ગુજરાતી નિબંધ-સંપદા/નર્મદ/મંડળી મળવાથી થતા લાભ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મંડળી મળવાથી થતા લાભ

નર્મદ




ગુજરાતી નિબંધસંપદા • મંડળી મળવાથી થતા લાભ - નર્મદ • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની


સભાસદ ગૃહસ્થો, આપણા લોકમાં આવી રીતે મંડળી મળવાનો ચાલ પ્રાચીનથી ચાલતો આવેલો સાંભળવામાં તથા જોવામાં આવ્યો નથી; પણ હાલ થોડાં વર્ષ થયાં એ ચાલ નીકળ્યો છે તેથી સૌએ પ્રસન્ન થવાનું છે ને હું થાઉં છઉં. તેમાં વિશેષ કરીને આ મંડળીનો સમારંભ ચાલવો જોઈ બહુ જ આનંદ માણું છઉં. માટે આ પ્રસંગે તમારી આગળ એ જ વિષય ઉપર થોડુંક ભાષણ કરું છઉં તે સાંભળશો.

આ ભાષણથી મુખ્યત્વે કરીને ત્રણ વાત મારે તમને જણાવવી જરૂર છે —

પહેલી આ કે આ દેશમાં મંડળી મળવાનો ચાલ નહીં તેથી શાં શાં નુકસાન થયાં; બીજી વાત આ કે મંડળી મળવાના ચાલથી શા લાભ છે અને ત્રીજી આ કે આપણા લોકે કેવે પ્રકારે મંડળીઓ કહાડવી અને તેમાં કેવી રીતે ભાષણો કરવાં.

એ ત્રણ વાત જણાવતાં પહેલાં મંડળી અથવા સભા શબ્દનો અર્થ શો છે તે જાણવું જોઈએ. ચાર અથવા વધારે માણસો ઇશ્કના ખ્યાલ ટપ્પા ગાવા બેસે, કૅફ કરવા બેસે. કોઈ તરેહનું ટાહેલું કરવા બેસે અને તે માણસોમાં પછી થોડાક વિદ્વાન હોય તોપણ તે મંડળી અથવા સભા મળી છે એમ કહેવાશે નહીં. પણ ચાર અથવા વધારે માણસો એકઠાં મળી કોઈ વિદ્યાજ્ઞાનનાં અથવા લાભ થાય ને જશ મળે તેવાં કામના વિચાર સભ્યતાથી કરે તો તે મંડળી અથવા સભા મળી છે એમ કહેવાશે. — રાજકારભારીઓની, વિદ્વાનોની, વેપારીઓની, વિદ્યાર્થીઓની વગેરેેની મંડળી. જ્યાં થોડાઘણા જણ એકસંપ થઈ એકાદાં કાર્ય વિશે રૂડી રીતે ચર્ચા ચલાવતા હોય તે પ્રસંગે મંડળી — સભા શબ્દ પ્રવર્તે છે.

૧. આપણો હિન્દુસ્થાન દેશ ઘણા પ્રાચીન કાળથી જગતમાં પ્રસિદ્ધ છે પણ એની કીર્તિનો પ્રકાશ જે પૂર્વે હતો તે હાલ નથી. કારણ શું? આપણા લોક કહેશે કે એમ થવાનો ઈશ્વરેચ્છા છે. ઉદય અસ્ત, ભરતી ઓટ, ચડતી પડતી જગતમાં થયાં જ કરે છે. હું પણ કહું છઉં કે ઈશ્વરેચ્છાથી સઘળું થયાં કરે છે પણ આ રીતે કે ઈશ્વરના ઠેરવેલા નિયમ પ્રમાણે કારણ ઉપરતી કાર્ય બને છે. કોઈ પણ કાર્યને કારણ અવશ્ય જોઈએ; તો હિન્દુસ્થાનની પડતી દશા આવવાનાં પણ કારણો હોવાં જોઈએ ને એ કારણો ઘણાં છે પણ તેમાં મુખ્ય આ છે કે આપણા દેશમાં રાજવર્ગમાંના ભણેલા ને પ્રજાવર્ગમાંના ભણેલા એઓએ એકઠા મળી રાજનીતિ સંબંધી વિચારો ચર્ચા વડે નક્કી કરવાનો ચાલ રાખેલો નહીં. જુદા જુદા પુરુષો પોતપોતાના સમયમાં પોતપોતાના યશ બતાવતા પણ એક સંપે થતાં કાર્યના જે જશ તેના લાભ લોકને નહોતા મળતા. એકનાં અને છૂટક છૂટક કેટલાંકનાં બળ કરતાં જુદા જુદા સંપનાં ને પછી એકત્ર સંપનાં બળ વિશેષ હોય છે. એ સંપબળ આપણામાં નહીં ને એ સંપબળ વધારવાને ઘણા જણે એકઠાં મળી વિચાર કરવો એ ચાલ આપણામાં નહીં તેથી આપણી દુર્દશા થઈ છે. કોઈ કહેશે કે આપણી દુર્દશા શી થઈ છે? તો જુઓ — આપણાં રાજ્ય ગયાં, આપણી સત્તા ગઈ, આપણાં શૌર્ય ગયાં, આપણાં માન ગયાં, ધન ગયાં ને સુખ ગયાં; આપણે મૂર્ખ, કાયર, નિરુદ્યમી, વ્યસની ને દરિદ્રી થઈ રહ્યાં છીએ. આપણે એવા તો આળસુ ને વિચારશૂન્ય થઈ ગયા છીએ કે આપણને ઉદ્યમ કરવાનું ગમતું નથી, બજારે બજારે મોલ્લે મોલ્લે ને ચકલે ચકલે ભટકી જેનીતેની નિંદા કર્યાં કરવાનું ને જમવા જમાડવાની વાતો કરવાનું ગમે છે. એવી આજકાલ આપણી દશા છે અને મંડળી મળી સંપે વિચાર કરી ઉદ્યમ કરવાનો અભ્યાસ નહીં જારી રાખીએ તો આપણી દશા? જે પ્રમાણે ઢોર પોતાનું પેટ ભરે છે, જે પ્રમાણે આફ્રિકાના સીદી ને ઉત્તર અમેરિકાના ઇંડિયનો પોતાનું ગુજરાન ચલાવે છે તે પ્રમાણે દહાડા પૂરા કરીશું.

૨. આપણે વિદ્યાર્થીઓએ જે આ મંડળી કહાડી છે તેવી મંડળીઓથી બહુ લાભ છે તો મોટા વિદ્વાનોની સભાઓમાં રાજનીતિ ને ધર્મનીતિની ચર્ચા ચાલી રહેતી હોય અને વેપારીઓ કારીગરો પોતપોતાની મંડળીઓમાં પોતાના વિષયની વાતો કરતા હોય તો તે મંડળીઓથી કેટલા બધા મોટા લાભ અવશ્ય થવા જોઈએ. આપણા જેવી મંડળીઓમાં ભાષણો કરવાથી તથા નિબંધો વાંચવાથી ને પછી ચર્ચા ચલાવેથી ભાષા સુધરે છે. મનમાંની વાત સહેલથી બહાર આવી શકે છે, ચારમાં નિર્ભયપણે ને વિવેકે બોલતાં આવડે છે. ઘણી ઘણી વાતોથી જાણ થાય છે, સમજશક્તિ વધે છે ને નવી નવી જુક્તિઓ જડે છે, દુરાચરણ ત્યાગ કરવાનું અને સદાચરણ ગ્રહણ કરવાનું મન થાય છે ને આપણે સદાચારી ઉદ્યમી ને પ્રતિષ્ઠિત થઈએ છીએ.

નિબંધો લખવા ને ભાષણો કરવાં એ કંઈ જેવીતેવી વાત નથી. પોતાનાં મનના વિચાર એક પછી એક એમ સંબંધમાં તકરાર ને દાખલા સાથે અસર કરે તેવી રીતે બહાર પાડવા પડે છે અને એને સારુ વિદ્વાનોનાં મત ને તેઓની લખવાની ઢબ એ પણ જાણી લેવાની જરૂર પડે છે, એ કામનો અભ્યાસ કરવાના પ્રસંગ મંડળીઓ છે.

આપણા દેશમાં ચાલ નહીં તેથી આપણા લોક તરત તો સારી પેઠે સમજી શકશે નહીં પણ જે લોકોમાં મંડળી મળવાનો ચાલ ચાલ્યો આવ્યો છે તે લોકોના વિચાર ઉદ્યમ ને વૈભવ ઉપર જ્યારે આપણા લોક નીઘા રાખતા થશે ત્યારે જેઓને ખાતરીથી સમજાશે કે મંડળીઓ મળવાના ચાલથી મોટા લાભ છે.

પ્રાચીન કાળમાં ઇંગ્લાંડ દેશના લોક કેવળ જંગલી અવસ્થામાં હતા: કેટલાક જાનવરોના શિકાર કરી, કેટલાએક માછલાં મારી, અને કેટલાંએક વૃક્ષોનાં ફળ ખાઈ જેમતેમ ઉદરપોષણ કરતા અને તેઓ એકબીજાથી દૂર ઝૂંપડી બાંધી રહેતા. એવું છતાં તેઓ આજ પુષ્કળ દ્રવ્યસંપત્તિને પામ્યા છે, મોટા વેપારી કહેવાય છે અને ઘણાક દેશમાં રાજ્યસત્તા ચલાવે છે. એ ફેરફાર થવાનાં કારણો જોકે ઘણાં છે. તોપણ તે સંધામાં આ તો ભળેલું જોવામાં આવવાનું જ કે તેઓએ સર્વપ્રસંગે મંડળીમાં વિચાર કર્યા છે ને સંપા કામ કર્યાં છે. જે જે સાચું સુંદર લાભકારી ને જશાળું તે તેનો તેઓએ શોધ કરી સ્વીકાર કરવા માંડ્યો ને એમ તેઓ દહાડે દહાડે જૂની ગેરફાયદાની વાત મૂકતા ગયા ને ફાયદાની વાત લેતા થયા. કોણ નથી જાણતું કે અંગ્રેજ લોક પ્રથમ વેપારીની કંપની રૂપે આ દેશમાં આવ્યા ને દ્રવ્યવાન થયા ને પછી તેઓએ ધીમે ધીમે રાજ્યસત્તા પ્રાપ્ત કરી લીધી! સભાસદ ગૃહસ્થો, ઇંગ્લાંડ, ફ્રાન્સ ને યુનૈટેડ સ્ટેટ્સ એ દેશના લોક પૃથ્વી ઉપરના બીજા દેશો કરતાં હાલ સર્વ પ્રકારે ઉત્તમ સ્થિતિમાં છે તેનું મૂળ કારણ આ છે કે ત્યાં, શહેરે શહેરે, ગામે ગામ, મોલ્લે મોલ્લે ને ચકલે ચકલે મંડળી મળવાનો ચાલ છે. અજ્ઞાન, દુઃખ ને દુરાચરણનો નાશ થઈ સર્વ પ્રકારનાં સુજ્ઞાન, સુખ ને સદાચારની પ્રાપ્તિ થાય છે તે. મંડળી મળી કામ કરવાનો — સંગતિથી, વિદ્યાથી ને સંપથી કામ કરવાનો ચાલ ચલાવેથી થાય છે. લોક ગાંડાના ડાહ્યા, મૂર્ખના વિદ્વાન, દરિદ્રીના ધનવાન અને અરાજ્યના રાજ્યવાન થાય છે તે સૌ મંડળીને જ યોગે.

યુરોપના લોક આફ્રિકાના સીદી લોકને પકડી તેઓને વેચવા લેવાનો ધંધો કરતા. એ ગુલામો બૈરાં બાળક સુધ્ધાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે કોઈ ક્યાં ને કોઈ ક્યાં એમ વેચાતાં. એઓને પૂર ખાવાનું પણ મળતું નહીં. એઓની પાસે ચાબકના મારથી કામ લેવામાં આવતું. એ ગુલામીનો ધંધો અને ગુલામ ઉપર સખતી માનવધર્મની ને ક્રિશ્ચિયન ધર્મની વિરુદ્ધ છે એવું કેટલાક વિદ્વાનોની બુદ્ધિમાં આવ્યું ને ઉપરથી તેઓએ સને ૧૭૬૦ પછી મંડળીઓ કહાડી ને તેમાં એ વિશે નિબંધો વાંચી સારી પેઠે ચર્ચા કરી–આવી રીતે કે માણસના કુદરતી સૌના હક સરખા છે, માણસને માણસ વેચવાનો અને તેની શક્તિ ઉપરાંત કામ કરાવવાનો હક નથી, એ કામ ઘણું નિર્દય છે, માટે, એ હીણો ધંધો બંધ થવો જોઈએ. પછી એ ચર્ચા લોકમાં ચાલી ને ઇંગ્લાંડના સત્તાધારીએ એ ધંધો ન કરવા વિશે કાયદો કર્યો. એ કામમાં ટામસ ક્લાર્કસન નામના પુરુષે પોતાની જિંદગી ગુજારી હતી ને જોકે તેને પ્રથમ અણસમજુ ને સ્વારથીઆ લોકની તરફથી બહુ વેઠવું પડ્યું હતું તોપણ તેણે પોતાની અથાક મહેનતનો બદલો જોયો, ને તે આજ એક મોટો પરમાર્થી પુરુષ થઈ ગયો એમ સંધે કહેવાય છે.

સને ૧૮૦૩માં જ્યારે બોનાપાર્ટ યુરોપના દેશોને પાયમાલ કરી ઇંગ્લાંડ ઉપર ચડાઈ કરવાની તૈયારીમાં હતો તે વખત રાબર્ટહાલ વગેરે ઘણાએક દેશહિતેચ્છુ પુરુષોએ પોતાના સ્વદેશીઓને પોતાની પાસે એકઠા કરી ભાષણોથી હિંમત આપી હતી અને સ્વતંત્રતા શી વસ્તુ છે એ સારી પેઠે સમજાવ્યું હતું કે જેથી તેઓ બોનાપાર્ટની તરફથી જે આફતનું વાદળ ચડી આવતું હતું તેને વીખેરી નાખવાને પહાડની પેઠે ઊભા રહેવાને તૈયાર થઈ રહ્યા હતા.

૩. હવે ત્રીજી વાત વિશે: કોઈ પણ રીતનો ફાયદો થાય ને કોઈ પણ રીતનો જશ મળે (નિંદા ન થાય) તેવાં કામના ઉદ્દેશથી મંડળી-સભા કહાડવી. સંપમાં રહી કામ કરાવાને સારુ મંડળી છે તો જે પ્રકારે સંપ વધે. બળ વધે તેવે પ્રકારે તે સ્થાપવી જોઈએ. અદેખાપણું, એકલપેટાપણું, હું ડાહ્યાપણું, અપ્રમાણકપણું, અણવિશ્વાસીપણું, અવ્યવસ્થિતપણું, નિરાશાપણું, કાયરપણું, અવિવેકીપણું ઇત્યાદિ અનીતિ થકી મંડળી ટકતી નથી ને શોભતી નથી. માટે જેમ બને તેમ એ દુર્ગુણો મંડળીના જનોમાં ન જોઈએ. એ દુર્ગુણોથી દૂર રહેવાય અને સદ્ગુણની તથા સંપની વૃદ્ધિ થાય તેવે પ્રકારે મંડળીઓ કહાડવી જોઈએ. મંડળીઓમાં ભાષણ વાદ કરવાની રીત પ્રમાણે હોવી જોઈએ કે જેઓ જે વિષય વિશે વિચાર કરવાને એકઠા થયા હોય તેઓમાંના શક્તિમાન પુરુષોએ વારાફરતી ભાષણો કરી પોતપોતાના વિચારો જણાવવા અથવા એકનું ભાષણ થઈ રહ્યા પછી બીજાઓએ પણ અનુક્રમે ને વિવેકની વાણીમાં પોતપોતાના વિચારો જણાવવા. ઘણી વખત આપણા શાસ્ત્રીઓ સભામાં વાદ કરતાં ક્રોધના આવેશમાં એકબીજાને તુચ્છકારના શબ્દો કહે છે ને વેળાએ મારામારી કરવાને પણ ઊભા થાય છે તે બહુ જ ખોટું છે. તેઓનામાં સભ્યતાનું કર્મ જોવામાં આવતું નથી તેથી તેઓનાં એકઠાં મળવાને સભા મળી છે એમ કહેવું ઘટતું નથી; પછી ઉદ્દેશ ગમે તેટલો સારો હોય તો શું થયું? સભામાં બોલવાના વિવેક પણ અભ્યાસથી પ્રાપ્ત થાય છે માટે અભ્યાસ વધારવાને છોકરાઓએ નાનપણથી જ મંડળીઓ કહાડવાનો ને તેમાં ભાષણો કરવાનો ચાલ પાડવો જોઈએ ને વિદ્વાનોની મંડળીની રીત જોવી જોઈએ.

મંડળી મળવાનો ચાલ આપણા દેશમાં નીકળવા માંડ્યો છે તે આપણા ઉપર રાજ કરનારા અંગ્રેજ લોકનું જોઈને તેઓનાં ઉત્તેજનથી. એઓનો આપણે ઉપકાર માનવાનો છે કે એઓ આપણને ભૂંડી હાલતમાંથી સારી હાલતમાં આણવાને પ્રયત્ન કરે છે પણ તેઓ આપણને જે શીખવે છે તે પ્રમાણે જો આપણે ચાલીશું નહીં તો હાલ જે આપણી હાલત છે તેના કરતાં વધારે નઠારી હાલતમાં આપણે આવી પડીશું. માટે, આપણે પણ મહેનત કરવા માંડવી કે જેથી આપણું નામ જેવું પ્રાચીનકાળમાં પ્રસિદ્ધ હતું તેવું, રે વધારે હાલના જમાનામાં પણ થાય. ઉદ્યમ ને ધન, વિદ્યા ને જ્ઞાન, શૂરાતન ને જય, સદાચાર ને કુલીનતા એ સર્વ મંડળીઓ કહાડ્યાથી જ વધશે — કેમ કે સુધારાનો મૂળ પાયો મંડળી — સપ છે. કહેવત છે કે ‘જીવ જાય તો સારું પણ જીવનગાળો જાય તે માઠું’ — અજ્ઞાન ને નિર્ધન એવી હાલતમાં રહેવું તેના કરતાં મરી જવું બહેતર છે. માટે આપણે સંપ રાખવાનો અભ્યાસ જારી રાખવો કે જેથી આપણો તથા આપણા પરિવારનો જીવ પણ જાય નહીં ને જીવનગાળો પણ જાય નહીં.