ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/ક્રાઈમ એડ પનિશમેન્ટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ : બૃહન્નવલનો આદર્શ તાકતી ફિયોદોર દોસ્તોયેવ્સ્કીની રશિયન નવલકથા. એનો નાયક રાસ્કોલનિકોવ એક સંવેદનશીલ નિર્ધન વિદ્યાર્થી છે. પોતે પ્રતિભાશાળી છે અને પ્રતિભાશાળીઓ કોઈપણ સાધન દ્વારા સાધ્યને પામી શકે છે એવા એના સિદ્ધાન્ત સાથે સેન્ટ પિટર્સબર્ગમાં રહ્યો રહ્યો એ કોઈ અપરાધની કલ્પના કર્યા કરે છે અને પોતાના સિદ્ધાન્તના એસિડ ટેસ્ટ માટે એક વૃદ્ધાશરાફ અને એ વૃદ્ધાની બહેનની હત્યા કરે છે. આ ઘટનાની આસપાસ હત્યાના મનોવિજ્ઞાન અને અપરાધના વિશ્લેષણમાંથી નવલકથા આકાર લે છે. માનવ યાતનાનું વિશ્વ અને એના નિરૂપણના આધાર પર આ રચના વિવિધ અને સંકુલ પાત્રાલેખનો, વિચારો અને પરિસ્થિતિઓ થોકબંધ ખડકે છે, પણ સાથે સાથે વિદ્રોહની અને શરણાગતિની, ભીરુપણાની અને ખુંખારપણાની, શુભની અને અશુભની, જીવનની અને મૃત્યુની મહાકાય જટિલ વિરોધી સમસ્યાઓ દ્વારા એને વ્યવસ્થા આપે છે, મનુષ્યો તરફના અપરાધને કારણે મનુષ્ય પોતાની યાતના દ્વારા એનું મૂલ્ય ચૂકવે છે એવો આ નવલકથાનો મુખ્ય ધ્વનિ છે. ચં.ટો.