ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલમ અને કિતાબ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કલમ અને કિતાબ : મુંબઈથી પ્રસિદ્ધ થતા બપોરના દૈનિક વર્તમાનપત્ર ‘જન્મભૂમિ’ના સાહિત્યવિભાગ ‘કલમ અને કિતાબ’નું સંપાદન ઝવેરચંદ મેઘાણીએ ૧૯૩૩, ’૩૪, ’૩૫ એમ ત્રણેક વર્ષ કર્યું અને એને લોકપ્રિય બનાવ્યો. તે પછી ૧૯૩૫થી આ વિભાગનું સંપાદન કરસનદાસ માણેક, દિલીપ કોઠારી તથા મોહનલાલ મહેતા ‘સોપાને’ કર્યું. ૧૯૪૮ના ઓગસ્ટમાં આ વિભાગનું સંપાદન કૃષ્ણવીર દીક્ષિતને સોંપાયું. એમણે ૧૯૯૪ના જાન્યુઆરીની ૩૧મી તારીખ સુધી આ વિભાગ સંભાળ્યો. આ વિભાગમાં કેવળ ગ્રન્થસમીક્ષા જ નહિ પણ અવલોકનાર્થે આવતા ગ્રન્થોનો સાભાર સ્વીકાર, જગત સમસ્તના સાહિત્યવિશ્વમાં બનતી કોઈ વિશિષ્ટ ઘટનાઓના સાહિત્યસમાચાર, કોઈ મહત્ત્વની સંસિદ્ધિ સંદર્ભે ગુજરાતી તથા અન્ય ભારતીય તેમજ વિદેશી ભાષાઓના વિદ્વાનોનાં થતાં સન્માનો વગેરે આપવામાં આવતાં. ઉપરાંત જે તે સંસ્થાને ઉપક્રમે વિદ્વાનોનાં વ્યાખ્યાન કે એમની વ્યાખ્યાનશ્રેણી, કવિસંમેલન, મુશાયરાપ્રવૃત્તિ, પરિસંવાદ, ચર્ચાસભા, એમ તળ મુંબઈમાં તથા તેના ઉપનગર વિસ્તારમાં જ્યાં જ્યાં સાહિત્યિક કાર્યક્રમો યોજાતા એનું વૃત્તાંતનિવેદન આવતું. વળી, સાહિત્યનું કોઈ નવું સામયિક હસ્તીમાં આવે કે કોઈ સાહિત્યિક સામયિકનો વિશેષાંક પ્રસિદ્ધ થાય કે કોઈ સાહિત્યિક સામયિક બંધ પડે તો તે દરેક વેળા તે તે સામયિકને લગતી ઘટતી નોંધ એમાં અમૂક આવતી. આ વિભાગે સાહિત્યની આબોહવા સર્જવામાં અને એને પોષણ આપવામાં મૂલ્યવાન કાર્ય કર્યું છે. કૃ.દી.