ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કુમારપાલ-રાસ’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘કુમારપાલ-રાસ’ [૨.ઈ.૧૬૧૪/સં.૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર] : શ્રાવક કવિ ઋષભદાસનો ૨ ખંડ અને આશરે ૪૫૦૦ કડીઓમાં વિસ્તરતો આ રાસ (મુ.) મુખ્યત્વે દુહા, ચોપાઈ અને દેશીબંધનો તથા પ્રસંગોપાત્ત કવિત, ગીત વગેરેનો આશ્રય લઈને રચાયેલ છે. જિનમંડનગણિના સંસ્કૃત ‘કુમારપાલ-પ્રબંધ’નો આધાર લઈને રચાયેલા આ રાસમાં કવિએ કુમારપાલના જીવનવૃત્તાંત ઉપરાંત વનરાજ, સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય અને કુમારપાલના પુત્ર અજયપાલનાં જીવનવૃત્તાંતોને વણી લીધાં છે. આ રીતે આ કૃતિ ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર બને છે. અલબત્ત, કવિએ ઘણા પ્રસંગોને જૈન ધર્મનો મહિમા ગાવાના પોતાના ઇષ્ટ હેતુને અનુરૂપ રંગ આપ્યો છે અને કેટલાક ચમત્કારિક પ્રસંગો ઉમેર્યા છે. કુમારપાલ વગેરેના જીવનના અનેકવિધ અનુભવપ્રસંગો અને હેમચંદ્રાચાર્ય દ્વારા કે અન્ય રીતે કહેવાયેલી અનેક દૃષ્ટાંતકથાઓ આ રાસમાં ઘણો કથારસ પૂરો પાડે છે. પરંતુ આ કાવ્યમાં કવિનો મુખ્ય ઉદ્દેશ ધર્મબોધનો છે, તેથી તેમણે અનુભવપ્રસંગોમાંથી પણ સાર તારવવાની વૃત્તિ રાખી છે અને સંખ્યાબંધ સુભાષિતો દ્વારા પ્રગટ જીવનબોધ આપવાનું કામ પણ કર્યું છે. કવિની આ બોધવાણી ઉપમા, દૃષ્ટાંત, કહેવત વગેરેની મદદથી રસપ્રદ બનેલી છે. દા.ત. કવિ એક સ્થળે આંબાના વૃક્ષનું મહિમાવર્ણન કરી ઉત્તમ પુરુષને આંબા સાથે સરખાવે છે. ચરોતર વગેરે પ્રાદેશિક ભૂમિઓ અને પર્વતભૂમિ સાથે સરખાવીને મનુષ્યોના ૭ વર્ગો કવિએ બતાવ્યા છે તે કૌતુકપ્રેરક છે. ક્વચિત્ કવિ સંવાદના માધ્યમથી પણ કામ લે છે. જેમ કે, અહીં જીભ અને દાંત વચ્ચે સંવાદ તેમ જ કાળી-ગોરી નારીનો વિવાદ કવિએ યોજ્યા છે. પરંતુ કવિની આ બોધવાણીથી કથાપ્રવાહ અવારનવાર અવરોધાય છે. કવિએ પ્રચલિત સિક્કાઓ, ભોજનસામગ્રી વગેરે પ્રકારની માહિતીથી પણ આ રાસને સમૃદ્ધ કર્યો છે. ભૂપલદેવીનું રૂપવર્ણન જેવા કેટલાક અંશોમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે અને પાટણના બાવન ‘હહા’, ‘વવા’, ‘લલા’ નિર્દેશ્યા છે તેમાં તેમની શબ્દચાતુરી પ્રગટ થાય છે, પરંતુ એકંદરે કવિનો વિશેષ ઉપદેશક કથાકાર હોવામાં છે. જિનહર્ષગણિએ આ કૃતિનો આધાર લઈ સંક્ષેપમાં ‘કુમારપાલ-રાસ’ રચ્યો છે તે આ કૃતિની લોકપ્રિયતા દર્શાવે છે. [જ.કો.]