ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ ગવરીબાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ(ગવરીબાઈ) : ડુંગરપુરનાં વતની ગવરીબાઈકૃત પદો(૬૦૯મુ.)માં જ્ઞાન-વૈરાગ્ય, યોગ અને ભક્તિની ધારાઓ મિશ્ર થયેલી જોવા મળે છે. એમનાં જ્ઞાનનાં પદો વેદાંત તરફનો સ્પષ્ટ ઝોક બતાવે છે અને એની લોકગમ્ય પ્રાસાદિક રજૂઆતથી ધ્યાન ખેંચે છે. એમાં ભક્તિવિષયક પદોમાંથી ૨૦૦ ઉપરાંત પદો કૃષ્ણભક્તિવિષયક; ચાલીસેક રામવિષયક અને ત્રણેક શંકરવિષયક છે. આમ ગવરીબાઈએ રામ અને કૃષ્ણ બંનેની ઉપાસના સ્વીકારી છે એ હકીકત નોંધપાત્ર બને છે. કૃષ્ણવિષયક પદોમાં શૃંગારલીલા, બાળલીલા આદિ વિષયો નિરૂપાયા છે તેમાંથી બાળલીલાનું નિરૂપણ વિશેષપણે ઉલ્લેખનીય છે. ગરબી, આરતી, કીર્તન, ધૂન, સાખી, તિથિ, વાર, બારમાસી વગેરે પ્રકારભેદોમાં વહેતી ગવરીબાઈની કવિતામાં હિંદી તથા રાજસ્થાની ભાષાનો આશ્રય લેવાયેલો પણ જોઈ શકાય છે. સાચી અને ઊંડી અધ્યાત્મનિષ્ઠા, સહજ અને સમુચિત અલંકરણ તથા તળપદી છટાથી શોભતી વાણી-જેમ કે “દલદરપણ માંજ્યા વિના દરસન દેખ્યા ન જાઈ.” (૧૭૫)“વનેશ્વર વિશ્વમાં વિલાસ્યા જેમ ફૂલનમેં બાસ’-તેમ જ રાગઢાળનું વૈવિધ્ય ગવરીબાઈને ગુજરાતી જ્ઞાનમાર્ગી કવયિત્રીઓમાં ગૌરવભર્યું સ્થાન અપાવે છે. [ચ.શે.]