ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યાલંકારસૂત્રવૃત્તિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાવ્યાલંકારસૂત્રવૃત્તિ : ત્રણ વિભાગો, પાંચ અધિકરણો અને ૧૨ અધ્યાયોમાં વિભાજિત ૩૧૯ સૂત્રોમાં ભારતીય કાવ્યશાસ્ત્રના પ્રથમ સૌન્દર્યવાદી મીમાંસક આચાર્ય વામને રચેલો રીતિસંપ્રદાયની મહત્તા કરતો આધારગ્રન્થ. સૂત્રાત્મક શૈલીથી લખાયેલા આ ગ્રન્થના પહેલા ‘શારીર અધિકરણ’માં ત્રણ અધ્યાય છે. પહેલા અધ્યાયમાં કાવ્યલક્ષણો, કાવ્ય અને અલંકાર તથા કાવ્યપ્રયોજનની વિચારણા છે. બીજા અધ્યાયમાં કવિની કાવ્યસર્જન અંગેની પાત્રતા, કવિના બે પ્રકારો, કવિ અને ભાવક વચ્ચેનો સંબંધ, કાવ્યમાં રીતિનું મહત્ત્વ, રીતિના ત્રણ પ્રકારો તથા વૈદર્ભી, ગૌડી અને પાંચાલી રીતિની સોદાહરણ ચર્ચા છે. ત્રીજા અધ્યાયમાં શબ્દપાક, કાવ્યનાં ત્રણ અંગો, બે પ્રકારો, ગદ્યકાવ્યના પ્રકારો તથા પદ્યકાવ્યના પ્રકારોની ચર્ચા છે. ‘દોષ-દર્શન’ નામના બીજા અધિકરણના બે અધ્યાયો દોષદર્શન માટે ફાળવ્યા છે. પહેલા અધ્યાયમાં પદપદાર્થદોષની છણાવટ છે, તો બીજા અધ્યાયમાં વાક્યવાક્યાર્થદોષનું નિરૂપણ છે. ત્રીજા અધિકરણ ‘ગુણ-વિવેચન’ના બે અધ્યાયોમાં ક્રમશ : શબ્દગુણ અને અર્થગુણનું વર્ણન મળે છે. ચોથા ‘આલંકારિક અધિકરણ’ના ત્રણ અધ્યાયો પૈકી પહેલા અધ્યાયમાં શબ્દાલંકાર; બીજામાં ઉપમાલંકાર અને ત્રીજામાં ઉપમા-પ્રપંચ તથા અન્ય પચ્ચીસ અલંકારોની સૌદાહરણ વિચારણા છે. પાંચમું ‘પ્રાયોગિક અધિકરણ’ ગ્રન્થના વિષય સાથે સીધો સંબંધ ધરાવતું નથી. એના બે અધ્યાયોમાં અનુક્રમે કાવ્યસમય અને કાવ્યશુદ્ધિની વિવેચના છે. તેમાં સંસ્કૃત વ્યાકરણના પાયા પર શબ્દશુદ્ધિ અને સંદિગ્ધ શબ્દપ્રયોગો વિશે વિચારણા થઈ છે. ગ્રન્થમાંની કાવ્યગુણ અને અલંકારની ચર્ચા દરમ્યાન વામન અલંકારને કાવ્યનું અનિત્ય તત્ત્વ ગણે છે જ્યારે કાવ્યગુણને નિત્ય તત્ત્વ લેખી તેની મહત્તા કરે છે. વળી, આ કાવ્યગુણ પણ આખરે રીતિ-આશ્રિત છે એવું પ્રતિપાદન કરી રીતિને કાવ્યનો આત્મા ગણે છે. દસ શબ્દગત અને દસ અર્થગત કાવ્યગુણોમાં જ સકળ કાવ્યસૌન્દર્ય સમાવિષ્ટ થઈ જાય છે એવું પ્રતિપાદિત કરતા આ ગ્રન્થને સહદેવ, ગોપેન્દ્ર, ભદ્રગોપાલ અને મહેશ્વર જેવા આલોચકોનાં અર્થઘટનો સાંપડ્યાં છે. એ પૈકી ગોપેન્દ્રકૃત ‘કામધેનુ’ નામની સંસ્કૃત ટીકા સુપ્રસિદ્ધ છે. રીતિસંપ્રદાયના સ્થાપક-પ્રવર્તક આચાર્ય વામન કાશ્મીરના રાજા જયાપીડ(૮૦૦ આસપાસ)ના રાજકવિ તેમજ મંત્રી હતા. ર.ર.દ.