને ‘અહં બ્રહ્માસ્મિ’ જેવાં વિધાનોનો મર્મ સમજાવી રહ્યા છે. ક્યાંક માંડૂક્ય મુનિ શિષ્યોને, ‘અયમાત્મા બ્રહ્મ’ જેવા મહાવાક્યનું રહસ્ય સમજાવી રહ્યા છે. ક્યાંક પિપ્પલાદ, ક્યાંક રાજર્ષિ પ્રવાહણ જૈબલિ, ક્યાંક સત્યકામ જાબાલ, ક્યાંક (નારદ સાથે) સનત્કુમાર અને ક્યાંક ઋષિ દીર્ઘતમસ શિષ્યો સાથે આસન જમાવીને બ્રહ્મવિદ્યાના પઠ ભણાવી રહ્યા છે. વડોદરાની મ. સ. યુનિવર્સિટીના કૅમ્પસ પર આવેલા મેદાનમાં ઊભેલા એક ભવ્ય વડદાદાની સમીપે હૉસ્ટેલમાં (દાદાભાઈ નવરોજી હૉલના રૂમ નંબર પાંચ) એક વર્ષ માટે રહેવાનું બનેલું. એ વડની નીચે આજનો કોઈ સૉક્રેટિસ, પ્લેટો કે એરિસ્ટોટલ વિદ્યાર્થીઓ સાથે સંવાદ શરૂ કરે તો આપણને ‘Republic’ જેવો ગ્રંથ પ્રાપ્ત થાય. આજે પણ આપણી યુનિવર્સિટીઓમાં ક્યાંક કોઈ સૉક્રેટિસ હોય છે, જે સદાય દુઃખી હોય છે. અધ્યાપકનો ઇન્ટરવ્યૂ લેવાય તેમાં પ્રશ્નો પૂછનારા તજ્જ્ઞોને એ પસંદ નથી પડતો. વિદ્યાર્થીઓ જો કૅમ્પસ પર કોઈ વણલોભી, વણપ્રીછ્યો અને વણપોંખ્યો સૉક્રેટિસ કયે ખૂણે વસે છે એની ભાળ મેળવે તો યુનિવર્સિટીને ગ્રીક એકૅડેમીનો અે ભારતીય તપોવનનો દરજ્જો પ્રાપ્ત થાય. વડની ઘટાનું સૌંદર્ય નિહાળવું હોય તો વડોદરાના ઈ. એમ. ઈ. ટેમ્પલ પર જવું રહ્યું. પ્રત્યેક વડ સાથે ઋષિઓનાં નામો જોડવામાં આવ્યાં છે. વૃક્ષમંદિરોની ભવ્યતા અને દિવ્યતા શાંતિદાતા છે. પ્રત્યેક વડને ઊંડે ઊંડે એવી ઝંખના રહેતી હોય છે કે પોતાની શીળી છાયામાં કોઈ સાંદીપનિ કૃષ્ણ-સુદામાને ભણાવે. વડની ઝંખના પૂરી થાય એવી શક્યતા આજે તો ધૂંધળી જણાય છે.

ગુજરાત પાસે નર્મદા જેવી નદી છે. નર્મદા ‘દર્શને પાપનાશિની’ ગણાય છે. ગુજરાત પાસે સરદાર સરોવર જેવું કૃષિતીર્થ, ઊર્જાતીર્થ અને તૃપ્તિતીર્થ પણ છે. નર્મદાના વિશાળ પટ પર સહજપણે રચાયેલા એક નાનકડા ટાપુ પર કબીરવડ જેવું તીર્થસ્થાન આવેલું છે. વીર નર્મદની યાદગાર પંક્તિઓને ગુજરાતીઓ ભૂલ્યા નથી:

ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પ્હાડ સરીખો; નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એક સરખો.

જ્યારે કબીરવડ જોવાનું-નીરખવાનું બને ત્યારે મનોમન એક વિચાર આવી જાય છે. જો કબીરવડ કૅલિફૉર્નિયામાં હોત તો! જગતભરના પ્રવાસીઓ ત્યાં ઊમટી પડ્યા હોત અને કૅમેરાની ચાંપ દબાવી દબાવીને અસંખ્ય ફોટાઓ પાડતા રહ્યા હોત. કબીરવડ એક જ, પણ એની વડવાઈઓ કેટલી? આવા ઐતિહાસિક વડનું નામ કબીર જેવા ક્રાંતિકારી ભક્ત સાથે જોડાયેલું હોય એ ઘટના પણ હૃદયને પાવન કરનારી છે. દાંડી જેવા ગાંધીતીર્થમાં એક વડ હજી ઊભો છે, જેની નીચે મળેલી સભામાં મહાત્માએ પ્રવચન કર્યું હતું. બોધગયામાં હજી બોધિવૃક્ષ ઊભું છે. પ્રત્યેક વૃક્ષને જ્યારે મંદિરનો દરજ્જો પ્રાપ્ત થશે ત્યારે માનવીને પણ પ્રભુના બાળક હોવાનું સન્માન પ્રાપ્ત થશે. હજારો સદીઓથી વૃક્ષત્વની છાયામાં મનુષ્યત્વ શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિ પામતું રહ્યું છે. શ્રીલંકામાં અનુરાધાપુર ખાતે શ્રી મહાબોધિ વૃક્ષને ઈ.સ. પૂર્વે ૨૨૮માં રોપવામાં આવેલું તે લગભગ ત્રણ હજાર વર્ષ પુરાણું ગણાય છે. સમ્રાટ અશોકની દીકરી ત્યાં ગઈ હતી અને બોધગયા ખાતે આવેલા મૂળ બોધિવૃક્ષની ડાળખી એણે ત્યાં રોપી હતી. મૂળ બોધિવૃક્ષની છાયામાં સિદ્ધાર્થને ઈ.સ. પૂર્વે ૫૮૮માં સંબોધિ પ્રાપ્ત થઈ હતી.

કેન્યાની આદરણીય અશ્વેત મહિલા વાન્ગારિ માથાઈને સન ૨૦૦૪માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. વૃક્ષારોપણ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થાય તેવી આ ઘટના નવો ઇતિહાસ સર્જી ગઈ. વાન્ગારિએ ગ્રીન બેલ્ટ મૂવમેન્ટ હેઠળ છેલ્લાં ત્રીસેક વર્ષમાં લગભગ ચાર કરોડ વૃક્ષોની રોપણી કરી હતી. વાન્ગારિનું શિક્ષણ મોટે ભાગે કેથલિક નન્સ દ્વારા થયું હતું. એને મન વૃક્ષો રોપવાં એક એક આધ્યાત્મિક અનુભૂતિ છે. વૃક્ષો જાણે આપણને કહે છે: ‘મને જીવવા દો, કારણ કે હું જીવીશ તો તમે પણ જીવશો.’ વાન્ગારિ કહે છે:

મને એવું લાગે છે કે વૃક્ષો શીર્ષાસન કરીને ઊભેલાં મનુષ્યો છે. આપણી પાસે બે પગ છે અને આપણે આપણા મોં વડે ખાઈએ છીએ. વૃક્ષો પોતે જ પોતાનાં મૂળ દ્વારા આહાર લે છે. પરિણામે તેઓ ધરતીમાં ખોડાયેલાં રહે છે અને તેમના હાથપગ હવામાં ઝૂમતા રહે છે. હું જ્યારે વૃક્ષને જોઉં છું ત્યારે કોઈ જીવંત ઘટનાને જોઉં છું. પ્રત્યેક વૃક્ષને પોતાનું વ્યક્તિત્વ હોય છે અને પોતીકી સ્વ-ઓળખ હોય છે. કોઈ વૃક્ષ ઊંચું હોય છે. કોઈ વૃક્ષ નીચું હોય છે. કોઈ વળી સાવ નાનું અને ધરતીભેગું હોય છે, પરંતુ બધાં જ જીવંત હોય છે. આપણે એમને કાપી નાખીએ ત્યારે તેઓ મરી જાય છે અને આપણી જેમ જ વિખરાઈ જાય છે.

વાન્ગારિના આ શબ્દોમાં મને એકવીસમી સદીનું વૃક્ષોપનિષદ પ્રગટ થતું દીસે છે.