ગુજરાતી બાળવાર્તા સંપદા/ખરેખરો પાઠ ભણાવ્યો
પ્રજ્ઞા વશી
આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓ આજે ખૂબ જ ખુશ હતા. શાળાનાં શિક્ષિકા પોતાના વર્ગનાં બાળકોને આજે શહેરનાં વિવિધ સ્થલો બતાવવા લઈ જવાનાં હતાં. શાળાના બસમાં બેસાડીને વર્ગશિક્ષિકા તેમને શહેરની નજીક આવેલા મીલો જોવા લઈ ગયાં. મીલ પાસે બસ ઊભી રહી હતી. એટલે સારિકામેમે કહ્યું, ‘બાળકો, તમને હું જે કંઈ બતાવું એ તમારે ધ્યાનથી જોવાનું, સમજવાનું અને ન સમજણ પડે તો પ્રશ્નો કરવાના.’ રોહને પોતાના નાક ઉપર રૂમાલ મૂકી મેમને કહ્યું, ‘મેમ કશીક ગંદી વાસ આવે છે.’ અન્ય બાળકો પણ બોલી ઊઠ્યા, ‘હા મેમ, ખૂબ જ ગંદી વાસ આવે છે.’ જીમીએ ઊભા થઈને કહ્યું, ‘મેમ, અમને બગીચામાં રમવા લઈ જાઓને, પ્લીઝ.’ ‘બાળકો, આ બધી મીલો તમને બસની બારીમાંથી દેખાય છે. ચીમનીના ધુમાડા પણ દેખાય છે અને ગંદી વાસનો અનુભવ પણ થાય છે, ખરુને ?’ ‘હા મેમ...’ બધા એક સાથે બોલી ઊઠ્યાં. ‘બાળકો, હવે આપણે દૂર આવેલા લીલાછમ બાગમાં જઈશું, પછી કહેજો કે તમને કેવું લાગ્યું.’ ટ્રાફિકને કારણે બસ બળદગાડીની જેમ ચાલતી હતી. હોર્નનાં અવાજ અને વાહનોના ધુમાડા. પૂરા એક કલાકે માંડ બાગમાં બસ પહોંચી. બાળકો લીલોછમ બાગ જોઈને આનંદથી ઝૂમી ઊઠ્યાં અને એકસાથે ગુજરાતીની શિક્ષિકા રમામેમે શીખવેલ ગીત ગાવા લાગ્યાં- લીલા લીલા છોડ મજાના ફૂલો લૂમેઝૂમે, સ૨૨૨ કરતો પવન આવે હિંચકો મારો ઝૂલે, ચિન્ટુ, મીન્ટુ, પીન્ટુ કેવા દોડાદોડી કરતા, ચોતરફ હરિયાળી હો તો બાળક ઘરને ભૂલે. મેન બધાં બાળકોને થોડીવાર રમવા દીધાં પછી ગોલાકારમાં બેસાડી બધાંને ગોળપાપડી અને જ્યૂસ આપ્યું. બધાં બાળકો બગીચાનાં ફૂલોની માફક પૂરેપૂરાં ખીલી ઊઠ્યાં હતાં. ચહેરા પર આનંદ અને હૈયા ડોલી રહ્યાં હતાં. રાજુ કહે, ‘મેમ, અમને રોજ બાગમાં ફરવા લઈ આવોને. અમને અહીં બહુ મજા આવે છે.’ ‘જુઓ બાળકો, કાલે મેં તમને એક પર્યાવરણને લગતો પાઠ ભણાવેલો, તે યાદ છે ને ?’ બધાં જોરથી બોલી ઊઠ્યાં, ‘હા...હા...હા...ટીચર.’ ‘હવે તમે મારા પ્રશ્નોના જવાબ આપો. મને તમારા જવાબ યોગ્ય લાગશે તો બે મહિના બાદ આનાથી પણ મોટા અને સરસ બાગમાં હું તમને લઈ જઈશ. ’ ‘પ્રોમિસ...ટીચર.’ અને બાળકો તાળીઓ પાડતાં ગાવા લાગ્યાં- અમે તમારા, તમે અમારા, સહુના વ્હાલા વ્હાલા. પકડી હાથ કરે છે આગળ ખોલે મનનાં તાળાં. બાળકો મારો પહેલો પ્રશ્ન એ છે કે, ’ તમે આ નાનકડા પ્રવાસમાં શું શું જોયું ? મૌમ્ય બોલ, તે શું જોયું ? ‘મેમ, મીલો અને બાગ જોયા.’ રાકેશ, તે શું જોયું ? ‘મેમ, મેં મિલો અને એમાંથી નીકળતા ધુમાડા. રસ્તામાં રીક્ષા, મોટર, બસ, સ્કૂટરોના હોર્ન પોં...પોં...અવાજ. મેમ, તમે પર્યાવરણનો પાઠ કાલે ભણાવેલો અને આજે તમે અમને એ જ વાતો દેખાડી.’ ‘વાહ રાકેશ વાહ ! સરસ જવાબ આપ્યો.’ બધાં બાળકોએ રાકેઓશ માટે તાળીઓ પાડી. ‘બીજા કોઈને કંઈ કહેવું છે ?’ તેજસે ઊભા થઈ કહ્યું, ‘મેમ, પેલી મિલોમાંથી કાર્બન ડાયોક્સાઈડ તેમજ ઝેરી વાયુ નીકળતા હતા અને ગંદી વાસ પણ આવતી હતી. આમ જ શહેરની આસપાસ મીલો ઝેરી વાયુ અને કાર્બન ડાયોક્સાઈડ છોડશે તેમજ વાહનો પણ કાર્બન ડાયોક્સાઈડ છોડશે તો આપણને જાતજાતના રોગ થશે. કાલે તમે ઉદાહરણ સહિત બધું સમજાવેલું. તે આજે અમે અનુભવ્યું.’ ‘તો બાળકો, હવે આનો ઉપાય શું હોઈ શકે ?’ કિસને ઊભા થઈ કહ્યું, ‘મેમ, આવી મીલો બંધ કરવી પડશે અથવા તો શહેરથી ખૂ...બ ખૂ...બ દૂર લઈ જવી પડશે અને આ વાહનોના માલિકોને તો મોટો દંડ અથવા તેના વિકલ્પમાં ઇલેક્ટ્રિક વાહનો વધારવા પડશે. શહેરમાં ફરજિયાત સાઇકલ ચલાવવાની ઝુંબેશ શરૂ કરવી પડશે. રાહુલ ઊભો થઈ ગયો, ‘હું ઘરની અગાસી ઉપર ગાર્ડન બનાવીશ અને બધી લોબીમાં ઝાડપાનનાં કુંડા મુકીશ.’ સોહને ઊભા થઈ પૂરા જૂસ્સાથી કહ્યું, ‘મેમ, અમે આદર્શ શાળાનાં બાળકો શહે૨માં એક રેલી કાઢીશું. બેનર, સુત્રોચ્ચાર કરીને લોકોને પર્યાવરણ બચાવવા માટે જાગૃત કરીશું. ઘેરઘેર પર્યાવરણ બચાવવાના ઉપાયોના પેમ્ફલેટ વહેંચીશું. દર મહિને એક રેલી અને કેટલાં વૃક્ષો રોપાવ્યાં ? કોણે કોણે સાયકલ વસાવી ? એનો રેકોર્ડ પણ બનાવશું. પોં...પોં... કરતા વાહનો બંધ કરાવવા અમે તમે જેમ કહેશો તેમ કરીશું. અવાજ તેમજ કાર્બન ડાયોક્સાઈડનુ પ્રદૂષણ બંધ કરાવવા અને શહેરને ગ્રીનસીટી-લીલુંછમ શહેર બનાવવા શહેરની દરેક દિવાલો ઉપર પર્યાવરણ બચાવવાનાં ચિત્ર પણ દોરીશું. ‘તો બાળકો, તમે તમારી જાગૃતિ માટે પુષ્કળ તાળીઓ પાડો. તમને ખબર છેને કે, ‘પહેલે સુખ તે જાતે નર્યા અને ‘જાગ્યા ત્યારથી સવાર’ તો બાળકો કવિ નર્મદની પેલી કવિતા યાદ છે ને ?’ બાળકોએ મેમ સાથે જુસ્સાભેર ગાયું-
ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું.
વેણ કાઢ્યું કે ના લટવું, ના લટવું.
‘બાળકો, આપણી સુરક્ષા અને આપણી તંદુરસ્તી આપણા જ હાથમાં છે, ખરુને ?’