ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/લક્સર અને આસ્વાન
૨. લક્સર અને આસ્વાન
બસ ઊભી રહેતાં જ આ દેખાય લક્ઝરનું મંદિર ઊંચાઈ પર! માંડ એક નજરમાં સમાય એટલું ભવ્ય જાજરમાન! એ.સી. બસમાંથી ઊતરતાં જ તડકો સાંબેલાધાર વરસી પડ્યો. અમારી તારણહાર છત્રી તૈયાર જ હતી, પણ તડકો ખાળ્યો રહે? સ્વયં સૂર્યદેવ રોષમાં હોય ત્યાં છત્રી બિચારી શું કરે? મારી બાજુમાં ઊભેલો એક શ્વેત યુવાન માથા પર પાણીની બાટલીઓ રેડ્યા કરે છે. પાછો કોરોધાકોર! મામુદે પ્રવેશટિકિટો ખરીદી લીધી હતી અને લક્ઝર મંદિરમાં ફરતાં તેની કથા કહેવા લાગ્યો. નાઈલના પૂર્વકિનારા પરનું આ મંદિર ફેરો એમેનહોપ ત્રીજાએ બાંધી – ત્રણ ભગવાન ત્રિમૂર્તિ આમુ, તેની માતા મધર ગોડેસ અને ખોન્સ – ચંદ્રદેવને અર્પણ કર્યું હતું. મંદિર વિશાળ છે. ૬૨૫ ફૂટ લાંબું અને ૧૮૫ ફૂટ પહોળું. આપણા બ્રહ્માની જેમ આમુન સર્જનના દેવતા. આમુન અને રા (સૂર્યદેવ) જોડકા દેવોની પ્રજા પૂજા કરતી હતી. ત્રિમૂર્તિની વર્ષમાં એક વાર નાઈલયાત્રા થતી. પછી લક્ઝરના મંદિરમાં ફરી પ્રતિષ્ઠિત થતી. ફેરો તેમનાં દર્શન કરી પોતાની દૈવીશક્તિને સુગ્રથિત કરતો. આપણા ભારતનાં પણ ઘણાં મંદિરોમાં દેવોની પાલખીયાત્રા નીકળે છે. આ મંદિરની એક વિશેષતા એ છે કે નવા શાસકો આવતા ગયા અને આ મંદિરની ઇમારતમાં કશું ને કશું ઉમેરતા ગયા. મામુદે અમને બતાવ્યું કે રોમનોનું શિલ્પકામ સપાટી પર ઊપસેલું છે અને ગ્રીક શિલ્પીઓ સપાટી શિલ્પો કંડારતા. રામસે, ઍલેક્ઝાન્ડર, રોમન્સ કોણે ક્યાં શો ઉમેરો કર્યો તે ઝીણવટથી રસપ્રદ વાણીમાં બતાવતો જાય છે. છેલ્લે રોમનોએ મંદિર ફરતો મોટો કિલ્લો બાંધ્યો હતો એને આરબો ઉક્સર-મહેલ કહેતા. એના પરથી નામ પડ્યું લક્ઝર. ખરો બપો૨ે છે તોય પ્રવાસીઓ ઘણા દેખાય છે. ક્યાંક દીવાલ કે ઊંચા સ્તંભનો છાંયો દેખાય ત્યાં ઊભા રહી મામુદની વાતો અમે સાંભળીએ છીએ, પછી મંદિરનાં ખંડેરોમાં ફરીએ છીએ. હારબંધ સ્ફિંક્સની એવન્યુ દેખાય છે. એકદમ સિમેટ્રિકલ, મામુદ કહે છે. એક સમય અહીંથી છેક કરનાકના મંદિર સુધી ૩ કિમીના લાંબા રસ્તા ૫૨ હારબંધ સ્ફિંક્સની એવન્યુ બંધાયેલી હતી. લક્ઝર અને કરનાક મંદિરની અંદર વિશાળ એકસરખા સ્ફિંક્સ છે, વચ્ચેની હાર કાળની ગર્તામાં ગારદ થઈ ગઈ છે. મંદિરની પાસે આખું ગામ વસેલું હતું. ૧૮૮૫માં ખોદકામ કરી ગામને કાઢી નાંખ્યું ત્યારે જમીનમાં થોડે જ નીચેથી ફેરોનાં જાયન્ટ સાઇઝનાં પૂતળાંઓ મળી આવ્યાં હતાં. એ સમયે એની કીર્તિને શિખરે આખું મંદિર કેવું કલ્પનાતીત સુંદર અને ભવ્ય લાગતું હશે! મંદિરની અંદર જેમ જેમ જઈએ છીએ તેમ છત નીચી અને પરિસર સાંકડું થતું જાય છે. ગર્ભગૃહ નાનું છે. હિંદુ ધર્મમાં પણ આપણાં મંદિરો બહારથી અત્યંત વિશાળ અને વિસ્તૃત ફેલાયેલાં, પણ જેમ અંદર જઈએ તેમ તેમ મંદિર નાનું થતું જાય અને વચ્ચે નાનું ગર્ભાગાર, દીવાની ઝળહળ જ્યોતે પ્રકાશિત, જાણે આત્મદીપ બાહ્યથી ભીતરની યાત્રા. It is a journey from known to unknown, from light to darkness illuminated. ઇમારતનો શિખરનો ભાગ ટોચ પર નાનો થતાં છતાં છેલ્લે કરાંગુલિની જેમ આકાશ તરફ લંબાયેલો જાણે રા-સૂર્યદેવતાની કરુણા ઝીલતો હોય. બૅંગકૉકમાં પણ બૌદ્ધ મંદિરોમાં આવાં જ શિખરો જોયાં હતાં. ચાલી ચાલીને અમે થાક્યાં. જ્યાં છાંયો દેખાય ત્યાં ઊભો રહી મામુદ મંદિરનાં ભીંતચિત્ર અને તેની પાછળની કથાઓ કહેતો રહે છે. મિસિસ રાવ ક્યારનાં એક ખૂણામાં પથ્થર પર શાંતિથી બેસી ગયાં છે. ઓપેટ ફેસ્ટિવલ વખતે નીકળતાં સરઘસો ઝીણવટભરી વિગતો સાથે દીવાલો પર કોતરાયાં છે. અંગકસરતના ખેલ કરતાં કુસ્તીબાજો, ઢોલીઓ પણ એમાં સામેલ છે. આજે પણ કોઈ પણ દેશના સંગીતોત્સવ, કાર્નિવલમાં ઢોલીઓ – ડ્રમર્સ તો હોય જ. આનું નામ વિશ્વસંસ્કૃતિ. મને તો આમેનહોટેપ ત્રીજાના પ્રસૂતિખંડનાં ચિત્રમાં રસ પડ્યો. ગર્ભધારણની ક્ષણને નાજુકાઈથી આલેખવામાં આવી છે. ઈશ્વરના લંબાયેલા હાથની આંગળીઓ રાણીની આંગળીઓને સ્પર્શે છે અને એક બિંદુ રાણીની કૂખમાં સમાઈ જાય છે. આપણા પૌરાણિક કથાનકોમાં પણ દૈવીકૃપાથી કેટકટલા જન્મની કથાઓ આલેખાઈ છે! શિશુના જન્મ પછી શેશાતે દેવી (આપણી વિધાતા!) જે લેખનની દેવી છે તે બાળારાજાના જન્મની નોંધ લખે છે તેનું ચિત્ર છે. લક્ઝર એક બંદર પણ હશે. નાઈલ પરથી આવતાં વહાણો અહીં લાંગરે છે તે ચિત્રોમાં દેખાય છે. બધે જ એક ચિત્ર વારંવાર દેખાય છે, પછીથી જોયેલી બધી જ ઇમારતોનાં સ્થાપત્યમાં પણ વારંવાર કંડારાયેલું છે, મામુદે અમારું ધ્યાન દોર્યું, મોટી ચાવી (કી, Ankh) તેનું ચિત્ર છે. ઇજિપ્તનાં પિરામિડો, મંદિરો, ઇમારતો પરનાં ભીંતચિત્રો, ચિત્રલિપિ, શિલ્પો બધી જગ્યાએ ફેરોનાં હાથમાં લાંબી ચાવી દેખાય. અથવા કોઈ બીજાને આપતું હોય એવું દૃશ્ય હોય. નવાઈ લાગી ચાવી શેનું આઈકોન કે સિમ્બૉલ હશે! મામુદે કહ્યું, ‘This is the key of Life.’ શુકનવંતી કૂંચી વડે તમે સુખનાં, જીવનનાં રહસ્યોનાં દ્વાર ખોલી શકો, ટૉમ્બ પરનાં ચિત્રોમાં ફેરોના નાક પાસે કી ઑફ લાઇફ ધરવામાં આવે છે. નાક પાસે શા માટે? મામુદ પાસે જવાબ તૈયાર છે, નાક પાસે કી ઑફ લાઈફ એટલે ધરવામાં આવે કે ત્યાં જીવ છે. ખરી વાત. શ્વાસ-પ્રાણ ત્યાં છે. એ રીતે મૃત્યુ બાદ પણ જીવનનું સાતત્ય જાળવવા માટે ચાવીનું સિમ્બોલ વપરાતું હશે! થોડા સમય પર ફિલૉસૉફી પર કોઈ ફૉરેન મૅગેઝિનમાં લેખ જોયો, સહજ નજર ફેરવતાં આ કીનો નવો અર્થ મને એમાંથી મળ્યો, ‘Any relationship or situation in which you are currently involved is one that is worth fighting for, preserve and seek what is of lasting worth is the message of Ankh (Key).’ (તમે વર્તમાનમાં કોઈ પણ સંબંધ કે પરિસ્થિતિમાં હો તે જ સત્ય છે અને તે ટકાવી રાખવા તમારે જે કરી છૂટવું પડે તે કરવું જોઈએ. આ છે ચાવીનો સંદેશ). પછીનું ચાવીનું એક રમૂજી દૃશ્ય પણ જોયું. એક પિરામિડમાં પ્રવેશદ્વાર પાસે જબરદસ્ત મોટું લાકડાનું બારણું હતું. ત્યાં મસમોટી પિત્તળની ચાવી લઈ એક ઇજિપ્શયન ઊભો રહેતો હતો. તમે ચાવી દરવાજામાં ભેરવતાં હો એવો ફોટો તમારે પાડી લેવાનો, એનો એક ઇજિપ્શિયન પાઉન્ડ પેલા દરવાનને આપવાનો. ઘણા પ્રવાસીઓ હોંશે હોંશે ફોટો ક્લિક કરતા હતા. ધેટ ઇઝ ટૂરિઝમ ફોર યુ. પ્રવાસન ઉદ્યોગમાંથી કઈ રીતે કમાણી કરી શકાય એ આપણા ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે ખાસ શીખવા જેવું છે. બે કલાક તડકામાં ફરી રખડી એ.સી. બસમાં પાછાં ફર્યાં ત્યારે થયું સ્વર્ગ તો અહીં છે, અહીં એ.સી. બસમાં છે, અહીં છે. કૉલ્ડસ્ટોરેજની ઠંડી બાટલીઓ પર જે તડકો પડ્યો છે! કહે છે લક્ઝરનો સાઉન્ડ ઍન્ડ લાઇટ શો પિરામિડના શો કરતાં ખૂબ સરસ છે. હશે. મંદિર જોઈને અમે સંતોષ માન્યો. થાકનું નામ પણ લેવાનું નથી એ.સી. બસે થોડો થાક શોષી લીધો. જરાતરા આંખો બંધ થઈ ન થઈ કે બસ પહોંચી ગઈ. હવે કરનાકનું સૂર્યમંદિર. બસમાંથી ઊતરતાં જ હું અવાક ઊભી રહી ગઈ. કલ્પનાતીત સુંદર, ભવ્ય, ફૅન્ટાસ્ટિક વગેરે શબ્દો વાપરી લીધા છે અને પ્રાચીન ઇજિપ્તનાં મંદિરોનાં સંકુલનાં વર્ણન માટે શબ્દોનો ગજ ટૂંકો પડે છે. મંદિરો, સ્તંભો, મિનારાઓ, મેદાનો બધું જ ચોતરફ ખૂબ દૂર દૂર સુધી વિસ્તરેલું છે. અમારો મામુદ ખરા અર્થમાં ગાઇડ છે. એની પાસે બધા જ જવાબ તૈયાર હોય છે. મામુદને પૂછી લઉં છું, એ કહે છે આ સંકુલમાંનું એક અમુન દેવતાનું મંદિર જ ૨,૬૦,૦૦૦ સ્ક્વેર મીટરમાં પથરાયેલું છે. તો બીજાં બધાં સ્થાપત્યની ગણતરી ક્યાં માંડવી? બસ, અદ્ભુત અને વિશાળ, વિશાળ અને વધુ વિશાળ. એટલે કરનાક મંદિર જોયા વિના ઇજિપ્તનો પ્રવાસ ન કર્યા બરાબર. એમ થાય છે કે અત્યાર સુધી પૉપ્યુલારિટી પોલમાં માત્ર પિરામિડ જ શું કામ મેદાન મારી જતું હશે? અમારી મંડળીના સૌથી સિનિયર સિટીઝન થોડું ચાલી એક છાંયડે પથ્થર જોઈ બેસી ગયા. એમ તો સાજાસમા માણસ માટે પણ આ આખું મંદિર ફરીને જોવું – આ ભરતડકે એ ઑલિમ્પિકના સુવર્ણચંદ્રક જીતવા બરાબર ગણાય. અમે વીરતાના અભિયાનમાં હિંમતભેર ઝુકાવી ચાલવા માંડ્યું. આ ચાલવાનું બીજી રીતે પણ આકરું પડે. દરેક હેરિટેજ સાઇટ પર બસ પાર્કિંગલોટમાં ઊભી રહે પછી ત્યાંથી પેલી હેરિટેજ સાઇટ સુધી ખાસ્સું ચાલવાનું. ક્યારેક ચઢણ, ક્યારેક પગથિયાં. તમને થાય તમારી શક્તિ ખૂટ્યા પછી પણ પેલી હેરિટેજ સાઇટ માઈલો સુધી પથરાયેલી હોય એમાં ફરવાનું હોય (અને પછી એટલું ચાલીને બસ તરફ પાછું ફરવાનું). ‘ડગલું ભરવું કે ના હઠવું’નો સિદ્ધાંત અમલમાં મૂકવાની આ અમૂલ્ય તક હતી. મેં અને શિવાનીએ ચાલવા માંડ્યું. ફેરો કામકાજ પર દેખરેખ રાખવા કે દર્શને અહીં સુધી આવતા હશે ત્યારે તો દરબારીઓને ખભે અહીં પાલખીમાં ફરતા હશે, સુવર્ણરજત છત્રો તેમને શિરે છાંયો કરતાં હશે, પણ આપણે તો લોકશાહીના સામાન્ય નાગરિકો એટલે અમે જાતે જ છત્રી ઓઢી લઈ ઢોળાવ ચડવા માંડ્યો. કરનાક મંદિરનું સંકુલ અનેકવિધ ઇમારતોવાળું સૌથી મોટું તો છે, પણ એની બીજી વિશેષતા એ છે કે મિડલ કિંગડમ વખતે લગભગ બધા જ ફેરોએ એમાં નવી ઇમારતો બાંધી હતી. એ સમયે મનુષ્યની કીર્તિ કળાની જેમ વધઘટ થાય એમ આમુનદેવતાની સત્તા વધવા માંડી હતી. રામસેએ ૮૦ હજાર મજૂરો રોકી આ મંદિરનું નિર્માણ કર્યું હતું. એ ઉપરથી તમને મંદિરના મૅગ્નિટ્યૂટડનો અંદાજ આવી શકે અને પછીનાં ૧,૫૦૦ વર્ષ સુધી એ મંદિરમાં દરેક ફેરો કંઈ ને કંઈ ઉમેરો કરતો રહ્યો એ પણ એક વિશિષ્ટ ઘટના હશે ને! પ્રાર્થના પૂજા માટે સમગ્ર ઇજિપ્તમાં કરનાક મંદિરને જ પ્રજા અગ્રક્રમ આપતી, કારણ કે ‘સર્વાંગસંપૂર્ણ’નું બિરુદ આ મંદિરને મળ્યું હતું. આ મંદિર એવું છે જેને માટે સૌથી વધુ લખાયું છે. ચિત્રો-ફોટાઓનો પાર નથી તોય એની વાત પૂરી થઈ શકતી નથી. એક કલાકાર લેખિકાએ એનાં પ્રવાસના અનુભવમાં લખ્યું છે, ખૂબ વિશાળ પટ પર ફેલાયેલાં મંદિરને જોતાં જ એ દૃશ્યની મન ૫૨ એવી અસર થાય કે મનુષ્ય અવાક બની જાય. પોતાને નાનો અને વામણો લાગે. આ દૃશ્ય પૂર્ણતાની પ્રતીતિ કરાવે છે. મંદિરના પ્રવેશદ્વાર પરથી અંદર સુધી વૂડન પ્લૅટફૉર્મ છે. અહીંની લગભગ બધી જ હેરિટેજ સાઇટ્સ પર વચ્ચોવચ લાંબા છેક અંદર સુધી વૂડન પ્લૅટફૉર્મ હોય છે. દીવાલોથી દૂર બંને તરફ કઠેડા હોય એટલે દીવાલોને સ્પર્શ ન કરી શકાય અને બે કઠેડાની વચ્ચે માત્ર વૂડન પ્લૅટફૉર્મ પર જ ચાલતાં રહી, ઇમારતને નુકસાન પહોંચાડ્યા વિના નિરાંતે જોઈ શકાય. જે હેરિટેજ સાઇટમાં દીવાલો પર ભીંતચિત્રો હોય તે આખી દીવાલોને કાચથી મઢી દઈ પ્રવાસીઓ અને પૉલ્યુશનથી બચાવ કર્યો છે. ખરા મધ્યાહ્ને આવડા વિશાળ સંકુલમાં ફરવા માટે શક્તિ અને હિંમત બંનેની જરૂર પડતી હતી, પણ આ તો સૂર્યદેવતાનું મંદિર! એટલે એમના સામ્રાજ્યના નિરીક્ષણ માટે આ શક્તિ ખાસ એમણે પ્રદાન કરી હશે એવું મને લાગ્યું, કારણ કે ઘણાં પ્રવાસીઓ અત્યારે અહીં હતા. સંકુલનું સૌથી સુંદર મંદિર છે આમુન ટેમ્પલ. બીજા દેવતાઓ પણ સાથે બિરાજે છે, પણ થોડાં નષ્ટ અને ખંડેરની હાલતમાં છે. જુદા જુદા રાજાઓએ આ મંદિરોમાં કંઈ ને કંઈ ઉમેરો કર્યો છે. એટલે અહીં ફરતાં જાણે એક જ સમયે અનેક સંસ્કૃતિઓના કાળખંડમાંથી પસાર થવાનો અનુભવ થાય છે. મામુદ જુદી જુદી ઇમારતો, દીવાલો, સ્તંભો, પથ્થરો, પૂતળાંઓ પર એનાં ચિહ્નો બતાવતો જાય છે અને ઇતિહાસનાં પૃષ્ઠો ફરવા લાગે છે. મુખ્ય મંદિરની પશ્ચિમે નાઈલના કાંઠા પર લક્ઝરથી આવતાં વહાણો અહીં લાંગરતા. નાઈલ નદીમાં પૂર આવે ત્યારે ક્યાં સુધી પાણી ચડતાં તેની નિશાની વિસ્મય પામી જોયા કરું છું. ઓહો! કેટલી ઊંચી દીવાલો! ઉપર નજર કરું છું અને આકાશગામી પાપીરસનાં વૃક્ષોનાં વનમાં ઘૂમતી હોઉં એટલાં ઊંચાં છે. સ્તંભો અને તેનીયે ઉપર છે તેમનાં માનીતાં ફૂલ કમળ, એની ખીલેલી પાંખડીઓની પદ્માકારની ટોચ. એક વિરાટ દીવાલ દૂરથી દેખાય છે. તેની પર વિશ્વના માનવઇતિહાસના સર્વપ્રથમ શાંતિસુલેહના કરાર કોતરાયેલા છે. રામસે બીજા અને ત્રીજાને તેમના દુશ્મન સાથે યુદ્ધ થયું હતું તે બેટલ ઑફ કાદેશ અનેક ભીંતચિત્રો, શિલ્પોમાં અંકિત છે. પછી જે શાંતિસુલેહના કરાર થયા તે સોનાની પાટ પર કોતરાયા હતા, પણ એ પાટ ક્યાંયથી મળી નથી. એક તો સુવર્ણ અને અગત્યનો હિસ્ટોરિકલ ડૉક્યુમેન્ટ. કોઈ આક્રમણકાર રાજા લઈ જ ગયો હોય ને! શક્તિનો સ્રોત ખૂટવા આવ્યો છે. થાક, ગરમી અને તરસના ત્રિપાંખિયા હુમલાથી પીછેહઠ કરતાં અમે બહાર નીકળીએ છીએ, તોય ખૂબ ચાલવાનું છે. ઑપન કાફેટેરિયા છે, છાંયામાં છે અને ઉપર મોટી અમ્બ્રેલા. હું ને શિવાની ખાસ્સાં નસીબદાર છીએ. છાયામાં અમને બે ખુરશી મળી ગઈ. ભરચક ગિરદી અને થોડાં વેઇટર્સ ખાવાનું-પીવાનો ઑર્ડર લઈ દોડાદોડી કરે છે. એમાં દસપંદર મિનિટ બચી છે અમારી પાસે. એમાં કૉલ્ડડ્રિંક્સ ક્યાંથી મળશે? પણ ચમત્કારો આજે પણ બને છે. બે ટોલ કૂલ મિલ્કશેઇકના ગ્લાસ આવી પણ ગયા, જય હો! અમારી બૅટરી રિચાર્જ થઈ ગઈ. હજી બસ સુધી પહોંચવા ચાલવાનું છે. ઘણી બસો ઊભી છે અને બસ સતત આવ્યા જ કરે છે. આમાં અમારી બસ ક્યાં શોધીશું એવી ચિંતા કરીએ ત્યાં અમારા ટૂર મૅનેજર વિપુલભાઈ દેવદૂતની જેમ પ્રગટ થયા અને અમને સૌને બસમાં લઈ ગયા. સીધો સ્વર્ગમાં જ પ્રવેશ મળ્યો હોય એમ વાતાનુકૂલિત બસમાં દાખલ થતાં લાગણી થઈ. મિસિસ રાવ શાંતિથી ઊંઘી લઈ, સંતરું ખાતાં હતાં. એ સુખીયા જીવે હસીને અમારા સૌનું સ્વાગત કર્યું. ફરી રણમાં મુસાફરી. બારી પર પડદા પાડી અમે બધાં જ જે નિદ્રાને આધીન થઈ ગયા તે વહેલું આવે આસ્વાન. તરત અમારી ક્રૂઝ પર ચેઇકઇન કર્યું. અમારી શિપ ત્રણ માળની આરામદાયક સગવડતાવાળી છે. માત્ર નાઈલ પર જ ક્રૂઝ હોવાથી ખૂબ મોટી અને વૈભવશાળી નથી, પણ નાની અને ગમી જાય એવી છે. ડબલ બેડ અને બાથરૂમ સાથેની અમારી કૅબિન, એમાં કાર્પેટ અને ટેપેસ્ટ્રીનું સરસ ફર્નિશિંગ છે. હવે છ દિવસ માટે આ જ અમારું નદી પર તરતું ઘર. પલંગ પાસે જ કાચની મોટી બારીઓ. હિલોળાં લેતાં નાઈલનાં જળ સતત બારીમાંથી દેખાયાં કરે. થાકી ગયાં હતાં છતાં સામાન ગોઠવી, હું અને શિવાની શિપમાં લટાર મારવા નીકળી પડ્યાં. ડેક પર આવતાં સૂર્યાસ્ત થઈ ગયો હતો. કિનારે હારબંધ શિપો લાંગરેલી હતી, ઝાકમઝોળ રોશનીથી ઝગમગતી શિપનાં અજવાળાં નાઈલનાં જળ પર દૂર સુધી રેલાતાં હતાં. અને ચમકતાં જળતરંગોથી અદ્ભુત સંમોહિત દૃશ્ય રચાતું હતું. એક જ દિવસના કેટકેટલાં રૂપ હતાં! વહેલી સવારે એનો પ્રફુલ્લ શાંત ચહેરો જોયો હતો. પછી આખી બપોર તપ્ત સુવર્ણ જેવો ઉજ્જ્વલ અહંકારી અને અત્યારે શાંત, મૃદુ પવનની લહેર જેવો શીતળ અને સર્વ સમર્પિત.
*
ઇજિપ્તની દક્ષિણે આસ્વાન, આફ્રિકા જવાનું પ્રવેશદ્વાર. ખૂબસૂરત શહેર વેપાર ઉદ્યોગથી ધમધમે છે. પ્રાચીન અને અર્વાચીનને ત્રિભેટે ઊભેલું. સદીઓથી સુદાનથી ગુલામો, શાહમૃગોનાં પીંછાં, કીમતી પથ્થરો, જાનવરોની ખાલ જેવી અનેક જાતની ચીજવસ્તુઓ, ફેરો માટે ઊંટોના કાફલા, આ ફૉર્ટી ડેઇઝ રોડ (મુસાફરીમાં ચાલીસ દિવસ લાગતાં તેથી આ નામથી રસ્તો ઓળખાયો) પરથી દક્ષિણમાં પ્રવેશતા. ૧૮મી સદીથી જળમાર્ગ અને પછી હવાઈમાર્ગ ખૂલી જતાં આ માર્ગ બંધ થયો, પણ ઊંટોની વણજાર ચાલુ રહી. ઊંટો પોતે જ કીમતી માલ ગણાયને! અહીં ઊંટોનું મોટું બજાર ભરાય છે. એની માર્કેટ પ્લેસ પણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. યુએઈમાં પણ રણને લીધે ઊંટ અત્યાર સુધી મુખ્ય વાહન હતું. ત્યાં તો આ ડીઝર્ટ બ્યુટીઝ રેતી પર કેટવોક કરે છે અને એમની સૌંદર્ય સ્પર્ધાઓ પણ યોજાય છે. જ્યારે અહીં માર્કેટમાં ઊંટ મજૂરી માટે ખરીદાય છે અને બાકીના કબાબની વાનગી બની પ્લેટમાં પીરસાય છે. ઇજિપ્તની ગરમી અને થકવી નાખતી રણની મુસાફરી, આસ્વાન હવાફેરનાં સ્થળ તરીકે પ્રખ્યાત છે. બરાબર નાઈલ પર જ વસેલું છે. નદી સામે જ કેટકેટલી હોટલો છે! શોખીનો ખાસ હોટલ્સમાં હોલિડેઝ માટે રહેવા આવે છે અને બુકિંગ મળવું સહેલું નથી. અહીં જોવાનાં ફરવાનાં ઘણાં સ્થળો રહી છે. અનેક ઇમારતો, મંદિરો તો ખરાં જ. અધૂરો રહી ગયેલો પ્રખ્યાત મિનારો અબુસિમ્બલ. એની ટચૂકડી આવૃત્તિ દરેક સોવેનિયર શૉપમાં મેં જોઈ હતી. બોટાનિકલ ગાર્ડન અને મ્યુઝિયમ્સ પણ ઘણાં છે. નાઈલ નદીનાં સૌંદર્યની કેટકેટલી છટાઓ અદાથી અહીં પ્રગટ થાય છે! બંધમાંથી વહેતી નાઈલ, સૂર્યતાપમાં ચમકતાં ગ્રેનાઇટના ખડકો, વિપુલ જળરાશિમાંથી માથું ઊંચું કરી ઊગી ગયેલી ખજૂરીઓથી શોભતા નાનકડા રમણીય ટાપુઓ, શહેરમાં ઠેરઠેર ફૅરોનિક રૉમન, ગોથિક ઇસ્લામિક તો ક્યાંક અત્યંત આધુનિક ઇમારતો, આસ્વાનનો અતિપ્રસિદ્ધ ડૅમ અને લેઇક નાસર... આસ્વાનની હોટલો આખું વરસ ભરચક્ક ન રહે તો જ નવાઈ. અમારી બસ ધીમે ધીમે આસ્વાન શહેરમાં ફરી રહી છે અને પહેલું જ દર્શન મોહિની પમાડે એવું છે. મામુદ ઑડિયો વિઝ્યુઅલ શૉનો કૉમેન્ટેટર હોય તેમ નાની મોટી વાત-વિગતો આપતો રહે છે. આમ તો આસ્વાન ઇજિપ્તનાં બીજાં શહેરોની જેમ શિયાળાની ઋતુમાં માણવાનું શહેર છે, પણ અહીં બારેય મહિના સહેલાણીઓ આવે છે. એમને પિરામિડોનું એટલું આકર્ષણ નથી જેટલું નાઈલમાં ફેલ્લુકા-સઢવાળી હોડીમાં બેસીને નિરાંતે સમય ગાળવાનું છે. અત્યારે જ કેટકેટલી ફેલ્લુકાઓ નાઈલના પટમાં સરકી રહે છે! મન તો પંખીની જેમ ક્યારનું ઊડી હોડીના કૂવાથંભ પર બેસીને ટહુકી રહ્યું છે! મને યાદ આવે છે પપ્પા-મમ્મી અને ઈલા સાથે એક વખત મથુરા-ગોકુળ-વૃંદાવનમાં ખૂબ રહેલી. મથુરામાં અમે રોજ સાંજે મોડે સુધી નાનકડી હોડીમાં યમુનામૈયાની સૈર કરતાં. શિયાળાની ઊતરતી સાંજનો પવન અને બાનાં મધુર કંઠે ગવાયેલા રાધાકૃષ્ણનાં રાસગરબાનો કોમળ સૂર મારા મનમાં ગૂંજવા લાગે છે. પછી મારા પરિવાર સાથે પણ રમણીય સંધ્યાએ નૌકાવિહારનો આનંદ માણેલો. અચાનક વાદળો ગોરંભાઈ જાય એમ વીતેલા સમય-સ્વજનોના તીવ્ર ઝુરાપાની લાગણીથી મન ભરાઈ આવે છે. પ્રવાસ કરીએ છીએ ત્યાં કેટકેટલી કેડીએ પણ ચાલતાં રહીએ છીએ! વિષાદ ખંખેરવા હું તરત મારા સહપ્રવાસીઓ સાથે વાતોમાં ભળી જાઉં છું, બસ ઊભી રહી. ઊતરતાં જ નાનાં બાળકો પાણીની બાટલીઓ લઈ અમારી આગળપાછળ દોડાદોડ કરી મૂકે છે. આસ્વાનની બજારમાં અમે આવ્યાં છીએ. સામે હારબંધ પરફ્યૂમ્સ અને એરોમા ઑઇલની દુકાનો છે. મહંમદ-અલ-ફાયદનો પરફ્યૂમરીઝનો વિશાળ શોરૂમ છે. (મહંમદ-અલ-ફાયદ એટલે લેડી ડાયેના સાથે અકસ્માતમાં મૃત્યુ પામેલા ડોડી ફાયદના પિતા) અંદર જતાં શોરૂમનો ઝગમગાટ આંખોને આંજી નાખે તેવો છે. ફ્લૉરથી સીલિંગ સુધી કાચના કબાટો, અંદર અરીસાઓ જડેલા એમાં નાની-નાની, અવનવી કલાત્મક ઘાટની મેઘધનુષી રંગની કાચની શીશીઓ છે. ત્રણ ચાર સેલ્સમેન અમને કુશળતાથી ઘેરી લઈ, સોફામાં ફટાફટ બેસાડી લઈ, બે મિનિટમાં તો શરબતની ટ્રે સાથે હાજર એમની જીભ અને હાથ એક સાથે ચાલી રહ્યાં હતાં... સર... મૅડમ.... આ શરબતમાં એવું સુગંધી દ્રવ્ય છે જે પીતાં જ થાક અદૃશ્ય. અને જુઓ... એકધારું તૂટ્યુંફૂટ્યું અંગ્રેજી બોલતાં જતાં ટેબલ પર અનેક પ્રકારનાં ઑઇલ, અર્ક, દ્રાવણની આકર્ષક શીશીઓની આખી પેટી જ મૂકી દીધી. સેલ્સમૅન એક પછી એક બાટલી ઉઠાવતો જાય અને એના ગુણો અને ઉપયોગ વિશે વાત કરતો જાય. તમને ત્યાંથી ઊઠવાનો, વિચારવાની કોઈ તક જ નહીં ને! અમુક તેલનાં બે જ ટીપાં કપાળ પર ઘસો કે દુખાવો ગાયબ (પણ માથું સલામત) તો કોઈ ઑઇલ લમણે જરા લગાડો કે સુખમય નિદ્રાથી આંખો ઘેરાઈ જાય... જાતભાતનાં દુઃખદર્દો અને તકલીફોથી છુટકારાનો જાદુ આ પેટીમાં છે. છેલ્લી બાટલીની વાત કરી, એ તરત અમને પૂછવા લાગે છે, કોને કયું કેટલાં ઔંસ ઑઇલ જોઈએ છે? શૉકેસની કોઈ પણ મનપસંદ બૉટલ લઈ લો. આખી પેટી જ ખરીદી લેવાનો આગ્રહ પણ બધાં જ કરવા લાગ્યા. તરત બિલબુક અને પેન લઈ એ ઑર્ડર લખવા તત્પર થઈ જાય છે. અમારામાંથી એક-બે જણાં થોડું ખરીદે છે અને અમે તરત ઊભાં થઈ ગયાં. નાકાબંધી કરતો હોય એમ સલૂકાઈથી નીકળવાના રસ્તેથી સેલ્સમૅન ખસતો નથી. એક તો ઑઇલ અતિશય મોંઘું લાગે છે અને અત્યંત પાતળી કાચની શીશીમાં લઈ જવાનું. અમે તો રોજ સામાન ઊલટસૂલટ કરીએ. એમાં શીશી સાચવવી કેમ? અમારી મંડળીમાંથી મિ. ભટ્ટાચાર્યે આખી પેટી જ ઉત્સાહથી ખરીદી લીધી. બસમાં અમને કહ્યું, હું તો આખું વર્ષ શિપ પર હોઉં. મારી પત્ની જ મારો સંસાર સંભાળે છે. એટલે આ સુગંધી ભેટ એમને માટે ખરીદી છે. મિસિસ ભટ્ટાચાર્ય તો એવાં મલકાય! May your tribe increase Mr. Bhattacharya. બસની બારીમાંથી નાઈલની શોભા જોયા જ કરવાનું મન થાય છે. વિશ્વની સૌથી લાંબી નદી નાઈલ. ૪,૧૬૦ માઈલની લંબાઈ ઉપરાંત તેની બીજી વિશેષતા એ છે કે દક્ષિણમાંથી ઉત્તર તરફ વહે છે. દુનિયાની એકમાત્ર ઉત્તરાભિમુખ નદી. ભારતીય સંસ્કૃતિ જેમ મા ગંગાને પારણે ઝૂલી છે એમ મિસરની સંસ્કૃતિને પણ નાઈલે માતાના હેતથી ઉછેરી છે. અઢી હજાર વર્ષ પર ગ્રીક ફિલૉસૉફર હેરોડોટ્સે કહ્યું હતું. ઇજિપ્ત ઈઝ ધ ગિફ્ટ ઑફ નાઈલ. વિશ્વની આ લાંબી નદી સાહસિક મુસાફરની જેમ ૬,૬૮૦ કિમીની સંઘર્ષભરી સફર છેક આફ્રિકાથી કાપતી આવી ઉત્તરમાં સમુદ્રને મળે છે. આ ઐતિહાસિક મુસાફરી બે મૂળમાંથી કરે છે. યુગાન્ડાના લેક વિક્ટોરિયામાંથી નીકળતી વ્હાઇટ નાઈલ ૩,૦૦૦ કિમીનો પ્રવાસ ખેડે છે અને ઇથિયોપિયાના ઊંચા વિસ્તારના લેક તાનામાંથી બ્લૂ નાઈલનો ઉદ્ભવ છે. સુદાનના ખાર્ટુમમાં બંનેનું મિલન. આતબારા નામની બીજી નદીને પણ સાથમાં લઈ એકાકાર એકરૂપ બની. વિશ્વની સૌથી લાંબી નદીનું ગૌ૨વભર્યું બિરુદ પામી છે. ઇજિપ્ત માટે નાઈલ કેવી સૌભાગ્યવંતી છે! નહીં જેવો વરસાદ અને આવડું મોટું ધગધગતું રણ. પણ ઇજિપ્ત પાસે છે ખૂબ ઊંડી અને લાંબી ખીણ. એટલે દસ દેશોને સ્પર્શીને વહેતી નદીની કૃપાનો પ્રસાદ ઇજિપ્તના ભાગ્યમાં વધુ આવ્યો છે. ખીણના નીચાણવાળા ભાગમાં નદી જે વેગથી ધસી આવી કિનારાઓને એવા રેલમછેલ કરતી ફળદ્રુપ બનાવે છે કે સોનું-ચાંદી વાવો તોય ઊગી નીકળે. એમ કહેવાય છે કે ઇજિપ્તનો ખેડૂત દુનિયાની કોઈ પણ પ્રજા કરતાં ઓછામાં ઓછી મહેનતથી પાક ઉતારે છે. આ કાંપમાં સુંદર કમળો ખીલે છે. કદાચ એટલે જ ઇજિપ્તની કલા, લોકજીવન, ચિત્રો, શિલ્પોમાં કમળનું સ્થાન લાડકું છે. નદીના કાંપની ઝાડીઓમાં એક છોડ ઊગે છે પપ્પાઇરસ. હજારો વર્ષ પહેલાં આ છોડમાંથી ઇજિપ્શિયનોએ કાગળ બનાવવાની શોધ કરી હતી. ૧૯મી સદીના અંત ભાગમાં રસ્તાઓ બંધાયા, વાહનવ્યવહારના માર્ગો ખૂલ્યા ત્યાં સુધી નાઈલ જ પ્રજાની જીવાદોરી. આરંભમાં એ લોકો નદી પર સફર માટે તરાપા બાંધતા હશે, પછી હોડીઓ. પણ વખત જતાં આધુનિક મોટાં વહાણો બનાવવાની વિદ્યા વિકસી હતી. એવું એક જાજાન્ટિક વહાણ ગિઝાના પિરામિડની જગ્યાએ જોયું. જ્યારે કેરો વેપારઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હતું ત્યારે એક પ્રવાસીએ નોંધ કરી છે કે સહેજે ૩૫ હજાર વહાણો નાઈલ પર ઘૂમતાં હતાં. એમાંનાં ઘણાં તો અત્યંત સગવડોવાળાં તરતાં વૈભવશાળી ઘરો જ જોઈ લો! એટલે આધુનિક સગવડો સાથે તરતાં નગર જેવી સ્ટાર ક્રૂઝ શિપ પણ આજની જ નથી, ત્યારે પણ હતી. નાઈલની સહેલ માટેની આ શિપના કૅપ્ટન થવું ખૂબ અઘરું અને સખત લાંબી ટ્રેઇનિંગ માંગી લે છે. વિશ્વમાં દરિયાઈ સહેલ માટે ઘણા દેશોની ક્રૂઝ પ્રખ્યાત છે અને લાંબી સફરો ખેડે છે. પણ નાઈલ નદીની શિપના કૅપ્ટન થવું સાવ અલગ જ વાત છે. એક તો ઘણી શિપ કાંઠે જોડાજોડ લાંગરી હોય. (અમે દરેક વખતે અમારી શિપમાંથી બીજી બે-ત્રણ શિપમાં થઈ કાંઠે પહોંચતાં હતાં) અડોઅડ લાંગરેલી શિપમાંથી જળમાર્ગ નેવીગેટ કરી બહાર નીકળવાનું કૅપ્ટન માટે ખાસ કૌશલ્ય માંગી લે છે. ઘણી જગ્યાએ પાણી છીછરું અને અંદર રેતીના ઢૂવા, બંધને લીધે નાઈલમાં હવે પૂર ચડતાં નથી પણ ખેતી માટે ઘણી જગ્યાએથી નહેર નીકળતી હોય છે. એટલે પાણીનું ઊંડાણ અને વહેણનો આધાર ઋતુ પર પણ રહે. આમ તો આસ્વાન અને લક્ઝર વચ્ચે જ ક્રૂઝ હોય, શિપ પણ બે-ત્રણ માળનાં જ. તોય કૅપ્ટનને બારેક વર્ષની સખત ટ્રેનિંગ, જેની ખાસ જરૂર પડે તે સિક્સ્થ સેન્સ – આ અભિમન્યુનો કોઠો કૅપ્ટને વીંધવો પડે. નાઈલ પરના અનહદ પ્રેમ સિવાય કુશળ કૅપ્ટન બનવું અસંભવ. એટલે બચપણથી એ વ્યક્તિની ટ્રેનિંગ શરૂ થાય છે પછી આખું જીવન એ નાઈલમય બનીને જીવે છે.
[શુક્રન ઇજિપ્ત, ૨૦૦૯]