ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/‘જ્ઞાન-બત્રીસી’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘જ્ઞાન-બત્રીસી’ : આ શીર્ષકથી મુદ્રિત મળતી ધીરાની ૩૨ કાફીઓમાં બ્રહ્માનુભવ, વૈરાગ્યભક્તિબોધ ઉપરાંત મિથ્યાચાર પરના પ્રહારોનું આલેખન થયું છે. આ આલેખનમાં સળંગસૂત્રતા ઝાઝી વરતાતી નથી અને દરેક કાફી સ્વતંત્ર રચના હોવાની છાપ પડે છે. આત્મતત્ત્વની ખોજ માટે ઉદ્યુક્ત થવા પ્રબોધતા ધીરાભગતે એ આત્મતત્ત્વનાં, વિશ્વંભર સ્વરૂપનાં, એની ગહન ગતિનાં ને બ્રહ્માનુભવની સ્થિતિનાં અત્યંત પ્રભાવક વર્ણનો કર્યાં છે. એ યોગમાર્ગી રૂપકોનો આશ્રય લે છે ને આત્મતત્ત્વને ઇન્દ્રિયોરૂપી દશ દરવાજાવાળા પંચરંગી બંગલારૂપ શરીરમાં વિરાજેલા અલખધણી તરીકે વર્ણવે છે, તેમ આસમાનરૂપી શીશ અને રવિશશીરૂપી લોચન જેવાં લક્ષણોથી વિશ્વંભર ઈશ્વરનું ભવ્ય મૂર્ત ચિત્ર સર્જે છે. શૂન્ય શિખર પર વિરાજતા વિશ્વંભરનું કે એની ગહન ગતિનું વર્ણન પણ મનમાં વસી જાય એવું છે ને સોહાગી ભેટ્યાના અનુભવનું “અંબાડીએ ગજરાજ ગળિયો, ઘોડાને ગલી ગયું જીણ” એવી અવળવાણીથી થયેલું પ્રત્યક્ષીકરણ તો ઘણું ચમત્કારક છે. આ વર્ણનો ધીરાભગતની અનુભવમસ્તીનાં પરિચાયક બને છે ને તેથી એ “પ્રગટ ખેલ ખેલું રે, દેદાર તેને દેખાડું” એમ ખુમારીભર્યા ઉદ્ગાર કરે છે એ યથાર્થ લાગે છે. ભક્તિ-વૈરાગ્યબધની તેમ જ મિથ્યાચારોના ખંડનની કાફીઓમાં ધીરા-ભગતની લાક્ષણિક દૃષ્ટાંતશક્તિ પ્રગટ થાય છે ને ઘણી વાર વાણીની બલિષ્ઠ છટાઓ પણ નજરે પડે છે. સંપ્રદાય બાંધીને બેસતા ધર્મગુરુઓને એ માર્મિક રીતે પૂછે છે કે “કોઈ સિંહનો વાડો બતાવો.” વાડાબંધીનો તિરસ્કાર કરનાર ધીરાભગત કલ્પતરુ શા સંતના સમાગમની તો ભારપૂર્વક હિમાયત કરે છે, પણ એમના તત્ત્વવિચારમાં અનુભવનું જ મહત્ત્વ હોઈ એને ઉપકારક હોય ત્યાં સુધી જ અન્ય આચારોને સ્થાન છે એમ સમજાય છે.[ર.દ.]