ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ પ્રીતમ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ(પ્રીતમ)  : જ્ઞાનવૈરાગ્ય અને કૃષ્ણભક્તિનાં ગુજરાતી અને હિંદીમાં ઘણાં પદ પ્રીતમે રચ્યાં છે, જેમાંથી આશરે ૫૧૫ જેટલાં પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. વિવિધ રાગઢાળવાળાં અને થાળ, આરતી, ગરબી, ગરબા ઇત્યાદિ સ્વરૂપે મળતાં આ પદોમાં જ્ઞાનવૈરાગ્યનાં પદોનું પ્રમાણ વધારે છે. સંસારી મનુષ્યને ઉદ્બોધન કરી રચાયેલાં જ્ઞાન-વૈરાગ્યનાં ઘણાં પદોમાં સંસારની માયાથી મુક્ત બનવાનો, સદ્ગુરુનાં ચરણ સેવવાનો, સંતસમાગમ કરવાનો અને ઇશ્વરાભિમુખ બનવાનો જે બોધ કવિ આપે છે તેમાં પરંપરાથી ચાલ્યા આવેલા વિચારોનું અનુસરણ વિશેષ છે, પરંતુ કેટલાંક લોકગમ્ય દૃષ્ટાંતો ને રૂપકોથી અને કવચિત્ પદોમાં વ્યક્ત થતાં દીનતા, આર્જવ, આક્રોશ જેવા ભાવોથી એ આકર્ષક બને છે. “ભક્તિ એવી રે ભાઈ એવી તરસ્યાંને પાણી રે જેવી”, “આનંદ મંગળ કરું આરતી હરિ-ગુરુ-સંતની સેવા”, “હરિનો મારગ છે શૂરાનો”, “જીભલડી તુને હરિગુણ ગાતાં આવડું આળસ ક્યાંથી રે” જેવાં આ પ્રકારનાં કવિનાં પદો ખૂબ લોકપ્રિય છે. બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરતાં “માયા બ્રહ્મ હોરી ખેલીઓ હો” જેવાં કે બ્રહ્મપ્રાપ્તિનો આનંદ વ્યક્ત કરતાં કોઈક પદ પણ કવિએ રચ્યાં છે. કવિનાં કૃષ્ણલીલાનું ગાન કરતાં પદોમાં પ્રેમલક્ષણા ભક્તિના કવિઓની કવિતામાં મળે છે તેમ કૃષ્ણજન્મ, કૃષ્ણજન્મની વધાઈ, બાળલીલા, દાણલીલા, રાધાકૃષ્ણવિવાહ એમ દરેક વિષય પર રચાયેલાં પદો મળે છે. તેમાં દાણલીલાનાં પદ પણ કવિએ રચ્યાં છે, રણછોડજીનાં ગરબા ને આરતીય લખ્યાં છે. એટલે કવિનાં કૃષ્ણભક્તિનાં પદ કૃષ્ણની ગોકુળલીલાપૂરતાં સીમિત નથી. ઈ.૧૯૭૧માં પડેલા દુષ્કાળને વિષય બનાવી રચાયેલાં ‘સુડતાળાકાળ’ વિશેનાં ૪ પદ છે તો આમ ભક્તિમૂલક, પરંતુ પોતાની આસપાસના સામાજિક જીવનની ઘટનાને વિષય તરીકે લઈ રચાયાં હોવાથી લાક્ષણિક બને છે. સંત રવિદાસને સંબોધીને રચાયેલું એક પદ પણ કવિનું મળી આવે છે.[ર.શુ.]