ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૈકુંઠ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વૈકુંઠ [ઈ.૧૭મી સદી મધ્ય ભાગ] : આખ્યાનકવિ. મૂળ કચ્છ-ભૂજના પરંતુ સૌરાષ્ટ્રના કુતિયાણા (કુંતલપુર)માં આવીને વસ્યા હતા. જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. પિતા તુલસી. વૈકુંઠે આખું મહાભારત ગુજરાતીમાં લખ્યું હોવાનું કહેવાય છે, પરંતુ અત્યારે ‘ઉદ્યોગપર્વ’ (ર.ઈ.૧૬૬૦), ‘ભીષ્મપર્વ (મુ.), ‘કર્ણપર્વ’ (ર.ઈ.૧૬૬૦) ને ‘શલ્યપર્વ’ (ર.ઈ.૧૬૫૧) મળે છે. મુદ્રિત રૂપે મળતું ચોપાઈ-પૂર્વછાયાની ૧૨૬૪ કડીનું ‘ભીષ્મપર્વ’ વાંચતાં લાગે છે કે ચિંતનાત્મક અંશો જાળવવા તરફ કે રસજમાવટ તરફ કવિનું વિશેષ લક્ષ નથી. એટલે વિચારતત્ત્વવાળો ભગવદ્ગીતાનો ભાગ કવિએ ટૂંકાવી નાખ્યો છે. મુખ્યત્વે કથાકથન તરફ લક્ષ્ય રાખતા કવિ કથનશૈલીમાં વેગનો અનુભવ કરાવે છે. ‘બૃહત્ કાવ્યદોહન-૨’માં તુલસીને નામે મુદ્રિત ‘ધ્રુવાખ્યાન’ વસ્તુત: વૈકુંઠની કૃતિ છે. ત્યાં મળતી કૃતિની રચનાસાલ વર્ષ, માસ, તિથિની દૃષ્ટિએ ખોટી છે અને અન્યત્ર પ્રાપ્ત થતી હસ્તપ્રતોમાં મળતી રચનાસાલથી જુદી છે. ચોપાઈ-પૂર્વછાયાની ૫૨૨ કડીમાં રચાયેલું આ આખ્યાન (ર.ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ.) મેગલના ‘ધ્રુવાખ્યાન’ને કથાતત્ત્વની દૃષ્ટિએ ઠીકઠીક મળતું આવે છે. રોચક રીતે કથા કહેવાની કવિની શક્તિ અહીં પણ દેખાય છે અને પ્રસંગોપાત્ત તેમણે ભાવનિરૂપણની તક લીધી છે. પરંતુ કવિનું સવિશેષ ધ્યાનપાત્ર આખ્યાન તો ૨૬૮૧ કડીનું ‘નલકથા’ છે. પ્રારંભમાં તૂટક રૂપે મળતું આ આખ્યાન મુખ્યત્વે હર્ષના સંસ્કૃત મહાકાવ્ય ‘નૈષધીયચરિત’ના કથાભાગને અનુસરે છે અને કેટલાક નવા પ્રસંગો પણ ઉમેરે છે. દમયંતી-વિયોગના પ્રસંગમાં કરુણનું નિરૂપણ કરવામાં પણ કવિએ સારી શક્તિ બતાવી છે. આ ઉપરાંત ‘નાસિકેતનું આખ્યાન’ (ર. ઈ.૧૬૬૮) અને ‘પ્રહ્લાદાખ્યાન’ પણ એમણે રચ્યાં છે. કૃતિ : ૧. બૃકાદોહન : ૨; ૨. મહાભારત : ૪. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નલકથા’  ૬. ગૂહાયાદી; ૭. ફાહનામાવલિ : ૨.[ચ.શે.]