ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/નેપલ્સ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૦
કનૈયાલાલ મુનશી

નેપલ્સ





ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • નેપલ્સ - કનૈયાલાલ મુનશી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ


ત્યાંથી અમે સોલ્ફતારા ગયા.

નેપલ્સની આસપાસની ભૂમિમાં જે તોફાન છે તેનો સાચો નમૂનો સોલ્ફતારા છે. એ જ્વાલામુખી પર્વત નથી, પણ ઊકળતું ખેતર છે. એ ખેતરમાં ઠેકઠેકાણે ઊકળતો લાવા ખદખદે છે, ઠેકઠેકાણે ધુમાડો નીકળે છે. તમે ચાલતા હો ને આયુષ્યની અવિધ આવી રહી હોય તે પગ નીચેનું જમીનનું પડ ખદબદવા લાગે! ધરતી સ્થિર છે એવો ખ્યાલ મને અત્યાર સુધી હતો, પણ અહીં તો ધરતી એટલે અસ્થિરતા. અને છતાં ક્યૂમીમાં પહેલાં ગ્રીકોએ શહેર બનાવ્યું; બાયામાં શોખીન રોમનો આવી વસ્યા; નેપલ્સ ને પોમ્પીઆઈમાં પણ રોમનો રહ્યા ને આજે શોખીન પ્રજા વસે છે – આ ધૂંધવાતી, ધખધખતી ધરતી પર! અહીં જેટલો ભય છે તેટલું જ આકર્ષણ છે.

પાસે આવેલું મોન્તે નૂવો (Monte Nuovo) – નવગિરિ – અસ્થિરતાનો નમૂનો છે.

એક ગામ હતું, ત્યાં લોકો વસતા. ૨૮મી સપ્ટેમ્બર ૧૫૩૮ને દિવસે ધરણી ધ્રૂજી, ચોવીસ કલાકમાં વીસ વાર સમુદ્ર માઝા ઓળંગી પાછો ગયો. ખડકે ધરતીમાં માર્ગ શોધ્યો. વર્તુલાકાર અખાતમાં ઊકળતું પાણી ખદખદી ઊઠ્યું. કાદવ નેપલ્સ લગી ઊછળ્યો. રાખ દોઢસો માઈલ સુધી ઊડી. જોતજોતાંમાં ગામ ચારસો ફૂટ ઊંચું થયું; તેની વચ્ચે જ્વાલામુખી થયો. આ પર્વત તે મોન્તે નૂવો. નવલકથામાં આ લખીએ તો કલ્પના સ્વચ્છંદી ને બાલિશ મનાય, નેપલ્સમાં ચારસો વર્ષ પર આ થયું, ને કાલે એવું બીજું પણ કંઈક ફરી થાય તો નવાઈ નહીં.

અમે ત્યાંથી બાયાના અખાત પર આવ્યાં. નેપલ્સની આસપાસ સરોવરો ને અખાતો નથી; પાણીથી ભરેલાં, હોલવાયેલા જ્વાલામુખીનાં વર્તુલાકાર મુખો છે—જાણે પાણીભર્યા જામ!

શોખીનમાં શોખીન પ્રાચીન રોમનો અહીંયાં લહેર કરવા આવતા; અને તેમના મહેલોનાં ચારે તરફનાં ઈંટમટોડાં ચારે સ્મરણો જગાવે છે. અહીંયાં વસ્યા હતા પોમ્પી, કેટો ને જુલિયસ સીઝર.

જુલિયસ સીઝરનું ઘર જોઈ હું પળ વાર ચિત્તમુગ્ધ થયો, ને બાયા હતું તેવું મારી નજર આગળ ઊભું થયું.

સ્તંભાવલીથી શોભતા આરસમહેલો ને ચારે તરફ નગ્ન મૂર્તિઓથી મઢેલાં રમણીય ઉદ્યાનો હતાં. જગ જીતીને થાકેલા મહારથીઓ પાલખીમાં બેસી, પથ્થરના સ્વચ્છ રસ્તાઓ પરથી જતાઆવતા. બાયાને કિનારે સાગર ઘૂઘવતો ને દૂર વિસૂવિયસ આનંદમાં પોતાની જ્વાલાએ ઊડાડતો.

એક મહાલયની અગાસીમાં મેં એક માણસને જોયો—ઊંચો, રૂપાળો, જરાક તાલવાળો. તેનાં કપડાં સ્વચ્છ ને કીમતી હતાં. તેના પર ધ્યાન આપવામાં જ તે એકાગ્ર હતો. સર્વસત્તાધિકારી સુલાએ એને માટે ચેતવણી દેતાં કહેલું : That loose-coated boy! મેં તેને સ્ત્રીની સુંદર છટાથી વાળ સમારતાં જોયો; તેની આંખમાં તન્દ્રા હતી, તેની વાતમાં છટા હતી.

મેં તેને જુદીજુદી રોમન સ્ત્રીઓ સાથે પ્રેમ કરતો જોયો; સરવિલિયાને જમીનજાગીરે સમૃદ્ધ કરતો જોયો – સાઠ લાખ રૂપિયાના એક મોતીએ વધાવતો જોયો. વિધિનું વૈચિત્ર્ય કોણે પારખ્યું છે? ઉદાર હૃદયના જુલિયસ! આ સરવિલિયાનો પુત્ર બ્રુટસ વર્ષો પછી તારું ખૂન કરશે ત્યારે તારે બોલવા પડશે આ અમર શબ્દો : ‘Ye too Brutus!’ (અરે, બ્રુટસ, તું પણ!) તારા પુત્ર બ્રુટસને ઘાએ તારે માનવઅધમતાથી શરમાઈ ઝબ્બો વીંટી પડવું પડશે! માનવકીટના વિષનો પૂરેપૂરો ડંખ તને લાગશે!

દેવોના પ્રિય, તું તારું કર્યે જા. દેશદેશની રાણીઓની સેજ તારી વાટ જુએ છે. યુનો અને મહાન ક્લિયોપેટ્રા – દુર્જેય સ્ત્રીત્વની કારમી મૂર્તિને, તારી સેવા કરતી મેં જોઈ છે. નાઈલનાં રમણીય નીર પર, સોળ વર્ષની, વિશ્વવિજેતાઓની મોહની ક્લિયોપેટ્રા સાથે વાર્તાલાપમાં રાતભર વિહાર કરતો હું તને જોઉં છું. પૈસાને તું લાત મારતો આવ્યો છે. ગરીબ છતાં પારકે પૈસે તેં મહેલ બાંધ્યા. તેં તિજોરીએ લૂંટી, રાજમંદિરો લૂંટ્યાં. તેં નગરો ને દેશો લૂંટ્યાં, લોભ માટે નહીં; વૈભવ માટે, મહત્તા માટે. દાન, મિત્રતા ને ઉદારતાને માટે દુનિયાની સમૃદ્ધિ તેં તારી ગણી. જુલિયસ, તારી વાણી માત્ર સ્ત્રીઓને જ નહીં પણ મુત્સદ્દીઓને વશ કરતી ને સભાઓને મુગ્ધ કરતી સાંભળું છું. સિસેરો પોતે – વક્તાઓનો સમ્રાટ, તને અદ્વિતીય વક્તા માને છે, અને તારા ‘છટાદાર, ભભકભર્યા, ઉમદા અને ભવ્ય વાક્પાટવને’ અનેકવાર વખાણે છે. ને તારા ઇતિહાસોને કોણ સ્પર્શી શક્યું છે?

અત્યારે તું વાળ સમારે છે. તને એ છટામાં દેખવા છતાં તારી શક્તિ હું વીસરી શકતો નથી. તેં શું નથી કર્યું? ઘેાડા પર ને ગાડીમાં, હોડીમાં બેસી નદીઓ તરીને, કલાકો સુધી ગમે તેવા વિષમ ભયમાં તું મુસાફરી કરે છે, તે હું કેમ વીસરું? સેનાપતિ તરીકે તું ગણતરીબાજ વધુ છે કે હિંમતબાજ એ કોણ કહી શકે? ઘણીયે વેળા યુદ્ધમાં હાથમાંથી વિજય સરી જતો હોય, ત્યારે અપૂર્વ દક્ષતાથી તું એકલે હાથે તેને પાછો લઈ આવ્યો છે. એલેક્ઝાન્ડ્રામાં મુશ્કેલીમાં આવી પડતાં, ડાબે હાથે ઉપયોગી પત્રો ઊંચા રાખી, સેનાપતિનો ઝબ્બો ખેંચી, તરીને, તું દુશ્મનોનાં દળ વચ્ચેથી છટકી ગયો – એ પ્રસંગ તારા આ રૂપાળા વાળ ને ફક્કડ કપડાં જોઈને પણ વીસરી શકાય એમ નથી.

વિજેતા તરીકે તું અપૂર્વ હતો ને છે. સિકંદરનાં પરાક્રમોને વિસરાવનાર, તારા પછીનાં બે હજાર વર્ષમાં એક નેપોલિયન જ તારી વિજયવાર્તાનું સ્મરણ કરાવી રહેશે.

તારાં પરાક્રમો વાંચતાં કલ્પના કાંપી ઊઠે છે. તારા હજારો સૈનિકોનો તારે માટે ઊભરાતો પ્રેમ, તારે માટે તેમણે આપેલો ત્યાગ જોઈને પણ તારી વ્યક્તિતાની પ્રેરકતાનો પૂરો ખ્યાલ આપી શકાતો નથી,

તું જેવો અપ્રતિહત યોદ્ધો છે, તેવો જ ઉદાર મિત્ર ને દયાળુ રાજકર્તા છે.

જે તારો જાન લેવા મથ્યા તેમને તેં ઉદાર દિલે માફી બક્ષી; જે સુલા ને પોમ્પી તને કચરી નાખવા મથ્યા તેમનાં બાવલાં તેં જ ઊભાં કર્યાં. એક ઇતિહાસકારે, જુલિયસ, તને યોગ્ય ન્યાય આપ્યો છે : “Gentleman, Genius and Monarch - he still had a heart”.

મુત્સદ્દી ને વિશ્વવિજયી, રોમમાં રાજરાજેશ્વરની સત્તા ભોગવતાં છતાં તેં જુલમ કર્યાં નથી. તોફાનો કર્યા છતાં, રાજ્યકર્તાનાં કર્તવ્યો તું વીસર્યો નથી. અને કવિતા ને વાર્તામાં કલ્પી ન શકાય એવાં પરાક્રમો વાસ્તવિકતા અને શક્યતાની મર્યાદા ભૂલ્યા વિના તેં કર્યાં છે.

પણ તારું અમર સ્થાન તો સર્વશ્રેષ્ઠ વ્યવસ્થામૂર્તિનું છે. રોમનો જીવનમંત્ર એક જ – વ્યવસ્થા. ૨ોમ ગામડું મટી શહેર થયું; શહેર મટી ઈટાલી થયું; ઈટાલી મટી એણે યુરોપ, એશિયા અને આફ્રિકાના ખંડોનું સ્વરૂપ લીધું. એક ગામે, ત્રણ ખંડોને એક તારે, વ્યવસ્થાથી બાંધ્યા. તારો તૂટવા લાગ્યા. બ્રિટનથી ઇરાન સુધીનાં રાષ્ટ્રો પોતપોતાને માર્ગે જવા તલપી રહ્યાં.

માનુષી વ્યવસ્થાને ભેદતાં સ્થલનાં અંતરો વધી પડ્યાં, તે વિષમ પ્રસંગે રોમે મહાપ્રયત્ન કર્યો - તને સરજાવ્યો. છસો વર્ષની વ્યવસ્થાના મંત્રોના સત્ત્વ સરખા તેં તૂટતા રોમન સામ્રાજ્યને એક બનાવ્યું. ભાંગી પડતું રોમન સામ્રાજ્ય, તારે લીધે બીજા પાંચસો વર્ષ ટક્યું.

એક ભાવિ ઇતિહાસકાર ઓગણીસસો વર્ષ પછી તને ન્યાય આપશે : મોટામાં મોટાં સર્જનાત્મક બળોનો તે માલિક હતો, અને છતાં તીક્ષ્ણમાં તીક્ષ્ણ તેની દૃષ્ટિ હતી. તે યુવાન નહોતો તેમ વૃદ્ધ નહોતો – ઇચ્છાશક્તિમાં; શ્રેષ્ઠ સિદ્ધિમાં; પ્રજાજીવનની ભાવનાથી ભરપૂર અને છતાં આજન્મ નરેશ. અંતરથી ખરેખર રોમન; છતાં રોમ અને ગ્રીસની સંસ્કૃતિને બહારથી અને અંતરથી એકતાન કરનાર સીઝર સંપૂર્ણ અને અપૂર્વ માનવી હતો.

માનવજાતિના ઇતિહાસમાં કોઈ માનવીને નથી મળ્યું એવું માન તને મળ્યું. દુનિયાના સર્વોચ્ચ સત્તાધીશને તારા નામ કરતાં વધુ માનપ્રદ બિરુદ મેળવવાની ઇચ્છા રહી નથી.

‘સીઝર’ શબ્દ મહત્તા, ભવ્યતા ને સત્તાનું- સર્વાંગીણ અપૂર્વતાનું લક્ષણ સૂચવે છે. નેપોલિયનને તારા નામથી વધુ સારી ઉપમા મળી નથી. રશિયાના ઝારે કે જર્મનીના કૈઝરે, મહત્ત્વાકાંક્ષાની ટોચે પણ તારા નામના અપભ્રંશથી બીજું સારું બિરુદ ધારણ કરવાની ઇચ્છા સેવી નથી. ‘પોન્ટીફ’ અને ‘ઈમ્પરેટર’ એ તારાં બિરુદોની લાલસાએ કેટલાયે મહાજનો મરી ફીટ્યા છે. અને જ્યાં સુધી પૃથ્વી પર માનવ રહેશે ત્યાં સુધી, જીવનમાં સર્જનાત્મક શક્તિ ઉતારનાર જે જન્મશે તે તારી સ્પર્ધામાં જ મોક્ષ માનશે.

બાયાથી અમે સાંજે પાછાં આવ્યાં. મને તો સીઝરનાં સ્મરણોએ નિરાશ કરી મૂક્યો હતો. સીઝર મારે માટે પારકો હતો. ઈટાલિયનો ભલે એને માટે ગર્વ ધારે; મારે લલાટે તો પાણીપત ને પ્લાસી લખાયાં હતાં, અને બહુુ થાય તો અહિંસાત્મક આધ્યાત્મિક સમરાંગણોનું સૂકું ને અપવાસિયું શૌર્ય!

વાત કરવાનું મને મન નહોતું. હું ગંભીર બની રાષ્ટ્રોના જયાજયના વિચારમાં મશગૂલ હતો, અને તે માટે આંસુ સારતો હતો.

“મારે ફરવા જવું છે.” મારાં મિત્રે કહ્યું.

ઓ ભગવાન! સાંજે છ વાગે અજાણ્યા ગામમાં, જ્યાં અંગ્રેજી કોઈ સમજી શકે નહીં ત્યાં સ્ત્રી એકલી ફરવા જાય!

“કદી નહીં,” મેં બૂમ મારી; “આ મુસાફરીમાં જવાબદારી મારી છે; હું ના કહું છું.” મારાં મિત્રે મારી સામે જોયું, અને સ્ત્રીઓના હક્કનું અસ્તિત્વ ભૂલી, ફરવા જવાનું માંડી વાળ્યું.

રાત્રે અમે હૉટેલ વેઝૂવના વિશાલ ભોજનગૃહમાં જમવા ઊતર્યાં. ચારે તરફ સુવર્ણરંગી સ્થંભો ઝળકી રહ્યા હતા. આખા ખંડની ભભક મહારાજાઓના મહેલોને શરમાવે એવી હતી,

મેં મૂંગામૂંગા સૂપ પીવા માંડ્યો.

“આ જમવાનો ઓરડો,” લક્ષ્મીએ કહ્યું : “શો સરસ છે! આપણે ત્યાં તો હંમેશાં અંધારિયો ને ગંદો ઓરડો હોય તે જમવા બેસવા માટે રખાય.” હું રોમનાં સંસ્મરણોમાં મશગૂલ હતો, એટલે મેં કંઈ જ ઉત્તર ન વાળ્યો.

ને મારાં મિત્રે કહ્યું : “કેટલી શાંતિથી પીરસનાર પીરસે છે, ને જમનાર જમે છે!”

મારો પિત્તો ઊછળી આવ્યો. હજારો વર્ષો થયાં મારા બ્રાહ્મણ મહાપૂર્વજોએ લાડુની સાથે ફડાકાબંધ દાળ ફડકાવેલી તેને મને ગર્વ થઈ આવ્યો. મેં અધીરાઈથી કહ્યું : “સન્નારીઓ, એક વખત એવો આવશે કે ગુજરાતસેના નેપલ્સ જીતી લેશે. આ હૉટેલ વેઝૂવના ભોજનગૃહમાં ગુજરાતીઓ પલાંઠી વાળી પંગતે બેસશે, ઇડરિયા પંડ્યાઓ ‘લાડુ તમારે’ ‘શાક તમારે’ ‘ભજિયાં ગરમાગરમ’ના જિહ્વાપ્રેરક વિજયઘોષથી આ ખંડ ગજવી મૂકશે, અને ફડાકાઓની શરતમાં કોનો ફડાકો વધારે બોલે છે તેની સ્પર્ધા કરતા, ગુજરાતની મહત્તા ઈટાલીમાં સાધશે; અને આ ગાલીચો ઉઠાવી નાખી, આરસની જમીન પર પાણી, દાળ ને કઢીની રેલમછેલ કરશે.’

મને સાંભળનારી સન્નારીઓ જમણ પૂરું થયું ત્યાં સુધી એક્કે અક્ષર ઉચ્ચારી શકી નહીં.

[મારી બિનજવાબદાર કહાણી : યુરોપપ્રવાસ, ૧૯૪૩]