ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિજ્ય-૪ ‘શુભવીર’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વીરવિજ્ય-૪/‘શુભવીર’ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, ભાદરવા વદ ૩, ગુરુવાર] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજ્ય-કપૂરવિજ્ય-ક્ષમાવિજ્ય-જશવિજ્ય-શુભવિજ્યશિષ્ય. ઈ.૧૭૭૩/૭૪માં તેમનો જન્મ થયો હોવાનું નોંધાયું છે. પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ. પિતા અમદવાાદના જદ્રોસર નામના બ્રાહ્મણ. માતા વિજ્યા. પૂર્વાશ્રમનું નામ કેશવ. ઈ.૧૭૯૨માં પાનસરમાં શુભવિજ્ય પાસે દીક્ષા લીધી. દીક્ષાનામ વીરવિજ્ય. અમદાવાદમાં અવસાન. ‘શુભવીર’ નામછાપથી રાસ, બારમાસા, પૂજા, સ્તવન, સઝાય ઇત્યાદિ સ્વરૂપોમાં વિપુલ સર્જન કરનાર આ કવિની મોટાભાગની કૃતિઓ ગેયત્વપૂર્ણ અને સાંપ્રદાયિક વિધિઓમાં ઉપયોગી બને એવી છે, એટલે જૈન સંપ્રદાયમાં આ કવિનું નામ ઘણું જાણીતું છે. ગુણસુંદરીના ચરિત્ર દ્વારા ધૈર્ય, સહનશીલતા, પુરુષાર્થ અને નવકાર ભક્તિ અંગેનો બોધ આપતો ૪ ખંડમાં વિભક્ત દુહા ને ૫૨ ઢાળનો ‘સુરસુંદરી-રાસ’ (ર.ઈ.૧૮૦૧/સં.૧૮૫૭, શ્રાવણ સુદ ૪, ગુરુવાર; મુ.), પ્રાકૃત ગ્રંથ ‘વસુદેવહિંડી’ પર આધારિત આશંસાસહિત ૬ માસનું આયંબિલતપ કરવાને પરિણામે સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર ધમ્મિલકુમારના ચરિત્રને આલેખતો ૬ ખંડ, ૭૨ ઢાળ ને દુહામાં નિબદ્ધ ૩૬૦૦ કડીનો ‘ધમ્મિલકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૪૦/સં.૧૮૯૬, શ્રાવણ સુદ ૩; મુ.), આશંસારહિત ભાવે ભક્તિભાવપૂર્વક મુનિને દાન આપી બીજા ભવમાં સ્વર્ગસુખ ને મોક્ષ મેળવનાર ચંદ્રશેખરની કથા દ્વારા આશંસારહિત તપફળનો મહિમા કરતો ૪ ખંડ, ૫૭ ઢાળ ને દુહામાં નિબદ્ધ ૨૨૪૩ કડીનો ‘ચંદ્રશેખર-રાસ’ (ર.ઈ.૧૮૪૬/સં.૧૯૦૨, આસો સુદ ૧૦; મુ.) એ કવિની રાસકૃતિઓ છે. કવિએ ઘણી પૂજાકૃતિઓ રચી છે, જેમાં ‘અષ્ટપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૮૦૨/સં.૧૮૫૮, ભાદરવા સુદ ૧૨, ગુરુવાર; મુ.), જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એવાં ૮ કર્મ પૈકી પ્રત્યેક પર ૮-૮ પૂજાવાળી ‘અંતરાયકર્મનિવારણ/ચોસઠપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, વૈશાખ સુદ ૩; મુ.), ૪૫ જૈનસૂત્રો-આગમોનું નિરૂપણ કરતી ‘પિસ્તાળીસ આગમગર્ભિત અષ્ટપ્રકારી-પૂજા/૪૫ આગમની પૂજા’ (ર.ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, માગશર સુદ ૧૧,-; મુ.), શત્રુંજ્ય પર્વતનાં ૯૯ નામનું માહાત્મ્ય કરતી ‘નવાણું પ્રકારી/શત્રુંજ્યમહિમાગર્ભિત નવાણું પ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૮૨૮/સં.૧૮૮૪, ચૈત્ર સુદ૧૫,-; મુ.), ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એમ શ્રાવકે લેવાનાં ૧૨ વ્રતોની સમજૂતી આપતી ‘બારવ્રતની-પૂજા’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, આસો વદ ૩૦,-; મુ.), ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના જીવનના-માતાની કુક્ષીમાંથી આવવું, ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્યજ્ઞાન એ ૫ કલ્યાણકારી પ્રસંગોનું નિરૂપણ કરતી ‘પંચકલ્યાણક-પૂજા’ (ર.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, વૈશાખ સુદ ૩,-; મુ.), તીર્થંકરના જન્મમહોત્સવનું વર્ણન કરતી ‘સ્નાત્ર-પૂજા’(મુ.), ૧૦ કડીની ‘જિન નવ અંગ/તીર્થંકર નવઅંગપૂજાના દુહા’(મુ.) વગેરેનો સમાવેશ થાય છે. કવિએ પોતાના સમયમાં સંપ્રદાયની અંદર બનેલા બનાવોને વિષય બનાવી કેટલીક કૃતિએ રચી છે જેમનું ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વ છે. મોતીશા શેઠે મુંબઈમાં ભાયખલાની અંદર ઋષભદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી એ પ્રસંગને વર્ણવતું ૧૩ ઢાળ ને ૮૧ કડીનું ‘ભાયખલા(મુંબાપુરીસ્થ)ઋષભચૈત્ય-સ્તવન’ (ર.ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, અસાડ સુદ ૧૫), મોતીશા શેઠે પાલીતાણામાં આદીશ્વરની ટૂંક સામે કુતાસરનો મોટો ખાડો પુરાવી ત્યાં મોટી ટૂંક બંધાવી ઋષભદેવ પુંડરિક પ્રમુખની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી એ પ્રસંગને વર્ણવતું ૭ ઢાળનું ‘અંજનશલાકા-સ્તવન/મોતીશાનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૩૭; મુ.), અમદાવાદના હઠીસિંગના મંદિરની સ્થાપના ને પ્રતિમા-પ્રતિષ્ઠાનું વર્ણન કરતી ૬ ઢાળની ‘હઠીસિંહની અંજનશલાકાનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૪૭; મુ.), અમદવાદાના શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ કાઢેલા ગિરનારના સંઘનું વર્ણન કરતું ૬ ઢાળનું ‘સિદ્ધાચલ ગિરનારસંઘ-સ્તવન/પ્રેમાભાઈ હેમાભાઈના સોરઠસંઘનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૪૯/સં.૧૯૦૫, મહા સુદ ૧૫, મહા સુદ ૧૫, બુધવાર), હરકુંવર શેઠાણીએ કાઢેલા ગિરનારના સંઘનું વર્ણન કરતું ‘સંઘવણ હરકુંવર સિદ્ધક્ષેત્ર-સ્તવન/સિદ્ધાચલ ગિરનારસંઘ-સ્તવન’ (ર.ઈ.૧૮૫૨) એ પ્રકારની કૃતિઓ છે. આ ઉપરાંત ૧૭ ઢાળની ‘શ્રી ગોડીપાર્શ્વનાથજી/મેઘકાજળનાં ઢાળિયાં’(મુ.), ૬ ઢાળનું ‘મહાવીર જિનપંચકલ્યાણ-સ્તવન’ (ર.ઈ.૧૭૯૯; મુ.), ૧૧ ઢાળ ને ૨૧૨ કડીનું ‘કોણિકરાજા ભક્તિગર્ભિતવીર-સ્તવન/કોણિકનું સામૈયું’ (ર.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, કારતક સુદ ૧૫), ૫ ઢાળ ને ૫૦ કડીનું ‘અક્ષયનિધિતપ-સ્તવન’ (ર.ઈ.૧૮૧૫), ૫ ઢાળ ને ૫૧ કડીનું ‘મહાવીર ૨૭ ભવ-સ્તવન’ (ર.ઈ.૧૮૪૫/સં.૧૯૦૧, શ્રાવણ સુદ ૧૫,-; મુ.), ૫ ઢાળ ને ૬૫ કડીની ‘દશાર્ણભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૮૦૭/સં.૧૮૬૩, પોષ સુદ ૧૩, ગુરુવાર; મુ.), પોતાના ગુરુ શુભવિજ્યના ચરિત્રને આલેખતી ‘શુભવેલિ’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦, ચૈત્ર સુદ ૧૧), વિવિધ રાગના ૨૨ ઢાળ ને ૧૫૧ કડીનો ‘નેમિનાથ-વિવાહલો/ગરબો’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦, પોષ વદ ૮, -; મુ.), ૫ સ્તવન અને ૨૦ સ્તુતિઓનાં ‘ચોમાસીનાં દેવવંદન’ (ર.ઈ.૧૮૦૯/સં.૧૮૬૫, અસાડ સુદ ૧, -; મુ.), ૧૮ કડીની ‘નેમિનાથ-રાજિમતી-બારમાસા’(મુ.), ૨ ઢાળ ને ૧૮ કડીની ‘જિનજન્મરાસક્રીડા’, ‘હિતશિક્ષા-છત્રીસી’(મુ.), સિદ્ધચક્ર, મહાવીરસ્વામી, વયરસ્વામી, ભગવતીસૂત્ર, શુભવિજય, ગીતાર્થ મુનિ વગેરે પરની ગહૂંલીઓ(ઘણી મુ.), ઇરિયાવહી, કાયા, દશ શ્રાવક, પચાસપડીલેહણ/મુહપત્તીના ૫૦ બોલ, રહનેમી, સામાયક ૩૨ દોષ, સહજાનંદી, સોદાગર વગેરે પરની સઝાયો (ઘણી મુ.), ગોડીપાર્શ્વનાથ, દિવાળી, નેમિનાથ, મહાવીર સ્વામીની જન્મકુંડળી, શંખેશ્વર, સિદ્ધચક્ર, સીમન્ધર, વીરપ્રભુ, અઠ્ઠાણું બોલ વગેરે પરનાં સ્તવનો (ઘણાં મુ.), પાર્શ્વનાથની આરતી(મુ.), બાવનજિનાલયના ‘અધ્યાત્મસાર’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, ચૈત્ર સુદ ૧૫,-; મુ.) એમની અન્ય નાનીમોટી કૃતિઓ છે. કૃતિ : ૧. (અંતરાય કર્મનિવારણ) અષ્ટપ્રકારી-પૂજા, સં.જયભિખ્ખુ, ઈ.૧૯૬૪; ૨. અંતરાયકર્મની પૂજા (અર્થ તથા કથાઓ સહિત), પ્ર. વિમલ ભક્તિ કંચન-ભાસ્કર સેવા સમિતિ, ઈ.૧૯૬૩; ૩. ચંદ્રશેખરનો રાસ, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ.૧૮૯૯; ૪. એજન, સં. જીવણલાલ માણેકચંદ, ઈ.૧૮૫૯; ૫. ચોસઠ પ્રકારી પૂજા (અનેક કથાઓસહિત), પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ.૧૯૨૫; ૬. ધમ્મિલચરિત્ર, પ્ર. મોહનલાલ દલસુખરામ તથા લલ્લુ સુરચંદ, ઈ.૧૮૫૫; ૭. સુરસુંદરીનો રાસ, પ્ર. ઉમેદરામ હરગોવનદાસ, ઈ.૧૯૬૧; ૮. સ્થૂલિભદ્રજીની શિયલ-વેલ, પ્ર. સરસ્વતી છાપખાનું, ઈ.૧૯૧૧;  ૯. કાદોહન : ૩; ૧૦. ગહૂંલીસંગ્રહનામા : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૧૧. ચોવીસ્તસંગ્રહ; ૧૨. જિનગુણસ્તવનાદિ તથા ગહૂલીસંગ્રહ, સં. મુનિ માનવિજ્ય, ઈ.૧૯૨૪; ૧૩. જિભપ્રકાશ; ૧૪. જિસ્તકાસંદોહ : ૧; ૧૫. જૈન કાવ્યદોહન : ૧, સં. મનસુખલાલ ર. મહેતા, ઈ.૧૯૧૩; ૧૬. જૈકાપ્રકાશ : ૧; ૧૭. જૈકાસંગ્રહ; ૧૮. જૈકાસાસંગ્રહ; ૧૯. જૈગુસારત્નો : ૨; ૨૦. જૈપ્રપુસ્તક : ૧; ૨૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨૨. જૈરસંગ્રહ; ૨૩. જૈસસંગ્રહ(ન); ૨૪. દેસ્તસંગ્રહ; ૨૫. પ્રકરણરત્નાકર : ૧, સં. શા. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૩; ૨૬. પ્રામબાસંગ્રહ : ૧; ૨૭. પ્રાસપસંગ્રહ : ૧; ૨૮. પ્રાસ્તસંગ્રહ; ૨૯. બારવ્રતની પૂજા, પ્ર. જૈન ધર્મ પ્રચારક સભા, ભાવનગર, ઈ.૧૯૩૮; ૩૦. બૃકાદોહન : ૨; ૩૧. મોસસંગ્રહ; ૩૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭; ૩૩. વિસ્નાપૂજાસંગ્રહ; ૩૪. વિવિધ પૂજાસંગ્રહ (વિધિસહિત), પ્ર. જસવંતલાલ ગી. શાહ, ઈ.૧૯૫૩; ૩૫. શત્રુંજ્ય તીર્થમાલા રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩; ૩૬. સઝાયમાલા(૫); ૩૭. સઝાયમાલા(જા) : ૧-૨; ૩૮. સસન્મિત્ર (ઝ); ૩૯. સિદ્ધાચલસ્તવનાવલી; ૪૦. સૂર્યપૂરરાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦; ૪૧. સ્નાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપઅહેવાલ : ૭-‘ગુજરાતી મહાકવિ શ્રી વીરવિજ્યજી; ૪. એજન : ૧૨-‘પંડિત શ્રી વીરવિજ્યજી’, મોતીચંદ ગી. કાપડિયા; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. મરાસસાહિત્ય;  ૮. જૈનયુગ, કારતક માગશર ૧૯૮૫-‘પંડિત શ્રી વીરવિજ્યજીનો ટૂંકો પ્રબંધ’, શા. ગીરધરલાલ હીરાભાઈ;  ૯. જૈગૂકવિઓ : ૩(૧); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]