ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચાધર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચાઘર : વિદેશોમાં સાહિત્યસર્જકોની પબ કે કૉફીહાઉસ જેવાં મિલનસ્થળોમાં જામતી ગોષ્ઠિઓથી આકર્ષાઈને ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’એ ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, મધુસૂદન મોદી, અનંતરાય રાવળ, ધીરજલાલ ધ. શાહ વગેરે સમકાલીન સાહિત્યકારોને સાથે લઈને અમદાવાદમાં ૧૯૩૭માં સ્થાપેલી સાહિત્યકાર-મિલનની સાપ્તાહિક બેઠક. ‘ધૂમકેતુ’ના નેતૃત્વ તળે કાયમી સાત સભ્યો ધરાવતાં ચાઘરની, નવરસની માફક ષડરસથી પણ સમૃદ્ધ બેઠકો, આરંભે ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, ચન્દ્રવિલાસ, લક્ષ્મીવિલાસ જેવાં સ્થળોએ અને પછીથી વારાફરતી કાયમી સભ્યોને ઘેર મળતી. એ બેઠકોમાં રોજિંદી ઘટમાળ ઉપરાંત સાહિત્યિક ચર્ચા-વિચારણા તેમજ બ. ક. ઠાકોર, નવલરામ જ. ત્રિવેદી, રતિલાલ મો. ત્રિવેદી, ભોગીલાલ સાંડેસરા, કે. કા. શાસ્ત્રી, ચુનીલાલ વ. શાહ, મોહનલાલ દલીચંદ દેસાઈ જેવા વિદ્વાનોનાં વિવિધ વિષયો પરનાં વક્તવ્યો પણ થતાં હતાં. અવિરત સાત વર્ષ ચાલેલા ચાઘર દ્વારા તેમાં એકઠા થતા સાહિત્યકારોએ લખેલી વાર્તાઓના બે સંચયો ‘ચાઘર’ શીર્ષકથી પ્રગટ થયા છે તથા ધીરજલાલ ધ. શાહે ચાઘરની પ્રવૃત્તિની કરેલી દૈનિકનોંધના આધારે ‘ચાઘર-રોજનીશી’ પણ પ્રગટ થઈ છે. ર.ર.દ.