ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/પ્રવેશક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કરસનદાસ મુલજી

પ્રવેશક


“સબ ભૂમી ગોપાળકી, વામેં અટક કહા;
જાકે મન મેં ખટક રહી, સોઈ અટક રહા.”

સુધરાઈ, સ્વતંત્રતા ને કળાકૌશલ્ય માટે જે દેશ પેહેલી પદવી ભોગવે છે; વેપાર, ઉદ્યોગ, દોલત ને કૌવત માટે જે દેશ ઘણો પ્રસીધ થયો છે; અને હિંદુસ્તાન જેવી આબાદ, ફળવંત ને વિસ્તીર્ણ ભૂમી ઉપર જે દેશ અમલ ચલાવે છે; તે દેશમાં પ્રવાસ કરવાની ને તે દેશ નજરે જોવાની મારાં મનમાં આજ કેટલાંક વરસ થયાં જીજ્ઞાસા ઉત્પન થઈ હતી. એ જીજ્ઞાસા ઈશ્વર કૃપાથી પુરી પડી છે ને ઈસવી સન ૧૮૬૩માં એ અતિ સુંદર દેશ મારા જોવામાં આવ્યો છે. એ જોવાથી મારાં મન ઉપર જે અસર થઈ છે તથા મારાં મનમાં જે કાંઈ વિચાર ઉત્પન થયા છે તે મારા દેશીઓની આગળ મુકવા જરૂર છે એમ જાણીને મેં આ ગ્રંથ તૈયાર કર્યો છે.

એ દેશ જોવાથી મન ઉપર અસર

એ દેશ જોવાથી મન ઉપર પેહેલ વેહેલી અસર થાય છે તેનું વર્ણન હું કરી શકતો નથી. ફ્રાન્સને રસ્તે જતાં પ્રથમ માર્સેલ્સમાં પગ મુકવો એટલે એક નવી દુનિયામાં પેઠા એવું તરત મનમાં આવે છે. મોટી ને હારબંદ સુંદર હવેલિઓ; મોટા ને પોહોળા ફરસબંદી રસ્તાઓ; ગાડી ને ગાડાંના મોટા ગગડાટો; જનરથ ને ઘોડા જોડેલાં માલનાં ગાડાંઓ; સુંદર સોનેરી ચળકાટના પોહોચખાનાં ને રેસ્તોરાં; બિલોરી બારણાના ચકચકિત કાફીખાનાંઓ ને દુકાનો, ઠેકાણેઠેકાણે ને રસ્તે રસ્તે મોટાં ઘડીયાળો ને પાણી પીવાના ઉડતા સુંદર ફુવારાઓ; ફૂલ ને રોપાનાં સુંદર દુકાનો ને મકાનો, લોકોને ફરવાના રસ્તાઓ ને બગીચાઓ; આંખને દીપાવી નાખે તેવા મેહેલ ને બાગ; છક્ક થઈ જઈએ એવો તે મધ્યેનો કિંમતી શૃંગાર ને સામન; થીએટર ને ઑપેરા મધ્યેના ખેલો ને બીજા તમાસાઓ; શોભાયમાન પુલ ને ચોક; સુંદર દેહેરાં ને દેવળ; લોકોનો ઉદ્યોગ, આવજાવ ને મેળો; રેલવે ને વિજળીની પથરાઈ ગયલી જાળ; રાતની વેળાએ ગ્લાસલાઈટથી સળગેલી લંકા ને નિત્યની મોટી દિવાળી; રાતની એ મોટી રોશનીથી આંખને દીપાવી નાખે તેવા ચકચકતા ને ઝકઝકતા કાફીખાનાં, દુકાનો ને રેસ્તોરાં; આ બધો દેખાવ આપણા દેશના મુસાફરને અચરતીના ઊંડા ખ્યાલમાં પ્રથમ ગુંમ કરી નાખે છે. થોડોવાર તે માનતો નથી કે હું મારી સુધમાં છઉં કે સપનું જોઉં છઉં. ખરેખર એવી જ પેહેલ વેહેલી અસર મારાં તથા મારા સોબતીઓનાં મન ઉપર થઈ હતી. અમે એક બીજાને પુછવા લાગ્યા કે શું આ ખરેખરો દેખાવ છે કે ઊંઘમાં સપનું જોઈએ છઇએ

એ દેશમાં શું જોવાલાયક છે?

ઇંગ્લંડમાં શું શું જોવા લાયક છે તેનો જવાબ ઘટતી રીતે હું આપી શકનાર નથી. ત્યાં નવું જોવાનું ને જાણવાનું બેહદ છે. આ ગ્રંથની શરૂઆતમાં તો હું તમને એટલું જ કહી શકું છઉં કે ત્યાંનું સેંટપૌલનું દેવળ જોવા લાયક છે; બ્રિટિશ મ્યૂઝીયમ, કેન્સીંગટન મ્યૂઝીયમ, ને બીજા મ્યૂઝીયમ જોવા લાયક છે; કાલોઝીયમ તથા ટાઇમ્સનું છાપાખાનું જોવા લાયક છે. વળી ત્યાંની નેશનલ ગ્યાલરી જોવા લાયક છે; રાયલ સોસાયટી આવ આર્ટસ જોવાલાયક છે; ક્યૂ તથા ક્રીમોર્ન ગાર્ડન્સ જોવા લાયક છે; હૉર્ટીકલચરલ તથા ઝુઓલૉજીકલ ગાર્ડન્સ જોવા લાયક છે–પૉલીટેકનિક ઇંસ્ટિટ્યુટ જોવા લાયક છે. વળી ત્યાંનો કિલ્લો જોવા લાયક છે. બિલોરી મેહેલ જોવા લાયક છે. રાણી વિકટોરિયાનો બકીંગહામ મેહેલ તથા વિંડસરનો મેહેલ જોવા લાયક છે; ત્યાંના મેદાન બગીચા જોવા લાયક છે; પાર્લામેંટના નવા મેહેલ જોવા લાયક છે; મડમ ટુસાના મીણના પુતલાનો સંગ્રહ જોવા લાયક છે; ત્યાંના થીએટર ને ઑપેરા જોવા લાયક છે. મેં ઇંગ્લંડથી અત્રેના એક મિત્રને લખ્યું હતું કે ભાઈ તમે આ દેશમાં માત્ર ‘ફ્લૉવર શો’ એટલે ફુલનો સંગ્રહ કે તમાસો જોવા આવશો તો તમારા પૈસા વળી જશે.

ત્યાંનાં સેંકડો ચીજનાં કારખાના જોવા લાયક છે. કાપડ, સુતર, ધોતર જામદાની, છીંટ, ઊંન, રેશમ, ગાલેચા, કાગલ બિલોર કામ, લોહોડાં કામ, કોડીકામ તથા લાકડ કામ એ બધાનાં યંત્ર ને કારખાનાં જોવા લાયક છે. રંગવાના, ધોવાનાં, ધાતુ સાફ કરવાનાં, તેલ પીલવાનાં યંત્રકામ બનાવવાનાં તથા ગ્યાસ બનાવવાનાં કારખાનાઓ જોવા લાયક છે.

વળી ત્યાંના લોકોનો ઉદ્યોગ, ઉમંગ અને કારભાર જોવા લાયક છે. ત્યાંના લોકોનો આગ્રહ, સાહસ અને ટેક જોવા લાયક છે. ત્યાંના લોકોનું દેશાભિમાન અને સ્વતંત્રપણું જોવાલાયક છે, ત્યાંના લોકોનું ધૈર્ય ઔદાર્ય અને શૌર્ય જોવા લાયક છે; ત્યાંના લોકોની હિંમત, ઝડપ અને ચાલાકી જોવા લાયક છે; ત્યાંના લોકોની વિદ્યા, કેળવણી, કળા અને રાજરીતિ જોવા લાયક છે. ટુંકામાં એ દેશની પ્રજાના ઉંચા ગુણ તથા એ પ્રજાની સંસારી સ્થિતિ અને રીતભાત જોવા લાયક છે.

આ બધું ને બીજું ઘણું જોવા લાયક છે એમ મેં કહ્યું; પણ તે ઉપરથી વાંચનારને બધાની ખૂબીનો ખ્યાલ આવી શકનાર નથી. અંધારામાંથી એકાએક સુરજના તડકામાં આવી ઉભા રહીએ છઈએ ને આંખ ઉપર તડકાનો પ્રકાશ પડે છે એ જ પ્રમાણે જ્ઞાનરૂપી પ્રકાશ, જોનારનાં મન ઉપર પડે છે. ઉપર જે નામ લીધાં છે તે વિષે સેજ તમારાં મનમાં કંઈ ખ્યાલ ઉત્પન થાય તે માટે હાલ એક બે દાખલા આપું છઉં :– ત્યાંના લંડન શેહેર મધ્યના કોલોઝીયમમાં ગયા તો શું જોશું? એ ઘરમાં એક ઠેકાણે (કળાથી બનાવેલો) ઊંચો ડુંગર જોશું; એ ડુંગરમાંથી પાણીનો મોટો ધોધવો ઊંચેથી પડતો જોશું; તેજ ઘરમાં બીજે ઠેકાણે એક ગુફા જોશું, તેજ ઘરમાં ત્રીજે ઠેકાણે ઊંચી જગા ઉપરથી દિવસે લંડન અને રાત્રે પારિસનો દેખાવ જોશું. એ શેહેરો એવી રીતે ચિત્રથી પડદા ઉપર પાડીને આસપાસ પડદા ગોઠવ્યા છે કે આપણી આંખ ઠગાઈ જાય છે ને એ શહેરોનાં ઘરો, રસ્તા, પુલો, જતાં આવતાં માણસો, ગાડી ઘોડા ઇત્યાદિ આબેહુબ આપણી આંખે પડે છે. એજ ઘરમાં ચોથે ઠેકાણે જાઓ ને લિસ્બોન શેહેરમાં મોટો ધરતીકંપ થયો હતો ને સુંદર હવેલિઓ ટૂટિ પડી હતી ને માણસો દબાઈ મૂવાં હતાં એ બધાંનું ચિત્ર આંખ આગળ પડે છે. પ્રથમ લિસ્બોન શેહેર નજરે પડે છે; ત્યાની સુંદર હવેલિઓની સુંદર રચના જોવામાં આવે છે; દરીઆમાં વાહાણો ચાલતાં દેખાય છે–તેવામાં ધરતીકંપનો મોટો ગગડાટ થાય છે, વાહણ ઊંચાં ને નીચાં જતાં માલમ પડે છે ને કેટલાંક વાહાણ શેવટે દરીઆમાં અલોપ થઈ જતાં જોવામાં આવે છે. પછી એકાએક સુંદર હવેલિઓ ગગડી પડે છે; તે મધ્યેની કેટલીક તમામ જમીન દોસ્ત થઈ ગયેલી ને કેટલીક અરધી ભાંગી ને વાંકી વળી ગયલી દેખાય છે; આ બધો દેખાવ આંખને અચરતીમાં નાખનારો થઈ પડે છે. તે સિવાય બીજી ઘણી જાતની રમત ને ગમત એ ઘરમાં નિત્ય રાત દિવસ કરી દેખાડે છે. આતો માત્ર કોલોઝીયમ વિષે હું સેજ બોલ્યો. લંડન મધ્યેની પૉલીટેકનિક ઇંસ્ટિટ્યુટ લો. તેમાં નિત્ય વિજળી ને રસાયણ શાસ્ત્ર તથા બીજી વિદ્યાના મોટા પ્રયોગો ને મોટા ચમત્કારો કરી દેખાડે છે. મોટા ‘ડાઇવીંગ બેલ’માં માણસને બેસાડીને લુગડાં સહીત પાણીમાં ઉતારીને તથા પાણીમાં પાંચ દસ મિનિટ રાખી બાહાર કાહાડે છે ને વગર ભિજાયલે લુગડે તે ઘંટમાંથી બાહાર નિસરે છે. દુશમનોનાં વાહાણો પાણીની નીચેથી આગ લગાડીને કેવી રીતેે બાળી નાખે છે તે દેખાડે છે. પૃથ્વી ને તારાઓની ગતિ દેખાડે છે; તેજ ઘરમાં બીજે ઠેકાણે ભૂત ડાકણના ચમત્કાર દેખાડે છે. એક કીમિયાગર પોતાના ઓરડામાં ખુરસી ઉપર વિચારમાં પુતળાની પેઠે બેઠેલો તેવામાં તેની સામે તેનું મુવેલુ સગું પાછું જીવતું થઈ માણસના આકારમાં ઉભું રેહે છે ને તેના ઉપર હાથ નાખવા જાય છે તો તરત અલોપ થઈ જાય છે; પાછો ઘણીવાર દેખાવ દે છે ને ઘણીવાર બાથ ભિડવા જાય છે તો હવાનો બાચકો હાથમાં આવે છે, ને તે બિચારો નિરાસ થઈ પોતાની ખુરસી ઉપર પાછો બેસે છે; ત્યાર પછી અંધારી ઘોર રાત જેવું કરી નાખે છે ને મોટું તોફાન તથા વાદળ થઈ આવ્યું હોય એમ દેખાય છે. વાદળની ગર્જના ને વિજળીના ઝબકારા નજરે પડે છે ને બિહામણું ભૂત ડાચું વકાસતું આવી ચાળા કરે છે. તે સિવાય બીજી ઘણી રમત ને ગમત નિત્ય રાત-દિવસ એ પૉલીટેકનિક ઇંસ્ટિટ્યુટમાં કરી દેખાડે છે. ત્યાંનો ક્રીમોર્ન બાગ લો. એ મોટા ને સુંદર બાગમાં નિત્ય રાતના મોટી ગમત થાય છે. ચોતરફ દીવાની રચના જોવામાં આવે છે. વાજીંત્ર પોતાનો મધુર શોર કાહાહે છે; ઘોડાની રમત ને અંગની કસરત કરી દેખાડે છે; ઑપેરાનો તમાસો કરે છે ને આકાશની પરિયો અધરને અધર ઉતરીને આવી હોય એમ જોવામાં આવે છે. એ પરિયોની મોટી સંખ્યા એકઠી થઈ પોતાના સુંદર પોશાકમાં નૃત્ય કરી દેખાડે છે. બીજી ગમ મોટી આતશબાજી થાય છે. તે થયું કે ઇંગ્લંડના આગલા વખતના રાજાઓની સ્વારી લશ્કરી દમામ અને બખતર સાથે નિસરે છે. તે વેળાએ તમાસો કરનાર માણસોની મોટી સંખ્યા, દોડતે ઘોડે ભાલાઓમાં ઝીણી આંકડીયો ભરાવી લેવાની કસરત ને છેલ્લી તરવારની ઝપાઝપ જોવા જોગ થઈ પડે છે. તે શિવાય બીજી રમત ને ગમત એ બાગ મધ્યે જોવામાં આવે છે.

ઝુઓલૉજીકલ ગાર્ડન્સમાં જાઓ ને ત્યાં બધી જાતનાં જીવતાં જનાવરનો મોટો સંગ્રહ જોવામાં આવશે. નાહાની બકરીથી તે મોટા સિંહ, વાઘ ને હાથી સુધી ચોપગાં જનાવરો અનેક જાતનાં જોવામાં આવશે. અનેક જાતનાં વાંદરા, અનેક જાતનાં સાપ ને અનેક જાતનાં પોપટ ને અનેક જાતની માછલી ઇત્યાદિ જીવતાં પ્રાણીયો જોવામાં આવશે. એ વગેરે અનેક જાતનાં બીજાં જનાવરો જેઓને ઘણા મોટા રણવગડામાં ગયા વગર કે દુનિયાના ચારે ખંડમાં ફર્યા વગર જોઈ શકીયે નહીં તે બધાં આ ઠેકાણે જોવામાં આવે છે. એક એક જનાવરને તમે એક એક મિનિટ જોશો તોપણ આખા દિવસમાં બધાંને જોઈ શકશો નહીં. તેમજ વળી તમે બ્રિટિશ મ્યુઝીયમમાં જાઓ ને લાખો જાતની તરેહ તરેહની વસ્તુનો સંગ્રહ જોવામાં આવશે ને તે બધાનું અવલોકન કરવાને એક અઠવાડિયુંં પણ બસ નહીં થશે.

એ દેશના લોકો કેવા છે?

તમે મને પૂછો કે ઇંગ્લંડના લોકો કેવા છે ને તેઓ આપણા દેશીઓ સાથે કેવી રીતે ચાલે છે, – તો તેનો જવાબ હું એટલો આપું છઉં કે તેઓ ઘણા ભલા અને માયાળુ છે ને પરદેશીઓ ઉપર મોહોબત ને મમતા ખુશીથી દેખાડે છે. આ વાત અલબત બધા ઇંગ્રેજોને લાગુ પડી શકતી નથી કેમકે કેટલાક એવા નઠારા ને ઠગારા હોય છે કે આપણા દેશના હલકા ને ઠગ લોકોને એક કોરે મુકે. પણ તેઓનો ઘણો ભાગ માયાળુ ને ભલા સ્વભાવનો નિકળશે. તમે રસ્તામાં ભુલા પડ્યા ને કોઈ ભલા ઇંગ્રેજને રસ્તો પુછ્યો તો તે પોતાનું કામ મુકી તમને પાંસરા મારગ ઉપર મુકવા આવશે. તેઓની સાથે ગાડીમાં બેઠા તો કેટલાક બોલકણા સ્વભાવના તમને તમારો દેશ, તમારી જાત પુછી તથા બીજી વાતચીત કરીને તમને ગમત ઉપજાવશે. વગર બોલકણા ને ગંભીર સ્વભાવના વધારે જોવામાં આવશે; પણ તમારી સાથે વગર ઓલખાણે વાત ન કરે તો તે ઉપરથી તેમને વિષે ઉતરતો વિચાર બાંધશો તો એમાં મોટી ભૂલ થશે.

તમારી એક વખત કોઈ ભલા ને વગવાલા ઇંગ્રેજ સાથે ઓળખાણ થઈ અને તે ઓળખાણ કોઈ તેવા જ આબરૂવાળા ગૃહસ્થની મારફતે થઈ તો પછી તમને ભલા ઇંગ્રેજોની ભલાઈની તથા માયાની ખૂબી એકદમ માલમ પડી આવશે. તમારી ઓળખાણ પોતાનાં કુટંબ તથા મિત્રો સાથે કરાવશે ને પછી તેઓ તમને કેવા ચાહે છે, તમારી ઉપર કેવો પ્યાર રાખે છે ને તમારે તથા તમારા દેશને માટે કેવું ભલું ઇચ્છે છે તે જોવામાં આવશે. આ દેશના ઇંગ્રેજો ઉપરથી ત્યાંના ઇંગ્રેજો વિષે વિચાર બાંધશું તો તેમાં આપણી મોટી ભૂલ થશે. આ દેશમાં મિશનરીઓ તથા આબરૂવાળા ને અમીરી તોખમના જે ઇંગ્રેજો આવે છે તેઓ જ આપણા દેશીઓને ચાહે છે તથા તેમનાં ભલાને માટે મેહેનત કરે છે. પણ ઘણાંખરા તો માત્ર પોતાની જ મતલબ ઉપર ધ્યાન રાખી દેશીઓ તરફ કરડી નજર રાખે છે. તેઓનાં મન ઉપર આપણા દેશની ગરમ હવાની અસર ઉપજે છે ને તેથી જ તેઓનો મિજાજ પણ ગરમ થાય છે. માટે આ દેશના ઇંગ્રેજો ઉપરથી ત્યાંના ઇંગ્રેજો વિષે વિચાર બાંધવામાં મોટી ભૂલ થશે. અહીંનો ભલો ઇંગ્રેજ ત્યાં વધારે ભલો માલમ પડે છે. આપણને પરદેશી જાણી વધારે ચાહે છે ને ઘટતી મદદ તથા સલાહ આપે છે.

એ દેશની હવા કેવી છે – હિંદુઓ રહી શકે કે નહીં?

તમે મને પૂછશો કે ત્યાંની હવા કેહેવી છે અને ત્યાં હિંદુઓ કેવી રીતે રીતે રહી શકે ને જતી આવતી વેળાએ વાહાણમાં કેવી ને કેટલી અડચણો નડે તો તેનો જવાબ હું એટલો આપું છઉં કે ત્યાંની હવા ઠંડી છે પણ આપણા લોકોથી ન ખમાય તેવી નથી. તે ઠંડી હવામાં નિત્ય સારી પેઠે ચાલવા હાલવાની કસરત રાખવી જોઈએ ને તેમ કીધું એટલે આ દેશ કરતાં ખાવાની રૂચી વધે છે; અંગમાં કૌવત આવે છે; શરીરની ચામડીનો રંગ પણ કેટલેક દરજ્જે સુધરે છે. મને ત્યાંના શિયાળાનો જાતી અનુભવ મળ્યો નથી કેમકે જેઓને છાતીનું દરદ અથવા ખૈનો મરજ હોય છે તેઓને શિયાળામાં એ દેશ મધ્યે રેહેવાની ડાક્ટરો ભલામણ કરતા નથી. તે મુજબ મને છાતીનું દરદ હોવાને લીધે શિયાળાની અગાઉ અત્રે આવવું પડ્યું. તે છતાં આસરે ૬ મહિના હું ઇંગ્લંડમાં રહ્યો તેટલી મુદતમાં મારી તબિયત ઘણી સુધરી હતી. ભાઈ મહિપતરામ રૂપરામ સન ૧૮૬૦માં ત્યાંનો કઠણ શિયાળો ખાઈને આવ્યા હતા પણ તેથી એ ભાઈ શરીરમાં વધારે પુષ્ટ ને કઉવતવાન થયા હતા. આ વખતે ઇંગ્લંડમાં સખત શિયાળો જણાયો છે તે છતાં પણ અમારી સાથેનો એક સોબતી લખે છે કે એ ઠંડી મારાથી વગર ઇજાએ ખમી શકાય છે. તે વગેરે બીજા હિંદુઓ, પારસીઓ ને મુસલમાનો હાલ કેટલાંએક વરસથી ઇંગ્લંડમાં રહેલા છે તેઓની તનદુરસ્તી દેખાડી આપે છે કે ત્યાંની હવા આપણા દેશીઓથી સેહવાય એવી છે.

ત્યાંનાં ઘરોની એવી ગોઠવણ હોય છે કે એક ઘરમાં એક જ રસોડું એટલે રાંધણી હોય છે તે માટે આખું ઘર ભાડે લેવું જોઈએ. ને તેવાં ઘર ફરનિચર એટલે શૃંગાર સુધાં અથવા શૃંગાર વગરનાં ખાલી ઘણાં હોય છે ને આપણે પોશાય તેવાં નાહાનાં મોટાં સેહેલાઈથી ભાડે મળી શકે છે. દરએક ઘરમાં નદીનું પાણી નળ મુકીને દાખલ કરેલું હોય છે તેટલા માટે પાણી લાવવા કરવાની તો મુદલ અડચણ પડતીજ નથી. અનાજમાં ઘણું કરીને બધી જાતનો દાણો મળી શકે છે. માત્ર તુવરની દાળ ને કેટલીક જાતનું કઠોળ મળી શકતું નથી. એક જાતના વટાણા આવે છે તે ખાવામાં તુવરની દાળ જેવા લાગે છે. કેટલીક જાતની ભાજી તરકારી મલે છે ને તે દરએક લત્તા ઉપરની દુકાનોમાં વેચાય છે. જેઓ ભાજી તરકારી વેચે છે તેઓ ગોસ અથવા પરમાટી વેચતા નથી એટલું જ નહીં પણ તેઓની દુકાનો પણ ઘણું કરીને જુદી હોય છે. કોવંટ ગાર્ડન નામનું એક મોટું બજાર નિત્ય સવારના ભરાય છે તેમાં તરકારી ફુલ ફલ અને બધી જાતની વનસ્પતિ સિવાય બીજું કાંઈ જ વેચાતું નથી. આપણા દેશીઓ લાયકનો મરી મસાલો મળી શકતો નથી ને દવા વેચનારાઓની દુકાનેથી મળે છે તો બહુ મોંઘો. તે અત્રેથી જ લેવો જોઈએ અથવા દર વખત મંગાવવો જોઈએ.

કેટલાએક એવી ધાસ્તી આપે છે કે એ ઠંડા દેશમાં માત્ર અનાજ તરકારી ઉપર નિભાવ થઈ શકે નહીં તેટલા માટે જનાવરનો ખોરાક ખાવો જ જોઈયે. કેટલાએક ઇંગ્રેજો પણ એમ જ ધારે છે અને કેહે છે કે એ ઠંડા દેશમાં જનાવરના ખોરાક વગર ચાલે જ નહીં. મને પણ એવી બિહિક કેટલેક ઠેકાણેથી મલી હતી. પણ ઇંગ્લંડ જઈ આવેલા મારા એક મિત્ર-પારસી ડાક્ટરે મને અગાઉથી જ ખાતરી આપી હતી કે એ બિહિક રાખવાનું કંઈ કારણ નથી. ઇંગ્લંડમાં પણ કેટલાએક ઇંગ્રેજો ‘વેજીટેરીયન’ કેહેવાય છે ને તેઓ જનાવરનો કંઈ પણ ખોરાક ઉપયોગમાં લેતા નથી. એવા ઇંગ્રેજો ત્યાં બહુ જ થોડા છે પણ તેઓ પોતાનો નિભાવ અનાજ તરકારી ને દુધ ઉપર કરી શકે છે એ વાત ખોટી નથી.

એ ઠંડા દેશમાં ને ઠંડી હવામાં નાહાવા ધોવાને હરકત પડતી હોય એમ કદાચ લાગશે; પણ તેમ કંઈ નથી. નદી કુવા ઉપર ખુલ્લી હવામાં નાહી શકાય નહીં પરંતુ નાહાવા ધોવાની બંધિયાર જગામાં અથવા ઘર મધ્યે નાહાવા ધોવાની બંધિયાર ઓરડીમાં નાહાવાને કંઈ હરકત નથી. ત્યાંના લોકો ઘણું કરીને નિત્ય નાહાતા નથી પણ બીજે, ચોથે કે આઠમે દાહાડે જેમ જેઓને ઠીક પડે છે તેમ નાહે છે. જેઓને નિત્ય નાહાવાનો નિયમ છે તેઓને એ નિયમ રાખવામાં કાંઈ હરકત પડતી નથી. પંજાબના આગલા રાજા રંજીતસીંગની વિધવા રાણી ચાર વરસ સુધી ઇંગ્લંડમાં રહી હતી તેને વિષે એવું જાણવામાં આવ્યું છે કે નિત્ય બે વાર સ્નાન કર્યા વગર ભોજન લેતી નહીં હતી. એ રાણીનો પુત્ર ધુલિપસીંગ ખ્રિસ્તી ધર્મ પાળે છે પણ પોતે હિંદુ ધર્મમાં એટલી તો દૃઢ (તેના વિચાર પ્રમાણે) હતી કે સ્નાન કર્યા પછી પોતાના પુત્રનું મોંહોં જોવાઈ ગયું તો ફરીથી સ્નાન કરતી હતી અથવા ભોજન કર્યા વગર રેહેતી હતી. કેહે છે કે જે દાહાડે એ વિધવા રાણી ઇંગ્લંડ મધ્યે મરણ પામી તેજ દાહાડે સ્નાન કર્યા પછી તેના પુત્રનું મોંહોં જોવાઈ ગયાથી ભુખી રહી ગઈ હતી.

કપડાંમાં કેટલોએક ફેરફાર કરવાની જરૂર પડે છે. ફલાનલ તથા બનાતનાં ગરમ કપડાં જોઈએ; ને પાટલૂન અથવા સુરવાલ ને ગરમ મોજાં વગર ચાલે જ નહીં. તે સિવાય બીજો ફેરફાર કરવાની જરૂર નથી. આપણી પાઘડી તથા આપણા દેશી ઘાટનો ડગલો રેહેવા દેવામાં એ દેશમાં વધારે માન છે. અલબત અજાણ્યાં લોકોને આપણો પેરવેશ વિચિત્ર લાગે છે ને આપણી તરફ એ પેરવેશથી વધારે નજર પડે છે; પણ તેથી કંઈ નુકસાન કે હરકત થતી નથી. ત્યાંના ઘણાખરા ગૃહસ્થો તો આપણને આપણા દેશી પોશાકમાં જોવાને વધારે ખુશી હોય છે. જતી આવતી વખતે આગબોટમાં કેટલીએક અડચણ પડે છે એ કોઈથી ના કેહેવાશે નહીં. પણ મુંબઈથી કલકતે અથવા આદન જતાં આગબોટ અથવા વાહાણમાં હિંદુઓને જે અડચણ ખમવી પડે છે તે અડચણથી ઇંગ્લંડ જવાને કંઈ વધારે અડચણ પડતી નથી. માર્સેલ્સ પોંહોંચવાને ત્રણ અઠવાડિયા ઘણું કરીને લાગે છે પણ આરબી બગલામાં મોઝામ્બિક તથા આફ્રિકાના બીજા કોસ્તાઓ ઉપર હિંદુઓ જાય તેઓને એથી વધારે અઠવાડિયાં લાગે છે, ને વધારે અડચણ ભોગવવી પડે છે. જે આગબોટમાં હું ઇંગ્લંડથી મુંબઈ આવ્યો તે જ આગબોટ મધ્યે આદનથી આસરે સાત વાણીઆ ઉતારૂઓ હતા. તેઓ ‘ડેક’ એટલે છેલ્લા વર્ગના ઉતારૂ હતા તેથી તેઓને અડચણ પડતી હતી તે અમારા કરતાં ઘણી જ વધારે હતી. જે ઠેકાણે તેઓને જગા આપી હતી તે જગા ઉપર ઇંગ્રેજી ખલાસીઓ તેઓનાં ભાતાંને તથા પાણીને વારંવાર અડકતા હતા ને તેઓ જેમ વધારે ચોખ્ખાઈ રાખવા જતા હતા તેમ તેઓને વધારે ખિજવતા હતા. તેઓ જ્યારે ખાવા બેસતા હતા ત્યારે માથા ઉપર ચાદર કે ચોફાળ ઓઢીને બેસતા હતા; તે દેખાવ જોઈને ઇંગ્રેજી ખારવાઓને રમુજ ઉપજતી હતી અને તેઓ વધારે રમુજ મેળવવાને તે વાણીઆઓનો ચોફાળ હળુ રહીને ઉઘાડો કરી નાખતા હતા, ને તેથી તેઓનાં ભાતાં તથા પાણીને વારંવાર “અભડ છેટ” થઈ પડતી હતી. ફર્સ્ટ ક્લાસમાં જનારને એવી અડચણ ને પિડાનો દસમો હિસ્સો પણ ખમવો પડતો નથી.

એ દેશમાં પ્રવાસ કરવાથી લાભ

ઇસવી સન ૧૮૫૨માં બુદ્ધિ વર્ધક સભા આગળ દેશાટણનો નિબંધ મેં વાંચ્યો હતો અને જે નિબંધ સભાએ છપાવી પ્રગટ કર્યો હતો તે નિબંધમાં દેશાટણના લાભ દેખાડવાની મેં તજવીજ કરી હતી. હાલ એ વિષે મારી ખાતરજમા થઈ છે કે હરએક માણસ હરએક વસ્તુનો જાતે અનુભવ મેળવ્યા વગર તેની ખરી ખૂબી જાણી શકતો નથી; અને તેની ખરી ખૂબી જાણ્યા વગર તે ખુબીનું વર્ણન કરવું અથવા તેના લાભ દેખાડવા તો તે કામ ઘટતી રીતે તે કરી શકતો નથી.

મેં પ્રથમ કહ્યું કે જોવાથી જે સંતોષ ઉપજે છે તેનું વર્ણન થઈ શકતું નથી. જોનારના મનમાં પેહેલ વેહેલી એટલી તો વાત આવ્યા વગર રેહેતી નથી કે દરએક માણસે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને પોતાની જીંદગીમાં આવો દેશ જોયો નથી તેણે કંઈ જ જોયું નથી એમ સમજવું, “કુવામાંનો કાચબો આખું જગત કુવાને જ જાણે છે, તે બચારાને બાહર શું છે તેની ખબર હોતી નથી. આપણા દેશીઓ કુવામાંના કાચબાની પેઠે પોતાના દેશને આખું જગત જાણીને બેસી રેહેશે ત્યાં સુધી તેઓને ખબર પડનાર નથી, કે આપણો દેશ, વિદ્યા હુન્નરમાં ને કળાકૌશલ્યમાં તથા બધી જાતના સુધારામાં ને વધારામાં કેટલો પાછળ પડી ગયો છે. જેઓને ઈશ્વરે નાણાંની બક્ષીસ કીધી છે તેઓને તો અવશ્ય કરીને ઘટે છે કે પોતાની જીંદગીમાં એક વખત પણ સુધરેલા દેશમાં પ્રવાસ કરીને જ્ઞાન અને સંતોષ મેળવવાં.

રે! એક સુંદર અને છક્ક થઈ જઈએ એવો ને કોઈ દાહાડે નજરે ન ભાળીએ તેવો દેખાવ આપણી આંખ આગળથી ચાલ્યો જતો હોય તો એવો કોણ અભાગ્યો હશે કે તે વખતે પોતાની આંખ મિચી જશે? એવે વખતે તમારી આંખ આડો કોઈ હાથ દેવા આવશે તો તે શું તમે ખમી શકશો? તો તેવા સેંકડો અને હજારો છક્ક થઈ જઈએ એવા દેખાવો જેનો ખ્યાલ સપનાંમાં પણ લાવી શકનાર નથી અને જેની ખરી ખૂબીનું વર્ણન કોઈની કલમથી થઈ શકનાર નથી તે જોવાની જીજ્ઞાસા થોડી હોવી જોઈયે? હું કંઈ તમને લલચાવવા લખતો નથી પણ ત્યાં જઈ આવેલા આપણા દેશી ભાઈઓ તે વિષે, તમારી ખાતરી થતી નહીં હશે તો કરી આપશે.

[ઇંગ્લંડમાં પ્રવાસ, ૧૮૬૬]