ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વેદરહસ્ય-વેદરસ’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘વેદરહસ્ય/વેદરસ’ [ઈ.૧૯મી સદી] : ‘વેદરસ’ને નામે વિશેષ જાણીતો પરંતુ મૂળ ‘વેદરહસ્ય’ નામ ધરાવતો આ ગદ્યગ્રંથ(મુ.) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીએ પોતાના સંપ્રદાયના પરમહંસો-વિશિષ્ટ અધિકારીઓને પત્ર રૂપે સંબોધીને રચેલો છે. આમ તો ગ્રંથમાં અક્ષરબ્રહ્મ-આત્મા સાથે એકાત્મભાવ અનુભવવા મુમુક્ષએ જે પાંચ વર્તમાન-વ્રતો જીવનમાં કેળવવાના હોય છે એની વાત કરવામાં આવી છે, પરંતુ એ વાત કરતાં કરતાં જીવ, અક્ષરબ્રહ્મ અને પરમાત્મા-પુરુષોત્તમના સ્વરૂપ અને તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધની ચર્ચા પણ એમાં થઈ છે. ૫ પ્રકરણમાં વહેંચાયેલા આ ગ્રંથમાં પહેલા પ્રકરણ ‘નિર્લોભી વર્તમાન’માં દ્રવ્યની પ્રાપ્તિ, હિંસા, દંભ, ચોરી, કામ, ક્રોધ વગેરે અનર્થોથી અને અન્ય આસક્તિઓથી મુક્ત થવા માટે મનને દરેક પ્રવૃત્તિનો દૃષ્ટા કેમ બનાવવો અને એ રીતે આત્માને દેહથી કેમ જુદો પાડવો એ સમજાવ્યું છે. ‘નિષ્કામી વર્તમાન’ પ્રકરણમાં સ્ત્રીસંગથી જન્મતા અનર્થોની વાત કરી ઘણા અનર્થોનું મૂળ એવી સ્ત્રીને ચંદન ઘો, માછલાં પકડવાની દોરીને બાંધેલો લોખંડનો કાંટો, ચમારનો કુંડ વગેરે સાથે રાખવાની સ્ત્રીસંગનો સર્વથા ત્યાગ કરવાનું કહ્યું છે. ‘નિસ્પૃહી વર્તમાન’ પ્રકરણમાં દેહના અભિમાનથી મુક્ત થવા માટે તૃષ્ણાને જીતવાનું કહ્યું છે અને તૃષ્ણાને રાત્રિ, નદી, કાજળ પ્રગટાવનારો દીવો, નટણી, વાસણ વગેરે સાથે સરખાવી એના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. ‘નિર્સ્વાદી વર્તમાન’માં સાદ્ય સાત્ત્વિક ને નિર્સ્વાદ ભોજનનો મહિમા સમજાવી કેવા પ્રકારના અન્નનો ત્યાગ કરવો એની વાત છે. છેલ્લા ‘નિર્માની વર્તમાન’ પ્રકરણમાં દરેક પ્રકારના અભિમાનથી મુક્ત થયેલા મુમુક્ષુએ દૃષ્ટિસૂઝ કેળવી મધુકર વૃત્તિથી સૃષ્ટિનાં વિવિધ તત્ત્વોમાંથી ઉપદેશ ગ્રહણ કરી પોતાની વિવેકબુદ્ધિ કેમ ખીલવવી, એવી ખીલેલી બુદ્ધિવાળા નિર્માની ગુરુનો સંગ કરી જે અક્ષરબ્રહ્મ-આત્મતત્ત્વ છે તેની સાથે કેવી રીતે એકાત્મભાવ કેળવવો એની વાત છે. અક્ષરબ્રહ્મ સાથે જીવે એકાત્મભાવ અનુભવવાનો છે, પણ સેવકનો ભાવ કેળવવાનો નથી એમ સહજાનંદ માને છે. સેવકભાવ તો જીવે આ સૃષ્ટિના કારણપણે જે પુરુષોત્તમ છે તેની સાથે જ કેળવવાનો છે. એટલે અક્ષરબ્રહ્મ સાથે એકાત્મભાવ અનુભવતાં જીવે પરમ તત્ત્વ પુરુષોત્તમની ઉપાસના કરવી એ જ મોક્ષ છે. ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મચિંતન અર્થે પ્રયોજાયેલા ગદ્યના સ્વરૂપને સમજવા માટે ‘વચનામૃત’ની જેમ આ ગ્રંથ પણ ઘણો ઉપયોગી છે.[જ.ગા.]