ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીવલ્લભ રાજ હેમરાજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લક્ષ્મીવલ્લભ/રાજ/હેમરાજ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ક્ષેમકીર્તિ-લક્ષ્મીકીર્તિની પરંપરામાં સોમહર્ષના શિષ્ય. કવિએ રાજ/હેમરાજ નામછાપથી પણ કૃતિઓ રચી છે. ૬ ખંડને ૭૫ ઢાળમાં વિસ્તરેલી મુખ્યત્વે દુહા અને ચોપાઈ દેશીમાં નિબદ્ધ ‘વિક્રમાદિત્ય પંચદંડ-રાસ/વિક્રમાદિત્યભૂપાલ પંચદંડ છત્ર-ચોપાઈ/વિક્રમ પંચદંડ-ચતુષ્પદી/પંચદંડ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, ફાગણ સુદ ૫) કવિની નોંધપાત્ર કૃતિ છે. દેવદમનીના આદેશથી વિક્રમે પ્રાપ્ત કરેલા પાંચ દંડની કથા એમાં કહેવાઈ છે. કૃતિનો વસ્તુબંધ શિથિલ છે. વર્ણનો કવચિત્ કાવ્યમય બન્યાં છે તો અનેક સ્થળે એ અતિવિસ્તારિત થયાં છે. કવિની આ તથા અન્ય બધી કૃતિઓમાં હિન્દીની અસર વરતાય છે. ૧૨ ઢાળની ‘રતનહાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, ચૈત્ર સુદ ૧૫), ૧૭ ઢાળની, દાનનો મહિમા દર્શાવતી ‘અમરકુમારચરિત્ર-રાસ’, ૨૬ ઢાળની ‘રાત્રિભોજન-ચોપાઈ (ર.ઈ.૧૬૮૨/સં.૧૭૩૮, પોષ સુદ ૭), ૯૬ કડીનો ‘મહાવીર ગૌતમ સ્વામી-છંદ’, ૯૯ કડીનો ‘ભરતબાહુબલિ-છંદ’, ૪૬ કડીનો, ત્રિભંગી છંદમાં રચાયેલ, ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જે દેશમાં જન્મ્યા તે દેશનું આંતરપ્રાસ અને ઝડઝમકભરી, અનુનાસિકતાની પ્રચુરતાને કારણે સંસ્કૃત રણકાવાળી કાવ્યબાનીમાં વર્ણન કરતો વર્ણનપ્રધાન ‘દેશાંતરી-છંદ/ગોડી પાર્શ્વનાથદેશાંતરી-છંદ’ (મુ.) કવિની અન્ય લાંબી રચનાઓ છે. ૧૩ કડીના ‘અધ્યાત્મ-ફાગ’(મુ.)માં આતમહરિ સુમતિ રાધાજી સાથે હોરી ખેલે છે એવા રૂપક દ્વારા અધ્યાત્મમાર્ગ પ્રબોધ્યો છે. કવિએ સ્તવનો અને સઝાયો પણ રચ્યાં છે, જેમાં ૧૫ કડીની ‘આશાતના-સઝાય’(મુ.), ૧૮ કડીની ‘નેમિસર-સઝાય’(મુ.), ૧૩ કડીનું ‘મુહપત્તી-સ્તવન/મુહપત્તી પડિલેહણ વિચાર-સ્તવન’(મુ.), ૧૨ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વ બૃહત્-સ્તવન’, ૪૭ કડીનું ‘કર્મપ્રકૃતિ નિદાન ગર્ભિત-સ્તવન’, ૫૭ કડીનું ‘તેર સ્થાન ગર્ભિત ઋષભજિન-સ્તવન/ઋષભદેવ-સ્તવન (ત્રયોદશ ક્રિયાસ્થાનક વિચારગર્ભિત)’, ૩૨ કડીની ‘ચેતન-બત્રીસી’ (ર.ઈ.૧૬૮૩), ‘કુંડલિયા-બાવની’, ‘દુહા-બાવની’, ‘ધર્મોપદેશ પર વૃત્તિ’, ‘સવૈયા એકત્રીસા/ચોવીસ જિન-સવૈયા’(મુ.) આદિનો સમાવેશ થાય છે. ‘ભાવના-વિલાસ’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, પોષ વદ ૧૦), ૫૮ કડીની ‘સવૈયા-બાવની’ (ર.ઈ.૧૬૮૨), ‘ઉપદેશ-બત્રીસી’(મુ.), ૧૭૮ કડીની ‘કાલજ્ઞાનપ્રબંધ-વૈધિક’ (ર.ઈ.૧૬૮૫), ૮૨ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૧) વગેરે કવિની હિન્દી કૃતિઓ છે અને ‘કલ્પદ્રમકલિકા/કલ્પસૂત્ર-કલ્પદ્રમકલિકા-ટીકા’ તથા ‘ઉત્તરાધ્યાયન-દીપિકા/વૃત્તિ’ સંસ્કૃત કૃતિઓ છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. અસ્તમંજુષા; ૩. જૈગૂસારત્નો : ૧; ૪. પ્રાછંદસંગ્રહ; ૫. પ્રાફાગુસંગ્રહ; ૬. સઝજાયમાલા : ૧ (શ્રા) સંદર્ભ : ૧. અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. મરાસસાહિત્ય;  ૮. જૈગૂકવિઓ : ૨; ૩(૨); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]