ગુજરાતી બાળવાર્તા સંપદા/કન્નુ કીડી ઝિંદાબાદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કન્નુ કીડી ઝિંદાબાદ

નટવર પટેલ

જંગલમાં હમણાં-હમણાંથી એક વાત બહુ ચર્ચાતી હતી. આ વાત ઊડતી ઊડતી કાબર પાસે આવી. કાબરે તે પોપટને કહી. પોપટે કાગડાને ને પછી કાગડાએ મન્નુ મંકોડાને કહી. ને મન્નુ મંકોડાએ એ વાત કન્તુ કીડીને કહી, ‘કન્તુ, તેં કંઈ સાંભળ્યું ?’ ‘શું મન્નુભૈ ?’ ‘પેલો વલ્લુ વાઘ ખરો ને, એને બહુ અભિમાન આવી ગયું છે.’ ‘કેવું અભિમાન’ કન્નુ કીડીએ પૂછ્યું. ‘એ કે’છે કે મારા જેવો બળિયો કોઈ નંઈ.’ ‘એમ ? પણ એવું અભિમાન બહુ સારું નંઈ હોં !’ ‘ને એક બીજી વાત... પેલો હપુજી હાથી ખરો ને, એ કે છે કે મારા જેવું નાક કોઈને નંઈ. હું તો બે કિલોમીટર દૂરથી સૂંઘી શકું.’ ‘હેં ? એમ વાત છે ?’ કન્નુ ઠાવકાઈથી બોલી.. ‘ને એક ત્રીજી વાત... પેલો આલુ અજગર ખરો ને? એય કે’ કે હુંય બહુ બળિયો. હું કમાલના દાવ કરી બતાવું હા...!’ કન્નુએ ત્રણેયની વાત સાંભળી. પછી મનમાં નક્કી કર્યું કે આ ત્રણેયનું અભિમાન ઉતારું તો જ હું કન્નુ કીડી ખરી ! ‘કન્નુ, શા વિચારમાં પડી ગઈ ?’ ‘મન્નુભૈ, આ ત્રણેને મારે એક વાર મળવું છે.’ ‘કન્નુ, આવતી કાલ પ્રાણીઓની સભા મળવાની છે. તું ત્યાં આવજે.’ ને બીજે દિવસે મન્નુ મંકોડા સાથે કન્નુ કીડી પ્રાણીસભામાં ગઈ. પ્રાણીઓના રાજા સિંહરાજા સૌની આગળ એક ઊંચા પથરા પર બેઠા હતા. સૌ પ્રાણીઓ જ્યાં જગા મળી ત્યાં અહીંતહીં ગોઠવાઈ ગયાં હતાં, જરૂરી કામ પતી ગયા પછી વનરાજે સૌને ઉદ્દેશીને કહ્યું : ‘કોઈને કાંઈ કહેવું છે ? તો આગળ આવીને કહો.’ આ સાંભળી વલ્લુ વાઘ ઊભો થયો. આગળ આવી કહે, ‘હું મરેલા મોટા સાબ૨ને કે ભેંસને ખેંચીને લઈ જાઉં. આવી તાકાત કોઈનામાં હોય તો મારી સામે આવે.’ એટલામાં હપુજી સૂંઢ હલાવતો કહે : ‘હું બે કિલોમીટ૨ દૂરથી વસ્તુની ગંધ પારખી લઉં. આવી શક્તિ કોઈનામાં છે ?’ પાસેના ઝાડની ડાળ પર અજગર લટકતો હતો. તે માથું લટકાવી કહે : ‘ને હું શરી૨ વડે જબરી કરામતો બતાવું. સરકસ જેવા દાવ કરું. કોઈનામાં આવી આવડત છે ખરી ?’ થોડી વાર તો આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. કોઈ પડકાર ઝીલવા આગળ ન આવ્યું. ત્રણે જણ મનોમન ફુલાતા હતા. એટલામાં કન્નુ કીડી આગળ આવી. વનરાજને સલામ કરી બોલી : ‘મહારાજનો જય હો ! વનરાજા, આપ જો આજ્ઞા આપો તો હું આ ત્રણે સાથે વારાફરતી હરીફાઈ કરવા તૈયાર છું.’ નાની અમથી કીડીની આવી વાત સાંભળી સિંહરાજા પણ નવાઈ પામ્યા. ‘કીડીબાઈ, ક્યાં તમે ને ક્યાં આ વાઘ, હાથી ને અજગર ? તમે ભાનમાં તો છો ને ?’ આ સાંભળી સભામાં સૌ હસી પડ્યાં. કન્તુ કહે : ‘મહારાજ, હું ભાનમાં જ છું. આ ત્રણે સાથે હું હરીફાઈ કરવા માગું છું. કદાચ હારી જઈશ તો લોકો કહેશે કે નાની હતી એટલે હારી જાય. મને જરાય દુ:ખ નહિ થાય.’ કન્નુની હિંમત અને સમજણ જોઈ વનરાજ રાજી થયા. તેમણે હરીફાઈની સંમતિ આપી. પ્રથમ કનુએ વાઘને બોલાવી કહ્યું : ‘વાઘમામા, હું મારા શરીરના વજન કરતાં દસ ગણું વજન ઊંચકીને ખેંચી શકું છું. શું તમે તમારા વજન કરતાં દસ ગણું વજન ઊંચકી શકો ખરા ?’ વાઘમામા બડાઈ મારતાં બોલ્યા, ‘હા, કેમ નહિ ? પણ પહેલાં તારો વારો.’ કીડીના વજન કરતાં દસ ગણો હોય તેવો દાણો લાવવામાં આવ્યો. કીડી તે ખેંચીને એક મીટર લઈ ગઈ. ‘મહારાજ, હવે વાઘમામાનો વારો.’ કન્નુ બોલી. વનરાજે એક મોટો પથ્થર પસંદ કર્યો. તેના ફરતે દોરડું બંધાવ્યું પછી બે છેડા ભેગા કરી વાઘને પકડાવ્યા ને હુકમ કર્યો, ‘વાઘભાઈ, આ પથરો ખેંચી બતાવો. આ પથરો સૌના કહેવા પ્રમાણે તમારા વજનથી પાંચ-છ ગણો ભારે હશે.’ વાઘ આગળ આવ્યો. દાંત વડે દોરડું પકડી ખેંચવા લાગ્યો, પણ આ શું ? પથ્થર એક ઇંચ પણ ના ખસ્યો. વાઘ બહુ જોર કરવા ગયો તો એના બે દાંત પડી ગયા. બિચારો વાઘ! નીચું મોં કરી દૂર જઈ સંતાઈ ગયો. પછી હાથીનો વારો આવ્યો. કન્નુ કહે : ‘આ ઘાસના મેદાનમાં ખાંડનો એક દાણો વનરાજા મુકાવે એ તમારે સૂંઘીને શોધી બતાવવાનો છે. બોલો, મંજૂર ?’ હાથી તુમાખીમાં કહે, ‘હા, મંજૂર.’ પછી વનરાજાએ એક ઉંદર મારફત ઘાસમાં ચોક્કસ જગ્યાએ ખાંડનો દાણો મુકાવ્યો – હાથી કે કીડીને તેની ખબર ન પડે એ રીતે. ત્યાં ઉંદરે પથ્થર મૂકી નિશાની યાદ રાખી. ત્યાર બાદ હાથી ઘાસના મેદાનમાં ગયો. બહુ શોધાશોધ કરી, પણ દાણો ન જડ્યો. હાથી નિરાશ થઈ પાછો આવ્યો. ત્યાર બાદ વનરાજાએ કન્નુકીડીને હુકમ કર્યો. કીડી કહે : ‘મહારાજ, હું ૨હી નાની. મારી ચાલ ધીમી. એમાં ઘણો સમય જાય. જો આપ કહો તો હું કોઈ સસલાના કાન ૫૨ બેસી જાઉં. હું કહું તેમ સસલો મને લઈ જાય તો ઝટ દાણો લઈ પાછી આવું.’ સિંહે કીડીની વાત મંજૂર રાખી. એક સસલાના કાન ૫૨ કીડી બેસી ગઈ. ઘાસના મેદાનમાં ગઈ. થોડી વા૨માં તે ખાંડનો દાણો લઈ પાછી આવી. સૌએ કીડીને કિકિયારી પાડી વધાવી. હવે વારો આવ્યો આલુ અજગરનો. કીડી કહે : ‘મહારાજ, અજગરભાઈ નવી નવી કરામતો કરતા હશે. સરકસમાં ઊંચેથી ભૂસકો મા૨વાની પણ કરામત હોય છે. અજગરભાઈ આ ઊંચા ઝાડની ડાળીએ ચડી ઉ૫૨થી ભૂસકો મારી બતાવે તો ખરા.’ અજગર જે ઝાડ પર હતો તેની ટોચ તરફ જોયું. બાપ રે! આટલું ઊંચું ઝાડ? ઉપરથી હું પડું તો મારાં હાડકાં ખોખરાં થઈ જાય ! વનરાજે કહ્યું : ‘અજગરભાઈ, ઊંચે ચડો ને પછી મારો ભૂસકો !’ એટલે અજગર ત્યાં જ બોલ્યો : ‘માફ કરો મહારાજ, હું મારી હાર કબૂલી લઉં છું.’ આ સાંભળી સૌ પ્રાણીઓ હસી પડ્યાં. પછી વનરાજે કીડીને હુકમ કર્યો, કન્નુ કહે : ‘મહારાજ, હું તૈયાર છું, પણ હું ઝાડ પર ચડવા જાઉં તો સવાર પડી જશે. એક કબૂત૨ મને તેના શરીરે ચોંટવા દે ને એ ઊડી ઉપર લઈ જાય તો સમય બચે.’ વનરાજે કબૂતરને કીડી પાસે જવા કહ્યું. કબૂતર કીડી પાસે ગયું. કીડી તેના શરીરે વળગી પડી. કબૂતર ઊડીને ઝાડની ટોચે ગયું. કીડીને ડાળ પર મૂકી તે ત્યાં બાજુમાં બેઠું. પછી કીડીએ ત્યાંથી ભૂસકો માર્યો. કીડીનું શરીર તો સાવ હલકું. ને પવન પર ત્યારે નહોતો. તે ઝાડના થડથી થોડે દૂર જઈ પડી. નીચે ઊભેલાં જનાવરોએ તેને જોઈ, તેઓએ તાળીઓ પાડી. કીડી ચાલીને વનરાજા પાસે જઈ ઊભી રહી. પ્રાણીઓમાંથી કોઈ ઊંચા અવાજે બોલ્યો : ‘કન્નુ કીડી ઝિંદાબાદ !’ ને સૌ પ્રાણીઓ પણ પાછળ બોલ્યાં. ‘ઝિંદાબાદ ! ઝિંદાબાદ !’ વનરાજ પણ ખુશ થયા. કન્નુએ વનરાજને વંદન કરી કહ્યું : ‘મહારાજ, હું તો એક સામાન્ય જંતુ છું. આ તો ત્રણે જણને ખોટું અભિમાન આવી ગયું હતું તેથી મારે હરીફાઈ કરવી પડી. બાકી હું આવું ક૨વામાં માનતી નથી.’ વનરાજે કીડીને શાબાશી અને ઇનામ પણ આપ્યું, પરંતુ આ બધું જોવા પેલા ત્રણે સભામાં ક્યાંય દેખાતા ન હતા. તેઓ તો ક્યારના છૂમંતર થઈ ગયા હતા.