ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/‘ભક્તિપોષણ’
‘ભક્તિપોષણ’ : ૧૦૧ ચંદ્રાવળાની દયારામની આ કૃતિ(મુ.) ભક્તિભાવના પોષણ માટે રચાયેલી છે. નવધા ભક્તિનો નિર્દેશ કરી, દશમી પ્રેમલક્ષણાભક્તિને ‘સાધનરાજ’ તરીકે નિરૂપી દયારામે શ્રી કૃષ્ણભક્તિનો એકાંતિક મહિમા કર્યો છે-જેમ અંક વિના શૂન્યની કિંમત નથી તેમ શ્રીકૃષ્ણભક્તિ વિનાનાં અન્ય સાધનોની કોઈ કિંમત નથી; અને દુસ્તર ત્રિગુણાત્મક માયાને તરી જવા માટે શરણાગતિ એ જ ઉત્તમ ઉપાય છે એમ દૃઢતાપૂર્વક ઉદ્બોધ્યું છે. કૃતિમાં દૃષ્ટાંતોની પ્રચુરતા અને લોકભોગ્યતા ધ્યાન ખેંચે એવી છે. જેમ કે, ઘંટી-ખીલડાનું દૃષ્ટાંત લઈ દયારામ સમજાવે છે કે ઘંટીમાં ઓરેલા અન્ન પૈકીનો જે કણ ખીલડાનો આશ્રય મેળવી લે છે તે ઘંટીના પડમાં પિસાતો નથી તેમ શ્રીહરિનો આશ્રય જે જીવ મેળવી લે છે તે માયાના ચક્કરમાં ફસાતો નથી ને સંસાર તરી જાય છે.[સુ.દ.]