ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ધ ચેઅર્સ
(ધ) ચેઅર્સ(૧૯૫૧) : રૂમાનિયન–ફ્રેન્ચ નાટકકાર યુજિન આયોનેસ્કોની વિખ્યાત નાટ્યકૃતિ. અસંગત(absurd) રંગભૂમિના અગ્રણી આ નાટકકાર નાટકના પ્રારંભમાં, ક્યાંય ન લઈ જતાં અને બધે લઈ જતાં એવાં સાત દ્વાર વચ્ચે, જગતને સંદેશો આપવા માગતાં એક વૃદ્ધ અને વૃદ્ધાનો પ્રવેશ કરાવે છે. પોતાની ખુરશી સાથે લાવીને અદૃશ્ય પ્રેક્ષકો ખંડને ભરી દે છે. પ્રેક્ષકોને આવકાર્યા પછી વૃદ્ધ અને વૃદ્ધા કોઈ જબરદસ્ત સંદેશો પ્રેક્ષકોને પહોંચાડવા એક મૂંગા વક્તાને આગળ ધરે છે અને વૃદ્ધ તેમજ વૃદ્ધા બારીઓમાંથી કૂદીને બહાર સમુદ્રમાં ઝંપલાવે છે. વક્તા કાળા પાટિયા પર કોઈ અર્થહીન સંદેશો ચીતરે છે અને બહાર જતો રહે છે. રહે છે માત્ર સમુદ્રનો આછો ગર્જન ધ્વનિ. આ નાટકમાં અ-માનુષી અને યાંત્રિક પાત્રો દ્વારા અપ્રત્યાયનની સમસ્યાને વકરાવીને રજૂ કરાયેલી છે.
ચં.ટો.