ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વજિયો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વજિયો [ઈ.૧૬૫૮ સુધીમાં] : આખ્યાનકાર. આ કવિની એક કૃતિ ‘સીતાવેલ’ની મળેલી હસ્તપ્રતોમાં જૂનામાં જૂની ઈ.૧૬૫૮ની છે. એને આધારે કવિ એ સમય સુધીમાં થયા હોવાનું કહી શકાય. આ કવિની સર્વ કૃતિઓ રામાયણ આધારિત છે. એમનું ૧૭ કડવાંનું આખ્યાન ‘રણજંગ’(મુ.) રણ-યજ્ઞ એવી રૂપક્યોજનાની બાબતમાં તથા કેટલાક લાક્ષણિક ઢાળોના વિનિયોગની બાબતમાં પ્રેમાનંદના ‘રણયજ્ઞ’ને પ્રેરક બનેલું એમ કહેવાય છે. યુદ્ધવર્ણનોમાંની ઝડઝમકવાળી જુસ્સાદાર ભાષાની દૃષ્ટિએ અને એમાંના હિંદી ને અરબી-ફારસી શબ્દપ્રયોગોની દૃષ્ટિએ પણ એ લાક્ષણિક કૃતિ છે. ‘સીતાવેલ/સીવરામંડપ(મુ.) ઢાળ અને સાખી એવા પદબંધમાં રચાયેલાં ૫ કડવાંમાં સીતાસ્વયંવરની કથાને ચિત્રાત્મક રીતે નિરૂપે છે. સીતાએ હનુમાન દ્વારા લંકામાંથી પોતાને છોડવવા રામને મોકલેલા સંદેશના પ્રસંગને આલેખતું દુહાની ૪-૪ પંક્તિઓની ૧ એવી ૫૨ કડીનું ‘સીતાસંદેશ’ (૫૧ કડી મુ.) દરેક કડીની ચોથી પંક્તિ ધ્રુવપદની પંક્તિની જેમ ગવાય એ રીતે થયેલા એના પદબંધને લીધે વિશિષ્ટ છે. આ કવિએ કેટલાંક પદ પણ રચ્યાં હોવાનું નોંધાયું છે. કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. બૃકાદોહન : ૪; ૩. ‘મહાકવિ પ્રેમાનંદકૃત ‘રણયજ્ઞ’ અને કવિ વજિયાકૃત ‘રણજંગ’, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૪ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત્ર : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસામધ્ય; ૪. ગુસાસ્વરૂપો;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. ફાહનામાવલિ : ૨.[ર.સો.]