ગુજરાતી નિબંધ-સંપદા/ભાગ્યેશ જહા/આકાશ ધરે આમંત્રણ
ભાગ્યેશ જહા
જાન્યુઆરીનું આકાશ જિજ્ઞાસુનું આકાશ છે, જાણતલનું આકાશ છે. આમ આકાશ પોતે જ શબ્દોનું અને શ્વાસનું સરનામું છે. આજે ૨૦૧૪ના આકાશ સાથે વાત માંડવી છે. આકાશમાં સંતાયેલા શબ્દો અને ભાષા અને શૈલીની શોધ કરવી છે. તેમાં જાન્યુઆરીની તાજગી હશે. નવું વર્ષ શરૂ થાય એટલે જૂના વર્ષની એક કાળડાળની ગીતપંક્તિનું તોરણ ઝૂલ્યા કરે. હવામાં લટકતી કવિતાઓ અને શબ્દો કો’ક લપસણી પરથી સરકીને આવી પડે આપણી રગરેતમાં.
કવિની બે પંક્તિઓ કે બે શબ્દો વચ્ચે હાંફતા આકાશમાંથી વીજળીને ઉતારવી છે, મારા જૂના થયેલા અજવાળાને અજવાળવા. હજી ૨૦૧૩ના એક અજાણ્યા પક્ષીની ગીતપંક્તિના ચણ ચણવાના ચમકારાથી મુક્ત નથી થયા મારા કાન, મારું ભાન. કશી અપેક્ષા વગર વાતે વળેલાં ફૂલ, પ્રેમિકાની નજરથી જોતી મધુમાલતી, કૅલેન્ડર સામે તાકી રહેલી ગરોળી અને આંખમાં ઓગણસાઠ પોઠો નાખીને બેઠેલી ભાષાના ભપકાદાર ભૂખંડો.
માળિયામાંથી પતંગ ઉતારવા જાઉં છું ને ખરી પડે છે હવા… કયા વર્ષની હશે આ હવા? એવો પ્રશ્ન પૂછું ત્યાં જ `મા’ના ફોટામાં પુરાયેલી આંખોમાંથી વછૂટે છે એક તાજી બનેલી તલપાપડીની તસતસતી વાસ. પિતાજીની ઇસ્ત્રીબંધ ટોપીમાંથી ઝમતી એમની વાતોમાં ઓગળવા માંડે છે માળિયાની હવાના લસરકા. ઉત્તરાયણના ઉત્તરો જે પ્રશ્નાવલીની કૂખે જન્મ્યા છે તે પ્રશ્નોની ભાષાની ભૂગોળ વાંચવાનો આ અવસર છે. પતંગની તંગમુદ્રાની તરુણાઈ સાચવીને બેઠેલી વાંસસળીને વળગેલી અર્ધબેહોશીમાંથી ઉકેલવી છે એક નવી ભાષા, આકાશને વાંચવાની ભાષા. મારા કાવ્યની પારદર્શિતા ચાવી ચાવીને લાલ થયેલી પતંગની પાતળી ચામડીને મારા આંગણાનું પવનશિશુ વહાલ કરે તે જોવું છે. પેલી વાંસસળી વાંસળી બની જાય એટલી હદે કૃષ્ણ પિવડાવવા છે મારા નાનકડા આકાશને. કિન્યા કે કન્યા બાંધું છું ત્યારે ક્લાઉડ-કમ્પ્યૂટિંગ અંગે વાતે વળગેલા કાલિદાસ અને સ્ટીવ-જોબ્સ મારા મિત્રો તરીકે મારી બાજુમાં જ બેઠા છે. આ ઉત્તરાયણ `ઊતરાણ’ નહીં પણ `ઉડાન’ થવાની છે તેવા શ્લોક બોલવા તત્પર જાંબુડો એના સેંકડો પાંદડાં ફરકાવે છે. આ મગરૂરીનો માહાૅલ છે, અતિભાન અને અતિભાવની અગાશીનો અહેસાસ છે.
ब्रह्मज्ञा: खं पश्यन्ति… (બ્રહ્મવિદો આકાશ તરફ જુએ છે… [વિટંબણા અને સુખમાં]) એ રીતે નહીં પણ ખાલીખમ થઈને આકાશને ખોદવું છે, અણિયાળા પતંગોથી… સાક્ષીભાવથી સજાવવું છે ઘરથી દૂરનું છજું, રંગની એક અભરાઈ પર ખરી પડે તેવા હાલકડોલક રંગોનું તોરણ બાંધવું છે અને જ્યાં ભાષા પણ ગેરહાજર હોય તેવા આભઆંગણે એક રંગોળી દોરવી છે. પતંગોની એક ઢગલી પડી છે, હવાની એક બિલાડી હમણાં જ આંટો મારી ગઈ. ઊંધિયાના તેલ જેમ તરતી પડોશીની બૂમોને વિસ્મયથી સાંભળતી દોરીની બેફિકરાઈ જાડી થતી જાય છે. મોટાં સ્પીકરોથી સર્જાયેલા ઘોંઘાટ સામે નહીં વંચાયેલાં છાપાંઓ એક વૃદ્ધાની અદાથી હવા વાતે વળી છે. તલપાપડીમાં ઠાકોરજીની આંખ જેવી મગફળી શાંતિથી બેઠી છે, જાણે યુદ્ધભૂમિનો અર્જુન બોલે તેની રાહ જુએ છે.
હવે પતંગો ઊડ્યા છે, દૂરના છોડ પરથી એક પતંગિયું મારી સામે પોતાની કવિતા રજૂ કરે છે, એક નાનકડા બગીચામાં શ્રોતાઓ જેવા છોડ પરથી એક અજાણી દોરી ખેંચ્યા કરે છે મને, મારાથી દૂર, ભાષા વિનાની ભાષાને સમજવા માટે… નોબેલ પારિતોષિક પામેલા એલિસ મનરોની દીર્ઘ-વાર્તા (લઘુનવલ?) `The love of a Good Woman’ના ત્રણ યુવાનો જેવા ત્રણ પતંગો પવન વિનાની હવાના એક પુલ પર ટકવા મથી રહ્યા છે. વૈશ્વિક સદીમાં આકાશ સાથે કાગળના માધ્યમથી પણ ભાષા વિના આકાશ સાથે વાત માંડવાનો આ પ્રસંગ જામી ગયો છે, મૂક-બધિર પતંગોએ એક રંગોળી દોરી દીધી છે. મારી અણિયાળી જિજ્ઞાસા અને જાણતલ મને પતંગની આ દુનિયા સમજવા ગૂગલ-ગ્લાસ પહેર્યા છે. દોરીને અથડાઈને જતા વૉટ્સ-ઍપના વાયરા સંભળાય છે. ક્યાંક ટીવી દૃશ્યોની એક વણજાર સ્પર્શી જાય છે મારી દોરીની દીર્ઘ-ઈને. આકાશના તારાઓની કવિતાઓ ચઢી આવી છે પવનની પાતળી સાંઢણીઓ પર… હું આકાશ સામે જોઉં છું, આકાશ મને આમંત્રણ ધરે છે.
આપણે આકાશમાં છીએ, આપણામાં આકાશ છે. આકાશમાં આપણા શબ્દો ઓગળી ગયા છે. આપણા શબ્દોમાં આકાશ મેળવીએ અને ભેળવીએ એટલે શબ્દોને કવિતા ફૂટે છે. આકાશ વિશે પૂરું જાણતા નથી છતાં આકાશ પારકું નથી લાગતું.