ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/‘ષડાવશ્યક-બાલાવબોધ-વૃત્તિ’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘ષડાવશ્યક-બાલાવબોધ-વૃત્તિ’ [ર.ઈ.૧૩૫૫/સં.૧૪૧૧, આસો વદ ૩૦, શનિવાર] : તરુણપ્રભસૂરિકૃત આશરે ૭૦૦૦ ગ્રંથાગ્રની આ ગદ્યકૃતિ(મુ.) મધ્યકાલીન ગુજરાતી બાલાવબોધ સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જૈન શ્રાવકોએ પાળવાના વ્રતનિયમો અને વિધિનિષેધો નિરૂપતા આવશ્યકસૂત્રના એમાં માત્ર શબ્દાર્થ નથી, વિસ્તૃત સમજૂતી પણ છે. એ સમજૂતીમાં અનેક ઇતર શાસ્ત્રીય આધારોનો વિવરણપૂર્વક વિનિયોગ કરી લેવામાં આવ્યો છે ને એ રીતે એમાં મૂળસૂત્ર પાઠ ઉપરાંત સેંકડો પ્રાચીન ગાથાઓ ને શ્લોકો-જેમાં ઘણાં હિન્દુ શાસ્ત્રોનાં પણ છે-ઉદ્ધૃત થયાં છે. આમ કૃતિ એક આકરગ્રંથ બની રહે છે. વ્રતનિયમોના પાલનમાં થતા ગુણદોષો સમજાવતાં કવિએ દૃષ્ટાંત રૂપે ૨૩ જેટલી કથાઓ આપી છે, જેમાં કવિની ભાષ્યકાર ઉપરાંત કથાકારની શક્તિ પણ પ્રગટ થાય છે. કવિએ સ્વરચિત સંસ્કૃત સ્તવનો પણ કૃતિમાં ગૂંથી લીધાં છે. શિષ્ટ સંસ્કૃત પદાવલિ ને દીર્ઘ સમાસો પણ ધરાવતી ગદ્યપ્રૌઢિ, વિષયપ્રસંગ અનુસાર લાંબાંટૂંકાં વાક્યોના વિનિયોગથી સધાતી પ્રવાહિતા ને પ્રાસાદિકતા તથા ક્યારેક સાહિત્યિક અભિવ્યક્તિનો આશ્રય લેવાથી નીપજતી રમણીયતા કવિને એક નોંધપાત્ર ગદ્યકાર તરીકે સ્થાપી આપે છે. કૃતિની કવિના સમયની (ઈ.૧૩૫૬ અને ઈ.૧૩૬૨) તેમ જ કવિએ સંશોધેલી હસ્તપ્રતો પ્રાપ્ય હોઈ એ સમયની ભાષાનો શ્રદ્ધેય નમૂનો એમાં સાંપડે છે ને કૃતિ ભાષા-અભ્યાસની દૃષ્ટિએ મહત્ત્વની ઠરે છે.[ર.ર.દ.]