ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૨. બદરીવિશાલનાં દર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨. બદરીવિશાલનાં દર્શન





ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • બદરીવિશાલનાં દર્શન - સ્વામી આનંદ • ઑડિયો પઠન: પાર્થ મારુ




બદરીનારાયણ અહીંથી માત્ર વીસ માઈલ દૂર છે, પણ એ આખો રસ્તો અલકનંદાની સાંકડી કંદરામાંથી અને ઊંચા સીધા પહાડોમાં થઈને જાય છે. જોશીમઠ નીચે દોઢ માઈલ સીધા ઊતરી ઉપર કહ્યું તે ધવલગંગા અલકનંદાને જ્યાં મળે છે ત્યાંથી એક પૂલ પરથી ઓળંગવી પડે. એકાદ યાત્રિક હિંમતથી મોટી સાંકળો પકડી આ સંગમમાં સ્નાન કરે; પણ મોટે ભાગે આ શક્ય બનતું નથી કારણ અલકનંદા ધસમસતી તો હોય જ અને બીજી બાજુથી ધવલગંગા ઘેલી થઈ તોફાને ચડી હોય તેમ કાનના પડદા બેસી જાય એવી મોટી ગર્જના કરતી, મોટી મોટી શિલાઓને કાંકરા-છીપલાની માફક ઉછાળતી આવીને મળે છે. આ સંગમ થાય એ જગ્યાએ એટલો મોટો અવાજ થતો હોય છે કે ત્યાં બીજું કશું જ સંભળાતું નથી. આ સ્થાનનું નામ છે વિષ્ણુપ્રયાગ. વિષ્ણુનું એક નાનું મંદિર માત્ર છે ત્યાંથી આગળ બંને બાજુ વિકરાળ પહાડો વચ્ચેની સાંકડી જગ્યામાંથી અલકનંદાને તીરે તીરે સાચવી-સંભાળીને ધીમે ધીમે ચડવું પડે. વચ્ચે બે-ત્રણ વાર ઝૂલતા પૂલ પરથી અલકનંદા ઓળંગવી પડે. આ બાજુના ગામડામાં વસ્તી પણ ભુટિયા જેવા લોકોની. સાંકળથી બાંધેલા મોટા મોટા વાઘ જેવા ભયંકર કૂતરાઓ, લાંબા લાંબા વાળવાળી બકરી અને યાકનાં ટોળાં સાથેના આ લોકો આ પ્રદેશમાં ઠેર ઠેર મળે છે. જોશીમઠથી નવ માઈલ ગયા પછી ‘પંડુકેશ્વર’ ગામ અને તીર્થ આવે છે. ત્યાં શિવ, યોગબદ્રી અને વસુદેવની શ્યામ શિલાની બહુ મનોહર મૂર્તિઓ છે. ત્યાં પ્રાચીન લિપિમાં કોતરાયેલો પ્રાચીન તામ્રપટ છે. અલ્હાબાદના પ્રદર્શનમાં આ જ્યારે મોકલવામાં આવેલો ત્યારે પંડિતોએ એ પ્રાચીન લિપિ ઉકેલવાના ઘણા પ્રયાસ કર્યા પણ એમાં એમને કહેવા જેવો યશ ન મળ્યો.

અહીંથી આગળ ત્રણ માઈલ ‘વામબગડ’ નામની ચટ્ટી આવે છે. ત્યાંથી આગળ ત્રણ-ચાર માઈલના પથરાળા રસ્તા પાર કર્યા પછી આ માર્ગ પરથી છેલ્લી હનુમાન ચટ્ટી આવે છે. ત્યાં વૈખાનસ તીર્થ અને નાની માટીની ટેકરી છે. અહીં મરુત રાજાએ યજ્ઞ કર્યો હતો, એમ કહે છે. પંડાઓ એ યજ્ઞના અવશેષ તરીકે જમીન ખોદી રાખોડી જેવી અથવા કોલસાની ભૂકી જેવી માટી કાઢીને બતાવે છે. આ આખો ટેકરો યજ્ઞની રાખોડીથી બનેલો છે અને આજકાલ તો રાખોડી ને કોલસા સાથે બળેલા જવના દાણા પણ મળે છે, એમ કહે છે! જોશીમઠથી આગળ બદરીનારાયણ સુધીનો રસ્તો જૂનો અને પહાડી છે. કારણ, એ પ્રદેશ જુદા જુદા પહાડોનો બનેલો અને અખંડ બરફછાયો હોવાથી સારો રસ્તો બાંધી શકાયો નથી. હનુમાનચટ્ટીથી બદરીનારાયણ આ પહાડી રસ્તે જ ચાર-પાંચ માઈલ જવું પડે છે. તેમાં પણ છેલ્લે ત્રણેક માઈલને રસ્તે અસ્તવ્યસ્ત પડેલા પથ્થરો વચ્ચેથી માર્ગ કાઢવો પડે છે. ડાબી બાજુએ જોરશોરથી વહેતી નદી અલકનંદા દેખાય છે. એના પ્રવાહ પર પણ ઠેકઠેકાણે બરફ જામેલો દેખાતો હતો. મુંબઈ-પૂના માર્ગના ખંડાળાના બોરઘાટમાંથી ટ્રેન પસાર થાય છે તેમ અહીં બરફના બુગદામાંથી અલકનંદા સરી જતી દેખાય. એવા બરફના બુગદા અને એમાંથી બહાર પડતી અલકનંદાના કાંઈ કેટલાંયે સુંદર દૃશ્યો અમને જોવા મળ્યાં. બે-ત્રણ વાર તો વહેતા પ્રવાહ પર જામેલા બરફ પરથી ચાલી પણ જવું પડ્યું! પગ તળેનો બરફ અંદરના પ્રવાહને જોરે કેટલો આછો-પાતળો થયો હોય તેની શી ખાતરી? આ છેલ્લા પથરાળા માર્ગથી અમે ત્રાસી ગયા. સવારે જોશીમઠથી નીકળ્યા ત્યારથી એકસરખા ચાલ્યા જ કરતા હતા. સાંજ થવા લાગી તેમ ઠંડી વધવા લાગી; અને એ વળી ઓછું હોય તેમ હજુ બે-અઢી માઈલ જવાનું બાકી જ હતું! ત્યાં વરસાદ શરૂ થયો. ચડવાનું આમ બહુ નહોતું પણ રસ્તો નર્યો પથરાળો. વરસાદને લીધે એ અમને વધારે આકરો લાગ્યો. આખરે એ પૂરો થયો અને લગભગ માઈલને અંતરે વિશાળ મેદાનમાં બદરીનારાયણના સુવર્ણમંડિત મંદિરથી શોભતી વિશાલ બદરીપુરીનાં દર્શન થયાં. એ જોતાંની સાથે ‘જય શ્રી બદરી-વિશાલ જય’, ‘શ્રી બદરીવિશાલ લાલકી જય’ એવો જયનાદ કરતા અમે ત્યાં ને ત્યાં લાંબા થઈ શ્રી નારાયણને પગે લાગ્યા, અને પોતાની જાતને ધન્ય માનતાં, અનેરા ઉત્સાહથી એ વરસાદને ગણકાર્યા વિના ઝપાટાબંધ ચાલી, હવે તદ્દન નાની લાગતી અલકનંદા લાકડી પૂલ વડે ઓળંગી અમે પૂરીમાં પ્રવેશ્યા. લાંબું બજાર ઓળંગી શ્રી નારાયણ મંદિરની પાછળ એક મોટી ઇમારતમાં ધુણી ઘખતી હતી, ત્યાં કોઈને પૂછ્યાગાછ્યા વિના પહોંચી ગયા અને રહેવા કરવાની તપાસ કરવાની માથાકૂટ બાજુએ મૂકી, ભીનાં કપડાં ઉતારી સીધા તાપવા બેસી ગયા. ઠંડી અને વરસાદમાં એવા તો ઠરી ગયા હતા કે કફનીનાં બટન કાઢવા જેટલું ચૈતન્ય મારાં આંગળાંમાં નહોતું રહ્યું. થોડી વાર શેક લીધો એટલે શરીરમાં ગરમાવો આવ્યો. ત્યાં તો સાયં આરતી અને રાજભોગનાં દર્શનના ઘંટનાદ સંભળાયા. હતા એવા ઊઠી મંદિર ભણી દોડી ગયા. પ્રત્યક્ષ નારાયણને દ્વારે, ભગવાનને ચરણે ભીડનું તો શું પૂછવું? આખી બદરીપુરી ત્યાં ઊમટી હતી. પુરીમાં રહી રાજભોગનાં દર્શન ન કરે એવો અભાગિયો કયો હોય? જેમ તેમ દર્શન કર્યા. મંદિરની અંદર દૂર દૂર મૂર્તિ પાસે ખૂબ દીવાની દીપમાળ ઝળહળતી હતી. દર્શન કરતાં ગળગળો થઈ ગયો. કૃતકૃત્ય થઈ ઇષ્ટમિત્ર,સંબંધી બધાંને યાદ કર્યાં. દિવસોથી જે રઢ લીધી હતી, જેને કાજે મહિનાઓથી પર્વતો ખેડ્યા, વનમાં રવડ્યા,—આનંદથી સ્વીકારીને ભટક્યા—તે આખરે મળ્યું! આંખમાંથી આનંદના આંસુ સરી પડ્યાં! જીવન સાર્થક થયું. ધન્ય ધન્ય થઈ ગયા! નારાયણને દ્વારે એ ક્ષણે કેટલાંયે જણ કૃતકૃત્ય થઈ, પાવન બની ‘તારે ચરણે રાખજે નારાયણ!’ ‘આ ક્ષણે તારે બારણે આશરો દેજે’, ‘હવે ફરી એ અસાર જગતમાં ધકેલીશ મા’, ‘મને તારી પાસે લઈ લે’, ‘મને હવે જગતમાંથી કાઢી લઈ તારે ચરણે અક્ષય શાંતિ પામવા દે’, ‘ધન્ય થયું જીવતર, હવે મૃત્યુ દે’—એવી એવી પ્રાર્થના કરી રહ્યા હતા! દેવને દ્વારે, પ્રત્યક્ષ નારાયણની સામે ઊભા રહ્યા પછી, કયા અભાગિયને અસાર જગતને માટે મોહ રહે? મંદિરની બહાર નારાયણના પ્રસાદનો ભાત વેચાતો હતો. પણ ત્યાં એટલી ભયંકર ભીડ હતી કે અમે પહોંચી ના શક્યા. આખરે એક યાત્રિક પાસેથી થોડો પ્રસાદ માગી લઈ પ્રેમથી કૃતકૃત્ય થઈ એ ગ્રહણ કર્યો. અહીં નારાયણને દ્વારે રાજા-રંક એક. શ્રીમંત-ગરીબ એક. બ્રાહ્મણ-શૂદ્ર એક. પાપી-પુણ્યશાળી એક. સુખી-દુઃખી, રોગી, કુષ્ઠી, મહાર, માંગ, શૂદ્ર, અતિ શૂદ્ર, ચાંડાળ, ઊંચ, નીચ, કાળા, ગોરા, વૈષ્ણવ, શૈવ, સંન્યાસી, બૈરાગી, નાનાં-મોટાં, સ્ત્રી, બાળક–બધાં એક જ! અહીં ભેદ નથી, જાતિ નથી, સંપ્રદાય નથી, મારું-તારું નથી, દ્વૈત નથી, દ્વેષ નથી, વાદ નથી, ઝઘડા-ટંટા નથી, અહીં સનાતની કે સામાજિસ્ટ નથી, સુધારક કે ઉદ્ધારક નથી, પૂર્વ નથી, પશ્ચિમ નથી, અહીં સર્વે એક જ છે. દેશવિદેશથી આવેલા ભાઈ-ભાંડુ પિતાને ઘેર ભેગાં મળે, ત્યાં કોઈનો દરજ્જો નાનો કે મોટો નથી. કોઈ ક્ષૂદ્ર નથી કે ક્ષુલ્લક નથી. અહંકારથી ખોટા ફુલાઈ ગયેલાનો મદ અહીં ઊતરી જાય છે. નાનાં હોય તેને નારાયણ પોતે ઉપાડી લઈ બધાની હારે બેસાડશે. એની દૃષ્ટિ ના પહોંચે એટલું નાનું કે એટલું પાપી કોઈ જ નથી :

એક નદિયા એક નાર કહાવે, મૈલો નીર ભરો । જબ મિલ કરકે એક બરન ભયે ગંગા નામ ધરો ।.

આ પતિતપાવનને બારણે કોણ પાવન નહિ થાય? પ્રત્યક્ષ નારાયણની પાવન દૃષ્ટિ ઝીલ્યા પછી પણ ઊંચ-નીચ, સારું-માઠું, પાપી-પુણ્યશાળીના ક્ષુદ્ર ભેદભાવનો મળ બાકી રહે ખરો? અને આ અભેદ, આ અદ્વૈત, આ પ્રેમ, આ એકાત્મભાવ, આ બંધુભાવ, અહીં જ્ઞાનીથી અનાડી સુધી સૌ કોઈને સમજાય છે. ધનિક-તવંગર યાત્રિકોથી માંડી તદ્દન ગરીબ અનાડી યાત્રિક સુધી બધા જ, શું નારાયણનો મહાપ્રસાદ એકબીજા પાસેથી અમસ્થો માગી લે છે અને પરસ્પરને આપીને ગ્રહણ કરે છે?

બોલો ત્યારે ફરી એકવાર– ‘જય શ્રી બદરીબિશાલકી જય’ ‘જય શ્રી બદરીબિશાલકી જય’

[હિમાલયનાં તીર્થસ્થાનો,૧૯૮૪ ]