ગુજરાતી નિબંધ-સંપદા/વાડીલાલ ડગલી/શિયાળાની સવારનો તડકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શિયાળાની સવારનો તડકો

વાડીલાલ ડગલી

આમ તો વેરાવળ અને અમદાવાદ વચ્ચે બહુ લાંબું અંતર નથી પણ આજથી લગભગ પાંત્રીશ વર્ષ પહેલાં વેરાવળની દિલાવર ખાનજી હાઈસ્કૂલ અને અમદાવાદના ચી. ન. વિદ્યાવિહાર વચ્ચે એક યુગ જેટલું અંતર હતું.

વિદ્યાવિહારમાં હું દાખલ થયો ત્યારે મોટામાં મોટી ચિંતા એ હતી કે છાત્રાલયની સાત રૂપિયાની ફી ક્યાંથી કાઢવી? બીમાર પતિની દવા માટે કે ઘરના સૌથી મોટા દીકરાના અભ્યાસ માટે છેલ્લી બે સોનાની બંગડીઓ ગીરો મૂકવી? આ સમસ્યાનો ઉકેલ મારાં બા લાવી શકતાં નહોતાં ત્યારે બાપુજીએ કહ્યું: “એને આ ઉંમરે બહાર મોકલવાનો હું આજથી બે વર્ષ પહેલાં વિચારે ન કરી શક્યો હોત; પણ અત્યારે તો લાગે છે કે કુટુંબ ક્ષેમકુશળ રાખવું હોય તો એને ભણવા મોકલી દઈએ.” આવી વિટંબણા હોવા છતાં હું જ્યારે વિદ્યાવિહારમાં આવ્યો ત્યારે વેરાવળ, દિલાવરખાનજી હાઈસ્કૂલ અને મારું કુટુંબ પણ હું ઘડીભર વીસરી ગયો. ચિત્ત પર વિદ્યાવિહારની એવી છાલક વાગી કે મારું મન ઊઘડી ગયું. મનમાં થયું કે એક જ ગુજરાતની બે ભૂમિમાં આટલો મોટો તફાવત? સાચું પૂછો તો હું અમેરિકા ભણવા ગયો ત્યારે પ્રથમ દિવસના જે પ્રત્યાઘાત પડેલા તે વિદ્યાવિહારના પ્રથમ દિનની સરખામણીમાં કાંઈ જ નહોતા.

મને વિદ્યાવિહારની પાંચ ચીજોએ જકડી લીધો: શાળામાં જથ્થાબંધ આટલી બધી છોકરીઓ, સાવ નવા સૂરનાં ગીતો, આંબાવાડી વચ્ચે શાળા, ચર્ચાસભા અને ગણવેશ. વેરાવળની શાળામાં એકાદ રડીખડી છોકરી ભણતી હોય. પણ જ્યારે એક સાંજે મેં વિદ્યાવિહાર પ્રથમ વાર જોયું ત્યારે મને એમ લાગ્યું કે ભૂલથી કોઈ કન્યાશાળામાં તો હું નથી આવી ચડ્યો! નવાબી ગામમાં ઊછરેલા છોકરાને એ ક્યાંથી ખબર હોય કે છોકરીઓ પણ છોકરા જેટલી જ હોશિયાર હોઈ શકે? એ તો સમજ્યા કે છોકરીઓએ પણ ભણવું જોઈએ. પરંતુ ત્યારે વર્ગના પહેલા દિવસે અનસૂયા મોરારજી દેસાઈને મૉનિટરનું કામ કરતાં જોયાં ત્યારે મેં બાજુના વિદ્યાર્થીને કહ્યુંઃ “અહીં અમદાવાદમાં છોકરીઓ મૉનિટર થાય છે?” દિવસો સુધી મને એમ લાગેલું કે આ કરતાં મને કહેવામાં આવે તો હું મૉનિટરનું કામ કરું. હું માત્ર દોઢેક વરસમાં શાળાનો મહામંત્રી થયો એનું પ્રેરક બળ આ પ્રથમ દિવસની સ્વમાનભંગની લાગણી તો નહીં હોય? ભણવાની ચોપડીઓમાં કવિતાઓ વાંચેલી. નિશાળમાં કોઈ વાર સમૂહમાં પ્રાર્થના પણ ગાયેલી. પણ હું વિદ્યાવિહારમાં આવ્યો ત્યાં સુધી ગીતો અને કવિતાઓ મારે મન કોઈ સંગ્રહાલયનાં ચિત્રો જેવાં હતાં. જ્યારે મેં

તારા, તારા આભના તારા,

જેવાં ગીતો સાંભળ્યાં ત્યારે મારા માટે ગીતો જીવતા માણસોની જેમ હરતાંફરતાં થઈ ગયાં. પુસ્તકોમાં છપાયેલાં ગીતો મારા એકાન્તના મિત્રો બની ગયાં. એકાન્તની વાત કરું છું ત્યારે એ કહી દઉં કે છાત્રાલયની પહેલી રાતે મેં જે એકાન્તની વ્યથા અનુભવી હતી તેવી વ્યથા જિંદગીમાં ભાગ્યે જ અનુભવી હશે. બિસ્તરમાં સૂતો સૂતો ઘર યાદ કરું પણ જવું ક્યાં? મારા માટે ઘર છોડવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. આ સ્થિતિમાં ગીતો સ્વજન જેવાં મીઠાં લાગ્યાં. તમે શહેરની વચ્ચેની કોઈ શાળામાં ભણ્યા હો તો વિદ્યાવિહારની આંબાવાડીનો મહિમા તમને સમજાય. હું વિદ્યાવિહારમાં દાખલ થયો ત્યારે આજુબાજુનાં વૃક્ષો જોઈને મારું મન કોળી ઊઠ્યું. શાળા પાસે આટલી બધી જમીન હોય અને એ જમીનમાં આવાં સરસ વૃક્ષો હોય એવી કલ્પના પણ હું વેરાવળમાં ન કરી શકું. મને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે અહીંયાં તો બગીચામાં ફરતાં ફરતાં ભણવાનું છે. હજી પણ જ્યારે હું વિદ્યાવિહારનો વિચાર કરું છું ત્યારે મા ચિત્ર સમક્ષ સૌથી પ્રથમ આંબાવાડી, ઝીણાભાઈ, ભાસ્કરભાઈ અને શાળાનું પ્રાર્થનામંદિર આવે છે.

કોઈ વિષય પર જાહેરમાં ચર્ચા કરી શકાય એનો અનુભવ પણ મને વિદ્યાવિહારમાં જ થયો. આપણે તો ચર્ચાસભામાં બેઠા અને ઝળક્યા. પહેલી જ ચર્ચાસભામાં બોલવા ઊભો થયો અને ‘ના’ને બદલે કાઠિયાવાડી ‘નૉ’ બોલ્યો ત્યારે હાસ્યનું મોજું ફરી વળ્યું એય ઠીક, પણ જ્યારે એક વાર ત્રણેક છોકરીઓ જતી હતી ને એમાંથી એક બોલી: ‘અમે આવું નૉ કરીએ’ ત્યારે બધી છોકરીઓ હસી પડી અને હું ઘવાયો. એક વાર અનસૂયાબહેને મને કહ્યું કે ‘તમે એવું નૉ કરતા’ ત્યારે મેં તરત સંભળાવ્યું: ‘એક વાર જાહેરમાં બોલી તો જુઓ, પછી મને કહો.’ હું આઠેક મહિનામાં ચર્ચાસભાનો મંત્રી કેમ બન્યો એનું અચરજ હજી પણ મને થાય છે. મને એમ લાગે છે કે આનો યશ ‘નૉ’ને જાય છે.

બ્લૂ ચડ્ડી અને સફેદ ખમીસનો ખાદીનો ગણવેશ મને પહેલી નજરે ગમી ગયો. પણ મુશ્કેલી એ હતી કે મારી પાસે બેથી વધુ ગણવેશ ખરીદવા પૈસા જ નહોતા. આથી હું ગણવેશ કોઈ ઘરેણાંની જેમ સાચવતો થઈ ગયો. મને ગણવેશનો સૌથી મોટો ગુણ એ લાગ્યો કે એમાં સૌ સરખા. મિલમાલિકના છોકરા મિલમાલિક એમના ઘેર. અહીં તો બધા એકસરખા છોકરા. ગણવેશથી આખી શાળા એકસરખી દેખાય એ પણ મને જોવું ગમતું. એ દિવસોમાં ગણવેશનાં માઠાં પરિણામોની મને ખબર નહોતી, વર્ષો પછી લશ્કરપૂજાનો વિરોધ કરતો ‘ગણવેશની આરતી’ નામનો એક લેખ મેં ‘સંસ્કૃતિ’માં લખ્યો ત્યારે પણ મને એમ તો થયા કરતું હતું કે શાળા સિવાય બીજે ક્યાંય ગણવેશ ન હોવા જોઈએ. મોટા માણસો ગણવેશ પહેરે ત્યારે મને તેમાં બંદૂકના દારૂની ગંધ આવે છે.

આમ જુઓ તો આ પાંચે કોઈ અસાધારણ વાત નથી; પણ આ વસ્તુઓની મારા ચિત્ત પર જે છાપ પડી તે એટલી પ્રબળ હતી કે હું કોમળ અને કલ્લોલ કરતી દુનિયામાં જઈ ચડ્યો હોઉં એવું લાગ્યું. વિદ્યાવિહારમાં આવ્યો તે પહેલાં શિયાળાની સાંજમાં હું ફરતો હોઉં તેવું લાગતું. વિદ્યાવિહારના પ્રથમ પરિચયનું વર્ણન કરવું હોય તો એમ કહું કે ત્યાં ગયો અને શિયાળાની સવારનો તડકો મળ્યો. મન કંઈક કરું કરું કરવા લાગ્યું. આવા વાતાવરણમાં મુગ્ધ વિદ્યાર્થી કવિતા ન કરે તો જ નવાઈ. વિદ્યાવિહારમાં આવ્યો તે પહેલાં આડીઅવળી જોડકણાં જેવી કવિતાઓ લખેલી. પણ અહીંયાં તો છંદ વિના આગળ વધીએ તો કવિતાયે શરમાય. આથી એક વાર હું માનતો હતો એવા એક શિખરિણી છંદમાં ‘તારાને’ એવા શીર્ષક સાથે મેં એક સૉનેટ લખ્યું અને પહેલી પંક્તિમાં પૂછ્યું:

‘સખા શું બેઠા છો નભ પર બનીને ફિરસ્તા?’

આ સૉનેટ લઈને હું ગયો ઝીણાભાઈ પાસે. એમણે સૂતાં સૂતાં આ કવિતા ભણી નજર કરી અને કહ્યું: ‘પહેલી પંક્તિમાં એક અક્ષર ખૂટે છે. શિખરિણીમાં સત્તર અક્ષર હોય છે.’ મેં એમને નવકવિના મિજાજથી કહ્યું: ‘સાહેબ, શિખરિણી છો ન રહ્યો. મારે આ પંક્તિ બગાડવી નથી.’ પછી એ સૉનેટનું શું થયું એ મને ખબર નથી પણ ઝીણાભાઈ સાથેની વાતચીત પછી એમ થયું કે આપણે પણ કંઈક લખવું. વિદ્યાવિહારે મારા ઉપર કેટલાયે ઉપકારો કર્યા છે. એમાં સૌથી મોટો ઉપકાર એ છે કે તેણે મને લખતો કર્યો. આજે મારો ધંધો લખવાનો છે. એનાં બીજ જ્યાં નંખાયાં હોય ત્યાં, પણ એના અંકુરો આંબાવાડીમાં ફૂટ્યા. લખી શકાય એવી શ્રદ્ધા મારામાં સૌથી પ્રથમ વિદ્યાવિહારમાં પ્રગટી. વિદ્યાવિહારમાં આવ્યે એકાદ વર્ષ થયું હશે ત્યાં કવિશ્રી રવીન્દ્રનાથનું અવસાન થયું. તેમને અંજલિ આપવા માટે એક કવિતા લખવાનું મન થયું. છંદ કયો લેવો? શિખરિણીસ્તો! આ વખતે એક અક્ષર ખૂટ્યો નહીં. કાવ્ય ‘વિદ્યાવિહાર’ વાર્ષિકમાં છપાયું. આ કવિતાની આજે મને એક જ લીટી યાદ છે:

કવિ તું, દ્રષ્ટા તું, ભવરણમહીં મુક્ત ઝરણું.