ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યદુરામદાસ-જદુરામદાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


યદુરામદાસ/જદુરામદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : માતાના ભક્ત. જ્ઞાતિએ બ્રાહ્મણ અને અમદાવાદના વતની હોવાનું અનુમાન થયું છે. આ કવિએ અંબા, બહુચરા, ત્રિપુરા, મહાકાળી વગેરે માતાનાં વિવિધ સ્વરૂપોનું ભક્તિગાન કરતી અનેક કૃતિઓ રચી છે. તેમાં માતાના પરચાને વર્ણવતા ગરબા વિશેષ ધ્યાનપાત્ર છે. ૮૩ કડીના ‘અંબાજીના પરચાનો ગરબો/સંઘનો ગરબો’ (*મુ.)માં એમણે અંબામાતાએ સતયુગ અને ત્રૈતાયુગમાં આપેલા પરચાનો સંક્ષેપમાં પરિચય કરાવી કલિયુગમાં અમદાવાદના પ્રસિદ્ધ શેઠ હેમાભાઈ અને હઠીભાઈએ કાઢેલા સંઘને તારંગાની યાત્રાએ જતાં ઈ.૧૮૪૩માં થયેલા પરચાનું વીગતે વર્ણન કર્યું છે. આ કૃતિ ઈ.૧૮૪૩માં કે તે પછીના તરતના અરસામાં રચાયેલી જણાય છે. ‘વૈલોચનનો ગરબો’(મુ.)માં પણ વૈલોચન નામના વણિકને થયેલો ત્રિપુરામાતાનો પરચો વર્ણવાયો છે, તો ૩૭ કડીના ‘ઉત્પત્તિનો ગરબો’(મુ.), ૩૫ કડીના ‘અંબિકાના સ્થાનકનો ગરબો’(મુ.) વગેરેમાં પણ પરચાનાં કથાવસ્તુ ગૂંથાયાં છે. આ ઉપરાંત ગરબો, સ્તુતિ, મહિના, વાર વગેરે પ્રકારની કવિની અનેક કૃતિઓ મુદ્રિત મળે છે. ‘મહિના’ માતાજીના હોઈ આસોથી શરૂ થાય છે તે નોંધપાત્ર છે. કવિની ભાષામાં કવચિત્ હિંદીની છાંટ વરતાય છે. ‘જદુરામદાસ’ નામછાપ ધરાવતી ૪ કડવાંની ‘રામવિરહ’ નામની કૃતિ(મુ.) મળે છે તે આ કવિની રચના હોવાની શક્યતા છે. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. *અંબિકેન્દુશેખરકાવ્ય, પ્ર. બાલાજી ભ. દવે, ઈ.૧૮૯૪; ૩. પ્રાકાસુધા : ૨; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. શાક્તસંપ્રદાય, નર્મદાશંકર મહેતા, ઈ.૧૯૩૨; ૩. ગૂહયાદી; ૪. ફાહનામાવલિ : ૧. [શ્ર.ત્રિ.]