ગુજરાતી બાળવાર્તા સંપદા/પાણીકલર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પાણી કલર

હર્ષદ ત્રિવેદી

ચાર લખોટી. લાલ-પીળી-વાદળી અને ચેાથી પાણી કલર. ચારેય લખોટી ખાસ બહેનપણી. ઘડી વાર પણુ એકબીજીથી છુટ્ટી ન પડે. ચારેય જયજીતભાઈના ખિસ્સામાં રહે. જયજીતભાઈ દોડે ત્યારે ખખડ્યા. કરે. જયજીતભાઈ લખેાટીએ રમવાના ભારે શોખીન. આખો દિવસ રમ્યા કરે. ભણવા-બણવાનું તો નામ જ નહીં ! એ ભલા ને એમની લખોટી ભલી ! જયજીતભાઈ સાથે રમવાવાળું કોઈ ન હોય ત્યારે પણ એ લખોટીઓને છોડે નહીં. ચારેય લખોટીઓને એક થાળીમાં લઈ બેસી જાય. ગોળ ગોળ ફેરવ્યા કરે. થાળીમાં લખોટી ફરે ત્યારે ઘૂઘરા જેવો અવાજ એમને બહુ ગમે. રાત્રે સૂઈ જાય તોય લખોટીઓ તેા ખિસ્સામાં જ હોય ! ઊંઘમાં એમને વાગે નહીં એટલે મમ્મી યાદ કરીને ધીમેથી એમના ખિસ્સામાંથી લખોટીઓ કાઢી લે. ઓશીકા નીચે મૂકી દે. સવારે ઊઠતાં જ જયજીતભાઈ પૂછે, ‘મમ્મી, મારી લખોટીઓ ક્યાં ગઈ ?’ અને મમ્મી ઘાંટો પાડે, ‘પહેલાં બ્રશ કરી લેા. પછી નાહીને તૈયાર થઈ જાવ, પછી જ લખોટીઓ મળશે !’ લખોટી વિના તે જયજીતભાઈને ગમે નહીં. પણ મમ્મી આગળ કશું ચાલે નહીં એટલે ઝટપટ તૈયાર થઈ જાય. અને તરત જ પૂછી બેસે, ‘મમ્મી, માલી લખોટીઓ કયાં ગઈ ?’ એટલે મમ્મી કહે, ‘જો, ત્યાં રહી ઓશીકા નીચે.’ જયજીતભાઈને એશીકું ઊંચું કરવાની તેા ખબર જ કયાંથી પડે ? એમ ને એમ ઓશીકા નીચે હાથ નાંખીને વારાફરતી ચારેય લખોટીઓ કાઢે. લાલ, પીળી, વાદળી ને પાણીકલર. લખોટી મળે એટલે જયજીતભાઈ રાજી રાજી. એક દિવસ જયજીતભાઈ ચણા ખાતા હતા. મુઠ્ઠી ભરીને, ઊંચે જોઈને એમ જ સીધેસીધા મોંમાં મૂકે. આ રીતે ખાતાં ખાતાં એક ચણો નાકમાં ઘૂસી ગયો ! કેમેય કરતાં બહાર નીકળે નહીં ને ! જયજીતભાઈ ઊંડા શ્વાસ લે અને ચણા નાકમાં ઊંડે ને ઊંડે જતો જાય. જયજીતભાઈને તેા બીક લાગી ગઈ. હવે શું કરવું ? મમ્મીને કહે તો તો આવી જ બને ! લડ્યા વિના છોડે નહીં, એટલે એ તેા બાજુમાં રહેતાં ઘોઘીમાસી પાસે ઝટપટ ચાલ્યા. જઈને કહે, ‘ઘોઘીમાસી, ઘોઘીમાસી ! માલા નાકમાં ચણો ઘૂસી ગયો છે. કાધી આપો ને !’ ઘોઘીમાસી તો હેબતાઈ જ ગયાં ! ‘હેં ચણો ? નાકમાં કેવી રીતે ભરાઈ ગયો ?’ જયજીતભાઈ રડવા લાગ્યા, ‘હું છે ને તે... ચણા ખાતો’તો ને... હેં ને... તે ચણો નાકમાં ભલાઈ ગયો !’ ઘોઘીમાસી કહે, ‘ઊભો રહે, હમણાં જ કાઢી આપું !’ એમણે તો કાંટો કાઢવાનો ચીપિયો જ લીધો. જયજીતભાઈને કહે, ‘ઊંચું જોઈ રહેજે !’ પછી ચીપિયાને ધીમે ધીમે નાકમાં જવા દીધો. પણ થાય એવું કે ચીપિયો અડકે ને ચણો વધુ ને વધુ ઊંડે જતો જાય ! નાકમાં સળવળાટ થયો એટલે જયજીતભાઈ તો કૂદી પડ્યા ને માંડ્યા મોટેથી રડવા ! આજે જયજીતભાઈની ચડ્ડીનું ખિસ્સું ફાટેલું હતું. જેવો એમણે કૂદકો માર્યો કે તરત જ બધી લખોટીઓ એક પછી એક ફાટેલા ખિસ્સામાંથી ઉછળીને બહાર આવી ગઈ ! જયજીતભાઈનો હાથ અચાનક ખિસ્સા પર ગયો. ખિસ્સામાં લખોટીઓ હતી નહીં. થોડી થોડી વારે જયજીતભાઈ ખિસ્સા પર હાથ મૂકે ને ખિસ્સું ખાલી જણાય એટલે ચિંતા કર્યા કરે, વળી વળીને વિચારે, ‘માલી લખોતીઓ કયાં ગઈ હશે ?’ પણ કોઈ ને કહે નહીં કે મારી લખોટીઓ ખોવાઈ છે ! એક તો નાકમાં ચણો ઘૂસી ગયેલો તે ચિપિયાથીયે નીકળતો નહોતો, એમાં પાછી લખોટીઓ ગઈ ! નાકમાં થોડું થોડું દુ:ખવા માંડ્યું હતું. ઘોઘીમાસીએ ફરીથી ચીપિયો નાકમાં ઘુસાડ્યો. જયજીતભાઈ ચીસ પાડી ઊઠ્યા. ખૂબ રડવા લાગ્યા. એટલામાં મમ્મી પણ આવી ગઈ. કહે, ‘શું થયું મારા દીકરાને ?’ માસી કહે, ‘કંઈ નથી થયું. આ તો એના નાકમાં ચણો ઘૂસી ગયો છે તે હું બહાર કાઢી આપું છું. પણ આ જયજીતભાઈ જરા સીધા ઊભા રહે, તો તરત નીકળે ને !’ જયજીતભાઈને ચણો બહાર કાઢવાથીયે વધારે ચિંતા હતી પેલી લખોટીઓની. એમાંયે પાણીકલર લખોટી તો એમને બહુ જ ગમતી. અચાનક એમની નજર ખુલ્લી પડેલી છીંકણીની ડબ્બી પર ગઈ. એ ડબ્બી ચંચળબાની હતી. પાણીકલર એ ડબ્બીમાં પડી હતી. મમ્મીએ હાથ પકડી રાખ્યો હતો તે છોડાવીને જયજીતભાઈ તો દોડ્યા લખોટી લેવા. લખોટી હાથમાં લઈને ‘માલી લખોટી મલી ગઈ, માલી લખોટી મલી ગઈ ’ એમ બેાલતાં બોલતાં રોજની ટેવ મુજબ લખોટી મોઢામાં મૂકવા ગયા પણ ઉતાવળમાં એમનો હાથ મોઢાને બદલે નાક ઉપર ગયો. લખોટી તો ચણાની માફક નાકમાં ન ઘૂસી ગઈ, પણ છીંકણી તો નાકમાં ગઈ જ ! જેવી જયજીતભાઈના નાકમાં છીંકણી ગઈ, એવો જ સળવળાટ થયો અને એક જોરદાર છીંક આવી ગઈ...એક શું ધડાધડ ત્રણ-ચાર છીંકો આવી ગઈ. છીંકની સાથે જ નાકમાંથી ચણો બહાર આવી પડ્યો અને જયજીતભાઈ, ઘોઘીમાસી ને મમ્મી બધાં જ ખડખડાટ હસવા લાગ્યાં. જયજીતભાઈને જ્યારે ચણો યાદ આવે ત્યારે એકલા એકલાય હસી પડે છે ! હવે નાકમાં દુખતું નથી ને ફરી પાછા રમવા લાગ્યા છે ચારેય લખોટીઓ સાથે અને પાણીદાર લખોટીની તો વાત જ ન થાય, એ તો જયજીતભાઈની પાકી બહેનપણી છે હોં !