ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોકુલભાઈ
ગોકુલભાઈ [જ. ૧૬૦૯/સં. ૧૬૬૫, વૈશાખ વદ ૧૧-અવ. ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ગોકુલનાથજીના અનુયાયી ભક્ત. નારાયણદાસના પુત્ર. ભરૂચના વતની. ૨૦-૨૨ની વયે તેઓ ગોકુલ અને આગ્રા જઈ વસેલા અને દેહનિર્વાહ અંગે ત્યાં વેપાર કર્યો હતો. અહીં તેમને ગોકુલેશપ્રભુનો મેળાપ થયો ત્યાર પછી લૌકિકમાં રહેવા છતાં તેઓ અલૌકિક જીવન જીવવા લાગ્યા. એમના ૧૧૩ માંગલ્ય અને ૯૫૦૦ કડીના ‘સ્વરૂપાનુભવોછવરસલીલા-ગ્રંથ’ (ર.ઈ.૧૬૫૨; અંશત: મુ.) સં. ૧૬૯૬ (ઈ.૧૬૩૦), માગશર સુદ ૭ના રોજ ઉજવાયેલા ગોકુલેશપ્રભુના પ્રાકટ્યદિનના મહોત્સવને ૫૦ ઉપરાંત માંગલ્યમાં અને તે પહેલાંના ૧ વર્ષના અન્ય સર્વસામાન્ય ઉત્સવોને ૩૦ માંગલ્યમાં વર્ણવે છે. કાવ્યમાં આવતી વસ્ત્ર-આભૂષણ આદિની માહિતીઓ તથા સંગીતકારો, ભગવદીઓની નામાવલિઓ ઐતિહાસિક-સામાજિક દૃષ્ટિએ નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ ભક્તકવિએ ‘મંગળરસ’, ‘રસાનંદોત્સવ’, ‘નિત્યચરિત્ર’, ‘સ્વરૂપવર્ણન’, ‘સેવાપ્રકાર’, પ્રબોધનું પદ અને વિનંતીનું પદ જેવાં કેટલાંક પદો તથા ધોળ(મુ.) રચ્યાં છે. કૃતિ : ૧. (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. અનુગ્રહ, મે ૧૯૫૮ - ‘શ્રી સ્વરૂપાનુભવોછવરસલીલા-ગ્રંથ’ (+સં.) સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો; ૩. અનુગ્રહ, મે ૧૯૫૮ - ‘ભક્તરાજ ગોકુલભાઈ.’ [કી.જો.]