ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પ્રેમરસ-ગીતા’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘પ્રેમરસ-ગીતા’ : રાગ રામગ્રીના નિર્દેશવાળી ૪ કડી અને ઢાળની ૫ કડી (છેલ્લે પ્રશસ્તિની ૫ કડીઓ વધારે) એવો ચોક્કસ પદબંધ ધરાવતાં ૨૧ પદની દયારામની આ કૃતિ(મુ.)માં ભાગવત દશમસ્કંધ આધારિત ઉદ્ધવસંદેશનો પ્રસંગ નિરૂપાયો છે. પ્રિયજનોના વિરહથી ઉદ્વિગ્ન બનેલા શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને વ્રજભૂમિમાં ખબરઅંતર પૂછવા ને જ્ઞાનયોગનો ઉપદેશ આપવા મોકલે છે ત્યારે ત્યાં ઉદ્ધવજીને નંદયશોદાની પુત્રમિલનોત્સુકતા ને પુત્રવિયોગનું દર્દ તથા ગોપાંગનાઓની વિરહસ્થિતની પ્રતીતિ થાય છે તેના આલેખનથી આ કૃતિ વત્સલ, વિપ્રલંભ અને કરુણની આબોહવા જન્માવે છે. માતાપિતાને મુખે થયેલા કૃષ્ણના બાળચરિત્રના આલેખનમાં, માતાના ઉરની આરસીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ, એને અન્ય બાળક ધારી ઇર્ષ્યાભાવથી રિસાતા કૃષ્ણનું વિલક્ષણ ચિત્ર સાંપડે છે, તેમ ઉદ્ધવજીનો જ્ઞાનયોગનો ઉપદેશ સાંભળતાં કૃષ્ણને ઉપાલંભો આપતી ગોપાંગનાઓની ઉક્તિઓમાં તળપદી વાગ્ભંગીઓ ને દૃષ્ટાંતોની મર્મવેધકતા જોવા મળે છે.[સુ.દ.]