ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વચ્છરાજ-રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘વચ્છરાજ-રાસ’ [ર.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, શ્રાવણ સુદ ૬, મંગળવાર/શુક્રવાર] : રામવિજ્યશિષ્ય ઋષભવિજ્યકૃત દુહા અને દેશીબદ્ધ આ રાસ(મુ.) ૪ ખંડ અને ૫૬ ઢાળમાં રચાયેલો છે. ક્ષિતિપ્રતિષ્ઠ નગરનો રાજા મૃત્યુ પામતા ગાદીએ આવેલો મોટો પુત્ર દેવરાજ નાના ભાઈ વચ્છરાજ અને પોતાની માતાને કાઢી મૂકે છે. ઉજ્જૈન નગરીમાં પહેલાં શેઠને ઘરે અને પછી રાજાને ત્યાં આશ્રય પામેલો વચ્છરાજ વિદ્યાધરીઓ-વ્યંતરીઓ પાસેથી પરાક્રમપૂર્વક દૈવી કંચુકી, સાડી અને ત્રીજું વસ્ત્ર ક્રમશ: મેળવી રાણીની હઠ સંતોષે છે અને એ દરમ્યાન પરદેશપ્રવાસ ખેડતાં ત્રણ રાણીઓ પણ પ્રાપ્ત કરે છે. આ પછી રાજાને પોતાના ઘરે જમવા નિમંત્રતાં, રાજા તેની રૂપવતી સ્ત્રીઓ પર મોહિત થાય છે અને અશક્ય કામો સોંપી વચ્છરાજનો કાંટો કાઢી નાખવા પ્રયત્ન કરે છે. પરંતુ વચ્છરાજને દૈવી સહાય પ્રાપ્ત હોઈ એ બધાં કામો કરી આપે છે. છેવટે રાજા યમને મળી આવવાનું કહે છે ત્યારે પણ બનાવટી વચ્છરાજ અગ્નિચિતામાં પ્રવેશે છે અને પછી જ્યારે રાજા એની સ્ત્રીઓને મેળવવા એને ઘેર આવે છે ત્યારે પોતે યમરાજા પાસે જઈ આવ્યાનો હેવાલ આપે છે અને યમરાજાએ રાજાને અને મંત્રીઓને પોતાની પાસે બોલાવ્યા છે એવો સંદેશો આપે છે. જો કે, અગ્નિચિતા તૈયાર થયા પછી મંત્રીઓને બળી મરવા દઈ રાજાને સાચી વાત કહી એ બચાવી લે છે. રાજા વચ્છરાજને રાજ્ય સોંપી નિવૃત્ત થાય છે તે પછી વચ્છરાજ ક્ષિતિપ્રતિષ્ઠની પ્રજાને દેવરાજના ત્રાસમાંથી છોડાવે છે અને પોતે રાજ્ય પ્રાપ્ત કરે છે. છેવટે મુનિરાજના ઉપદેશથી વિરક્ત થઈ દીક્ષા લે છે. અદ્ભુતરસના પ્રસંગો, પ્રસંગોપાત્ત ગૂંથાયેલી દૃષ્ટાંતકથાઓ જેમાં જિનપાલિત-જિનરક્ષિતના જેવી લાંબી કથા પણ આવી જાય, ક્યાંક ક્યાંક લાડથી થયેલાં પ્રસંગનિરૂપણો અને વર્ણનો, ઓછી પણ સઘન અલંકારરચનાઓ, દેશીવૈવિધ્ય-એમાં પણ સુંદર ધ્રુવાઓવાળી ગીતશૈલીનો વિનિયોગ - એ આ કૃતિની કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ છે.