ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દલપત-૧-દલપતદાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દલપત-૧/દલપતદાસ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પદકવિ. જ્ઞાતિએ વીસનગરો નાગર. અમદાવાદનો વતની. ૧૨ કડીનો ‘અજાઈ માતાનો ગરબો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, ભાદરવા સુદ ૨, રવિવાર), ૧૪ કડીનો ‘ગણપતિનો ગરબો’ (ર.ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, આસો સુદ ૫), કાંકરિયા તળાવના ઇતિહાસની માહિતી આપતો ને કાંકરેશ્વરી દેવીનું મહાત્મ્ય વર્ણવતો ૩૧/૩૩ કડીનો ‘કાંકરેશ્વરીનો ગરબો’ (ર.ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, ચૈત્ર સુદ ૧૫), રાજા દ્વારા થતી પ્રજાની રંજાડને વર્ણવતો ૫૬ કડીનો ‘સંકટનો ગરબો’, સમગ્ર કૃષ્ણચરિત્રને વર્ણવતો ૪૫ કડીનો ‘શ્રીકૃષ્ણ જન્મનો ગરબો’ એ આ કવિની મુદ્રિત કૃતિઓ છે. સ્વભાવોક્તિવાળું ને પ્રાસાદિક નિરૂપણ આ કૃતિઓની વિશેષતાઓ છે. આ કવિની અન્ય કૃતિઓ છે : ‘અંબાજીનો ગરબો, ‘દેવકીનો ગરબો’, ‘બહુચરાજીનો ગરબો’ અને ‘સાસુવહુનો ગરબો.’ સંસ્કૃત ‘કુવલયાનંદ’નું ‘દલપતવિલાસ’ નામે હિન્દી રૂપાન્તર આ કવિએ કર્યું હોવાનો ઉલ્લેખ મળે છે. દલપતને નામે નોંધાયેલ પદો આ કવિની ઉપર્યુક્ત રચનાઓ હોઈ શકે કે અન્ય રચનાઓ પણ હોય. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. કાદોહન : ૩; ૩. પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ૧. કવિચરતિ : ૩; ૨. કવિચરિત્ર; ૩. ગુહિફાળો;  ૪. ગૂહાયાદી; ૫. ફાહનામાવલિ : ૧; ૬. ફૉહનામાવલિ.[ર.સો.]