ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આત્મકથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આત્મકથા (Autobiography) : જીવનકથા, રોજનીશી, રોજપોથી સ્મૃતિચિત્રો જેવાં, જીવનસામગ્રી પર નિર્ભર સાહિત્યસ્વરૂપોનું એક સ્વરૂપ તે આત્મકથા. પોતાના જીવન વિશેની પોતે લખેલી કથાને સામાન્ય રીતે આત્મકથા તરીકે ઓળખવામાં આવે છે. એટલેકે પ્રથમપુરુષ એકવચનનું કથન કાલક્રમમાં ગોઠવાયેલું હોય છે. આત્મકથાલેખકનો સ્મૃતિદોર જીવનના અમુક તબક્કાથી શરૂ થતો હોય છે અને જીવનના અંત પહેલાં જ ક્યાંક અટકતો હોય છે. આમ આત્મકથા જન્મમૃત્યુની વીગતોને સાંકળતી ન હોય એ સ્વાભાવિક છે. ક્યારેક જન્મની વીગતોને સાંકળે છે તો પણ અન્યોની સ્મૃતિના આધાર પર જ સાંકળે છે. એક રીતે જોઈએ તો મિશેલ દ મોંતેન કહે છે તેમ પોતા વિશેના વર્ણન જેટલું કઠિન બીજું કોઈ વર્ણન નથી. અને એનો લાભ પણ અનન્ય હોય છે. લેખકે પોતે જે જાણ્યું છે અને સ્મૃતિમાં સંઘર્યું છે એને ઇચ્છિત રીતે વ્યક્ત કરવા એ ચાહે છે. કેટલીકવાર સ્મૃતિમાં જે લાવવા ચાહે છે એટલું જ લાવે છે અને અણગમતી ઘટનાઓને દબાવી દે છે. અનુકૂળતા પ્રમાણે સત્યને ક્યારેક મરડવામાં કે મઠારવામાં પણ આવે છે. આથી જ હાઈનરિખ બ્યોલ આત્મકથાને સાંપ્રત કે વર્તમાન પૂર્વગ્રહોના સંદર્ભમાં વિકૃત થતા ભૂતકાળ તરીકે ઓળખાવે છે. એક વાત ચોક્કસ છે કે લેખક અનુભવનો અહેવાલ નથી આપતો, ભૂતકાળની સામગ્રી પરત્વે માત્ર કેમેરાની આંખ નથી માંડતો, એમાં અનુભવની વ્યવસ્થા અને એનું મૂલ્યાંકન હોય છે, સંવેદનશીલ અંગત વિશ્લેષણ હોય છે. ક્યારેક આત્મરતિ કે આત્મપ્રદર્શન, ક્યારેક આત્મનિર્માણ કે આત્મચિત્રણ, ક્યારેક આત્મપરીક્ષણ કે આત્મશોધ તો ક્યારેક આત્મસમર્થનનો હેતુ પણ એમાં ભળે છે. લેખકનો પોતાના અંગેનો વર્તમાન ખ્યાલ સ્મૃતિઓની પસંદગીમાં નિર્ણાયક બને છે. એટલેકે આત્મકથાલેખક જિવાયેલા જીવનનું પોતાની રીતે વિ-રચન કરતો હોય છે અને સાથે સાથે પુનર્રચન પણ કરતો હોય છે. એની જીવનસામગ્રી પર સ્મૃતિના આકૃતિવિધાયક બળનો ભાર અનિવાર્ય છે. કોઈએક કેન્દ્રસ્થ વિચાર દ્વારા એ જીવનની આકૃતિ કે ઘાટને જુએ છે. અનુભવની તરેહો પકડે છે કે રચે છે, પોતાનાં એક નહિ પણ અનેકવિધ રૂપો સાથે મથે છે. ફિલિપ લેઝુન જેને સમાજઅભિસંધિત બહુવાચિકતા કહે છે એને એ પ્રગટાવે છે, સામગ્રીનું ચયન કરે છે અને સામગ્રીનો સમગ્ર દોરીસંચાર પણ સંભાળે છે. અને આથી જ પોતાની પ્રમાણભૂત જીવનસામગ્રી અને કલ્પિતસામગ્રીની ભેદરેખા ભૂંસાઈ જાય છે. એકબાજુ નિર્જીવ દસ્તાવેજ અને બીજીબાજુ કૃતક સાહિત્યિકતા – આ બે વચ્ચેથી રસ્તો કાઢવો આત્મકથાકાર માટે કઠિન છે. એ પોતે જ નિરૂપક છે અને પોતે જ નિરૂપ્ય છે. આત્મકથાકાર જ આત્મકથાનાયક છે. વર્તમાન ‘હું’ ભૂતકાળના ‘હું’ને નોંધે છે અને એ બે વચ્ચે દ્વન્દ્વ રચાય છે. આ એની આત્મવાચક પ્રવૃત્તિ છે અને જે કાંઈ લખાય છે તે ભાષા સ્મૃતિ અને સંસ્કૃતિમાંથી ગળાઈ ગળાઈને લખાય છે તેથી એમાં જીવન અને કલા વચ્ચેનો એક છટકિયાળ સંબંધ જોઈ શકાય છે. આત્મકથાનું સાહિત્યસ્વરૂપ જીવનસામગ્રી પર નિર્ભર હોવાથી સ્વાયત્ત ન હોઈ શકે એ સાચું પણ નરી કાચી સામગ્રીનું જ્ઞાન જેમ વાનગીની વિશિષ્ટ સોડમને પ્રગટાવી ન શકે તેમ આત્મકથામાં નરી કાચી સામગ્રી પણ સંસ્કાર માગે છે. બીજી રીતે કહીએ તો આત્મકથાનું કામ જીવનની સામગ્રીને જીવનથી દૂર કરી સાહિત્યની નિકટ લાવી આપવાનું છે. એ માત્ર જીવન નથી જીવનનું રૂપક છે. એટલેકે આત્મકથા સાથે કલ્પિતકરણ (fictionalization)ની પ્રક્રિયા સંકળાયેલી છે એમાં બેમત નથી. આત્મકથા, નવલકથા અખત્યાર કરે છે તેવી કથનનિરૂપણની પ્રમુખ પદ્ધતિઓને અને વાગ્મિતાનાં સ્વરૂપોને ખપમાં જરૂર લે છે. ક્યારેક નવલકથા આત્મકથાનું રૂપ લે કે પછી નવલકથા રૂપાન્તરિત અને પ્રચ્છન્ન આત્મકથા હોય એ અલગ બાબત છે. પરંતુ આજે આત્મકથાના સ્વરૂપને વધુ કલ્પનાત્મક સ્વરૂપે લેવા તરફનો ઝોક અગ્રણી બન્યો છે. આત્મકથાના ત્રણ પ્રકાર ગણાવાયા છે : ઐતિહાસિક, તત્ત્વપરક અને કાવ્યપરક. ઐતિહાસિક આત્મકથામાં આત્મકથાકારની વર્તમાનની સમજૂતી એના ભૂતકાળ દ્વારા અપાયેલી હોય છે; તત્ત્વપરક આત્મકથામાં આત્મચિત્રણનું રૂપ વિશેષ ઊપસતું હોય છે અને કથન પ્રમાણમાં સ્વલ્પ હોય છે, જ્યારે કાવ્યપરક આત્મકથામાં સ્મૃતિઓની ઉત્તેજના કરતાં એની મનોનાટ્ય પ્રવૃત્તિ પર વિશેષ ભાર મુકાયો હોય છે. ચં.ટો.