ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અષ્ટછાપ કવિઓ
અષ્ટછાપ કવિઓ : વલ્લભાચાર્ય(૧૪૭૮-૧૫૩૦)સ્થાપિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવસંપ્રદાય દ્વારા અનુમોદિત વ્રજભાષા–હિન્દીના આઠ કવિઓનું વૃંદ. વલ્લભાચાર્યના અવસાન પછી આચાર્યની ગાદીએ આવનાર તેમના પુત્ર ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ વલ્લભાચાર્યના ૮૪ શિષ્યોમાંથી ૪ અને તેમના પોતાના ૨૫૨ શિષ્યોમાંથી ચાર એમ આઠ કવિઓની પસંદગી કરી ૧૫૪૫માં અષ્ટછાપની સ્થાપના કરી. અષ્ટસખા તરીકે ઓળખાતા આ કવિઓમાં સંપ્રદાયની પરંપરા પ્રમાણે સુરદાસ, કુંભનદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ, છીતસ્વામી, ગોવિંદસ્વામી, ચતુર્ભુજદાસ અને નંદદાસ સમાવિષ્ટ છે. સાહિત્યના કેટલાક આધુનિક પાશ્ચાત્ય સંશોધકો સુરદાસ વલ્લભાચાર્યના પંથમાં દીક્ષિત હોવાનું પ્રમાણ શોધી શક્યા નથી. અષ્ટછાપના મુખ્ય કવિ સુરદાસે(૧૪૭૮-૧૫૮૫) ‘સૂરસાગર’માં વ્રજભાષાને સાહિત્યિક સ્તરે પહોંચાડી. તેમાં ભાગવતાનુસારી ૧૮ સ્કંધોમાં પાંચેક હજાર પદ છે. પરંપરા પ્રમાણે તો સુરદાસે સવા લાખ પદોની રચના કરી કહેવાય છે. પણ સંશોધકો પાંચ હજાર પદોના કર્તૃત્વ વિષે એકમત નથી. સુરદાસે કૃષ્ણની બાળલીલાનાં અનુપમ પદો લખ્યાં છે. શ્રીકૃષ્ણ-રાધાના અનુરાગનાં પદો અત્યંત માર્મિક છે, તેમાંય વિરહનાં સવિશેષ. શૃંગાર અને ભક્તિનો સમન્વય તેમનાં પદોમાં જોવા મળે છે. પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતને કારણે સુરદાસના ગાનની પરંપરા આજેય જીવંત છે. અષ્ટછાપના બાકીના કવિઓમાંથી એક નંદદાસને બાદ કરતાં ઘણુંખરું ફુટકળ પદોના રચયિતા છે. સુરદાસના સમકાલીન નંદદાસ એક ઉત્તમ કવિ છે. તેમની શ્રેષ્ઠ રચના રોળા છંદમાં રચિત ‘રાસપંચાધ્યાયી’ છે જેમાં કૃષ્ણની રાસલીલાનું પરિષ્કૃત વ્રજભાષામાં આલેખન છે. સુરદાસના ભ્રમરગીતની જેમ તેમનું ‘ભંવરગીત’ પણ પ્રસિદ્ધ છે. કૃષ્ણદાસ શૂદ્ર હોવા છતાં વલ્લભાચાર્યના પ્રીતિપાત્ર હતા અને તેમના મંદિરના ‘મુખિયા’ બન્યા હતા. પરમાનંદદાસનાં ૮૨૫ પદો ‘પરમાનંદસાગર’માં મળે છે. કુંભનદાસ અત્યંત વિરક્ત કવિ હતા અને તેમના પુત્ર હતા ચતુર્ભુજદાસ. છીતસ્વામી અને ગોવિંદસ્વામીનો રચનાસમય સોળમી સદીના ઉત્તરાર્ધનો છે. પુષ્ટિમાર્ગીય કૃષ્ણકાવ્યની પરંપરામાં અષ્ટછાપ કવિઓનું સ્થાન મોખરાનું છે.
ભો.પ.