ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી કિશોરસાહિત્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગુજરાતી કિશોરસાહિત્ય : સામાન્ય રીતે અગિયારથી પંદર વર્ષની ઉંમરના વાચકો માટે જે સાહિત્ય લખવામાં આવે તેને કિશોરસાહિત્ય કહેવાય. બાલ્યાવસ્થાથી માંડી કિશોર અવસ્થાએ બાળક પહોંચે – કિશોર એક નવી દુનિયામાં ઊડવા ઇચ્છે છે. અત્યાર સુધી તેને પરીકથાઓ, સામાન્ય લોકકથાઓ, પશુપક્ષીઓની કથાઓ – ઘરેલુ પૃષ્ઠભૂમિ પર આધારિત કથાઓ, તેની આસપાસનું વાતાવરણ, મિત્રો, સંબંધીઓ વગેરેની વાર્તાઓ ગમતી હતી તે હવે તેને ગમતી નથી. તેને હવે કેવળ ચમત્કારો નહિ પણ તેના બૌદ્ધિક વિકાસમાં મદદરૂપ થાય તથા તેની ઝંખનાઓને ઉત્તેજે તેવું સાહિત્ય જોઈએ છે. એક સામાન્ય ખ્યાલ પ્રમાણે આ ઉંમરના વાચકવર્ગને સાહસકથાઓ તથા પરાક્રમકથાઓ વધુ પસંદ હોય છે. તદુપરાંત જ્ઞાનવિજ્ઞાનની વાતો, વીરો, શહીદો, સંતો, મહાપુરુષો વગેરેના પ્રેરણાદાયક જીવનપ્રસંગો; ઇતિહાસ, યાત્રા-સંસ્મરણ, કાલ્પનિક કથાઓ, પોતાના દેશની તથા અન્ય દેશોની પ્રશિષ્ટ કૃતિઓનાં સંક્ષેપો – રૂપાન્તરો તથા પૌરાણિક વાર્તાઓ પણ કિશોરોને ગમે છે. ગુજરાતીમાં કિશોરો માટેનું સ્વતંત્ર સાહિત્ય મોટે ભાગે અર્વાચીન સાહિત્યની નીપજ છે, મધ્યકાલીન સાહિત્યમાં કોઈ સાહિત્યકારે ખાસ કિશોરો માટે કાંઈ લખ્યું હોય એવાં ઉદાહરણો મળતાં નથી. તેમ છતાં એવી કૃતિઓ અવશ્ય મળે છે જે કિશોરભોગ્ય પણ કહી શકાય. નરસિંહ મહેતાનાં જાણીતાં કાવ્યો ‘જળકમળ છાંડી જાને બાળા’ તથા ‘સુખદુઃખ મનમાં ન આણીએ’માં કિશોરોને જરૂર રસ પડે. પ્રેમાનંદનાં આખ્યાનોના કેટલાક અંશો, ખાસ કરીને ‘તને સાંભરે રે? મને કેમ વીસરે રે !’વાળું કડવું એકદમ કિશોરભોગ્ય છે એમ કહી શકાય. અર્વાચીનયુગમાં ગુજરાતીમાં કિશોરો માટે કથાસાહિત્યની શરૂઆત પ્રશિષ્ટ કથાઓનાં રૂપાન્તરોથી થઈ હતી. વિક્રમ-વૈતાલ, અકબર-બીરબલ, અરેબિયન નાઇટ્સ, ટારઝનની સાહસકથાઓ તથા દેશવિદેશની લોકકથાઓ અને પુરાણકથાઓ વગેરે જેવાં પુસ્તકો પણ પ્રસિદ્ધ થયાં છે. ૧૮૬૦માં બાબુભાઈ અમીચંદે ‘બત્રીસ પૂતળીની વાર્તાઓ’ લખી. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ‘ઘાસીરામ કોટવાલ’ (૧૯૦૩) લખ્યું જેમાં મરાઠા-ઇતિહાસના જાણીતા પાત્રની રમૂજી વાર્તાઓ હતી. તે પછી શારદાબેન મહેતાએ ‘પુરાણવાર્તા સંગ્રહ’(૧૯૦૬) તથા કલ્યાણરાય જોષીએ ‘દેશવિદેશની વાતો’(૧૯૧૪) લખી. કિશોરોને વાંચવી ગમે એવી એ કૃતિઓ હતી. નાનાભાઈ ભટ્ટે પ્રાચીન સાહિત્યને ફરીથી મૌલિક શૈલીમાં રજૂ કરીને ‘હિન્દુધર્મની આખ્યાયિકાઓ’(૧૯૧૧), ‘મહાભારતનાં પાત્રો’ (૧૩ પુસ્તિકાઓ – ૧૯૧૯-૩૪) અને ‘રામાયણનાં પાત્રો’ (૬ પુસ્તિકાઓ – ૧૯૩૪-૪૪) દ્વારા કિશોરો માટે મહત્ત્વનું કામ કર્યું. એમનાં આ પુસ્તકો સરસ રજૂઆત તથા સચોટ સંવાદોના કારણે ખૂબ જ પ્રશંસા પામ્યાં છે. ગુજરાતી બાળ-કિશોર સાહિત્યના પિતા ગિજુભાઈએ સૌપ્રથમ કિશોરસાહિત્યના સિદ્ધાંતો અંગે વાત કરી હતી. એમનાં ‘મહાત્માઓનાં ચરિત્ર’ (૧૯૨૩), ‘કિશોરકથાઓ ભાગ ૧-૨ (૧૯૨૭, ૨૯) ‘રખડુ ટોળી’ ભાગ ૧-૨. (૧૯૨૯-૩૩) વગેરે કિશોરસાહિત્યનાં જાણીતાં પુસ્તકો છે. ધૂમકેતુએ ‘ઉપનિષદકથાઓ’(૧૯૫૦) ‘મહાભારતની કથાઓ’ (૧૯૬૦), પ્રસંગકથાઓ’ (૧૯૬૨), ‘સમર્પણની વાતો’ (૧૯૬૨), ‘વિનોદકથાઓ’ (૧૯૬૭), ‘બોધકથાઓ’ વગેરે દ્વારા કિશોરવાચકોને આપણાં પુરાણો વગેરે જેવા ગ્રંથોની સરળ અને બોધક વાર્તાઓ આપી. ઝવેરચંદ મેઘાણીએ ‘કુરબાનીની કથાઓ’(૧૯૨૨) આપી જે કિશોરસાહિત્યમાં એક મહત્ત્વપૂર્ણ કૃતિ ગણાય છે. પન્નાલાલ પટેલે રામાયણ, મહાભારત તથા અન્ય ગ્રંથોના આધારે કેટલીક કિશોરકથાઓ લખી, જેમાં ‘ઋષિકુળની કથાઓ’ ભાગ ૧થી ૪ (૧૯૭૩), ‘મહાભારત કિશોરકથા’(૧૯૭૬), ‘રામાયણ કિશોરકથા’(૧૯૮૦), ‘શ્રીકૃષ્ણ કિશોરકથાઓ’ (૧૯૮૦), ‘સતયુગની કથાઓ’ વગેરે નોંધપાત્ર બની રહે છે. રમણલાલ સોનીએ પણ ‘ભાગવતકથાઓ’ અને ‘અમૃતકથાવલિ’ જેવાં પુસ્તકો આપ્યાં છે. અશ્વિન ચંદારાણા કૃત ‘રખડપટ્ટી’ (૨૦૦૭) એક સળંગ કિશોરકથા છે. છ પ્રકરણોમાં વહેંચાયેલી આ કિશોરકથાના કેન્દ્રમાં વિજ્ઞાન છે. સરળ વાર્તાલાપ સ્વરૂપે તે કિશોરો સમક્ષ મૂકવામાં આવી છે. આ રીતે જુદાજુદા લેખકો દ્વારા આપણાં પુરાણો-ગ્રંથો વગેરેમાંથી કિશોરો માટે વાર્તાઓ પ્રસંગોની સંસ્કારી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. ‘પરાક્રમકથાઓ’માં હંસાબહેન મહેતાએ ઇટાલિયન વાર્તા પરથી ‘બાવલાનાં પરાક્રમો’(૧૯૨૯) જેવું રોચક પુસ્તક આપ્યું. નાગરદાસ પટેલે ‘જયન્ત’ નામના પાત્રનું સર્જન કરીને ‘જયન્તનાં અદ્ભુત પરાક્રમો’(૧૯૨૯), ‘જયન્તની સાહસકથાઓ’(૧૯૩૦), તથા ‘જયન્તનાં અદ્ભુત સાહસો’ (૧૯૩૦) જેવાં પુસ્તકો આપ્યાં. આવાં પુસ્તકો કિશોરોમાં ખૂબ જ જાણીતાં થયાં. ૧૮૫૨માં પ્રસિદ્ધ થયેલ પ્રાણલાલ મથુરદાસની ‘કોલંબસનો વૃત્તાંત’ એ ગુજરાતી ભાષાની પહેલી સાહસકથા ગણવામાં આવે છે. તે પછી રામુ ઠક્કરે ‘મોત સામે મોરચો’(૧૯૫૮) આપ્યું. મનુભાઈ જોધાણીએ ‘સોરઠી જવાહિર’(૧૯૩૦), ‘સોરઠી વિભૂતિઓ’(૧૯૩૨), ‘આકાશી ચાંચિયો’(૧૯૩૨), ‘કાળિયાર અને બીજી પ્રાણીકથાઓ’(૧૯૩૯), ‘કુમારોની પ્રવાસકથા’ (૧૯૪૬) આપી. મૂળશંકર ભટ્ટે જુલેવર્ન તથા સ્ટીવન્સન જેવા વિશ્વપ્રસિદ્ધ લેખકોની સાહસકથાઓ ગુજરાતીમાં ઉતારી. કિશોરોમાં લોકપ્રિય બનેલી એમની કૃતિઓમાં ‘સાગરસમ્રાટ’ (૧૯૩૩), ‘સાહસિકોની સૃષ્ટિ’(૧૯૩૪), ‘પાતાળ-પ્રવેશ’ (૧૯૩૫), ‘ખજાનાની શોધમાં’(૧૯૩૫), ‘૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’(૧૯૩૯), ‘ચંદ્રલોકમાં’(૧૯૪૦), ‘ધરતીના મથાળે’(૧૯૪૨), ‘મગનરાજ’(૧૯૫૬), વગેરે જાણીતી છે. શ્રીકાન્ત ત્રિવેદીએ ‘ગોરખનાથ’(૧૯૫૫), ‘ચંદ્ર પર ચઢાઈ’ (૧૯૫૭), ‘હીરામોતીનો ટાપુ’(૧૯૬૧), ‘અટંકી વીરો’(૧૯૬૨) ‘વનમાનવનું વેર’(૧૯૬૨), ‘ચાંચિયાઓનો ભેટો’(૧૯૬૨), તથા ‘કિંગકોંગના પંજામાં’(૧૯૬૬) વગેરે. ગિરીશ ગણાત્રાએ ‘તુરંગાને પેલે પાર’ તથા ‘સાહસ પાડે સાદ’(૧૯૬૨) તથા ‘સાહસિક ટોળી’ વગેરે, માધવ દેસાઈએ ‘વિચિત્ર સાહસ’ (૧૯૬૩) તથા ‘અનોખું સાહસ’(૧૯૬૩) જેવાં રોમાંચક પુસ્તકો આપ્યાં. સાહસકથાઓની વિવિધ પ્રકારની શ્રેણીઓમાં જયભિખ્ખુકૃત ‘જવાંમર્દ’ શ્રેણી જુદી જ ભાત પાડે એવી પ્રેરણાદાયક છે. યશવંત મહેતાએ કિશોરો માટે ઘણું લખ્યું છે અને તેમાંય સાહસકથાઓ ઉપરાંત રહસ્યકથાઓ અને વિજ્ઞાનકથાઓને પ્રાધાન્ય આપ્યું છે અને તેમાં ‘ગ્રહોનો વિગ્રહ’(૧૯૬૮), ‘ભોંયરાનો ભેદ’(૧૯૮૨’) ‘ચંદ્રના પેટાળમાં’(૧૯૮૪), ‘વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓ’(૧૯૯૩), ‘પવનચક્કીનો ભેદ’ વગેરે એમની જાણીતી કૃતિઓ છે. હરીશ નાયકની ‘લડાખના લડવૈયા’, ‘બંદૂકનો બેટો’(૧૯૮૭), ‘ટારઝન કિશોરી’(૧૯૮૭) અને ‘અજબ રહસ્યકથાઓ’ વગેરે પણ આ પ્રકારની કૃતિઓ છે. વન્યજીવન તથા પ્રાણીસૃષ્ટિની માહિતીલક્ષી કૃતિઓમાં કનૈયાલાલ રામાનુજની ‘વન્યપ્રાણીસૃષ્ટિ’(૧૯૭૯), ‘સાવજનું અપમાન’(૧૯૮૦), ‘રીંછ દરબારમાં અગિયાર રાતો’(૧૯૮૩), ‘જંગલની દુનિયા મોતનો મુકાબલો’(૧૯૮૭), ‘અનોખી શિકારકથા’ અને ‘લોખંડી રાક્ષસ’ વગેરે પ્રસિદ્ધ છે. આ પ્રકારની કૃતિઓમાં નાનુભાઈ સુરતીની હેતુલક્ષી પ્રાણીકથાઓ અને શૌર્યપૂર્ણ સાચી શિકારકથાઓ (૧૯૮૫) પણ ઉલ્લેખનીય છે. કિશોરો માટે હાસ્યવિનોદના સાહિત્યમાં ‘બકોર પટેલ’ની ગ્રન્થાવલિનાં ત્રીસ પુસ્તકો જાણીતાં છે. હરિપ્રસાદ વ્યાસ દ્વારા રચાયેલા આ પાત્ર દ્વારા કિશોરોને પ્રેરે એવી આ વાર્તાઓ સરળ અને રોચક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. બકોર પટેલ ઉપરાંત એમણે ‘ભેજાબાજ ભગાભાઈ’નાં છ પુસ્તકો (૧૯૭૨), ‘હાથીશંકર ધમધમિયા’નાં છ પુસ્તકો વગેરે પણ આપ્યાં. હાસ્યવિનોદ સાહિત્યમાં એવી જ રીતે જીવરામ જોષીનું નામ પણ સંકળાયેલું છે. એમણે ‘મિયાં ફુસકી’નું પાત્ર સર્જીને ગુજરાતી કિશોરસાહિત્યમાં નોંધપાત્ર કામ કર્યું છે. ‘મિયાં ફુસકી’ એક એવું પાત્ર છે જે બહારથી મૂર્ખ લાગે છે પણ સંકટ સમયે પોતાની તીવ્ર બુદ્ધિથી કોઈ ને કોઈ રસ્તો અવશ્ય કાઢી લે છે અને એમ કરતાં તે વાચકોને ખૂબ હસાવે છે. ‘મિયાં ફૂસકી’ના ૩૦થી વધુ ભાગ પ્રસિદ્ધ થયા છે. જીવરામ જોષીનાં અન્ય પાત્રો ‘છક્કો-મકો’, ‘છેલ-છબો’ તથા ‘અડુકિયો-દડુકિયો’ના ૧૦-૧૦ ભાગ પ્રસિદ્ધ થયા છે. શામળ ભટ્ટની જાણીતી પદ્યરચનાઓ મધુસૂદન પારેખે ગદ્યમાં ઉતારીને કિશોરોનો આપણા પ્રશિષ્ટ સાહિત્ય સાથે પરિચય કરાવ્યો. એમની આવી કૃતિઓમાં ‘શામળ ભટ્ટની વાર્તાઓ’(૧૯૬૬), ‘વૈતાલ પચીસી’(૧૯૬૭), ‘સિંહાસન બત્રીસી’ ૧-૨, (૧૯૭૦) વિશેષ છે. એમણે ‘ડાકુની દીકરી’ (૧૯૭૮), ‘બાર પૂતળીની વાતો’ વગેરે કૃતિઓ પણ આપી છે. ‘અરેબિયન નાઈટ્સ’(૧૯૫૩) શિવલાલ જેસલપુરા દ્વારા લિખિત એક ઉલ્લેખનીય કૃતિ છે. આવી જ રીતે દેશવિદેશની જાણીતી કૃતિઓ, લોકકથાઓ વગેરેનાં અન્ય સંકલનો પણ ઉપલબ્ધ છે. સત્યમે એડગર રાઈસબરો (Edgar Rice Burroughs)એ લખેલી ટારઝનના પાત્રની કૃતિઓના અનુવાદ ‘ટારઝનનું શૌર્ય’, ‘ટારઝનનાં સાહસો’ ‘ટારઝનની શોધો’, ‘ટારઝનનો મિલાપ’ અને ‘ટારઝન-શાહેજંગલ’ આપ્યાં છે. ધનંજય શાહે ‘અલીબાબા અને ચાલીસ ચોર’(૧૯૫૯) અને ‘હરક્યુલસનાં પરાક્રમો’(૧૯૫૯) ગુજરાતીમાં ઉતાર્યાં છે. ચંદ્રકાન્ત અમીનનું ‘શેક્સપિયર નાટ્યકથામાળા’(૧૯૮૮), જોનાથન સ્વિફ્ટના ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’માંથી હંસા મહેતાએ ‘ગોળીબારની મુસાફરી’ નામે કરેલ અનુવાદ વગેરે પુસ્તકો પણ આ શ્રેણીમાં આવે છે. દેશ-વિદેશની લોકકથાઓમાં જયમલ્લ પરમાર અને નિરંજન વર્માના સહિયારા લેખનમાં કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ, પંજાબ, રાજસ્થાન વગેરેને આવરી લેતી ‘લોકકથા ગ્રન્થાવલિ’ ભા. ૧-૨-૩ (૧૯૪૪, ૧૯૪૫, ૧૯૪૫) પ્રસિદ્ધ થઈ. શિવમ સુંદરમે ‘શ્રેષ્ઠ લોકકથાઓ’ તથા અન્ય દેશોની ઘણી લોકકથાઓ આપી છે. જોરાવરસિંહ જાદવે પણ ‘ભાતીગળ લોકકથાઓ’ (૧૯૭૩) તથા ‘મનોરંજક કથામાળા’(૧૯૭૭) જેવા સંગ્રહો આપ્યા છે. અરુણિકા દરૂએ લખેલ ‘કુલીન-ગણેશનાં પરાક્રમો’માં વ્યવહારિક પ્રસંગો દ્વારા કિશોરવાચકોને જ્ઞાન-ગમ્મત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હરિકૃષ્ણ પાઠકકૃત ‘ગુલાબી આરસની લગ્ગી’(૧૯૭૯)માં કિશોરજીવનનું જીવંત વાતાવરણ મળે છે તો ‘દોસ્તારીની વાતો’(૧૯૯૩)માં નવી જ શૈલીમાં વાર્તાઓ-પ્રસંગો ઉપલબ્ધ છે. અંજલિ ખાંડવાલાના ‘લીલો છોકરો’(૧૯૮૬)માં વાર્તાતત્ત્વને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે. કથાસાહિત્યની અન્ય કૃતિઓમાં જ્યોતીન્દ્ર દવેની ‘બીરબલ અને બીજા’(૧૯૪૪), પ્રાગજી ડોસાની ‘ચિંગુ અને મિંગુ’, કૃષ્ણપ્રસાદ ભટ્ટની ‘ગિરિકંદરાની સાહસકથાઓ’ અશોક હર્ષની ‘વિવિધ કિશોરકથાઓ’ પ્રેમનાથ મહેતાની ‘તીન તોખાર’ અને ‘ખોવાયેલા ખજાનાની ખોજમાં’, ભાનુભાઈ પંડ્યાની ‘પ્રોફેસર પિંગપોંગ’(૧૯૯૩), નવનીત સેવકની ‘સાહસની શોધમાં’ અને ‘માથા સાટે વટ’, નગીન મોદીની ‘વિરાટદાદાની વિજ્ઞાનકથાઓ’ તથા યોગેન્દ્ર વ્યાસની ‘ભીલીની કિશોરકથાઓ’ વગેરે ઉલ્લેખનીય છે. આમ જોઈએ તો કિશોરો માટે ગુજરાતીમાં કથાસાહિત્ય વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. વિવિધતાની દૃષ્ટિએ પણ તે ઉલ્લેખનીય છે. જ્ઞાન-વિજ્ઞાન સંબંધી સાહિત્યમાં પણ સંતોષકારક કામ થયું છે. કિશોરો માટે પક્ષીઓ, વૃક્ષો, અવકાશીતત્ત્વો, વિજ્ઞાનની શોધખોળો વગેરે જેવા અનેક વિષયોને આવરી લેતાં ૩૪ જેટલાં પુસ્તકો એકલા ગિજુભાઈએ ‘દક્ષિણામૂર્તિ’ સંસ્થા દ્વારા આપ્યાં છે. હરિનારાયણ આચાર્યે પણ પશુ-પક્ષીઓ વિશે સાહિત્ય લખ્યું છે. મનુભાઈ જોધાણીએ કથાસાહિત્ય ઉપરાંત પશુ-પક્ષીઓ વિશે માહિતી આપતી ‘આંગણાનાં પંખી’, ‘પાદરનાં પંખી’, ‘વનવગડાનાં પંખી’, ‘પેટે ચાલનારાં પ્રાણીઓ’ જેવી શ્રેણીઓ આપી છે. આ જ ક્ષેત્રે જયમલ્લ પરમાર તથા નિરંજન વર્માના સંયુક્ત લેખન દ્વારા લખાયેલ ‘આંગણાના શણગાર’, ‘ઊડતાં પંખી’, ‘વગડાનાં વસનારાં’, ‘કંઠે સોહામણાં’, અને ‘પ્રેમી પંખીડાંની’, પુસ્તિકાઓ ‘પક્ષીપરિચય ગ્રન્થાવલિ’(૧૯૪૫) ખૂબ જ જાણીતી છે. યશવંત મહેતાની ‘ચાલો દુનિયાની સફરે’ (ચાર ભાગ, ૧૯૬૯) જગતનાં પાટનગરોનો પરિચય આપતી ઉલ્લેખનીય કૃતિ છે. કિશોર પંડ્યાની ‘વિજ્ઞાનપથ’(૧૯૮૮) વિજ્ઞાન સંબંધી માહિતી આપે છે અને જૂની રૂઢિઓ અને ભ્રામક માન્યતાઓથી બહાર કાઢે છે. ધીરજલાલ ગજ્જર ‘ભારતના વૈજ્ઞાનિકો’ (૧૯૬૩), ‘ગ્રહોની દુનિયા’(૧૯૬૩) અને ‘વૈજ્ઞાનિક શોધો’ (૧૯૬૭) દ્વારા વિજ્ઞાન તથા વૈજ્ઞાનિકોનો પરિચય કરાવે છે. વિજયગુપ્ત મૌર્ય, વસંત જોધાણી, ઉમેદભાઈ અવરાણી પશુપક્ષીઓ ઉપરાંત જંતુઓ અને વનસ્પતિ જેવા વિષયો લઈને આવે છે. છોટુભાઈ સુથાર બ્રહ્માંડ અને આકાશની દુનિયાનાં દર્શન કરાવે છે. શિવપ્રસાદ ત્રિવેદી શરીરવિજ્ઞાન અંગે માહિતી આપે છે. નરસિંહભાઈ મૂ. શાહ અને બંસીધર ગાંધી નવાં નવાં સંશોધનો અંગે માહિતગાર કરે છે. બંસીધર શુક્લ કિશોરોના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના ઉકેલ બતાવે છે. વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ જેવા શુષ્ક વિષયોને સરળ શૈલીમાં કિશોરો સમક્ષ મૂકવામાં આવી રીતે ઘણા લેખકોનો ફાળો રહ્યો છે. જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે ‘વન્ડરફુલ’ અને ‘સફારી’ જેવાં સામયિકોનો ફાળો પણ નોંધપાત્ર કહી શકાય. રજની વ્યાસે ‘વિશ્વજ્ઞાનકોશ’ જેવો ગ્રન્થ આપીને ગુજરાતીમાં વિશ્વકોશ (Encyclopedia)ની ખોટ પૂરી કરી છે. ચરિત્રસાહિત્યમાં જીવનચરિત્રો, પ્રસંગો અને સંસ્મરણો વગેરે પ્રચુર માત્રામાં લખાયાં છે. ધનવંત ઓઝાએ જીવનચરિત્રોની ઘણી પુસ્તિકાઓ આપી છે. ગિજુભાઈએ ‘ધર્માત્માઓનાં ચરિત્રો’ અને ‘ભગવાન બુદ્ધ’ વગેરે ચરિત્રો આપ્યાં. વલ્લભદાસ અક્કડે વિનોબા, ટાગોર અને મોતીલાલ નહેરુ જેવા મહાનુભાવોનાં ચરિત્રો લખ્યાં. ઇંદ્રજિત મોગલે ‘મહાન ઉદ્યોગપતિ જમશેદજી ટાટા’ અને અન્ય જીવનચરિત્રો આપ્યાં. ઉમાશંકર જોશીનું ‘ગાંધીકથા’(૧૯૬૯) ગાંધીજીના જીવનના પ્રસંગોનું સરળ પણ સચોટ પુસ્તક છે. મુકુલભાઈ કલાર્થીએ જીવનચરિત્રો અને બોધકથાઓની પુસ્તિકાઓ લખીને કિશોરોના સંસ્કારઘડતરનું કામ કર્યું છે. પ્રફુલ્લ ઠાકોરે ‘શ્રી રામકૃષ્ણ’ (૧૯૪૪), ‘કિશોરોના રામતીર્થ’(૧૯૪૭), ‘બુકર ટી. વોશિંગ્ટન’ (૧૯૪૮), ‘સંત તુકારામ’(૧૯૫૦), ‘સંત નામદેવ’(૧૯૫૧), ‘સંત જ્ઞાનેશ્વર’(૧૯૫૨), ‘જ્હોન કેનેડી’(૧૯૫૨), ‘સ્વામી શારદાનંદ’(૧૯૫૩) વગેરે મહાપુરુષોની જીવનકથાઓ કિશોરભોગ્ય શૈલીમાં લખી છે. નારાયણ દેસાઈનું ‘સંત સેવતાં સુકૃત વાધે’(૧૯૬૭), ગાંધીપરિવારનાં સંસ્મરણોની એક નોંધપાત્ર કૃતિ છે. લલ્લુભાઈ મકનજીએ પણ ગાંધીજીના જીવનપ્રસંગોનાં ‘ગાંધીજીના જીવનપ્રસંગો’ અને ‘ગાંધીજીના પાવક પ્રસંગો’ (૧૯૫૫) તથા હાસ્યપ્રસંગોનાં ‘ગાંધીજીનો વિનોદ’ (૧૯૫૭) જેવાં પુસ્તકો લખ્યાં છે. હર્ષકાન્ત શુક્લ, વીણા શાહ, સુભદ્રા ગાંધી, ઉષાબહેન જોષી, ચંદ્રકાંત મહેતા તથા અન્યોનું પણ એ ક્ષેત્રે પ્રદાન રહ્યું છે. ચરિત્રસાહિત્યમાં મોટે ભાગે જાણીતી વ્યક્તિઓ, નેતાઓ, મહાપુરુષો વિશે ઘણું લખાયું છે. ઓછી જાણીતી હોય એવી વ્યક્તિઓ તથા સામાન્ય વ્યક્તિમાંથી પોતાના પુરુષાર્થ દ્વારા આગળ આવેલી વ્યક્તિઓ વિશે સાવ ઓછું લખાયું છે. કુમારપાળ દેસાઈકૃત ‘અપંગનાં ઓજસ’(૧૯૭૩) આ બાબતમાં ઉલ્લેખનીય પુસ્તક છે. આમાં અપંગ વ્યક્તિઓએ જુદાં જુદાં ક્ષેત્રે કેવી સિદ્ધિ મેળવી છે તેને લગતું પ્રેરણાદાયક વર્ણન છે. યશવંત મહેતાકૃત ‘અપંગ નહીં અશક્ત’માં પણ અપંગ વ્યક્તિઓનાં જીવનવૃત્તાંતો છે. સંસ્મરણસાહિત્ય તેમાંય બાળપણ તથા કિશોરવય સુધીનાં સંસ્મરણોમાં કાકા કાલેલકરનું ‘સ્મરણયાત્રા’(૧૯૩૪) એક ઉત્તમ પુસ્તક છે. ‘અલપઝલપ’(૧૯૭૩) એ વળી પન્નાલાલ પટેલની હળવી તથા મનોરંજકશૈલીમાં લખાયેલી બાળપણ તથા કિશોરજીવનની આત્મકથા છે. પ્રસંગકથાક્ષેત્રે કૃપાશંકર જાનીએ ‘ઝરમરતી ક્ષણો’(૧૯૮૨), ‘જીવનસુધા’(૧૯૮૪), ‘સૌરભકળશ’(૧૯૮૫), ‘આરતી ગ્રન્થાવલિ’(૧૯૯૪) કૃતિઓ આપી છે. જોકે આ કૃતિઓ ખાસ કિશોરો માટે લખાઈ નથી તેમ છતાં તે કિશોરોને પણ ઉપયોગી થઈ શકે એવી છે. કિશોરો માટે ખાસ નાટક ઓછાં લખાયાં છે. મોટેભાગે બાળનાટકોના સંગ્રહોમાં અમુક નાટકો કિશોરો માટેનાં પણ હોય છે. દલપતરામના નાટક ‘મિથ્યાભિમાન’ના કેટલાક અંશો કિશોરોને રસ પડે તેવા છે. ચં. ચી. મહેતાનું ‘રમકડાંની દુકાન’(૧૯૩૪) તથા ધીરુબહેન પટેલનું ‘અંડેરી ગંડેરી ટીપરીટેન’(૧૯૬૬) સફળ નાટકો છે, જે રંગમંચ પર પણ ભજવાયાં છે. પ્રાગજી ડોસાનું ‘ચાલો ચોરને પકડીએ’(૧૯૭૧) પણ ઉલ્લેખનીય કૃતિ છે. એકાંકીઓમાં ધૂમકેતુકૃત ‘એકલવ્ય અને બીજાં નાટકો’ (૧૯૩૩), હંસાબહેનકૃત ‘ત્રણ નાટકો’(૧૯૨૬) અને ‘હિમાલય સ્વરૂપ અને બીજાં નાટકો’(૧૯૪૧), ચં. ચી. મહેતાકૃત ‘કિશોરનાટકો ભાગ ૧-૨’ (૧૯૫૬), હરિપ્રસાદ વ્યાસકૃત ‘ચાલો ભજવીએ’(૧૯૬૪), યશવન્ત પંડ્યાકૃત ‘ત્રિવેણી’ (૧૯૨૯) અને ‘ઘરદીવડી’(૧૯૩૨), જયંતિ દલાલકૃત ‘રંગતોરણ’ આદિ ચાર સંગ્રહો(૧૯૫૮), દુર્ગેશ શુક્લકૃત ‘ઉત્સવિકા’(૧૯૪૯) અને ‘ઉલ્લાસિકા’(૧૯૫૬), હસિત બુચકૃત ‘કિશોરોનાં નાટકો’(૧૯૭૭), જશવંત મહેતાકૃત ‘ભજવો નાટકો’ હરીશ નાયકકૃત ‘હસાહસનાં નાટકો’, અમુલખ ભટ્ટકૃત ‘અભિજ્ઞાન’(૧૯૮૪), પ્રકાશ લાલાકૃત ‘સલામ જોકર, કમાલ જોકર’(૧૯૮૬) વગેરે ઉલ્લેખનીય છે. કૃષ્ણલાલ શ્રીધરાણી કૃત બાલનાટકો ‘વડલો’(૧૯૩૧) અને ‘પીળાં પલાશ’(૧૯૩૩) તેની કલ્પકતા અને મંચનક્ષમતાને કારણે ઉલ્લેખનીય છે. ‘વડલો’ હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં અનૂદિત પણ થયેલું છે. નામદેવ લહુટુએ પણ કિશોરો માટે નાટકો લખ્યાં છે. કાવ્યરચનામાં મોટા ભાગના બધા નાનામોટા કવિઓનું યોગદાન રહ્યું છે. ચં. ચી. મહેતાનાં ‘ઇલાકાવ્યો અને બીજાં કેટલાંક’(૧૯૩૩)માં ભાઈબહેનના પ્રેમ તેમાંય વિશેષ કિશોરવયનાં સ્વપ્નો તથા ઇચ્છાઓનું દર્શન થાય છે. પૂજાલાલ દલવાડીનાં ‘કિશોરકાવ્યો’(૧૯૭૯), ‘કિશોરકુંજ’(૧૯૭૯), ‘કિશોરકાનન’(૧૯૭૯) અને ‘કિશોરકેસરી’ સંગ્રહોમાં જુદા જુદા વિષયો પર કિશોરો માટેનાં કાવ્યો સંગ્રહિત છે. સ્નેહરશ્મિના ‘તરાપો’(૧૯૮૦) તથા રશીદ મુનશીનાં ‘ઋતુગીતો’(૧૯૯૦)માં અમુક કાવ્યો કિશોરો માટેનાં કાવ્યો સંગ્રહિત છે. સ્નેહરશ્મિના ‘તરાપો’ (૧૯૮૦) તથા રશીદ મુનશીનાં ‘ઋતુગીતો’ (૧૯૯૦)માં અમુક કાવ્યો. કિશોરો માટેનાં છે. નાટકોની જેમ કિશોરો માટેના ખાસ કાવ્યસંગ્રહો ઓછા જોવા મળે છે પરંતુ કિશોરભોગ્ય ગણી શકાય એવાં કેટલાંક કાવ્યો જરૂર મળે છે. થોડાં ઉદાહરણ જોઈએ. દલપતરામ(શરણાઈવાળો), ન્હાનાલાલ(ખમ્માવીરાને), નવલરામ (જનાવરની જાન), કલાપી ‘(મને જોઈને ઊડી જતાં પંખીઓને’ અને ‘ગ્રામ્યમાતા’), ત્રિભુવન વ્યાસ (સંધ્યા), ખબરદાર (ગુણવંતી ગુજરાત), ઝવેરચંદ મેઘાણી ‘(તલવારનો વારસદાર’, ‘હું દરિયાની માછલી’, ‘રાંતા ફૂલ’ અને ‘શિવાજીનું હાલરડું’), પ્રીતમલાલ મજમુદાર (તારો હું બેટો મા, જ્યારે થઈશ મર્દ મોટો,) ‘કાન્ત’ (ઓ હિન્દ, દેવભૂમિ), બોટાદકર ‘(ડુંગરદાદાની દીકરી’ અને ‘જનની’), વિઠ્ઠલરાય આવસત્થી (લ્યુસી ગ્રે પરથી લખાયેલું કાવ્ય ‘મીઠી માથે ભાત’), ‘સુંદરમ્’ (રંગ રંગ વાદળિયાં’ અને ‘પગલાં’), ઉમાશંકર જોશી ‘(ખિસકોલી’, ‘વૃષભાવતાર’ અને ‘વાંસળી વેચનારો’), કૃષ્ણલાલ શ્રીધરાણી ‘(પીલુડી’ અને ‘કૂકડાનું ગીત’), ‘મીનપિયાસી’ (કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ), સુરેશ દલાલ (ઝાડની માયા), નાથાલાલ દવે (ધરતીના સાદ), દુર્ગેશ શુક્લ (પિતાપ્રેમ), હરીન્દ્ર દવે (કાનુડાને બાંધ્યો છે હીરના દોરે), ‘પ્રહ્લાદ પારેખ (આવે છે મેહુલિયો), જયંત પાઠક(અમે ધરાનાં બાળ), સ્વપ્નસ્થ (મેહુલા), બાલમુકુન્દ દવે ‘(લીમડી’ અને ‘મારો ચગે રે પતંગ’) અને ચંદ્રકાન્ત શેઠ (સોના જેવી સવાર) સોનલ પરીખ (એક નવું આકાશ), યોસેફ મેકવાન (સ્વપ્નગ્રહની સફરે), લતા હિરાણી (હું અને કથા), નટવર હેડાઉ (રાજુનો તરખાટ) વગેરે ઉલ્લેખનીય છે. ગુજરાતી કિશોરસાહિત્યનું આ વિહંગાવલોકન કરતાં સંખ્યાની દૃષ્ટિએ આપણું કિશોરસાહિત્ય ઘણું સમૃદ્ધ હોવાની છાપ પડે છે. પરંતુ વિષયવસ્તુ, શબ્દભંડોળ, વાક્યતરહ, શૈલી વગેરેના પરિપ્રેક્ષ્યમાં ચુસ્ત રીતે તપાસીએ તો આ યાદીમાંથી ઠીક ઠીક સંખ્યામાં પુસ્તકો બાદ કરવાં પડે. જે રીતે બાળકો માટે જ બાળસાહિત્ય રચાયું છે ને રચાય છે તે રીતે માત્ર કિશોરો માટે જ કિશોરસાહિત્ય ઓછું રચાયું છે. તદુપરાંત આજનો કિશોર એક નવા જ યુગમાં પ્રવેશી ચૂક્યો છે તેવા સમયે તેના બૌદ્ધિક વિકાસમાં મદદરૂપ થઈ શકે, તેને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી શકે, તેને આજની પરિસ્થિતિઓ સાથે ઝઝૂમવાની હિંમત આપી શકે તેવા સાહિત્યની અત્યારે ખાસ જરૂર જણાય છે. હું.બ.