ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલવિજય-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કમલવિજય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિ-વિજયદેવસૂરિના શિષ્ય. એમનું ૭ ઢાળ અને આશરે ૮૫ કડીનું દુહા-દેશીબદ્ધ ‘સીમંધરસ્વામીવિજ્ઞપ્તિ-સ્તવન/સીમંધરજિન-લેખ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, આસો વદ ૩૦, ગુરુવાર; મુ.) પત્રના રૂપમાં આત્મનિંદાપૂર્વક સીમંધરસ્વામી પ્રત્યેની પ્રેમભક્તિ પ્રગટ કરે છે અને અલંકારોના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. આ કવિને નામે આ ઉપરાંત ‘દંડક-સ્તવન’ (ર.ઈ.૧૫૭૫), સ્વોપજ્ઞ સંસ્કૃત વૃત્તિ સાથેની ૨૫/૨૬ કડીની ‘વિજયસેનસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૬૨૪), આશરે ૯૭ કડીનું ‘સીમંધરસ્વામીવિજ્ઞપ્તિ-સ્તવન’ (સંભવત: ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, ચૈત્ર સુદ ૫, બુધવાર), ૨૫ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’, ૮ કડીની ‘અંજનાસતી-સઝાય’ અને ૯ કડીની ‘ગણધર-સઝાય’ એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આમાંથી ‘દંડક-સ્તવન સમયદૃષ્ટિએ વિચારતાં અન્ય કોઈ કમલવિજયની કૃતિ હોવાનું પણ સંભવ છે. કૃતિ : જિસ્તકાસંદોહ:૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.]