ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણદાસ-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નારાયણદાસ-૧ [જ.ઈ.૧૫૬૯-ઈ.૧૬૩૦ સુધઈ હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભક્તકવિ. પિતા મોહનભાઈ.પત્ની ગંગાબાઈ.પૂર્વજ રામજી શાહ. મૂળ પાટણના વતની. વેપાર માટે તેઓ ભરૂચ આવીને વસ્યા હતા. શરૂઆતમાં તેઓ કૃષ્ણભક્ત હતા. પરંતુ ઈ.૧૫૯૦માં ગોકુલેશ પ્રભુ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે ૨૧ વર્ષના નારાયણદાસ તેમના પરિચયમાં આવ્યા. તે પછી તેમના પ્રભાવથી તેઓ શ્રીજીને સર્વસ્વ ગણવા લાગ્યા. તેઓ ઈ.૧૬૨૯/૩૦ સુધી હયાત હોવાનું નોંધાયું છે. શિષ્ટ, મધુર અને સંસ્કૃતમય ભાષામાં નવ રસનો અનુભવ કરાવતી ૧૧ પદની ‘નવરસ’ (ર. ઈ.૧૬૨૪; મુ.) એ શૃંગારરસની કૃતિમાં ભગવાનની વિહારલીલા કવિએ ગાઈ છે. કૃતિની મધુરતા વધારવા માટે કવિએ કરેલો શબ્દાલંકારો, અર્થાલંકારો અને સંસ્કૃત શબ્દાવલિનો વિનિયોગ ધ્યાનપાત્ર છે. વ્રજ અને ગુજરાતીમાં શ્રીકૃષ્ણની ભક્તિનાં અનેક પદ અને ધોળ તેમણે આપ્યાં છે. તેમણે ૪ કડીનું ‘વિનંતીનું ધોળ’ રચ્યું છે પરંતુ તે નરસિંહને નામે પણ મળે છે. તેમણે કેટલાંક સુંદર પ્રભાતિયાં પણ રચ્યાં છે. આ ઉપરાંત તેમણે ‘કૃષ્ણવિવાહ’ની રચના કરી હોવાનો પણ ઉલ્લેખ મળે છે. કૃતિ : ૧ (શ્રી)ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬;  ૨. પ્રાકાત્રૈમાસિક, અંક ૨; ઈ.૧૮૯૧ - ‘નવરસ’ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. ગોપ્રભકવિઓ; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭-‘મહદમણિ શ્રી મોહનભાઈ’.[ચ.શે.].